3 - પ્રકરણ – ૩ / કૂવો / અશોકપુરી ગોસ્વામી


   દુનિયા આખીનો ભાર દરિયાને માથે નાખીને સૂરજ ઊગ્યો હતો. આજ કશી નવાજૂની થયા વિના રહેવાની નથી. રોજ ફરકડીની પેઠે ફરી વળી ઘરનું કામ કરી નાખતી દરિયા વડે કોઈ દિવસ નહીં અને આજ રોટલા ઘડતાં ઘડતાં ભાંગી જવા માંડ્યા. ચૂલાનો તાપ આજે એને રોજ કરતાંય આકરો લાગ્યો. કલેડે હાથ ચંપાઈ જતાં કે ચૂલાની ઝાળથી દાઝતાં એ ઝબકી જતી. પાંચ જણના રોટલા જેમતેમ કરી ઘરના બીજા ઢાંકાઢુંમામાંથી પરવારતાં એને ઠીકઠીક વાર લાગી. ‘તાં શું થયું અસે ?’ની ચિંતામાં એનું મન રઘવાયું થયું હતું.

   ભાથું અને બીજાં જરૂરી વાસણકૂસણનું તબાસડું માથે મૂકી ખેતરે જતાં એને ધીરું ચાલવું પોસાય તેમ ન હતું. જોઈતી ઝડપે ચાલવામાં એના પગની સપાટ પણ એને નડવા માંડી ત્યારે પગે રસ્તાના કાચ, કાંકરા વાગશે કે પગ દાઝશે એની જરા પણ દરકાર કર્યા વિના માથાનું તબાસડું અધ્ધર રાખી એક પછી એક બેય પગમાંથી સપાટ કાઢી, નાખી રસ્તા પરના જાળામાં. અડવાણા પગ રાખ ફરી વળેલા અંગારા પર પડતાં દાઝે એવું દઝાયું; પણ એ તો કશું ગણકાર્યા વિના ચાલી ઝડપભેર.

   એ જેમ જેમ ઉતાવળી ચાલતી ગઈ તેમ તેમ તેને થાય કે નિસરણીના છેલ્લે પગથિયે આવી કોઈક એનામાં ધબ્બાક કરતું ભૂસકા મારે છે. આ ભૂસકાના સંગાથે એની અંદરનું પાણી ડહોળાઈને ચારે બાજુ ઊડે છે. પોતે ભીંજાતી હોય એવું એને લાગ્યું. આંખમાંથી બહાર નીકળતાં પહેલાંનું આ પાણી હશે કે શું ? એવું એને થયું. ન સમજાય તેવું ટાઢું લખલખું એની રગોમાં ફરી વળ્યું. એ બબડી : ‘આજ ચ્યમ ઓંમ થાય સે ?’

   આ વાત વધારે વિચારે એ પહેલાં જ ટેવવશ એના પગ ખેતર ભણી ફંટાયેલી ગાડાવાટમાં આપમેળે વળી ગયા. મૂળ રસ્તાની સાથે જોડાયેલા ગાડાવાટના ચીલામાં એનો પગ પડતાં એ લથડી, માથા પરનું તબાસડું પડતું પડતું રહી ગયું; પણ તોય એ ન થોભી. ચાલતાં ચાલતાં જ એણે જાતને અને માથાના ભારને સંભાળી લીધો. થોડું ચાલી ત્યાં સામે જ પોતાના ખેતરની ઝાંપલી.
 
   ઝાંપલી પાસે એ ઘડીકવાર થોભી, એણે આતુરતાથી કૂવાની દિશામાં નજર કરી. લીંબડાનો ઑથો પડવાથી એ તરફની હિલચાલ નજરે પડતી ન હતી. એને થયું : કૂવા પર ચ્યમ કોઈ જણાતું નથ્ય ? ચ્યમ કશો અણહારો વરતાતો નથ્ય ? બધા ચ્યાં ગયા અસે ?

   આવો વિચાર આવતાં એના શરીરે પરસેવો પરસેવો થઈ ગયો. એના પગ મણ મણના થઈ ગયા. પરાણે પગ ઉપાડી એણે ઝાંપલી ઉઘાડી. સીમ લૂંટાઈ ગયા પછીનો સૂનકાર એને કૂવે વરતાયો.

