58.9 - જન્મ-મૃત્યુ કાવ્ય – ૯ / રાવજી પટેલ


સીમ-ખેતરનાં દેવસ્થાન ફરફરે,
મનના ખૂણાઓ ત્યારે
ભેળા થઈ કચસૂરી આંખોમાં રમાય !
અચાનક
સમયની ગાંસડીઓ તડાતડ તૂટી –
તારીખો વેરાઈ ગઈ...

પાછલા પડાવ પર કેવું હતું ?
ઘાસ પાણી જેવું બેઉ કાંઠે વહ્યે જાય;
મને આગળ ધકેલી પૂંઠે રહી ગયું –
માણસના મન જેવું પ્હોળું પ્હોળું ઘાસ.
ઘાસ હાથી હતું.
ઘાસ ઘેટું હતું.
વિસ્તરેલું વન હતું ઝીણી ઝીણી ધજાઓનું !
મને કશું નહીં ભાન !
આજ
અચાનક સીમ-ખેતરનાં દેવસ્થાન
ફરકે છે કીકીઓમાં
એટલું જ યાદ.


0 comments


Leave comment