7 - ફરેબી / જનક ત્રિવેદી


અનંતે સિક્સ-એઇટીનની ડ્યૂટીનો ચાર્જ સંભાળ્યો. પાંચ અઠ્ઠાવનની પાસ થ્રુ સુપર સાડા છએ કાઢી. ટિકિટ ટ્યૂબ ખોલી ગઈકાલનો હિસાબ તપાસી પૈસા ગણ્યા. દરવાજા બહાર એક માણસ નેઇમપ્લેટ જોતો હતો. ઘણીવાર મુસાફરો વહેલા આવી જાય છે, તેમ કોઈ પેસેન્જર વહેલો આવી ગયો છે, એમ વિચારતો એનું કામ કરતો રહ્યો.

હજી શિયાળાની સવારનું અંધારું હતું. પાંચેક મિનિટ પછી પેલો માણસ અંદર આવ્યો. ટેબલ સામે ઊભો રહી બોલ્યો; લો, સાહેબ, વેઇટિંગ રૂમની ચાવી. ચાવી લઈ અનંતે સ્ટેશન માસ્તરની રીતે આપનારને ઉપરથી નીચે સુધી જોયો. લાઇટ બ્રાઉન કલરનાં પેન્ટ-બુશ, ઊજળા વાને ગોળ ચહેરો, હોઠના ખૂણે અણી વળેલી મૂછો, ટાલિયા માથામાં છૂટાછવાયા ઊગેલા વાળ, ડાબી કોર જુએ ત્યારે ત્રાંસી લાગતી પારદર્શક કથ્થાઈ રંગની આંખોવાળા એ આદમીએ એક સસ્તી ચાદર ખભે ઓઢી હતી. અદબ વાળેલા હાથનાં રૂંવાડાં ઠંડીમાં મૂળસોતાં ઊંચાં થઈ ગયાં હતાં. એણે અનંત સામે હાથ લંબાવ્યો. પછી હસતાં બોલ્યો; આપ.. આપ જ અનંત મહેતા ? અનંત એમ સહેલાઈથી સ્ટેશન માસ્તરપણું છોડવા તૈયાર નહોતો. એણે પ્રતિભાવ દેખાડ્યો નહીં. પેલાએ ભોંઠો પડેલો હાથ પાછો ખેંચી લીધો. પરંતુ એના ચહેરા પર ભોંઠામણની એક રેખા ઊપસી નહીં. એણે કોઈ પ્રસ્તાવના વગર સીધી વાત શરૂ કરી... રાતની ગાડીમાં આવેલો... માસ્ટર સાહેબે વેઇટિંગ રૂમની ચાવી આલેલી... ટમારું નામ. કીઢેલું... ટ્યાંજ સૂટો રેલ્લો... કોઈની ગોડડીઓ પડેલી ટે ઓઢી પાઠરીને... ઠ્યું. રાટરે ટમોને ક્યાં ડિસ્ટર્બ કરવા... સવારે મલીશું.... કુંકાવાવના પાંડેજીએ કીઢેલું.. વડિયાડેવલી મેં અનંતભાઈ કો મિલો, વો સાહિટ્યપ્રેમી આડમી હૈ. - એ નીચી નજરે એકધારું બોલી ગયો. સ્ટેશન માસ્તર બબડ્યો; જા બિલાડી મોભામોભ....!

શું કીઢું, સાહેબ... ?
તમારું નામ... ?
મહેશકુમાર આર. વ્યાસ... મહેશકુમાર રટિલાલ વ્યાસ. પછી એ ઘણું બધું ગરબડ-ગરબડ બોલી ગયો. અનંત કંઈ સમજ્યોય નહીં. એણે ફરી પૂછયું. પેલો ફરી બોલી ગયો... આજીવન શિક્ષક અને ક્રાન્ટિકારી... વિચારક.. કવિ.... વિવેચક... ચિંટક. આજીવન બ્રહ્મચારી... સામાજિક કાર્યકર.. મમ્મી, પપ્પા, સિસ્ટર્સ... કુટુમ્બ બઢ્ઢું ક્રાન્ટિકારી.

સ્ટેશન માસ્તરના માપદંડમાં હજી પરિવર્તન થયું નહોતું. એણે પૂછ્યું; સર્વિસ કરો છો ?
આજીવન શિક્ષક... ક્રાન્ટિકારી... સામાજિક કાર્યકર.
પરંતુ તમારો વ્યવસાય? કીઢુંની ... આજીવન શિક્ષક.
તમારો જીવનનિર્વાહ...?

