6 - આડી ઊતરી / ચુનીલાલ મડિયા


પૂતળીડોસી ‘એક છતાં એકવીસ' કહેવાતાં તે આવી રીતે : ડોસીને સાત દીકરા ને પાંચ દીકરીઓ. તેમાં પાંચ દીકરા ને ચાર દીકરી પરણાવેલ, તેમને દરેકને ઘેર પણ બેત્રણ છોકરાં, વળી સૌથી મોટા દીકરાનો દીકરો ગોકળ પણ જુવાન હતો અને ઓણ વૈશાખે એનાં પણ લગન થવાનાં હતાં. ગામ આખામાં પુણ્યશાળી માણસ તરીકે પૂતળીડોસીની જ ગણના થતી અને તેમાં કાંઈ ખોટું પણ નહોતું. ઘરમાંથી નાનું મોટું થઈને એક હાંડલે જમવાવાળું ત્રીસચાળીસ માણસ નીકળે, એક તો આવડું કળશીએક કુટુંબ અને વળી ખાધેપીધે સુખી. પછી તો ડોસીના ભાગ્યશાળીપણાની ભલભલાને ઈર્ષ્યા આવે જ ને ? પણ સૌથી વધુ આશ્ચર્ય અને ગર્વની વાત તો એ હતી કે ડોસીએ ત્રણ વીસું ને માથે પાંચ ચોમાસાં જોઈ નાખ્યા છતાં પણ ઘરમાં એક વરસ-દિવસના છોકરાનું ય આંખમાથું નહોતું દુખ્યું. આથી તે ક્યું દુન્યવી સુખ ચડિયાતું હોઈ શકે ? ડોસી ઘરમાં ઊપડ્યાં ઊપડતાં નહોતાં. વિવેકી વહુવારુઓ ડોસીની ખૂબ આમન્યા પાળતી અને પાણીની જગ્યાએ દૂધ લાવીને હાજર કરતી ડોસી પણ પોતાની લીલી આડીવાડી દેખી આંખ ઠારતાં અને હૃદયમાં છૂપો આનંદ અને સંતોષ અનુભવતાં, હવે ડોસીને મંદવાડ આવે અને ઘરમાં એમની ઊભે પગે ચાકરી થાય તેમાં શી નવાઈ ?

પૂતળીડોસી હમણાં હમણાં ઊઠી-બેસી નહોતો શકતાં; પણ તેથી તો ઊલટાં તેઓ ‘મારે ઊઠી-બેસીને શું કરવું છે? મારો આ ભવ તો સધર્યો, હવે તો આવતા ભવ સારુ ભાથું ન બાંધું?' કહીને બની શકે તેટલું ધરમધ્યાન કરતાં.

ઘરનાં માણસોએ ધાર્યું કે ગમે તેમ તોય ડોસી ઘરડું માણસ કહેવાય અને વખત છે ને તેમની આંખ મીંચાય, તો તેમના લાડકા ગગા ગોકળની વહુનું મોં જોયા વગર રહી જાય એ ઠીક નહીં. તેમના જ ‘રાજ’માં ગોકળ પરણી જાય તો સારું. આથી, ગોકળને હજી તો મૂછનો દોરો ફૂટતો હતો ત્યાં જ તેના સાસરાપક્ષને દબાણ લાવીને લગન લેવડાવ્યાં. ડોસીએ પણ એમને હાથે હવે આ છેલ્લો અવસર હોવાથી ખૂબ ધામધૂમથી ઊજવવાનું નક્કી કર્યું.

એક તો ગોકળની ઉંમર સાવ નાની અને તેમાં વળી જરિયન જામો, રેશમી ઉરેબ અને ઠેઠ ગામના ઠાકોર પાસેથી માગી લાવેલ સોનેરી સાફો પહેરાવ્યો; પછી તે શણગારમાં શી ખામી રહે ? રજવાડી ઘોડા ઉપર બેસીને એ જ્યારે ગામમાં ફુલેકું ફરવા નીકળ્યો ત્યારે સૌ કહેતું હતું : ‘રાજાના કુંવર જેવો લાગે છે !' પૂતળીડોસીએ પણ એક વખત જોઈને ન ધરાતાં ત્રણ વખત જુદે જુદે સ્થળે જઈ, ધ્રૂજતા હાથનું છજું બનાવી, ઘોડે ચડેલા ગોકળને આંખમાં ઝળઝળિયાં લાવી, ધરાઈને નીરખ્યો. હોંશીલા ભાઈઓએ ગોકળના લગ્નમાં છેક શહેરમાંથી તો બેંડવાજા બોલાવ્યા હતાં અને ગામલોકોએ ભૂતકાળમાં ચાખી તો શું, જોઈ પણ ન હોય તેવી ભાતભાતની મીઠાઈ મંગાવી, બોલી શકનારાં સૌનાં મોંમાંથી વાહવાહ બોલાવી.

