1.6 - ત્રિવેણી બની એકગુમ્ફ / સુંદરજી બેટાઈ


અતીત—અવગાહને નવ-સ્ફુરંત શો સાંપ્રત !
વહે વહન વર્તમાન દ્યુતિ–સ્પંદ શો ભાવિનો !
ત્રિવેણિ બની એકગુમ્ફ નવ–શ્રીક સોહંત શી !
હું યાત્રિક અતીત–સાંપ્રત-ભવિષ્યનો સામટો.

વહ્યું, રહ્યું વહી, અનન્ત વહશે–ગણું ભિન્ન શે
અદૃશ્ય અખિલે સુદૃશ્ય વરતન્તુ હો પ્રોત જો ?
જતી છટકી હાથથી પકડવી ગમે સંવિદા,
જણાય પકડાઈ ત્યાં જ હસતી વદે : ‘અલવિદા !’.

મને છટકની, વળી પકડની, વળી છટકની
પ્રવર્તન-નિવર્તનોની બહુરૂપ લીલામહીં
ગમે વરતવું, ગમે વિલસવું. ગમે શોચવું,
વિભિન્ન થઈનેય જે ક્ષણ અભિન્નને પહોંચવું.

ક્ષણાનુભવમાં ન શાશ્વતની ગોપવી વ્યંજના ?
અગમ્યમહિં યે ન શું સ્ફુરતી ગમ્યની રંજના ?

(૨૧-૫-૧૯૬૯)


0 comments


Leave comment