શિક્ષણમાં ભ્રષ્ટાચાર... નોકરો પેડા કરટું શિક્ષન માલખું... સાચ્ચું શિક્ષન નીં મલે... શિક્ષકો બી ભ્રષ્ટ... ટ્યૂશન કરે સાલ્લા... નવી શિક્ષન ટરાહ આવી રહી ભાલું... શિક્ષનમાં આમૂલ પરિવર્ટન અને પાયાના ભ્રષ્ટાચારની નાબૂડીની જેહાડ.. રાજકારનમાં સડેલા ટમારા ગંઢાટા હાઠ હટાવી લો... એક હજાર ડસ, પૂરા એક હજાર ડસ પ્રવચનો કીઢાં... બ્લડ ડોનેશન... આ જુઓ... સૂટકેસ ખોલી એણે પોટકું કાઢ્યું. તેમાં પોલિથીનની કોથળીઓ, કોથળીઓમાં નોટબુક્સ, ડાયરીઓ, કાગળો, ફોટોગ્રાફ્સ તથા સર્ટિફિકેટ્સનો મોટો જથ્થો. બધું ટેબલ પર પાથર્યું. જુઓની, ચાલીશવાર બ્લડ ડોનેશન આલેલું... સર્ટિફિકેટ નાનુભાઈ અમીને જાટે જ આલેલાં... આ ફોટો... આ ડૉક્ટર દ’સા... વિક્ટર આલ્બર્ટ દ’સા.. આ ડૉક્ટર ઢોલકિયા... રોટરી ક્લબમાં આપણું બહુમાન... ચાલીશેવાર, ડીઢેલું લોહી આપણાં બોડીમાં વાપસ...

આ પછી ડાયરીનું એક મોટું થોથું ઉઘાડ્યું. પાનેપાનું ખોલે, લખાણ, સિક્કા, સહીઓ બતાડતો બોલે;... ઉમાશંકરભાઈ જોશી... વેલનોન ગુજરાટી પોએટ, ટેઓએ જાટે જ સઈ કીઢેલી... આપણે ખભે હાઠ રાખી કીઢેલું; મહેશભઈ, ટમને ઠોડા દિવસમાં પ્રઠમ હરોલના કવિ ડેખું... આ માઠોસિંહ, શેખાડમવાલો... આ ઈન્ડિરાબેન ગાંઢીના ઓટોગ્રાફ... માય સેકન્ડ મઢર... બહુ લાગી આવેલું, સાલ્લુંય.. માય સેકન્ડ મઢર લોસ્ટ... મરડ બઈ... અમરસિંહ સી એમ... માય ફ્રેન્ડ... મલે ટ્યારે પૂછે; મહેશભઈ, શું ચાલે છે... આપણે કહીએ, ભ્રષ્ટાચાર... જોનીં એન્ની સામ્મે લડાઈ ચાલી રહી છે... મોંએ જ ઠોકી ડઈએ... બીક નીં મલે આપણને... આ લૂનાવાડા હાઈસ્કૂલ... આ વાપી, વલસાડ, અસાલમડ... આણંદને ચચ્ચાર... ટમારાં અમરેલીની ફોરવર્ડ ને નૂટન... જસદન... જામજોઢપુર... પાનેલી.. ઓખા... કાઠિયાવાડના ખૂને ખૂને સ્કૂલોમાં ભાવિ ક્રાન્ટિકારી પેઢીને અજ્ઞાનમાં રાખવાનું જબ્બર કાવટરું ચાલી રહ્યું છે. -- એ ધાણીફૂટ બડબડાટ વચ્ચે સહીઓ બતાડતો જતો હતો, અનંત જુએ છે કે નહીં તેની દરકાર વગર.

લોકસભાની પ્રેક્ષક ગેલરીના પાસ પણ હતા. રજનીશનું એક પુસ્તક પણ દેખાયું. દેખાડ્યું નહીં. અનંતે વિચાર્યું, કદાચ રજનીશનો ચેલકો.
અનંત કંટાળ્યો.. ચાલો, મહેશભાઈ, તમારા વિચારો અને ક્રાન્તિકારી પ્રવૃત્તિ જોઈ પ્રસન્ન થયો. ખૂબ સરસ. એક દિવસ ભ્રષ્ટાચારી શિક્ષણ ભ્રષ્ટ સત્તાધારીઓ, ભ્રષ્ટ શિક્ષકો, ભ્રષ્ટ સમાજ - બધું જ તમારી ક્રાન્તિકારી જેહાદની જ્વાળાઓમાં બળીને ભસ્મ થઈ જશે. મહેશભાઈ, આ બધું તો ઠીક, પરંતુ તમે નોકરી-ધંધો તો કરતા હશોને... ?!