   એટલામાં જ એના બળદની ઘૂઘરમાળનો અવાજ એને સંભળાયો, અને પગમાં વગર ઝાંઝરાં પહેર્યે ઘૂઘરીઓ રણકી. ઘડી પહેલાંના મણ મણના પગ આપોઆપ હળવા થઈ ગયા. હરખના મોજા પર સવાર દરિયા એક જ હેલકારામાં તો કૂવાના થાળે જઈ ઊભી. એણે જોયું તો ડુંગર કૂવામાં નીચો વળીને ભરેલો કોસ ખેંચી થાળામાં ઠાલવે છે. એક કોસ ઠલવાતા સુધીમાં તો ભીખો બળદને પાછા વાળીને કૂવે હાંકી લાવ્યો. ડુંગરે ખાલી કોસ કૂવામાં લબડાવી અને સડેડાટ કરતાં કૂવામાં ઉતાર્યો. એણે દાજી અને ભગતને લીંબડાના છાંયામાં બેઠેલા જોયા પણ મફાને ના દીઠો. ‘મફો ચ્યાં ?’ એમ મનમાં બબડી, પણ ઊડતા પતંગિયા જેવી એની નજર મફાને ખોળીને જ જંપી. મફો પાવડો લઈ બપૈયામાં પાણી વારતો હતો. બધું હેમખેમ જોઈ એને હાશ થઈ. સૂકા તાળવે એણે જીભ ફેરવી. છોકરું ધવરાવતી પળે મા છોકરાને જેમ ઝીણવટથી જુએ એમ એણે કૂવે ઊભેઊભે ખેતરનો ખૂણેખૂણો ફંફોસી જોયો.

   ઉનાળામાં તપીને તપ્ત થયેલી વિહ્વળ ધરતી પાણીના સ્પર્શે અઢળક ફોરમ વછોડતી હતી. બપૈયાવાળા ખેતરના પહેલા જ પાળિયામાં પાણી જતું હતું પણ એની ટાઢક આખા ખેતરને વળી હોય એમ વરતાતું હતું. પાણી દેખી કિલકારી કરતા બપૈયા ઢાળિયાના પાણીને નમી નમી જોતા હોય એવું દરિયાને લાગ્યું. પોતા તરફ માને ક્યારનીય આમ નિહાળતી જોઈને મફો બપૈયામાંથી દોડી આવી માને બાઝી પડ્યો. દરિયાને થયું, ખેતરનો બપૈયો દોડી આવી મને બાઝી પડ્યો.

   ‘એ હેંડો બધા. બપોરવેરા ચ્યારનીય થઈ ગઈ. અવે પરવારીને જ કોસ...’ એમ બોલતાં એનાથી ડુંગર ભણી જોવાઈ ગયું. ડુંગર હજુય તપેલો જ હતો. કોસ કૂવામાં લબડાવવાના, પાણીમાં ઝબોળવાના અને ત્રણ મણ પાણી ભરેલા કોસને થાળામાં ખેંચી ઠાલવવાના શ્રમભર્યા કામને લીધે ડુંગર તપેલો તો હતો જ; એમાં દરિયાએ ખાવાની વાત સંભારી. એણે તો ‘મેલ ને વાત ખાધાની !’ એમ કહીને ભીખા સામું જોઈ મોટેથી ‘હાહરી બૈરાંની જાત. ના જુએ કોંમ, ના જુએ કોંમનો ઘાટ. એમને એટલુંય ના હમજાય કે ભર્યે ડોઝે ચ્યમનું કોંમ થાય ? બૈરાંને તો એમ કે ખાનારા ખઈ લે એટલે આપડે તો છૂટાં થઈ જઈએ ને ?’

   ‘ઓંનું ચાલે તો એ બપૈયા પત્યા વિના નંઈ ખાય કે નંઈ કોઈને ખાવા દે.’ એમ બબડી ખુદ દાજીએ જ ડુંગરને ટપાર્યો, ‘ડુંગર, એમાં આટલો બધો ધખી શેનો જાચ્છ ? દરિયાએ ખોટું શું કયું ? વેરા થઈએય સે. કલાકમાં પંદર કોસ તોંણ્યાંનું જોર તનં ચ્યોં પડ્યું સે ? ભઈ ડુંગર, તું તો ના કે પણ આ બળધ્યાનો કંઈ ગુનો ? ભીખા છોડ બળધ્યા.’

   અને બળદો છૂટ્યા. ભીખે બળદને મોઢેથી મોંઈડી છોડી તો નર્યું ફીણ ફીણ. લુહારની ધમણની પેઠ બળદ હાંફે. ડુંગરને તો હજુય બળદ છોડવા ન હતા.
   કોસે છોડેલા બળદ આંબાના થડિયે બાંધતા ભીખાને દાજીએં કહ્યું, ‘ભીખા, આપડા બળધ્યાનો હાહ હેઠો બેહે તાં હુધી તું મુખીના બળધ્યાને પોંણી દેખાડી નાખ કલ્લો કલ્લો જારનું બાટું. બચારા હવારના ભૂખ્યા અસે.’

   ‘ખૂંધિયાના બળધ્યાને નોંખે સે મારી દૈ રાત !’ ભીખો તો મુખીને જ નીરવાનું હોય એમ ઘસીને ના પાડતો બોલી ઊઠ્યો.
   પણ દાજી ભીખાને ઠપકો આપી કહે, ‘ગોંડિયા ! પાડાના વાંકે પખાલીને ડોંમ હોય ? બળદ તો આપડા ભેરુ. ભેરુને જે દાડે ખેડુ ભૂખે મારશે તારે વરહાદ નૈં પડે, હમજ્યો ? આપડો તો દાડો રૂઠ્યો સે કે બળદને ભૂખે મારીએ. દશમનનાય ઢોરને આપણે ખીલે ભૂખ્યું-તરસ્યું ના રાખીએ. લે હેંડ, બળધ્યાને નીરીને આય અંઈ, રોટલા ખઈ લઈએ. બઉ મોડું થઈ ગ્યું સે.’

