49 - નહીંતર... / ભાનુપ્રસાદ પંડ્યા


‘હવે નથી મંડાતાં ડગ’ કહે
કમર પરે દઈ હાથ ઊભાં ને ખીલી ઊઠયું ત્યાં
સીમવાટમાં સમીસાંજનું રૂપ !
અમારા ગાડાને તો ભાર ભર્યાની ટેવ
ઉપાડે ફૂલ તો અડવું લાગે !
ઘાટડિયે ઓઢેલા કોરા રંગ થકી વીંઝાતી
તીણી ધાર ગંધની વાગે !
‘જાવ, અમારા નજરપંખીનો વાંક
ઊતર્યું જોઈ, ઠુંઠાને
આમ શોભતું આ ગુલ્મોરી પાઘે !’

બહુ થયું.....
આ જુઓ, તમારી જેમ ઊભેલ પણે ચાડિયો
આજ નમેલી રૂડી સાંજની રતૂમડી ગુસપુસની
કરશે કાલ સવારે સૌ પંખીને વાત !
વધુ ના ગુલાબ રીસનાં વેરો,
નથી કૈં સાવ સીમાડો બે’રો !
સાંજ સરીખાં ! સોહાવો ગાડાનો ફેરો,
નહીંતર પડી જશે અહીં રાત !


0 comments


Leave comment