નહીં... નહીં... કીઢું નીં... આજીવન શિક્ષક.. આ ભ્રષ્ટ ટંટ્રનો નોકર બનું...!... છટ્ટ ...!
પરંતુ તમારી આજીવિકાનું શું?... પેટનો ખાડો.... પ્રવાસ ખર્ચ વગેરે માટે... ?

સંસ્ઠાઓ આપણાં લેક્ચર ગોઠવે... બોલાવે... પુરસ્કાર આપે... ચાલે... વ્યક્તિ સામે હાઠ લાંબો નીં કરું... વિદ્વાન સર્વટ્ર પૂજ્ય... એવરીબડી લવ મી... આય લવ એવરી બડી.... ઠેર ઠેર આપણા વિડ્યાર્ઠી... ગઈકાલે અમરેલીમાં આ ગામનો એક વિડ્યાર્ઠી મલેલો.. રહેવા ઊટરવાનું એને ઘેર જ... ઘનો આગ્રહ કીઢેલો... આપણો વિડ્યાર્ઠી....

જમવાનું... ?
અરે ભઈ, કીઢું નીં, વિડવાન સર્વટ્ર પૂજ્યટે ! પેટ ભરવાનું કામ. માનસ ખાવા માટે જનમટો નહીં. પ્રેમઠી જમાડે ટો જમીએ. મન નીં જોઈએ ટો ચાલી નીકળવાનું. જુઓની, કાલે જ એવું બનેલું. - એણે સ્ટેશન માસ્તરની સામે જોયું. એની આંખોમાં આર્દ્રતા તરવરતી હતી... મન નીં જોયું ટે આપણે ચાલટા ઠ્યા... નીં ખાવું જા, ટારું... પ્રેમ વગર. ડિવસ આખો ઉપવાસ ખેંચી કાઢ્યો. - એણે અનંત સામે નજર નોંધી રાખી.

શિક્ષણને જીવન સમર્પિત કરનાર એક સાચુકલા માનવીની આવી ઘોર ઉપેક્ષા...! અનંત મહેતાનું હૃદય આખરે ભૂખના નામે પીગળ્યું. પોતે ભૂખનો કાયર; - અરે ! તમે કાલના ભૂખ્યા છો ?!
હા, સાહેબ, બીજું ઠાય પન શું. અવહેલના આપણાંઠી સહન નીં ઠાય. લાખ સોનામહોરોનો ઢગલો કરી ડૉ... ઠોકરે મારી ડઈએ ... સ્વમાન ખાટર.

અનંતે કહ્યું; તમારે તો ભલા માણસ, સમભાવ કેળવવો જોઈએ. જોગી કો ક્યા... તું નહી, તેરા ભાઈ.
નહીં સાહેબ, સ્વમાન પેલ્લાં. અમે ઠોડા આલટુફાલટુ છીએ ! ફાઢર ડિનેશ બરોડાના મૅનેજર હટા. વ્યારામાં પાંચસો એકર જમીન, સાહેબ ! જમીનડારી ગણોટઢારામાં ચાલી ગઈ ટે શું ઠ્યું ! મારી મમ્મી બચાડી ચુમ્મોટેરમાં એકસ્પાયર્ડ. એ બી ગ્રેટ ક્રાન્ટિકારી ડિમાગની... આખું કુટુમ્બ ક્રાન્ટિકારી... આ ટો ટમારી સાઠે મન મલી ગયું ટે,

ખરું ખરું, મહેશભાઈ - વાતમાં અંતરો પડતાં અનંતે તક ઝડપી લીધી. સાંધાવાળા રામજીને બોલાવી શ્રીમતીને જગાડી ચાર પાંચ ભાખરી અને મુરબ્બો- અથાણું લઈ આવવા મોકલ્યો. મહેશકુમાર, પોતાને ચાનું વ્યસન નથી, કૉફી-દૂધ હશે તો ચાલશે એવું કંઈક બોલ્યા. પરંતુ અનંતે ધ્યાન આપ્યું નહીં. આ ઉજ્જડ સ્ટેશને દૂધનું કોઈ ઠેકાણું ન હોય.

