1 - પ્રકરણ – ૧ / કૂવો / અશોકપુરી ગોસ્વામી


   રાતે સારું એવું ઝાકળ પડેલું. ઠંડો પવન લાગવાથી ખેતરના માળા પર સૂતેલો ડુંગર જાગી ગયો. ટાઢી હેમ ગોદડીઓને ખસેડીને એ બેઠો થયો. પોતાના ઠરી ગયેલા બંને હાથને એણે જરા ઘસ્યા. હથેળીની ગરમીથી ઊનું થતું લોહી શરીરમાં ફરી વળતાં એનામાં સ્ફૂર્તિનો સંચાર થયો. ઝાકળથી લથબથ ગોદડીઓનો વીંટો વાળી માળા પરથી નીચે ઊતરતાં પહેલાં ચકરાવા લેતી સમડી જેવી નજર એના ખેતર પર ફરી પછી કૂવા પર આવી થંભી.

    ભડભાંખરું થવા આવેલું. ઝાંખા થતા જતા અંધારામાં હમણાં લગી પડછાયા જેવા દેખાતા પોતાના ખેતરના બપૈયા એને હવે ચોખ્ખા દેખાવા મંડ્યા. ચિમળાયેલા બપૈયાનાં પીળાં લૂસ પાનને ઝાકળનાં ટીપાં બાઝેલાં હતાં.

    એ માળા પરથી નીચે ઊતરે છે ત્યાં જ ખેતરની ઝાંપલી ઊઘડવાનો અવાજ એણે સાંભળ્યો. આ અવાજે એને ખેતર જોવામાંથી જગાડ્યો. એ ઝટપટ નીચે ઊતર્યો અને માળાની પાસેની ઘોયમાંથી બાજરીના પૂળા કાઢી કાપવા મંડ્યો. ડુંગરને પૂળા કાપતો જોઈ ખીલે બાંધેલા એના બે બળદ અને એક દૂઝણી ભેંસ ગમાણમાં હતપત થવા મંડ્યાં. ત્રણેય ઘડીકમાં ગમાણમાં માથું નાખે, ખાલી ગમાણ જોઈ બે ડગલાં પાછળ હટી પૂળા કાપતા ડુંગર બાજુ જોઈ માથાં હલાવે. ત્રણેયનાં શિંગડાં ગમાણના ડખોલિયે અથડાય. બળદના ઘૂઘરા ખખડે. પૂળા કાપી અને ડુંગર ત્રણેયને છોડી કૂવાની હેરી પાસે પાણી પાવા લઈ ચાલ્યો, ત્યાં જ દરિયા આવી પહોંચી. એણે ખાણનો ટોપલો અને પવાલી માળાની કને મૂકી. ગમાણમાંથી રાતના પડી રહેલા કડબનો ઑગાટ કાઢી નાખી ડુંગરે હમણાં કાપેલા પૂળાથી ગમાણ ભરી દીધી. રાતનાં ભૂખ્યાં જનાવર પાણી પીધું-ના પીધું કરી ગમાણે જવા હરેરી કરવા મંડ્યાં. ત્રણેય પાણી પી અને આવી રહે ત્યાં સુધીમાં તો દરિયાએ છાણવાસીદું એકકોર વાળી ગમાણને ઘરની રવેશ જેવી ચોખ્ખી ચણાક કરી દીધી. ભૂખ્યાં ઢોર ખાવામાં પડ્યાં એટલે નવરાં પડેલાં ધણીધણિયાણી વાતે વળગ્યાં.

    ‘પત્યું પોંણી મુખીનું ?’ ડુંગર સામું તાકીને દરિયાએ પૂછ્યું. ચિમળાયેલો બપૈયો ડાળી હલાવીને ના પાડે એમ ડુંગરે ડોકું ધુણાવ્યું.
   ‘તે...ચ્યારે પોંણી પોંમશે આ બપૈયા ? જુઓ તો ખરા આ બપૈયાની ખારેકો જેવી કરીઓ તો ગરી હેંડી. વેંતવેંતના ગારા પડી ગયા છે. આ બપૈયા ચેંમરઈ જઈ પાછા ભોંયમાં પેસી જવા મંડ્યા. તમને તે કંઈ ભોંનબોંન છે કે નૈં ? ચ્યોં હૂધી ઓંમ બેહી રે’શો ?’

