3 - નિવેદન / કૂવો / અશોકપુરી ગોસ્વામી


   સ્નેહી મિત્ર જનક ત્રિવેદી અને હું અમદાવાદ જતા હતા. 'હવે શું લખે છે, અશોક ?'અમસ્તુ જ એમણે પૂછેલું.
   'એક નવલકથાનું વસ્તુ રમે છે મનમાં.'અચાનક મારાથી બોલી જવાયું.

   આખી વાત સાંભળ્યા પછી બહુ ઓછું રીઝતા જનકભાઈથી 'અરે વાહ !' કહેવાઈ ગયું. કથાસાહિત્યનાં સ્વરૂપોના મરમી અને અભ્યાસી ડૉ. નરેશ વેદ અને ખંતીલા અધ્યાપક ડૉ. મહેન્દ્ર ચોટલિયા જેવા દુરારાધ્યોને 'કૂવા'નું વસ્તુ અને એનું આલેખન રીઝવી શક્યું એ મારા સાહિત્ય જીવનની બીજી રોમાંચકારી ઘટના. મારી કનેથી એમણે સતત ઊંચા ગજાની અપેક્ષા રાખી. મારી મર્યાદાઓમાં તેઓએ લાક્ષણિકતા નિહાળી. આ ત્રણેયને 'મૂળ'થી જ મારામાં શ્રદ્ધા. એમની શ્રદ્ધા અને કાળજીએ જ મને સર્જનમાં લિપ્ત રાખ્યો. કવિમિત્ર મણિલાલે પણ મને સતત સંકોર્યો અને સર્જનરત રાખ્યો.

   પાંચમા-છઠ્ઠા દાયકામાં એક મગરૂબ અને વિલક્ષણ પુરુષે અમારા જ ખેતરના અમારા કૂવામાં કોઈનો ૨/૩ ભાગ હોવાના એક માત્ર કારણસર એ કૂવો, બાજુમાં કૂવો ખોદી, પૂર્યો. કૂવા સંબંધની તમામ બાબતોના એ પારંગત. કૂવાની, એના તળની, એમાં કરાતા બોરની, સઘળી બાબતોમાં એમની કોઠાસૂઝ જબરી. ફરતા ગાળામાં એમની સલાહ લેવાય. એ વખતે એમને પડેલી શારીરિક, માનસિક અને આર્થિક વિપદાઓનું – આપદાઓનું, એ કથાવ્યથાનું આછું અને સાદું જ આલેખન 'કૂવા'માં થઈ શક્યું છે.

   હા, કેટલીય કરુણતા કાલ્પનિક કરુણતા કરતાં વધુ અણિયાણી, ચઢિયાતી અને ઘેરી હોય છે.
   આ મગરૂબ પુરુષના વારસદાર – વેદનાના વારસદાર – હોવાના નાતે જ 'કૂવા'નું સંવેદન મને ખબર ન હોય એમ મારામાં સુષુપ્ત પડી રહેલું હશે એમ હું માનું છું. એ બીજ ઊગવા માટે જ દાયકાઓ સુધી જીવતું રહ્યું મારામાં ?! એ લખવા આલેખવા યોગ્યમારી ભોંય ખેડાઈ, ખતરાઈ ત્યાં સુધી એણે ઊગવા માટે રાહ જોઈ ! અને દાયકાઓ બાદની વરાપે એ ઊગ્યું ! આ સૃષ્ટિનાં અનેક ગૂઢ રહસ્યોમાંનું આ એક રહસ્ય છે. હું એને રહસ્ય રહેવા દેવા માગું છું.

   કૂવાના આલેખન બાબતે એટલું જ કહેવાનું કે...
આગ મેરી ન સહી, ઈસકા ધુઆ મેરા હૈ |
મેરે અપનોંકી કહાની હૈ, બયાં મેરા હૈ ||
   'કૂવા'નો પરિવેશ, એનાં પાત્રો, પ્રસંગ, સંવાદો,ભાવકોને-પાઠકોને સ્પર્શી શકે એટલાં જીવંત બની શક્યાં હોય તો એનું એક કારણ છે અનુભૂતિનું સાચુકલું આલેખન. આ આલેખન પણ સહજ બનવાનું, શક્ય બનવાનું કારણ એ છે કે હું આ જ વાતાવરણમાં જન્મ્યો અને જીવ્યો છું. અમારા લોકનાં સુખદુઃખને મેં માત્ર જોયાં-જાણ્યાં જ નથી, ભોગવ્યાં પણ છે. પિંજરામાં ઊડવાની સીમિતતાને આકાશ સુધી વિસ્તારવાની કળા આ અભણ તથા કોઠાસૂઝવાળા મારા લોકમાં છે.

   અહીં માનવજીવનનાં નરવાં અને વરવાં બેય પાસાં છે. કશાય દંભ વિનાનાં યથાતથ જીવન તમને અમારામાં જોવા મળે, જો જોઈ શકો તો.
   ખૂબ વિચિત્ર છતાંય અબોધ અને અગમ્ય છે ગામડાની દુનિયા. ઘણી વાર એવું લાગે કે કોઈ કલાકારના હાથે ઘાટ પામવાની રાહ જોતો ચાકડા પરનો પિંડ છે એ.

   બાકી ગામડાની થાકેલી-હારેલી જિંદગીના તૂટતા, જોડાતા, વિકસતા, વિસ્તરતા સંબંધો એકમેકમાં ગૂંથાયેલ ભરોસાનાં મૂળ જેવા છે. જે સૌને જોડે છે, જકડે છે, પકડે છે, સાંકળે છે. અને, તેથી જ તો ગામ નામનું ઝાડ સદીઓનાં વાવાઝોડાં સામે ટક્યું છે; હજીયે.

   દોસ્તો,
   મારી વાર્તાઓ, નવલકથાઓમાં મારો ખાસ પ્રયત્ન એ રહ્યો છે કે હું મારી – મારા આખા ગામની – મારા આખા ઝાડની વાર્તા નહીં, પણ એની એક ડાળ, એના એક ફળ, એક ફૂલ કે પાન માત્રની પણ વાત કહું – લખું, અને એટલે જ જ્યારે જ્યારે મેં એ વિશે લખ્યું ત્યારે ત્યારે એ બધાંની વિશે ઓછું પણ એનાં મૂળિયાં વિશે વધારે લખ્યું છે. કારણ કે મારે મન ખરું વૃક્ષ જમીનની ઉપરનું નહીં પણ જમીનની અંદરનું જ છે.
૦૧-૦૧-૧૯૯૩
– અશોકપુરી ગોસ્વામી
આશી ૩૮૮૧૩૦
પેટલાદ ખેડા


0 comments


Leave comment