મહેશકુમાર સૂટકેસ બંધ કરી થેલા લેવા બહાર ગયો ત્યારે પેન્ટની બન્ને બેઠકે મારેલાં થીગડાં દેખાયાં. એના હલનચલન સાથે અવાવરુ ગંધનું મોજું ઑફિસમાં ફરી વળ્યું. કેળવણી પ્રત્યે આવો આપણો આદરભાવ ! – અનંતનું મન ખાટું થઈ ગયું. મહેશ માટે અનુકંપા ઊપજી.

નાસ્તો આવ્યો. એક પેસેન્જર ટ્રેનનાં કામમાં સ્ટેશન માસ્તર વ્યસ્ત રહ્યો. દરમિયાન મહેશકુમારે ગરમાગરમ ભાખરી અને મુરબ્બાનો નાસ્તો પૂરો કર્યો. પછી ઓડકાર ખાતાં બોલ્યો; કોરું કારું લાયગું... કૉફી ડૂઢ હોટ ટો મજા રહેટ.

મહેશકુમારે અનંતના નાના દીકરાને ગરમ પાણી લાવવા મોકલ્યો. પછી ગરમ પાણી લઈ વેઇટિંગરૂમમાં દાઢી કરવા ગયો. દાઢી કર્યા પછી એનો વાન વધુ ઊજળો દેખાયો.
ફરી પેલી ગંધનું મોજું ઑફિસમાં પ્રવેશી ખુરશીમાં ગોઠવાયું. ફરી ધાણીફૂટ વાણી-પ્રવાહ, પાર્લમેન્ટ, શિક્ષણ અને ફરી ફરીને ઇન્દિરા ગાંધી; - જુઓ, સાહેબ, જુલમ જ જુલમીને ખતમ કરે.. ભુટ્ટોએ મુજીબને મરાવ્યો, ભુટ્ટોને ઝિયાએ... હવે ઝિયાનો વારો. ઇન્દિરાબેન ગયાં... સ્વર્ગમાં.. કોને ખબર... ઘન્નું ડુખ ઠયેલું... એક મધુર ચુમ્મોત્તેરમાં ગઈ, બીજી ચોરાશીમાં... શાસ્ત્રી ભલો આદમી... મિશ્રા. દિનદયાળ ઉપાધ્યાય, પંજાબના પાંચ હજાર અને આસામના દસ હજાર, કહો તો, કોણે માર્યા ?

પરંતુ સ્ટેશન માસ્તર પાસે એનો ઉત્તર નહોતો. મહેશકુમાર પાસે હતો; સાહેબ, ખૂન ખૂન માંગતા હૈ. ઇતિહાસ તપાસો, ત્રણ ગોળી હોય કે સોળ, કોઈ ગાંધી બચતા નહીં. ઓરત ભાયડાછાપ, કેવું પડશે. રીગને સંરક્ષણ મંત્રીને મરસિયા ગાવા મોકલ્યો, જાયું નહીં !

મહેશકુમારનો લવારો અખ્ખલિત ચાલુ રહ્યો. ઇન્દિરા ગાંધીનું અંતિમ ભાષણ ઇન્દિરાના અવાજ અને અંદાજમાં બોલી ગયો. અનંત થાક્યો એને મહેશની બસની ચિંતા થઈ. એક વિરામસ્થળે એણે બસનું યાદ કરાવ્યું. મહેશે કહ્યું; છોડો સાહેબ, તમે કેડાડો મલવાના ! વિડ્યાર્ઠીને કાલે લાભ આપીશું... ટમોને ટકલીફ ના પડે ટો ...! - એણે અનંત સામે પ્રશ્નસૂચક નજર કરી.

સ્ટેશન માસ્તર સાવચેત થઈ ગયો, પરંતુ અનંતે વિચાર્યું. ઇરાદો માત્ર એક દિવસ ટૂંકો કરવાનો. નમૂનો તપાસવાનો ખર્ચ ઝાઝો ન કહેવાય. અનંતે કહ્યું; ઘણી ખુશીથી.

