54 - તમને મેલી... / ભાનુપ્રસાદ પંડ્યા


તમને મેલી મહિયર – પાછો મારગે વળ્યો,
પૂનમે ઊગેલ ચાંદ અચાનક પડવે ઢળ્યો !

જાતી વેળા ગુલાલ ઉછાળી મરકી રહેતા
મારગે હવે કેમ ઉડાડી ધૂળ ?
કેતકી ઉપર એકલાં અમે ફૂલ ભાળ્યાં’તાં,
જોઉં ત્યાં રાતોરાત ઊગી ગૈ શૂળ !
કંઠેથી કાળા એક વ્હેતું’તું ઝરાણું મીઠું
ત્યાંય હોલાની ઘૂકનો ખારો વોંકળો ભાળ્યો !
તમને મેલી મહિયર – પાછો મારગે વળ્યો !

અમને દેખી મોલને લીલે દરિયે આવે
બાઢ એવું કૈં દેખતા નથી,
લોકનાં નયન તારલા જેવાં તગતગે પણ
અમને કશું લેખતાં નથી !
આશકા પામેલ ન્હોય એવા કોઈ ધૂપની જેવો
વળતી વેળા વગડે બળ્યો !
તમને મેલી મહિયર – પાછો મારગે વળ્યો !


0 comments


Leave comment