2 - પ્રકરણ – ૨ / કૂવો / અશોકપુરી ગોસ્વામી


   બંને ખેતરમાંથી ઘેર આવ્યાં ત્યારે મફો હજુ સૂતો હતો. મફાને માંચીમાં ટૂંટિયું વાળી સૂઈ રહેલો જોઈને જમણા હાથનો ઠોંસો મફાના પાસામાં જોરથી મારતાં ડુંગર બરાડ્યો, ‘કિયા તારા બાપાની ગાયકવાડી પર આટલું બધું ઘોરચ્છ ? હારા પાટીદાર છવ કે ભવૈયો ? અડધી રાત હુધી ભવૈયા જોવા કરતાં એ ટોરામાં જ જતો રે’ને તે થાય તારા નામની નિરાંત. અલ્યા, ઉઠચ્છ કે અજુ આલું ?’

   રાતે ભવાઈમાં જોયેલા દુર્વાસાને સાક્ષાત્ ધરતી પર જોઈને મફો આંખો ચોળતો ચોળતો ઊઠતો’તો, ત્યાં જ પાછળ પીઠ પર એક એવો તે પડ્યો ધબ્બો કે મફલો માંચીમાંથી ગડથોલિયું ખાઈને સીધો નીચે. એને બોલવાનોય અવસર આપ્યા વિના જ ડુંગરે કહ્યું : ‘મફલા ! જા ભીખા સૂરાને બોલાઈ લાય. કે’જે કે કૂવે કોસ જોડવાનો સે. હેંડ ઉતાવળો, નંઈ તો તારો કાકો ચ્યોંક લાકડાં ફાડવા નેંહરી જશે તો વાત ખોરંભે પડશે.’

   મફાને ધીમેથી જતો જોઈ ડુંગર પાછો અગ્નિની ઝાળ જેવું દઝાડતાં બોલ્યો, ‘અલ્યા નમારમૂંડા ! પગ ઉપાડ. ટોંટિયામાં જોર ના હોય તો ફટકારું બે-ચાર ડંગોરા ? હમણાં રાગે આઈ જશે.’ મફાને આજ બાપા ન સમજાયા, પણ એટલું તો સમજાઈ ગયું કે બાપા કહે એ કરવામાં વાર નહીં લગાડવામાં જ મજા છે.

   ઢોળાઈ જતાંય બાકી વધેલા દૂધ જેવો રાજીપો અનુભવતી દરિયા આ બધો તાલ ઠાવકે મ્હોંઢે જોતી હતી. નહીં તો આડે દાડે મફાને દૂધ અને રોટલો ખાધા વગર ઘર બહાર જવા ના દે; પણ આજ તો એ બોલે તોય ડુંગરને વાંકું પડે એમ હતું. વલોણાની ગોળીમાં રવૈયો ખખડાટ કરે એમ. ડુંગર બબડાટ કરે –
   ‘માળી હારી બૈરાંની જાત વાયડી બઉ. જોંણે સે કે આજ કૂવે કોસ જોડવાનો સે, પણ હાહૂની મેંઢી થઈને આપણને તાક્યા કરે સે. છે કસી ફકરચંત્યા, બળધ્યાના દોંણખોંણની ? ઢોરાં કૂવે બાંધ્યાં એટલે બધું કોંમ ભાયડાના તાબાનું. અતાર ચેટચેટલું કોંમ ધકો કરે સે. ઘડીનીય નવરાશ નથ્ય અને આ તો જુવો ! હાહરી કશી જવાપદારી જેવું જ નંઈ ?’

   દરિયાને ઘરના ઢાકાઢૂંમામાં જોઈ અને પોતાની કોસ જોડવાની વેતરણમાં એ મદદરૂપ નથી થતી એમ લાગતાં એ તો ખિજાયો. આટલા આકરા બોલ છતાંય દરિયા રોજની જેમ ઠંડકથી કામ કરતી હતી. ડુંગર ઉકળે અને દરિયા કામ કરે એવુંય ન હતું. એણે તુવેરના ગોતાના ટોપલામાં બશેરેક ગોળ અને અચ્છેરેક તેલ નાખી બળદ માટે ખાણ તૈયાર કર્યું; પછી ચૂલો સળગાવી રોટલા ટીપવા બેઠી.

