46 - દીવો બળે ને... / ભાનુપ્રસાદ પંડ્યા


આસપાસ મોજાં ને તોય હું કોરી, માલમજી !
ગોતું મળવાની વેળ ક્યાંય ઓરી, વાલમજી !

રોજ ઉલેચે આંખ્યનાંય કૂંડાં, માલમજી !
જોણું છીછરું ને દરિયા ઊંડા, વાલમજી !

પગ પખાળી ફીણ પાછાં ભાગે, માલમજી !
અડ્યાં હોઈ જરીક ઈમ લાગે, વાલમજી !

ઓલ્યું સખ તો સૂંડામાં ભર્યું પાણી, માલમજી !
થોડું ભીંજ્યાં ત્યાં સઢ ગયા તાણી, વાલમજી !

ગૂંથું સાદડીમાં રાત્યુંની રાત્યું, માલમજી !
તારે પગલે ભભકશે ભાત્યું, વાલમજી !

વાવડો પાંપણ મળે ને રીડ્ય પાડે, માલમજી !
ઓલી નાળિયેરી તાળિયું પાડે, વાલમજી!

હું તો તડ્યમાં તાકું ને પડું ભોંઠી, માલમજી !
ગયું આંખ્યે ઉજાગરાને ગોઠી, વાલમજી !

મારો દીવો બળે ને પાડે કેડી, માલમજી !
લાવ્ય, વા’ણને ઈ દશમાં તેડી, વાલમજી !


0 comments


Leave comment