લગ્ન રંગેચંગે ઊકલી ગયાં. પાવિત્ર્યના પ્રતીક સમા ધવલોજ્જ્વલ પાનેતરમાં ગોકળની વહુએ જ્યારે ઘરમાં પગ મૂક્યો ત્યારે જાણે કે સાક્ષાત્ લક્ષ્મીનું આગમન થયું. પૂતળીડોસીની મોટામાં મોટી ઇચ્છા પૂરી થઈ હતી. હવે એ પાકું પાન ખરી જાય તો બહુ ચિંતા જેવું ન હતું. જો કે ડોસીની માંદગી કાંઈ એટલી બધી ગંભીર ન કહી શકાય, છતાં ધીમે ધીમે મંદવાડ વધતો જતો હતો. પણ ડોસીને હવે કાંઈયે અબળખા બાકી રહી ન હતી. એક દિવસ ગોકળની વહુ પાસે પગ દબાવી રહ્યા પછી, ‘હાંઉં, લ્યો વહુ, જાવ દીકરા!' કહી રજા આપતાં મનશું બોલ્યાં હતાં : ‘હવે હું હાલી જાઉં તોયે શું છે? હું તો એ... ને મારા ગોકળની કાંધે ચડીને નીકળીશ.’

થોડા દિવસથી ડોસી તદ્દન ખાટલાવશ જ હતાં. તેમને અર્ધા શરીરમાં પક્ષાઘાત થયો હતો. દિવસે દિવસે શરીર સુકાતું ચાલ્યું. આમ તો તેમને મૂળથી જ શરીરની લેણાદેણી બહુ સારી હતી અને હજી હમણાં સુધી તો જુવાન સરખાં દેખાતાં. પણ આ થોડા દિવસના મંદવાડમાં શરીર બહુ નખાઈ ગયું. ખબર પૂછવા આવનાર લોકો પણ રડવાનો પ્રયત્ન કરી કહેતા : ‘માડી, કે'તાં નથી કે મંદવાડ બાપના વેરીનેય ન હજો !’ તો વળી કોઈ ટાપશી પૂરતું, ‘હં અ... હં... અ, જુઓ તો ખરાં ખાટલામાં ડોસી જાણે કે દેખાતાં જ નથી !'

અને ખરેખર હતું પણ તેમ જ. એટલી તો નબળાઈ આવી ગઈ હતી કે કોઈ જુએ તો એમ જ કહે કે આ તો પૂતળીડોસી નહીં. ગામના હોશિયાર અને અનુભવી નાડીપારખુ વૈદે ઘરનાં મોટેરાંઓના કાનમાં ફૂંક મારી દીધી હતી કે, ‘એ તલમાં હવે તેલ નથી. ડોસીએ વરસ કાઢ્યાં એટલા દી નહીં કાઢે. અને દી કાઢ્યા એટલી ઘડી...'

મંદવાડે ગંભીર સ્વરૂપ પકડ્યું.
પણ ડોસીના મૃત્યુ પછી કરવાના કારજની જ ચિન્તા અને ચર્ચાઓ કરતા :
‘આટલાં મેલા લખવા પડશે.’
‘આટલાં ગામનાં કાણિયાં આવશે.’
‘કોઈને રોવા તો દેવાં જ નથી.’
‘પાદરમાં આટલું ગાડું છૂટશે.’
‘બળદને નાળ્યે જ ઘી પાવાં છે.’
‘ને ગાડાખેડુને બબ્બે વાર ટીમણ.’
‘આટલાં મહેમાનને અહીં ઉતારશું.'
‘બાપુનો ઉતારો જ માગવો પડશે.’
‘આટલું ગાદલું-ગોદડું જોઇએ.’
‘મહાજનના પટારા ઉઘડાવશું.’
‘આટલી ગારીના લાડવા જોઇશે.'
‘ભારોભાર ઘી નાખવાં છે.'
‘ગામ આખાના ધુમાડા બંધ કરશું.’