   ડુંગરે કોસની કોંબિયોના ઢીલાં પડેલાં બાંધણાં ખેંચી તંગ કર્યાં. મેડેથી કૂવાની વરત ઉતારી લાવ્યો. પરસાળની બે પાટડીઓ વચ્ચેના માળિયા પરથી બળદ જોડવાની ધૂંસરી ઉતારી. જોતરાં અને બળદને મોઢે બાંધવાની મોંઈડી લાવી એણે રવેશમાં મૂક્યાં. ‘હવે શું ર’યું બાકી ?’ એમ બબડીને એણે જોયું તો ધૂંસરીની સમોલ ન મળે. એ તો પાછો ઊપડ્યો નાની કુહાડી લઈને; તે ગેંગડીની બે સમોલ કાપી લાવ્યો. સમોલ જાડી પડી તે એને છોલવા બેઠો.

   ‘આ રઘવાટ્યું માંણહ ચ્યોંક બાજી બગાડી ના મેલે.’ કલેડામાં રોટલો નાખતાં દરિયા બબડી. થોડું વિચારી એણે ડુંગરને નરમાશથી કહ્યું, ‘મફાના બાપુ ! તમે સાંમીનાયણના મંદિરેથી દાજી અને ગોકર ભગતને જરા કઈ આવોને કે કૂવે કોસ જોડવાનો સે તે બેય બારોબાર તાં આવે.’

    હજુ તો એ પૂરું બોલીય ન રહી ત્યાં તો, ‘તું અતાર આ તારું સળગીને બા’ર આયેલું એંધણું સંકોર મને સલ્યા આલ્યા વગર. અમારામાં દખલપંચર કર્યા વના અમારા રોટલા લઈને આઈ પોંચજે કૂવે. આજ આભ પડે તોય કૂવે કોસ તો જોડાવાનો જ.’ એમ કહેતાં કહેતાં કશું યાદ આવવાથી એ પાછો ઉતાવળે મેડે ગયો.

   કાં તો ઉતાવળથી કે પછી કલેડું ખોખરું થઈ ગયું હશે, ગમે તે, પણ કલેડામાં જરા જોરથી રોટલો દરિયા વડે નંખાઈ ગયો. જૂનું કલેડું જોરથી રોટલો પડવાને લીધે ભાંગીને સીધું ચૂલામાં. દરિયાના મનમાં ધ્રાસકો પડ્યો. બીક હાચી પડવાની આ એંધાણી સે કે સું? હવારમાં દૂધ ઢોળાયું, અતાર કલાડું ભાગ્યું. એનો જીવ બળ્યો. ચૂલાની ઝાળ જેવો અજંપો એને ઘેરી વળ્યો;પણ મનને કાઠું કરી એ કામમાં પરોવાઈ અને મનમાં માનતા માની, કે આ બધું સમુંસૂતર પાર ઊતરી જાય તો આ શનિવારે હનુમાનજીની દેરીએ દીવો-નાળિયેર કરી આવીશ.

   ડુંગર મેડેથી એક વધારાનો નવોનકોર કોસ ઉતારી લાવ્યો. કોસ લઇને ઊતરતાં જ એ દાદરેથી જ કહેવા મંડ્યો : ‘જૂનો કોસ વખતે ને ફાંહઈ જાય એના કરતાં આ...’ એમ કહેતાં એણે દરિયા ભણી જોયું. દાદરો ચઢીને પાછા ઊતરતા ધણીના બદલાયેલા અવાજે એને ટાઢક વળી. એ માથું હલાવી હસી.

    બધી તૈયારી પૂરી કરી નવરા પડેલા ડુંગરને પાછું સૂઝ્યું, મફાની માની વાત ખરી હતી. એટલે એણે ‘હેંડ તાર મંદિરેથી દાજીને બોલાઈ લાવું. કશું નૈં ને ઢાળિયાનાં બારાં હાચવશે તોય બઉ.’ એમ કહી એ તો ગયો મંદિરે.

