1.7 - કૌતુક કરે, કૌતુક કરે ! / સુંદરજી બેટાઈ


ઓ નન્દિની, મુજ પ્રાણની મુદસ્યંદિની !
નિરખી રહું હું તુજ વિશે તુજ જનનિની મંદાકિની !
આજ તારો જન્મસિદ્ધ પ્રવેશ વનમાં હો ભલે !
તારે હૃદય, મારે હૃદય કો’ અગ્ર, રે કો’ વ્યગ્ર ભાવ હલેછલે !

સંસાર સંસરતો થયો તે બિન્દુથી તે થંભશે જે બિન્દુએ,
શું કાળઝાળ કરાળ એ મર્માન્તને ઉચ્છેદતો અંગારતો,
એ રક્તનીલ પ્રવાહ રૌદ્ર છતાંય રોચક ભાસતો,
શૂળપ્રોયાં ઝાંખરાં શતધાર ને શતવાર રહેતો ઝીંકતો,
એ ઊર્ધ્વરોહણ વૃક્ષસોહન વેલમોહન અદ્રિગહવરગર્જતો,
જીવન–પ્રપાતે લાસ્યલટકે વીજઝટકો વીંઝતો,
શું ના હતો, શું ના હશે,
જોયો-સોહ્યો ના જાય તોયે જે તજ્યો ન તજાય –
એવાં કામણો કરતો વિકટ વનના વિપુલ વિસ્તાર શો
આકર્ષતો, અપકર્ષતો ?
સંસાર શું નિઃસાર ?
નિઃસારતાને સાર શું સંસાર ?
પૂછું તને ! પૂછું મને !
કહું અન્ય આજે શું તને ?

રે આ શું ?–
તું તુજ બાલ્યમાં અણચિન્તી પાછી સંસરે ?
જો, પેલી ગ્રીષ્મબપોર પાછી અંકુરે મુજ અંતરે !
મારા હૃદયસલિલે સુનીલ સલીલ કમલા સંચરે !
છલછલ ભર્યા જલપાત્ર મોટે હાથ નાને
ગેલતી તું સેલતી બેડી હતી;
માને–મને સ્મિતછલક કલબોલે કશુંક કહેતી હતી;
શ્વેત પુષ્પલ દંતુડી કો’ કવિત-રસ સ્ત્રવતી હતી !
બાલ તુજ સ્મિતલક્ષ્મીને શી અધિક એ રસતી હતી !

એ સુખછલી ઝડપી ન યન્ત્રે કાચને !
એ સુખઘડી અમ તું અને ક્યાંથી સ્મરે ?
પણ ચિત્ત મારું તારી એ સ્મૃતિલક્ષ્મીને ક્યમ વિસ્મરે ?
કો’ અકથકથ શી તરબતર આજેય મારે અંતરે
કૌતુક કરે; કૌતુક કરે !

(૧૨-૬–૧૯૭૪)


0 comments


Leave comment