મહેશકુમાર સામાન લઈ અનંત સાથે ક્વાર્ટર તરફ ચાલતો થયો. અનંતનાં શ્રીમતી રસોઈ કરતાં હતાં. અનંત પરિચય કરાવે તે પહેલાં મહેશે અનંતનાં શ્રીમતીનાં ચરણસ્પર્શ કર્યો. પછી પોતે જ પોતાનો પરિચય આપ્યો; આપનો ન્હાલ્લો ભઈ મહેશ... મહેશ રટિલાલ વ્યાસ, આજીવન શિક્ષક... બ્રહ્મચારી, ક્રાન્ટિકારી.. સમાજવાડી વિચારઢારાનો આડમી, મોટીબેન.

અનંતનાં પત્નીએ આદરપૂર્વક હાથ જોડ્યા. અનંતે કહ્યું; જીવનમાં સાવ એકાકી છે. અનંતનાં શ્રીમતી ભાવવિવશ બની ગયાં; અરેરે ! બિચારો...! કોઈ કરતાં કોઈ નહીં !

મહેશ જોડેલા હાથે, ને ગળગળા સ્વરે બોલ્યો; બધાં હતાં, છ ભાઈઓ, બે બહેનો છે. – ‘કહેવા પૂરટી, નક્કામી અને ગયેલી'. બાકીનાં મરી ખૂટ્યાં, વ્યારામાં ઘર. - ભાઈને રહેવા આપી દીધું. ‘આપણે ટો એકલા રામ, ચલ મનવા ડૂસરે ઢામ.’ - મોટીબેનની સમગ્ર અનુકંપા ઊભરાઈ પડી.

મહેશે નાના સોમુને તેડી વહાલ કર્યું. ચપટીમાં એકેક ગાલ પકડી બોલ્યો; આ કોકાકોલા, આ ફેન્ટા, ગોલ્ડસ્પોટ અને રીમઝીમ. મને બાળકો બહુ પ્યારાં.

ગમે તેમ, ઘરનું વાતાવરણ આનંદમય બની ગયું. થોડી ગપસપ ચાલી. અનંતે બીડી સળગાવી. તુરત મહેશ બોલ્યો; મોટીબેન, ટમે આમનું વ્યસન છોડાવો. વ્યસનમાં આપણે તબાહી નોટરીએ છીએ, ખરું કે નીં ?

શ્રીમતીને વાત ગમી; ભઈ સત્તર સત્તર વરસ બીડી સામે લડી, પણ અંતે બીડી જીતી.
અનંતને ખ્યાલ આવ્યો, મહેશને માણસનાં મન વાંચતાં અને જીતતાં આવડતું હતું. અનંતના મનમાં એક સાહિત્યિક ‘ટાઇપ’ની તપાસ ચાલતી હતી, જે ટાઇપ વિવિધ સમયે સાચા લાગતા વિવિધ ચહેરા ધરાવતો હતો.

પોતાની વાતની અસર જાણવાની એને દરકાર નહોતી. એક વાત પરથી બીજી વાતે સહેલાઈથી ચડી જતો હતો. પાડોશીની નાની છોકરી મમરા ખાતીખાતી નવતર મહેમાનને ન નીરખી રહી હતી. મહેશે છોકરીની વાટકીમાંથી થોડા મમરા પોતાના મોંમાં મૂકતાં કહ્યું; આ ટપુડી ગમી જાય એવી છે. એમ બોલી એ ગમાડાશાઈ સુરતી બોલીમાં ટપુડીનું લગ્નગીત ગાવા માંડ્યો. બીજા ગીતમાં એણે અનંતના પરિવારનાં સભ્યોના નામ સામેલ કર્યા.

વાહ ! મહેશભાઈ. તમે લગ્નગીતો પણ ગાઈ જાણો છો ? - શ્રીમતીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું.
ટેમાં શું? હું ટો લગ્નગીટો બી ગાઉં અને મરસિયાઓ બી ગાઈ જાનું... સાંભડો ટો રડી પડો.
ઓ... મા...! મરસિયા...!!
કેમ, હસાવી જાનીએ તો રડાવી બી નીં જાનવું જોઈએ ? - પછી અનંત સામે જોઈ બોલ્યો; કેમ સાહેબ, રડાવતાં બી આવડવું જોઈએ ને ?