   ડુંગર પલકારોય પાડ્યા વગર આઘેનું જોતો જ રહ્યો. એની કીકીય હાલતી ન હતી. દરિયાના બોલ એના કાનમાં પડ્યા એટલે એના કપાળે કરચલીઓ ઊભરી આવી. પગ પાસેના દરમાંથી કીડીઓના હમણાં નીકળેલા રેલાને એનો પગ અડચણરૂપ થતાં કીડીઓ પગ પર ચઢવા માંડી. પોતાના પગે કશું સળવળતું લાગતાં એણે પગનો પંજો ભોંયે થપથપાવ્યો પણ નીચું ના જોયું. એને મૂંગો જોઈ દરિયાએ આગળ ચલાવ્યું –
   ‘ચ્યોં હૂધી ઓંમ હાથ પર હાથ ધરી બેહી રે’શો ? મુખીની હોંમે તમારાથી બત્તીય ના ફડાય ? એમને એમેય ના કે’વાય કે... અલ્યા ભૈ, આ મારી વાડીની દશા તો જુઓ ! વીહવીહ દાડા તો થઈ ગયા બપૈયામાં પોંણી મેલ્યે. ઉપરથી ચૈતરનો તાપ, ઓંમ ને ઓંમ અજુ અઠવાડિયું નેંકળી જાય એટલે કર્યું કારવ્યું બધું ધૂર જ ને ?’

   હજુય કૂવા ભણી તાકતા ડુંગરને પેલી કીડીઓએ રસ્તો બદલાયાના ભાનથી પોતાને અવરોધરૂપ બનેલા થાંભલા જેવા પગને ચટકા ભરવા મંડી. ડુંગર પગે ચટકા ભરતી કીડીઓને નિર્લેપભાવે જોઈ રહ્યો. એને નીચું જોતો જોઈ આગળ બોલતી દરિયા અટકી.

   દરિયાને બોલતી બંધ જોઈ ડુંગરમાંથી બોદો અવાજ નીકળ્યો – ધીમો, દબાયેલો, માગણ જેવો અવાજ.
   ‘પણ...એ બધા હાળા જમ. ચ્યમ કરીને પોકાય એમને ? એ તો મુખીટોરું. એમની ડોંડઈની તન ચ્યોં ખબર સે અજુ ? એમના કોસનો વારો ના પતે તાં હૂધી આપણા ખેતરમાં લ્હાય લાગી હોય તોય પૉણીનું ના પુછાય, હમજી ?’ ડુંગર સુકાતા બપૈયાને તાકી રહ્યો.

   ‘મફાના બાપુ ! તમં ઢીલાપોચા તો ખરા, નૈંતર મગદૂર છે એમની કે આપડા ખેતરમાં કૂવો અને આપડા જ ખેતરાં તરસ્યાં રે ! કેડનો કંદોરો થઈ જાય એવી મજૂરી કરીને ઉછેરેલા આ બપૈયાંની આવી દશા હોય ? આપડા ખેતરના બપૈયા પત્યા કેડે પાય એમની બાજરી.’

   ‘લે હેંડ.’ ગમાણનું નીરણ ખાઈ રહેલી ભેંસના મોઢા કને ખાણનો ટોપલો મૂકતાં એણે કહ્યું. દરિયા દૂધ દોહવાની પવાલી લઈ ભેંસના આંચળ ધોઈ પોચે હાથે પસવારવા લાગી. ભેંસે પણ ‘લે હેંડ’ એ પોતાને કહ્યું હોય એમ કહ્યાગરી ઘરવાળીની જેમ ટોપલામાંના ખાણને ખાવા વળગી.

