53 - જવાબ આવ્યો / ભાનુપ્રસાદ પંડ્યા


આવ્યા, મારા જીવતરની
અંધાર ભોમનો દીવો થઈને આવ્યા !
મારા સરી જતા સપનાને
સાચું સાવ કરીને લાવ્યા !

માડી, મારી કાયામાં ઉછરંગ માય નહીં–
વહી જાય શું રગરગને દઈ ફાડી ? !
આખું ગામ સાંભળે એમ વગાડો થાળી !
લાવો, ગળથૂથીમાં ગળચટ ગળચટ
બધી અબળખા ઘોળી દઉં પિવાડી !
શીતળામાની દેરી પરની
ધજા સરીખું ફડફડતું’તું મંન
પાધરું બેઠું માળે !
એક કાન થઈ વ્રત–વરતોલે
સુણી વારતાનો હોંકારો
પારણિયામાં પાય ઉલાળે !
ઓલ્યા અપવાસોના ખાલી દિવસો
ફણગ્યા મોટી ફાળે !
બધી વાતને તાગ આયો
મારા જોણાંનો બાગ આયો !
મૂછાળાને રૂઆબ આયો !
મ્હેણાં ટોણાંનો સણસણતો
લ્યો, હાંઉં રોકડો જવાબ આવ્યો !


0 comments


Leave comment