અલબત્ત, એ પણ એક કળા છે.
વાત કળા ઉપરથી રસોઈકળાના પાટે ચડી ગઈ. પોતાને બધું રાંધતાં આવડે છે. દાળ, ઊંધિયું તો સુરતીનાં જ... આંગળાં કરડી ખવાય. મહેશકુમારે રસોઈની વાત કરતાં ટમાટાવાળી દાળ, પાપડ અને કાંદા-ટમાટાની કચુંબર મોટીબહેન પાસે કબૂલાવી લીધાં. જોકે મિષ્ટાન્ન - ફરસાણપુરાણ તો ચાલુ જ રહ્યું. એ નિસાસો નાખી બોલ્યો; એ દિવસો તો ગયા, બેન, મમ્મી સાથે. સૂકો રોટલો ને પાણી પણ ગળે ઉતારી લઉં. અભાગણી બેનો ઘણી સુખી છે, પણ... - એના ગળામાં ખરખરી બાઝી ગઈ. દૂરસુદૂરનાં કોઈ કડવાં-મીઠાં સંભારણાં જોવા મથતી હોય તેમ તેની ઉદાસ આંખો આકાશને જોતી રહી.

થોડી વારમાં મહેશે ઉદાસીનતાને સમેટી લીધી. અભિનય સહિત એણે એક રાજિયો ગયો. છોકરાઓને રમૂજ પડી. ફરી વાતાવરણ પ્રફુલ્લિત બન્યું.
જમવા બેઠા. મહેશ બેય છોકરા વચ્ચે બેઠો; આ મારા ભાણિયા... વસુધૈવ, કુટુમ્બકમ્... આ મારા મોટાભાઈ... આ મારી મોટીબહેન. વિશ્વની સમસ્ત માતાઓ બહેનો મારી માતાઓ અને બહેનો.

જમતાં-જમતાંય દાળભાત, પાપડ, કચુંબર, અથાણાં વિશે એનો લવારો ચાલતો રહ્યો. પોતપોતાની દૃષ્ટિ મુજબ પતિ-પત્ની મહેશ વિશે વિચારતાં રહ્યાં. ભાવ એક જ હતો,- કરુણાનો; બિચારો કુટુમ્બવછોયો, નિરાધાર, માન મરતબો મેલી ઘર ઘરના ટૂંબા ખાતો, સુખની શોધમાં એને ભાન નથી કે એ શું કરી રહ્યો છે !

આ પછી અનંત સ્ટેશને ગયો. મહેશ અને મોટો દીકુ ગામમાં ગયા, પેલા વિદ્યાર્થીને મળવા. પરંતુ અર્ધા કલાકમાં ખોટા રૂપિયાની જેમ પાછા ફર્યા. અનંતે પૂછ્યું તો મહેશનું મોં બગડી ગયું, જાણે કીડામારીનું પાંદડું ચવાઈ ગયું ! પેલા છોકરાએ તતડાવ્યો; કોઈ તો કહે, એમ દોડ્યું થોડું અવાય.. ? ‘અહીં લેક્ચર નીં ડેવું... કાલે નીકળી જવું.' એ હતાશ દેખાતો હતો.

છોકરાઓ બોર ખાવા ગયા, તેની સાથે મહેશ પણ કૂદતો-કૂદતો ગયો. નાનાં બચ્ચાંની જેમ. માણસ દિલચસ્પ છે.. ! અનંતે વિચાર્યું.
કલાકેક પછી છોકરાઓ સાથે મહેશ આવ્યો, ઢીલા પગે - વિલાયેલા મોંએ. ફરી એ જ ઘરેલું દુ:ખોનાં બયાનો વિપદાઓ- વીતકોની કહાણીઓ. પરંતુ આંસુ અને તૂટક અવાજમાં. વિદ્યાર્થીની નિર્મમતા એક નિમિત્તે થયું. એની આળાશને સપાટી ઉપર આવવાનું કદાચ કારણ મળ્યું. અનંતે આશ્વાસન દીધું. એણે કહ્યું; મને રડી લેવા ડો, સાહેબ. મારા ઘરમાં રડટો લાગું. અરે, એ ઘર ક્યાં ગયું...? ને માનસો... ?!

અનંતની પત્ની પહેલાંથી જ રડી રહી હતી. અનંત ગોટાળામાં હતો.
એમ સાંજ પડી. મોટીબહેને શિખામણ આપી – માનવતા વિહોણાં માણસોથી છેટા રહેવાની, અપેક્ષા વિહીન રહેવાની.

સાંજની ગાડીમાં અનંતની પત્ની નાના દીકરા સાથે ઘરે જવા તૈયાર થઈ. અનંતને રેલવેનું વાતાવરણ રુચતું નહીં. બાજુના શહેરમાં મકાન બનાવેલું ત્યાં કુટુમ્બ રહેતું. આ વરસે મોટા દીકુને પોતાની દેખરેખમાં ભણાવવા પોતાની સાથે રાખ્યો હતો. મહેશને એક બગલથેલો ગમી ગયેલો તે મોટીબહેને એને આપ્યો.