ડોસીની માંદગી બહુ ચિન્તાજનક થઈ પડી. સૌ એમ ધારતું હતું કે ડોસી આજની રાત નહીં કાઢી શકે. બપોરે એક ઝોબો આવી ગયો હતો તે માંડ પાછો વળ્યો હતો. છૈયાંછોકરાં ઝટપટ જમી પરવાર્યા અને સાંજ પડતાં તો સૌ ડોસીના ખાટલા આગળ આવીને બેસી ગયાં. ડોસીની મોટી દીકરીઓને ઉપરગામથી ખાસ માણસ મોકલીને તેડાવી લીધી હતી અને ગોકળને તો ખાટલા પાસેથી ખસવા જ નહોતો દીધો. ઉપરાંત સગાંવહાલાંઓને પણ જરૂર પડે તો તૈયાર રહેવાનું કહેવાઈ ગયું હતું. રાતના અગિયારેક વાગ્યા સુધી ડોસી અવાચક પડી રહ્યાં. નાડી બહુ જ ધીમી ચાલતી હતી. ત્યાં તો એકાએક ઝોબો આવી ગયો અને સૌ ગભરાયાં. સમીસાંજથી જ કુલગોર ગીતા વાંચી રહ્યા હતા. આ વખતનો ઝોબો બહુ લાંબો સમય ચાલ્યો અને બધાંને એમ જ લાગ્યું કે હવે એ પાછો નહીં વળે. કોઈએ ઘીનો દીવો કર્યો અને ડોસીને ગૌછાણથી લીંપેલી ભોય ઉપર લેવાની તૈયારી થઈ. ગોકળ જમનાજીની લોટીમાંથી જમનાજી લાવ્યો અને કહેવા ગયો, ‘મા... હું... ગોકળ...'

પણ ત્યાં તો આ શું? સૌના આશ્ચર્ય અને ભયની વચ્ચે ડોસીએ આંખ ઉઘાડી !
અને બધાંના ઊચક જીવ હેઠે બેઠા.
અને ઘડીભરમાં તો ઓરડામાં આશાનું વાતાવરણ ફેલાઈ રહ્યું.
બીજે જ દિવસથી ડોસીની તબિયતમાં ધીમો સુધારો જણાવા માંડ્યો અને જોતજોતામાં તો તેઓ ખાટલેથી હેઠાં ઊતરી ઓરડામાં હરફર કરતાં પણ થઈ ગયાં,

થોડા મહિનામાં તો તેમણે સારી એવી શક્તિ પણ મેળવી લીધી અને જરૂર પડે તો ઘરબહાર પણ નીકળવા માંડ્યું. ડોસીને આ નવી જિદગી મળવાથી સગાંસંબંધીઓના હર્ષનો પાર રહ્યો નહીં. તેઓ ડોસીને લાડ કરાવતાં : ‘એ તો માજી ગોકળના દીકરાને રમાડીને પછી જશે. એનું મો જોયા વિના જઈ શકાય ?'

આજે આખાયે ફળિયામાં ઉત્સવનું વાતાવરણ હતું. ગોકળની વહુના સીમન્તનું અત્યારે મુહૂર્ત હતું. સગાંસંબંધીઓ જમીકારવીને ઓસરીમાં પાન-સોપારી ચાવતાં બેઠાં હતાં. અંદર ઓરડામાં રાંદલની સ્થાપના કરી હતી. તેની બન્ને બાજુ બે ઊંચી દીવીઓ બળી રહી હતી અને સ્ત્રીઓ ભર્યે રાગ ગાઈ રહી હતી :
લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું,
પગલાંનો પાડનાર દ્યોને રન્નાદે....
વાંઝિયા મેણા માતા દોહ્યલાં...
ફળિયામાં નાનાં બાળકો આમથી તેમ ભાંખોડિયાં ભરી રહ્યાં હતાં. ઓરડામાં ગીત ગવાતું હતું :
પાણી ભરીને ઊભી રહી,
છેડાનો ઝાલનાર દ્યોને રન્નાદે...
વાંઝિયા મેણાં માતા દોહ્યલાં...
ઓસરીમાં વલોણાની પાસે પૂતળીડોસી ઊભાં હતાં. ‘મા, અમને આ આપો.’ ‘મા, અમને પેલું આપો.' કહીને છોકરાં ડોસીને વળગ્યાં હતાં. ગીત આગળ વધતું હતું :
મહીડાં વલોવી ઊભી રહી,
માખણનો માગનાર દ્યોને રન્નાદે...
વાંઝિયાં મેણાં માતા દોહ્યલાં...
મીઠાઈ વહેંચાતી હતી તે માટે છોકરાંઓએ બુમરાણ મચાવી કૂદાકૂદા કરી મૂકી, પણ કોણ જાણે કેમ, પૂતળીડોસી ક્યારનાં થાંભલીને ટેકો દઈને વ્યગ્ર ચહેરે ઊભાં હતાં. થોડી વાર પછી તેઓ ધીમે રહીને બોલ્યાં : ‘કોણ જાણે શું થાવા બેઠું હશે ? સવારનો જીવ જાણે કે બળ્યા કરે છે !’ અને એક લાંબો નિસાસો મૂક્યો. ઘરમાં સૌ કોઈ આનંદમાં ગુલતાન હતાં પણ પૂતળીડોસી જ કંઈક અમંગળ આશંકાઓ કરીને જીવ બાળી રહ્યાં હતાં.