   ગામનાં અને ઘરનાં બધાં નાગજીકાકાને દાજી કહેતાં. ડુંગરનો બાપ વાઘજી અને નાગજી બેય સગા ભાઈ. પહેલાંના વખતમાં પાટીદારમાંય કન્યાની બહુ અછત. ખેતીમંદા પાટીદારના ઘરમાંય બેત્રણ ભાઈઓમાં પરાણે એકને કન્યા મલે. સામસામાં સાટાંય થાય. કોક લાલચુ બાપ ધરાઈને રૂપિયા લઈ એની ઉમ્મરના મુરતિયાને દીકરી પરણાવેય ખરો. આવા વસમા વખતમાં આ બેય ભાઈ વાંઢી રહી જાત; પણ મોટા નાગજીને બદલે નાના વાઘજીનું એ શરતે ઠેકાણે પડી ગયું હતું કે વાઘજીના વસ્તારને જ બધાં ખેતરાં અને માલમત્તા મળે. નાગજીના પગે ખોડ. એ લંગડાતો ચાલે એટલે ઘરનાંએ આશા મૂકી દીધેલી. અને ક્યાંક મોટાની આશામાં ને આશામાં આ નાનો હાથ ઘસતો ના રહી જાય એમ માની ઘરનાંએ વાઘજીનો મેળ પાડી દીધેલો.

    વાઘજીના પરણ્યા પછી દાજી કાયમ સ્વામીનારાયણના મંદિરે રાતદાડો રહે. ખેતરમાં વાવણી વખતે કરવાજોગ કામ હોય તો કરવા આવે. જો કે ત્યારેય દરિયા-ડુંગર એમને કામ ન કરવા દે. કહે : ‘તમં તમાર બેહો આ આંબે. અમં ઘડીમાં પતવી દઈએ સીએ.’ અને આમેય એમનો જીવ સ્વામીનારાયણના મંદિરના કોઠારી ગોકળ ભગત જોડે એવો મળી ગયેલો કે બે ટંક ખાધું-ન ખાધું ને પહોંચી જાય મંદિરે. ફળિયાવાળાંય કહે : દાજીનો જીવ સાંમીબાપામાં લાગી ગ્યો સે. – તો ગામનો ત્રંબક શેઠ કહે : ‘ભગવાન સ્વામીનારાયણમાં એમનો જીવ લાગ્યો હશે કે નહીં એ તો દેવ જાણે; પણ ગોકર ભગતમાં તો લાગેલો છે જ.’

   ઘરમાં, ખેતીમાં કે વહેવારમાં દાજીની કશી ડખલ નહીં. દરિયા એમની ખાતરબરદાસ્ત એવી કરે કે આખું ગામ કહે : ‘પેટની છોડીય ના હાચવે એવી ઠાઠો દાજીની આ દરિયા કરે સે.’

   ડુંગરને કોઈ દિવસ નહીં અને આજ મંદિરે આવેલો જોઈ બેય ડોસાને થયું, મોંનો ના મોંનો પણ છે કૈં નવાજૂની. નૈંતર ડુંગર સીધો મંદિરે ? ના બને. ડુંગર તો સ્વામીનારાયણની મૂર્તિને નમ્યો – ના નમ્યો અને કહેવા મંડ્યો, ‘દાજી ! જરા ઊભાઊભ ઘેર આવી જાવ ને, ભગતકાકા તમેય હંગાથ આવો.’

   દાજીએ અધ્ધરજીવે પૂછી નાખ્યું, ‘ભઈ ઘેર બધું હમૂંહૂતર તો સે ને ? ચ્યમ ઓંમ ?’ ભગતે તો સીધું જ, ‘અલ્યા ચ્યોંક બખેડો તો નથ ઊભો કર્યો ને ?’
   ભગતનું બોલવું અડધેથી કાપી ડુંગર : ‘ભગતકાકા ! બધી પડાપૂછ તમં ઘેર કરજો ને ભૈ’સાબ ! બખેડો કસોય નથ્ય. તમં ઘેર હેંડો ને એકવાર.’
   ‘તો ઠીક.’ એમ કરી બેય ઊઠ્યા.

   ડુંગરના પગમાં જાણે પૈડાં. દાજી પગે લંગડાય અને ભગતના પગે વા. ઘડપણ ગમે તેટલું ઉતાવળું ચાલે તોય ક્યાંથી મેળ પડે ? ડુંગરની આજની ઝડપ જ નોખી હતી. ડુંગર વહેલો ઘેર આવ્યો. એણે જોયું તો રવેશીની ખૂંભીએ ભીખો ટેકો દઈને બેઠેલો. ભીખાને જોઈ એ નચિંત થયો.