ગાડી આવી. અનંતનાં શ્રીમતી અને નાનો સોમુ ડબ્બાનાં બારણામાં ઊભાં રહ્યાં. મોટા દીકુના માથે હાથ ફેરવી માતાએ વહાલ કર્યું. મહેશે માથું નમાવી કહ્યું, મોટીબહેન, આ ગડીબ ન્હાલ્લા ભઈને આશિર્વાડ નીં આલો ? અનંતને આ દૃશ્ય સ્પર્શી ગયું. એણે કહ્યું; મહેશભાઈને વાટખર્ચી આપો. અનંતના શ્રીમતીએ મહેશને આશીર્વાદ સાથે દસ રૂપિયાની ચોળાઈ ગયેલી નોટ આપી. મહેશે માથે ચડાવી. ગાડી ચાલતી થઈ અને દેખાતી બંધ થઈ ત્યાં સુધી હાથ હલતા રહ્યા.

રાત્રે ત્રણેયે વાળુ કર્યું. મહેશ બોલ્યો; બપોર જેવી મજા નીં આવી, કેમ સાહેબ ? અનંત નિરુત્તર રહ્યો. ત્રણે ચૂપચાપ વાંચતા રહ્યા. થોડીવારે સાંધાવાળો બોલાવવા આવ્યો; કુંકાવાવનો ફોન છે, બોલાવે છે. અનંત ગયો. બુકિંગ ક્લાર્ક મિત્રનો ફોન હતો. મહેશ વિશે પૂછતો હતો. અનંતે કહ્યું; એ અહીં જ છે, મારા ઘરે.... હા. બરાબર... બરાબર.. મને ખ્યાલ છે. એ પાછો આવ્યો. દીકુ અને મહેશ હજી વાંચતા હતા. અનંતે બગાસું ખાતાં કહ્યું; સૂઈએ હવે, વળી તમારે સાતની બસ પકડવા વહેલું જાગવું પડશે. પથારીમાં પડતાં વેંત દીકુ અને મહેશ નિદ્રાધીન થયા. અનંત બારણે તાળું વાસી ચાવી ઓશીકા હેઠળ મૂક્યા પછી સૂતો. એને મોડે ઊંઘ આવી.

અનંત જાગી ગયો. નાઇટલેમ્પના ઝાંખા અજવાસમાં જોયું. વૉલક્લૉકમાં બે વાગી ચૂક્યા હતા. દીકુ અને મહેશ ઘસઘસાટ ઊંઘતા હતા. એણે બીડી સળગાવી. બીડીના કશ ખેંચતાં સ્ટેશન માસ્તર અનંત મહેતા વિચારે ચડ્યો. પત્નીના લાગણીવેડા સાંભર્યા, રમૂજની રેખા ક્ષણભર એના ચહેરા પર અંકિત થઈ. ક્યારેક હસતો - ક્યારેક રડતો મહેશનો ચહેરો દેખાયો. એની ઢંગધડા વિનાની વાતો અને એવા જ ક્રિયાકલાપો યાદ આવ્યા. અને એનો પેલો વિદ્યાર્થી... છોકરો ચાલાક કહેવાય. - એણે વિચાર્યું. એણે ઓરડામાં દૃષ્ટિ ફેરવી. એક ખૂણે મહેશના થેલા ને સૂટકેસ પડ્યાં હતાં. બીડી બુઝાવી એ ઊભો થયો. એણે ફરીવાર નજર કરી. મહેશ નસકોરાં બોલાવતો હતો. એની આંખો ઝાંખા પ્રકાશમાંયે ચમકી ઊઠી. ત્રણના ટકોરે એ પથારીમાં લાંબો થયો. સૂતાં પહેલાં એને આભાસ થયો, કે નાઇટલેમ્પના મંદ પ્રકાશ ઉપર ઓરડાના ચારે ખૂણેથી અંધકારે આક્રમણ કર્યું છે.

