58.1 - જન્મ-મૃત્યુ કાવ્ય – ૧ / રાવજી પટેલ


વસ્ત્ર સરી જશે એકેક,
ત્વચા પણ સરી જશે,
ક્યારેક તે કોઈ અડશે નહીં;
લોહીનાં પાન બની જશે કો’ક નદી તીરે
કે જાણું નહીં (?)
જાણું નહીં એવું થશે – કદાચ
ક્યારેક તો જન્મક્ષણો ઉલ્લંઘી
ટેકરી ચાદર જેમ ખેંચી લાંબા થશું
કે
જલની સપાટી આઘી કરી જરી
કમલ બ્હાર જુએ જ કૈં એવું કરી લૈશ
રસ્તે, તીરે જતી કો’ક
કિશોરીના ગાલ ચૂંટી લિયે આંખ
એ આ ક્ષણ.. !
પોલાદના વૃક્ષમાં લગીર કંપન થાય ન થાય
મશ્કરી સમયની થઈ જાય મુજથી જરી.


0 comments


Leave comment