   મનની ઉતાવળે પોચા હાથે આંચળ પસવારવામાં એકવાર દરિયાના હાથની ચીપટી આંચળ પર ભરાઈ ગઈ. ખાણ ખાતી ભેંસ પાછલા પગે કૂદી અને ટોપલામાંથી મોઢું બહાર કાઢી દરિયા તરફ શિંગડાં હલાવ્યાં. ભેંસની કને જ ખીલા આગળ બેઠેલા ડુંગરે એની ડોકે હાથમાંની પરોણી પસવારી અને વહાલના બુચકારા ભર્યા. ભેંસને ડુંગરનો અથવાર, ડુંગર વગર એ દોહવા ના દે. દરિયાના હાથનાં ટેરવાંને આંચળમાં દૂધ ઊતરતું જણાતાં એ હવે દૂધની શેડ પવાલીમાં પાડવા મંડી.

   એવું તો નહણક ન હતું કે ડુંગરને બપૈયાની વાડીમાં પાણી વારવાની કે બીજી કોઈ બાબતે ટકોર સરખીય કરવી પડે. એ કામે વળગે એટલે બાબરોભૂત; કામને પૂરું થયે જ છૂટકો થાય. દરિયાનો બળાપો ડુંગરની આવડત બાબતે નહીં. આખી ખેતી, બળદનું, કૂવાના કોસનું બધું કામ એ જાતે જ કરતો.

    પણ, કૂવાની વાત આવે અને કૂવે મુખીટોળાનો કોસ જોડાયેલ હોય તો મોલ બળીને ખાક થઈ જાય છતાં ડુંગરથી પોતાનો કોસ જોડવાની કે, ‘તમારો વારો મારા પછી’ એટલુંય ના બોલી શકાય. મુખીનો ચાલુ કોસનો વારો પતે ત્યાં સુધી મન મારી ડુંગરને બેસી રહેવું પડે.

   કોકવાર મુખી એવુંય કહે : ‘અલ્યા ડુંગરિયા ! આજ અમારો વસ્તો બીજા ખેતરમાં કોંમે ગ્યો સે અનં કૂવા પર અમારા કોસનો વારો પત્યો નથ્ય તે આજ તું તારું કોંમ પડી મેલી અમારામાં કોસ હોંકવા હેડ.’ પછી તો જવું પડે ડુંગરને. એ વખતે બપોરનો બળદ સંગાથે જોતરાયેલો ડુંગર ઠેઠ વાળુ વખતે છૂટો થવા પામે. ના ચા કે બીડી. મુખીનું આખું ખેતર પી રહે, બેલંટી બેલંટી બાજરી પી રહે ત્યારે મુખીનો કોસ છૂટે. તોય ડુંગરનો તો છુટકારો ના થાય. કૂવેથી મુખીને ઘેર આવી બળદને સવજી મુખીના ખીલે બાંધી ખાણપાણી દેખાડવાનાં પાછાં.

   કોકવાર મુખી પાછો કહે : ‘ડુંગરિયા ! આ બળધ્યાને ગવારનો ટોપલો ગમાણે મેલીને જા. જરા આપડા મેડેથી જારના પાંચદસ પૂળા પાડી અને નાખ તો આ બળધ્યાને. જનાવર બચારાં માગી તો ના હકે પણ આપડે ધ્યોંન તો રાખવું જોવે ને ?’

   ત્યારે ડુંગરને મુખી પર ખાસ્સી ચીડ ચડતી. એ બબડતો : ‘મારો હારો ખૂંધિયો ! દોઢહથ્થો ! એના બળધ્યાની જેટલી દરકાર કરે સે એનાથી અડધી દરકાર કદી કોઈ જીવતા મનેખની કરે સે ? મોંણહ જેવું મોંણહ આખા દાડાનું ભૂખ્યું તરસ્યું, હવારથી કોંમે બાઝ્યું હોય તોય એને ચ્યોં કસી પડી સે ? એને તો એના બળધ્યાની ચંત્યા.’

   ડુંગરને ઘણી વખત થાય કે ‘ઓના કરતાં તો મુખીનો બળધ્યો થયો હોત તો હારું. ભૂંડો સે અવતાર અમારો, આ બળધ્યા કરતાંય. જીબાન હોય તોય મૂંગું રે’વું પડે એવો અવતાર.’