સવારે સાડા પાંચે ઊઠ્યા. બ્રશ કરી ત્રણેયે ચા પીધી. અનંતે કહ્યું, ચાલો મહેશભાઈ, મારે ડ્યૂટી પર જવાનો સમય થયો. તમારી બસ સ્ટેશન સામે જ જકાતની ઓરડી પાસે ઊભી રહેશે. જાઓ ત્યારે મળતા જાજો. પછી દીકુને, ઘરને તાળું મારી, ચાવી આપી જવા કહ્યું. મહેશકુમારે મૂંગા-મૂંગા અનંત સામે હાથ જોડ્યા. છના ટકોરે સ્ટેશન માસ્તર અનંત મહેતા સ્ટેશને પહોંચી ગયો.

સાત વાગે મહેશ અને દીકુ સ્ટેશને આવ્યા ! ચાવી સોંપી દીકુ સ્કૂલે ગયો. મહેશકુમાર ચરણસ્પર્શ કરવા નમ્યો. અનંત બે ડગલાં પાછો હઠ્યો; હં... હં... આ શું...! પગે લાગવાનું ન હોય ! છતાં મહેશકુમારે ચરણસ્પર્શ કર્યા; ટમે મારા મોટાભાઈ કે નીં...? ગઈકાલના વિષાદનો રંગ હજી એની આંખોમાં જળવાઈ રહ્યો હતો, ઝળઝળિયાં સાથે. ભારેખમ પગલે અનંતની રજા લઈ મહેશકુમાર ગયો.

સાડા નવે ગાડીઓ કાઢી સ્ટેશન માસ્તર અનંતે નિરાંતનો શ્વાસ લીધો. પેલો બોલકો માણસ એને હચમચાવી ગયો હતો. એનો જાણે થાક લાગ્યો હતો. હવે હળવાશ જણાતી હતી. દૂધવાળો સ્ટેશને દૂધ આપી ગયો હતો. એને ચા પીવાની ઇચ્છા થઈ. એ ઘર તરફ વળ્યો.

તાળું ખોલ્યું. મોટું બધું ક્વાર્ટર ખાલી લાગ્યું. હજી ગઈકાલે જ અહીં કેવો કિલ્લોલ મચ્યો હતો ! જનાર કંઈ ભૂલી તો નથી ગયો તે જોવા એણે ઘરમાં ચારે તરફ જોયું. બધું બરાબર હતું. એણે કોટ કાઢી ખીંટીએ લટકાવતાં બાજુની ખીંટીએ લટકતો એક થેલો જોયો... આ તો શ્રીમતીએ મહેશને આપેલો થેલો ! પરંતુ થેલો તો એણે સૂટકેસમાં ગોઠવી દીધેલો... પછી અહીં... ?!

એણે થેલો ખીંટીએથી ઉતાર્યો. જોયો. એ જ છે ! અંદર અમસ્તી નજર નાખી. કાગળની એક નાની ચબરખી સિવાય કશું નહોતું. કાગળિયું ફેંકી દેવા એણે બહાર કાઢ્યું. પરંતુ એ વ્યવસ્થિત ગડી વાળેલું હતું. અંદર દસ રૂપિયાની એક નવી નોટ રાખેલી હતી.

તરત એને વીજળીના ઝબકારાની જેમ યાદ આવ્યો ખીસામાં પડેલો ભાંગતી રાતનો, ચોળાયેલ ગાઢ અંધકાર. એણે તમામ બળપૂર્વક ચિત્તને ચબરખી તરફ વાળ્યું.

ચબરખીમાં ગરબડિયા અક્ષરે એક પંક્તિ લખેલી હતી. અનંતે ચશ્માંના બાયફોકલ લેન્સમાંથી અક્ષરો ઉકેલવા પ્રયત્ન કર્યો. પરંતુ, અક્ષરો વધુ ખરાબ છે કે પોતાની નજરમાં ધૂંધળાશ છે તેની ખબર પડી નહીં. અક્ષરો માંડ વંચાયા.

બારી-બારણાં ખુલ્લાં હતાં. વાતાવરણ પણ ઠંડું હતું. છતાં કપાળે વળેલાં પરસેવાનાં ટીપાં ચહેરા પર રેલાયાં.

એણે ફરીવાર ચબરખી વાંચી, તેજાબ પાયેલા ચાબુકના વાર જેવા ચબરખીના શબ્દો એની આંખોમાં વીંઝાયા, ‘તમે બી, મોટાભાઈ, મને ફરેબી ગણ્યો ?’
૧૦-૦૬-૧૯૮૫
રેલવે સ્ટેશન, વડિયા દેવળી


0 comments


Leave comment