    ભીખા સૂરા અને ડુંગરની જોડી જબરી. બેયની ભાઈબંધી ગામ આખામાં જાણીતી. બેયનાં કદકાઠાં સરખાં. ફેર ખાલી શરીરના વાનમાં. ડુંગર ઊઘડતા વાને પણ ભીખો તો, લીલા વાંસની લાકડીમાં ધારિયું બેસાડતાં પહેલાં લુહાર એ વળી ના જાય માટે બાળે એ વખત લાકડીનો જેવો રંગ થાય એવા રંગનો એ. લીલા વાંસની લાઠી જેવો અમળાટ હજુય ભીખામાં અકબંધ. બીજો એક તરત નજરે ચડે એવો ફેર એ કે ભીખાને ખભે કાયમ ચમકતું ધારિયું હોય. રાતે કે દાડે ભીખો ધારિયા વગરનો ન હોય; જ્યારે ડુંગર પાસે હોય દાતરડું અને છેટકું.

    ભીખાની મથરાવટી મેલીય ખરી; પણ દરિયાની શિખામણે બધું છૂટી ગયેલું. ગમેતેમ પણ ભીખાને ડુંગર જોડે એવું ફાવી ગયેલું કે, રાતવરત હોય અને જો ડુંગર કહે કે, ‘ભીખા ! કૂવામાં ઊતરવાનું સે;’ તો ભીખો કહે : ‘હેંડો.’ ડુંગર કહે, ‘ભીખા ખેતરમાં રાતવાસો જવાનું સે;’ તો ભીખો કહે, ‘હેંડો.’

    આખા ગામને મોંઢામોંઢ સુણાવી દેતા. કોઈનેય નહીં ગાંઠતા ભીખાને કહેવાજોગ વાત હોય તો દરિયા બેધડક કહે પણ ખરી અને ઠપકારે પણ ખરી. ભીખો એક દાજી અને બીજી દરિયાની શેહ ભરે. દરિયા તો ભીખાના આખા ઘરની કાળજી લે. વાર તહેવારે કે સારા નરસા વખતે દરિયા એના ઘરનો ચૂલો જ ના સળગવા દે. ભીખાના ઘરમાં ચીજવસ્તુ થઈ રહ્યાની ભીખાને ખબરેય ન હોય પણ દરિયાને હોય. ઘણી વખત તો એ ગળગળોય થઈ જતો.

    ભીખાને જોઈ દરિયાને હુકમ કરતો હોય એમ ડુંગર કહે : ‘ભીખા હાતર ચા મેલ.’
   દરિયાને શું સૂઝ્યું કે એણે તો છણકો કર્યો : ‘મેલો તમાર મેલતી હોય તો; મારે તો અજુ રોંધણું નથ્ય પત્યું. તમારે તો હાત ભૈ અને પાંચ બોંનો. હું તે ચેટલાની સારવાર...’ દરિયાની વાત સાંભળી ડુંગરની આંખો ફાટી, ‘તારી તે માની...’ એમ બોલતા ડુંગરને ભીખો ‘હોં હોં ડુંગર, ચ્યમ આટલું બધું ધખી જાચ્છ ? આ હૂઝાડ તો ખરો. આ...’ એમ કરી એણે ચાનો ખાલી કપ બતાવ્યો.

    ‘ના...ના. ભીખાભાઈ તમં બોલવા દો ને એમને. અમારી પર ગાતર નૈં કરે તો કોની પર કરશે ? પારકા પર કૈં ઓછું...’ એમ ભેદભર્યું બોલી બાકીનું અધૂરું છોડી ચૂલામાં ફૂંક મારી. આજે કોઈ વાતે એ ડુંગરને ટાઢો પડવા દેવા જ માગતી ન હતી.

    વધારે કશી ચડભડ થાય એ પહેલાં તો મંદિરેથી બેય ડોસા આવી ગયા. રવેશમાં કોસ જોડવાનો સરંજામ પડેલો જોઈ દાજીએ સ્વાભાવિક જ પૂછ્યું; ‘ભૈ, કૂવે આપડો વારો શરૂ થ્યો સે કે સું?’ મંદિરે રહેતા દાજી મૂળે ખેડૂત જીવ. એમનેય દરિયા-ડુંગર જેવી જ ખેતીની ફિકર થાય. જવાબમાં ડુંગર સ્પષ્ટ હા-ના કરે તે પહેલાં દરિયા કહે : ‘હોવ્વ. તમં ઘડીક મંઈ ઓયડામાં બેહો.’