   મુખીની વેઠ કર્યા પછીય એને જો પોતાના વારાની વાત પૂછવી હોય તોય એનાં પૂંઠિયાં ફાટે. હાથી જેવા મારકણા બળધ્યાનું ડોકું બગલમાં દબાવી અને ઘડીવારમાં નાથ પરોવનાર ડુંગરથી આ વેંતિયા મુખી આગળ શિયાવિયા થઈ જવાતું.

   કૂવો ડુંગરના ખેતરમાં હતો. કૂવામાં એના બે ભાગ; જ્યારે મુખીનો તો ત્રીજો ભાગ. મુખીના લેખમાં પંચે પાછા દાડા વહેંચી આપેલા. મહિનાના વીસ દિવસ કૂવા પર કોસનો હક ડુંગરનો અને દસ દિવસ મુખીનો. કૂવાના ખરચની વાતમાંય એવું ઠરાવેલું કે કૂવાને ઠીકઠાક રાખવામાં જે ખરચ થાય એના બે ભાગ ડુંગર ઉઠાવે અને ત્રીજો ભાગ મુખી આપે. પણ એમાંય મુખીની આડોળાઈ. ખૂંધિયો ખંધો બહુ. પહેલાં કહે કે ‘તું તાર ખરચ કર અનં પછ્ય હિસાબે થતા મારા ભાગના તું માગી લેજે. અતાર તું ખરચ.’ પણ હરામ બરોબર કે ખરચની એક પાઈ સરખીય જો મુખીએ ડુંગરને પરખાવી હોય તો. નકરી નાગાઈ.

   ભેંસની ડોકે પરોંણી પસવારતા ડુંગરને ગઈ સાલની જ વાત યાદ આવી. ગયા વરસે કૂવાનો તકિયો અને થાળું તૂટી ગયાં હતાં. એ વખતે ઈંટો, રેતી, ચૂનો અને કડિયાના થઈને રૂપિયા છસોનો રોકડો ખરચ મુખીએ મંજૂર ના રાખ્યો. ડુંગર અને દરિયાની મહિના દાડાની મજૂરી તો નોખી. પોતે જ્યારે કુલ ખરચના ત્રીજા ભાગના બસો રૂપિયા મુખી પાસે માગવા ગયો ત્યારે ‘આટલું બધું તે ખરચ થતું અસે ! આટલા રૂપિયામાં તો મારી હાહૂના નવો કૂવો ખોદાય. બહેં રૂપિયા નૈં મળે. જોઈએ તો પાંચ-પચ્ચી લઈ જા.’

   મુખીએ આમ કહ્યું એટલે તો એણે મુખીને સાવ નરમ ઘેંસ થઈને કાલાંવાલાં કર્યાં. ‘મુખી ! છહેંનો ખરચ હાવ હાચો સે, ખરચના તમારા ભાગના બહેં તમારે મને આલવાના. એને બદલે “લઈ જા પાંચ-પચી” એમ કો’ એ ચાલે ? બધું તમને પૂછી પૂછીને તો કર્યું તું – અને ઈસાબેય...’
   ‘કિયા તારા બાપને પૂછ્યું’તું ? જા, નૈં મળે. અવે તો બેય નંઈ અને બહેંય નંઈ. આ પાંચ-પચી આલવાનું કે’તો’તો એય નંઈ. જા થાય એ કર.’

   ચોખ્ખી નાગાઈ.
   અરે ગયા વરસે જ ચોમાસામાં કૂવામાં ઉગમણી બાજુથી ડહોળું પાણી રેતના ફૂંકણ સાથે પડવું શરૂ થયું પછી ખાસ્સું તગારા જેવું બાકોરું પડી ગયેલું. ડુંગર અને તેના નાગજીકાકાએ બેત્રણવાર મુખીને કહી જોયું પણ એ તો કંઈ ગણકારે જ નહીં.

   આખરે થાકીને એમણે ગામના આગેવાનોનું પંચ ભેગું કર્યું. સ્વામિનારાયણ મંદિરના કોઠારી ગોકળ ભગત, ત્રંબક શેઠ, જેણા પગી અને ભાવસંગ ડાભીને લઈને ગયા કૂવે. ડુંગરના બોલાવ્યે મુખી કૂવે ના ગયા ત્યારે ત્રંબક શેઠ જાતે એમને કૂવે બોલાવી લાવ્યા.

