48 - ભલે એણે... / ભાનુપ્રસાદ પંડ્યા


જેવી એણે કાગળ લખ્યામાં આખી આળખી વસંત
બાઈ, મોરા બારણાની તડમાં ભીંસાતી ભાળું ગંધ !

મહિનાની દોરીમાં મોસમને પ્રોવાની
સખી, કો’કે કરી છ મોટી ભૂલ !
વેળા – કવેળાની ડાળખીએ એનાં તો
છૂટાંછવાયાં ફૂટે વણનામી ફૂલ !
એ તો ખૂલે ખૂલે ને પાછાં લાગે અકબંધ !

હથેળીમાં ઊગેલી આયખાની વેલ્યને
સૈ, કો’ક મળશેનાં મ્હોર્યા બે પાન !
ભીંતે ચીતરેલ સૂડે ઊડીને આદર્યા
બાઈ, મોરા ઓરડામાં આસમાની ગાન !
હવે આંખ્યુંમાં આમતેમ એવા તો આથડતા પંથ !

ભલે, એણે કાગળ લખ્યામાં આખી આળખી વસંત,
બાઈ, મોરા બારણાની તડમાં ભીંસાતી ભાળું ગંધ !


0 comments


Leave comment