1.9 - વિષ્ણુપંત, નમોનમઃ ! / સુંદરજી બેટાઈ


ચાસ્યું ત્રિપુંડથી ભાલ, સિન્દૂરે સાંધી ભમ્મરો;
કંઠે રુદ્રાક્ષની માળા, નેત્રોમાં ઘોળ રક્તનો;
હસ્તે સીસમનો દંડ– જાયો જાણે ત્રિશૂલનો;
કેડિયું-પોતિયું મેલાં – ઠાઠ શું વ્યાઘ્રચર્મનો;
નાનેરા મસ્તકે મોટી લાદી ના હોય પાઘડી
એમ એ શીર્ષે–લોઢાની ઊંધી મૂકેલ તાંસળી;
કાબરાચીતર્યા કેશે સંભારે સહુ શાહુડી;
દાઢી ને હાથની દોસ્તી છૂટે-તૂટે ન પા ઘડી;
ઘૂમી રહે વિષ્ણુનામા એ રુદ્રમૂર્તિ ઉતાવળી !

ક્ષમા, ગુરો ! શિખાવેલું ઘણે આપે ઘણું ઘણું :
ધાક્યું હાક્યું બધુંયે તે થયું ક્યાંય છણુંવણું !
એક માત્ર સ્મરે મારી પીઠ માસૂમ રાંકડી :
પ્રાતઃકાળે વિના મેઘે હતી ત્યાં વીજ ત્રાટકી !

વિષ્ણુરુદ્ર, नमस्तुभ्यम् ! રુદ્રકંઠ, નમોનમઃ !
नमस्तुभ्यम् ! नमस्तुभ्यम् ! વિષ્ણુપંત, નમોનમઃ !

(૪-૯-૧૯૭૨)
(વિષ્ણુપંત = પ્રાથમિક શાળામાં મારા એક શિક્ષક)


0 comments


Leave comment