   સૌ કહે : ‘મુખી ઓંનું કૈંક કરો નંઈતર કૂવો બેહી જશે.’
   મુખી કહે : ‘એમને જે કરવું હોય એ કરે. કૂવો એમના ખેતરમાં, કૂવામાં એમનો ભાગ વધારે. મને શું પૂછવાનું ?’
   ‘ના, એમ નંઈ; તમને પૂછવું પડે – કાયદેસર પૂછવું પડે તમં કૂવાના ભાગિયા સો. તમને પૂછ્યા વના ખરચ ચ્યમનું કરે ?’

   ત્રંબક મુખીને સમજાવે. કોઈથી ના સમજતા મુખી શેઠની વાતથી સંમત થયા.
   પછી કૂવામાં પોતાના કાયમી નોકર વસ્તાને ઉતારી બધું જોઈ-જાણી લીધું. ખરચની વાતમાં આગલા વખતની જેમ : ‘વાત તમારી બરાબર સે. અતાર તમે ખરચ કરો પછી મારી ભાગે થતી રકમ હું શા જોગ આલી દઈશ.’

   એમ કહી પંચને પૂછ્યું : ‘બસ્સ ?’
   પણ દૂધનો દાઝેલો છાસ ફૂંકે એમ આ વખત આગલા ખરચના બસો સંભાળી ડુંગર કહે : ‘પહેલાં આગલા આપો.’
   ડુંગરની આ વાતથી એકલો સવજી મુખી જ નહીં, પંચ પણ ગિન્નાયું. પંચ કહે : ‘એ તો તમે જોંણો અને મુખી જોંણે. મુખી કહે : ‘કયું ખરચ અને શેંના પૈસા ? અતારની વાત કરો.’

   સાચી વાત જાણે બધા. સમજે બધુંય પણ; પંચ તો એક જ વાતનું ગાણું ગાયા કરે : ‘અમને એ ખરચની કે ઈસાબની ચ્યોં ખબર સે ? અમીં તો અતારની વાતના સરીગત. એ વખત અમને પૂછવું’તું ને ? અતારે જે વાંધા-વચકા હોય એ કો’, તો એનો નિયા થાય.’
  
   ‘તે અમારા લેવાના નેંકળતા બહે રૂપિયા ભૂલી જવાના અમારે ? નંઈ માગવાના ઓંમની કને ?’ ડુંગરને કાંઈ સમજાતું ન હતું.
   ‘એ તમે જાણો’ – એમ કહેવા જતા શેઠને રોકી ગોકળ ભગત મુખીને કહે : ‘મુખી, આગળના ખરચનોય લોચો ઉકેલી નાખો ને ? આલી દોનં બર્યું બહે તે ડખો મટે.’ એમ કહી ભગતે શેઠને સંમત કરવા પૂછ્યું, ‘ચ્યમ શેઠ ? ખરું ને.’

   ભગતના કહેવાથી ઓછપાઈ ગયેલા મુખી : ‘હાર તાર... આલીશ,’ એમ કહેવા જતા હતા ત્યાં જ શેઠે; ‘મુખીને આલવાના થતા હોય તો આલે; એ તો મુખી..’ એમ એવું તે ભેદભર્યું બોલ્યા કે મુખીએ ‘આલીશ’ શબ્દ બોલવાને બદલે –
   ‘કૂવો કાલ પડતો હોય તો આજ પડે, અનં મંઈ મારે ડુંગરિયો ભુસ્કા. અવે આગલા કે પાછલા ખરચના ભાગની હું રાતી પઈ જો આલું તો બે બાપનો. અતાર હુધી પંચ પરમેસર કરી બધી વાતે બંધઉ સું, તાર આ તો આગલા આલો, આજના આલો. જા નંઈ મલે. હેંડો શેઠ ડેલે. હેંડ લ્યા વસ્તા.’ એમ કરતો મુખી ત્રંબક શેઠને ઉઠાડતોક ને ચાલ્યો. પાછળ પાછળ પંચ પણ ગયું. પંચ જોડે ગયા નાગજીકાકા.