    ઓરડામાં ગોદડું પાથરેલા ખાટલા પર બેસતાં બેસતાં જ ભગત પૂછે, ‘ડુંગર, કે, શી વાત સે ?’
   ‘કૂવે કોસ જોડવો સે આજે.’
   ‘તે જોડ ને !’
   ‘પણ...’ ડુંગર મૂંઝાય.
 
   એટલામાં દરિયાએ બંને આગળ દૂધ ભરેલા કાંસાના વાટકા મૂક્યા. વાતચીત થંભી, બંને જણ દૂધ પી રહ્યા ત્યાં સુધીમાં તો ડુંગર સ્વસ્થ થઈ ગયો. એ કહે, ‘દાજી, મુખી પંદર દાડાથી કૂવાનું થાળું છોડતો નથ્ય. આપડા તો બપૈયા શેકઈ જાય સે.’
   ‘આજકાલમાં સવજીનો કોસ છૂટે એટલે રાત માથે કરીને બપૈયા પઈ લેવાના ભઈલા.’
   ‘પણ એ તો ચ્યારેય ના છોડે થાળું. તાં હુધી આપડા બપૈયાનું સું?’ ભીખાથી ના રહેવાયું.
   ‘થોડું ખમી જાવ ને. એ કંઈ તલાવડાં તો નથ્ય ભરવાનો કે કોસ જોડયલો ને જોડયલો રાખે. કૂવો નવરો થાય એટલે...’ દાજી એ બેને સમજાવે.’
   ‘દાજી, એમનાં ખેતરાં તો ચ્યારેય ના પતે. તાં હુધી મારાથી નંઈ બેહી રે’વાય.’ આટલું એકીશ્વાસે બોલી એણે દરિયા સામું જોયું.

   ‘તાર શું કરીસ ભઈ ?’ ભગત બોલ્યા.
   ‘આપડો કોસ જોડીસું.’ દરિયાએ જવાબ દીધો, ડુંગરને બદલે.
   ‘ચ્યારે ?’
   ‘આજ, અતાર, અબ્બી.’ ડુંગર કહે.
   ‘પણ...’ દાજી મૂંઝાયા.
   ‘ના દાજી, અવે મુખીને પૂછવા જવું નથ્ય. કૂવો આપડો, ખેતરાં આપડાં અનં આપડા બપૈયા બરીને ખાક થઈ જાય તાં હુધી તો ના બેહી રે’વાય ને ?’ દરિયા બોલી. એના સૂરમાં સૂર પુરાવતાં ભીખો કહે, ‘હું તે ચે દાડાનોય ડુંગરને કોચ્છ, ડુંગર, બપૈયા બરે સે. હેંડ કોસ જોડીએ. પણ....’ હવે તો દાજી ભગતને કહેવા મંડ્યા, ‘ભગત, આ અદેખો મુખી વાડી બગાડવા બેઠો હોય એમ કરે સે. થોડુંઘણું તો અમેય દબયા ચંપયા વેઠી લઈએ; પણ ઓંનું તો મોથું જ ધડ પર નથ્ય. અવે એને હમજાવવોય ચ્યમનો ?’

   ‘દાજી, એ તો તમારી શરમ અડે સે મને. નંઈ તો હું એનું મોંથું ઠેકોંણે લાઈ દવ.’ અકળાયેલો ભીખો બોલ્યો.
   ‘દાજી, કૂવાનું થાળું ખાલી હોય કે ના હોય; પણ અમે તો અતાર કોસ જોડવા જઈએ સીએ. તમં નવરા હો તો આવજો કૂવે.’ ડુંગરે અફર નિર્ણય જણાવી દીધો.
   ‘શું કરીશું ભગત? આ છોકરાં તો...’
   ‘નાગજી ! તમં મનં પૂછો છો તો કઉં. પાછું તમને એમ ના થાય કે ભગતે વઢાડી માર્યા. બધું જોંણી-વિચારીને કરજો. કશા ભરમમાં ના રે’તા. એ ટોરાનો હપૂચો વશવા નંઈ. ચ્યોંક બૈડા પાછળ ઘા...’

   ગોકળ ભગતની વાત પૂરી થવા દીધા વગર ભીખો ઓરડામાં જ ખૂંધિયા મુખીને ઝાટકો મારતો હોય એમ કહે, ‘જોઈ છે આ લાલબૈ ? ખૂંધિયાના તૈણ કડકા કરી નોંખું.’ મારો વાલો ઓરડામાંય ધારિયું લઈને આવેલો. ભીમ ગદા વગરનો હોય તો ભીખો ધારિયા વગરનો હોય.