સાંજ વેળા ગોકળ ખેતરેથી આવ્યો ત્યારે ‘મને આજે જરા ઠીક નથી.' કહીને વાળુ કર્યા વિના સૂઈ ગયો. ઘરનાં માણસોએ ધાર્યું કે શરીર છે અને જરા તાવની ધગશ આવી ગઈ હશે તેથી ઘરમેળે ઉપાય અજમાવ્યા, પણ બીજી સવારે ગોકળના સાથળના મૂળમાં એક ગાંઠે દેખાવ દીધો અને સૌના પેટમાં ફાળ પેઠી. કોઈ જાણકારે કહ્યું કે એ મરકીની ગાંઠ છે. શક્ય એટલા ઉપાય કરી જોયા પણ કાંઈ ફાયદો ન જણાયો. છેવટે ગોકળને ગાડે ઘાલીને શહેરની હોસ્પિટલમાં લઈ ગયા.

અહીં ઘર આગળ સૌ ગૌકળના સારા સમાચાર જાણવા તલસી રહ્યાં હતાં. ગોકળની વહુએ તો ચિંતામાં ને ચિંતામાં આજ બે દિવસ થયાં પાણીનું ટીપું યે મોંમાં નહોતું મૂક્યું.

ત્રીજે દિવસે સંધ્યા ટાણે પાદરમાં મોટરનું ભૂંગળું વાગ્યું અને ગોકળના મૃતદેહને મૂંગે મૂંગા સીધા સ્મશાને લઈ ગયા.
ગોકળના અકાળ મૃત્યુએ ગામ આખામાં અરેરાટ ફેલાવી દીધો. કોઈ પણના મોં પર જુઓ તો નૂર ન મળે. જ્યાં ને ત્યાં શોકમય ચિહ્નો જ નજરે પડતાં હતાં. સંધ્યાટાણે ઘરઆંગણા પાસેની એ રોકકળનો ખ્યાલ તો દૃશ્ય નજરે જોયું હોય તેને જ આવી શકે. ગોકળની વહુને તો આ બધું શું બની ગયું એની જ જાણે કે કંઈ સમજ નહોતી પડતી. તેનું મગજ પણ સ્થિર નહોતું. કોઈ કોઈ વખત એ ગમે તેવી કઠણ છાતીવાળાને પણ થથરાવી દે તેવી ચીસો પાડતી હતી, ને વચ્ચે વચ્ચે ભયાનક રીતે ખડખડાટ હાસ્ય પણ કરતી હતી.

દુકાન- હાટે અને ચોરે-ચૌટે બસ એક જ વાત ચાલતી હતી :
‘અરર ! બિચારો નાનો બાળક ચાલી નીકળ્યો. અઘરણિયાત વહુનો વર !'
‘કેવો જુવાનજોધ હતો ! નખમાંય રોગ ન મળે !'
‘બાયડીનાંય બિચારીનાં નસીબ ફૂટ્યાં ને ! આખો જન્મારો કેમ કરીને કાઢશે ?'
‘એ તો મહિના છે, તો વળી ભગવાન સામું જોશે તો કાલ સવારના સારું થઈ રહેશે.’

સ્મશાનમાં ડાઘુઓ એક ખૂણે ટોળે વળીને વાતો કરતા હતા :
‘ઘરનાનેય આ ઓછી વીતી કહેવાય?' એક ડાઘુએ બીડી સળગાવવાની તૈયારી કરતાં કહ્યું.
‘અરે, વીતી તે કાંઈ જેવીતેવી કહેવાય? દીકરા જેવો દીકરો ચાલ્યો ગયો !’
બિચારી પૂતળીડોસીને પણ મરતાં મરતાં આવું જોવાનું સરજાયું હશે ને?' પેલાએ બીડીની લાંબી સટ ખેંચતાં કહ્યું.
‘હા, નહીંતર મર્યા જેવડાં તો ડોસી પોતે જ હતાં.’

એક પાકટ વયના પીઢ લાગતા ડાઘુએ કહ્યું : ‘કે'તા નથી, કે ઘરડું માણસ મરણપથારીએથી ઊઠે એ સારું ન કે’વાય? અમે તો પૂતળીડોસી ભોંયેથી ઊઠ્યાં તે દીનું કાંઈ માઠું થાશે એમ ધારી મૂક્યું હતું...'

ત્યાં તો તેને વચ્ચેથી બોલતો અટકાવીને પેલા બીડી પીતા ડાઘુએ પૂરું કર્યું : ‘આ કંધોતર દીકરો નંદવાઈ ગયો ડોસીને બદલે.’ આટલું કહીને બીડી જમીન સાથે બુઝાવી ફેંકી દીધી.

બરોબર આ જ વખતે પૂતળીડોસી ફળિયામાં છાતીફાટ કૂટતાં હતાં : ‘હું જ મૂઈ કાળમુખી આડી ઊતરી... ને મારો ગોકળ ઘવાઈ ગયો રે.. એ...’
* * *


0 comments


Leave comment