   બાપે રોપેલા આંબા જેવો એકલો ડુંગર જ રહ્યો ખેતરમાં. બધા કૂવાની પાસે જ બેઠેલા. કૂવામાં બાકોરું જોવા ઉતારેલા વસ્તાની પરોણી ભૂલથી રંહી ગયેલી જોઈ ડુંગર એને લઈને ભોંયે લીટા કરતો બબડ્યો, ‘ખૂંધિયો નથ્ય કશું કરતો, નથ્ય કરવા દેતો. હૂઝ જ નથ્ય પડવા દેતો. કોંનાપુરી લોટાની જેમ ઘડીમાં ઓંમ ગબડે તો ઘડીમાં...’ એમ કરી એણે પરોણીની આર ભોંયમાં મારી જરા જોરથી. અને –

   પરોણીનો ગોદો ભેંસના કાનના મૂળિયામાં વાગ્યો. નિરાંતે ખાણ ખાતી અને આંચળમાં દૂધ ઉતારતી ભેંસને મર્મસ્થાને વાગતાં એ ચાર પગે કૂદી, એના પાછલા પગની લાત દરિયાને વાગતી વાગતી રહી ગઈ; પણ દૂધ ભરેલી પવાલીને લાત વાગતાં; બધું દૂધ દરિયા પર. દરિયા તો ભેંસને હો હો કરતી રહી પણ –

   ડુંગરે તો મુખીના પડછાયાને મારતો હોય તેમ સૈડ સૈડ પરોણી ભેંસને ચોડી દીધી. ભેંસની જેમ જ દરિયાય ફાટી આંખે ડુંગરને જોઈ રહી.
   ‘અરે, અરે, આ શું માંડ્યું સે તમે ? આવું તે મરાય ?’ એમ કહી એ ઊભી થઈ પરોણી ખૂંચવવા મંડી. પરોણી ખૂંચવવા જતી દરિયાને એણે ડારી, બેચાર ગોદા ભેંસને મારી લીધા; પણ દરિયા તો પરોણી ખૂંચવીને જ રહી.

   ગમાણમાં ભેંસ કૂદાકૂદ કરે. ડુંગર પાસેથી પરોણી ખૂંચવતાં દરિયા હાંફી ગઈ. હાંફતો તો ડુંગરેય હતો. તોય એ ભેંસને તાકીને કહે : ‘અજુ તો તારાં ચોંમડાં ઉકેલી નોંખીશ.’

   ‘એનાં ચોંમડાં ઉકેલ્યા કરતાં કરવાનું હોય એ કરો ને ! મૂંગા ઢોરને માર્યા કરતાં પોંણી હોય તો બાઝો ને ઓલ્યા ખૂંધિયા હોંમે. પાંચ્છેર દૂધ ઢળઈ ગયું એમાં જેને આટલું ચચરતું હોય એનાથી આંખ આગળ શેકઈ જતાં બપૈયા જોઈને બર્યું ખાવુંય ચ્યમ ભાવે ? બઉ જોર હોય તો મુખીનો કોસ બંધ કરાઈ અનં આપડો જોડો તાર ખરા જોણું. આ બચારા ઢોરનો શું વાંક ?’

   પહેલાં આવું થાય ત્યારે કાળઝાળ થયેલા ધણીના મિજાજ પર પાણી ફરી વળે, એ જેટલી ઝડપે ગરમ થયો હોય એટલી ઝડપે ટાઢો પડી જાય. આખો દાડો દરિયા સામું આંખ ન મિલાવે. પણ આજ–

   ગટિયો મુખી આંખની સામે જ હોય એમ ઝાળ ફેંકતી આંખે એ દરિયાને તાકી રહ્યો. આ પહેલાં કદી નહીં જોયેલા તિખારાને દરિયાએ ડુંગરની આંખમાં ક્યાં સુધી તાક્યા જ કર્યો.
(ક્રમશ :...)


0 comments


Leave comment