   ઓરડામાં થોડીવાર શાંતિ પથરાઈ. સૌ ખાટલામાં બેઠેલા દાજી અને ભગત સામું જુએ; તો દાજી ભગત સામું ‘શું કરીશું ?’ ની પૃચ્છામાં તાકે.’
   આખર ભગત બોલ્યા : ‘તો થાવ નાગજી મુખી હોંમા. હાચી વાતમાં સાંમીબાપા સ્હાય કરે.’

   ‘અવે હાચી વાત તમે કરી.’ રાજી થયેલા ભીખે ભગતને કહેતાં દરિયા-ડુંગર સામું જોયું. એમના ચિમળાયેલા ચહેરા પર ખુશી ફરી વળી – જાણે ખેતરના તરસ્યા બપૈયાને પાણી મળ્યું. માની ગોદમાં લપાઈને બેઠેલો મફો વિસ્મયથી સહુને વારાફરતી જોવા લાગ્યો.

   દાજી હવે બધું કામ પોતાને હસ્તક લેતા હોય એમ કહે, ‘દરિયાઉ, તમં બપોર વેરાએ અમારા ચાર જણાના રોટલા લઈને આઈ પોં’ચજો કૂવે. આ મફલાને અતાર ખવાડી અને નેંહારે મોકલી વરગો તમે કોંમે.’ દાજી હજી તેમની સૂચના પૂરી કરે તે પહેલાં તો ‘હું નેંહારે નંઈ જવ, હું તો કૂવે આયેશ’ – કહી મફો દરિયાના પડખામાં લપાયો.

   ‘જવું તો પડે ને નેંહારે. કૂવે તાર સું કોંમ છે ? તારે નેંહારે જવાનું સે.’ દાજી એને સમજાવે પણ દરિયા કહેવા મંડી : ‘દાજી, એક દાડો મફલો નેંહાર નંઈ જાય તો ચિયાં વડી-પાપડ વંઠી જવાનાં સે ? એ છો આવતો ખેતરે. ઢાળિયાનાં બારાં બાંધશે. કસું કોંમ ના કરાઈએ તારે હરોંમ હાડકાનો થઈ જાય. છો આવતો કૂવે.’

   ‘હાર તાર.’ કહી દાજીએ રજા આપી. હવે ભગત કહે, ‘ડુંગર, તું અને ભીખો અમારી આગમચ પરવાડે થઈ અને પહોંચો કૂવે. અમે બેય ભાગોરે થઈ અને આઈએ છીએ.’
   ‘બેય કશું બબડ્યા કર્યા વના હેંડજો; નૈંતર કહાર કરવા જતાં ચ્યોંક... હમજ્યા અલ્યા ?’ દાજીએ બંનેને શિખામણ આપી.
   ‘હોવ્વે.’ બેય એકીસાથે બોલ્યા.

   હવે દરિયાનો શ્વાસ બેઠો. ડુંગર અને ભીખા બાબતે એને એટલી ફડક કે બાજી ગોઠવતાં ગોઠવતાં બેય અધીરા થઈ અને ઉતાવળ કરી મૂકે. અંગૂઠે કમાડ ઠેલવાનું હોય ત્યાં મૂકે જોડા સાથે લાત.

   બધાં ઊઠયાં. વગરકહ્યે મફો દૂધના ખાલી વાટકા; ચૂલે શાક વઘારતા દરિયા કને લઈને આવ્યો. આ જોઈ દરિયાને મફા પર વહાલ ઊભરાયું.એ દીકરાને એક હાથે પાસે ખેંચી વહાલ કરવા જાય છે ત્યાં જ ભોંયે ઝૂકવા જતાં વાટકો મફાના હાથમાંથી છટકી લીંપણ પર ખણણણ કરતો ખખડી કંપવા લાગ્યો.

   આ જોઈ દરિયા ચમકી. એને સવારમાં દૂધ ઢોળાયાની અને થોડીવાર પહેલાં તાવડી તૂટ્યાની ઘટના યાદ આવી. એય વાટકાની જેમ કંપી તો ખરી પણ ઢગલો કામના બોજ નીચે કંપને એણે દાબી દીધો.
(ક્રમશ :...)


0 comments


Leave comment