   ‘હાચી વાત તમારી નાગજી.’ – કહી ભગતે સૂર પુરાવ્યો. ભીખો ઝંખવાયો. સરગવાને થડિયે બાંધેલા મુખીના બળદોને એણે પાણી પાયું અને ચારેયને સરખું બાટું નીરી બધાંની જોડે આવીને બેઠો.

   બધા લીંબડાના છાંયડે ગોળ કૂંડાળું વળી ખાવા બેઠેલા. દરિયાએ બધાને થાળીઓમાં રોટલા-શાક પીરસ્યા. મફે દોણીમાંથી છાસના વાટકા ભરી ભરી બધાની પાસે મૂક્યા. ડુંગરે પીવાના પાણીનો દેગડો કૂવેથી ભરી લાવી બધાની વચમાં મૂક્યો. જોડે કળસ્યોય મૂક્યો.

   રોજ કરતાં આજ દરિયાથી શાકમાં થોડું વધારે મરચું પડી ગયું હશે; કેમકે ખાતાં ખાતાં ભીખાને નહીં નહીં તોય બેત્રણ વાર પાણી પીવું પડ્યું. આ જોઈ દરિયાને ફાવતું જડી ગયું. આવી ત્યારની એને એ જાણવાની ચટપટી હતી કે કૂવેથી મુખીનો કોસ છૂટ્યો કેમનો ? પણ કોને પૂછે ? અને પૂછે તો સીધેસીધું શી રીતે પૂછે ? એણે એકવાર તો ડુંગર ભણી જોયું, પણ એ તો ઊંધું ઘાલીને ખાવામાં જ પડ્યો હતો. બઉ દાડે ભાવતું મળ્યું સે ઓંમને ? એમ માની એણે ડુંગરને પૂછવું ટાળ્યું.

   એણે તો હજુય સિસકારા બોલાવતા ભીખાની થાળીમાં ડોયો ભરીને તીખું તમતમતું શાક મેલી દીધું. ખાતાં ખાતાં ભીખાની આંખમાં પાણી આવી ગયેલું. એ જોઈ દરિયાએ તક ઝડપી.

   ‘ચ્યમ ભીખાભાઈ આંખમાં બહુ પોંણી આઈ ગ્યું ? ચ્યમ આટલા બધા સિસકારા ભરો સો ? ખૂંધિયાના વસ્તે બૈડામાં જોરથી ઝોંટ તો નથ્ય ફટકારી ને ? બઉ ચચરે સે બૈડો ?’
   ડુંગર એંઠા હાથે પાસે પડેલી ડાંગ લઈને ઊભો થવા કરતો હતો ત્યાં જ દાજીએ એને ટપાર્યો, ‘અલ્યા ખઈ લે ને છોંનોમોંનો ! એ બે વાત કરે સે એમાં તું શા હાતર ધખી જાચ્છ ?’ પણ એમ કંઈ દરિયા બીવે ? એણે વળી સંકોર્યુ, ‘ધખે, દાજી ! ચ્યમ ના ધખે ? મુખી જેવા મોંથાભારેનો કોસ છોડાયો એ કંઈ રમતવાતસે ?’

   ‘પણ દરિયાઉ...’ એમ બોલી દાજી કશોક વિચાર કરી અટકી ગયા, એટલે દરિયાએ પૂછવા માંડ્યું : ‘તે હેં ભીખાભઈ ! મુખીનો કોસ છૂટ્યો ચ્યમનો ? ખૂંધિયાનો વસ્તો તો રાખ્ખહ જેવો. ચ્યમ કરીને નહાડ્યો ? લ્યો ધરઈને ખાવ.’ એમ કરીને એણે ભીખાની થાળીમાં આખો રોટલો મૂકી દીધો. ભીખો ખાતો ખાતો હાં...હાં...કરી ના પાડતો રહ્યો તોય.

   ‘ખાવ ને ભીખાભઈ, મુખીનાં માંણહાં હારે બાઝીને થાક્યા અસો. ખાવ ધરઈને, આપડે તો ભીખાભઈ ધરઈને ખાવું અને બાઝવુંય ધરઈને.’ એમ બોલી ડુંગરભણી આંખ ઉલાળી ઉમેર્યું, ‘ચ્યમ, નંઈ ?’

   ભીખો ખાતો ખાતો ‘ફફહ’ કરતો હસી પડ્યો. ડુંગરેય બધાંની ધારણા વિરુદ્ધ હસી પડ્યો. બેય ડોસા બોખા મોંએ હસ્યા. મફાને રોટલો ધરતાં દરિયાએ ઈશારો કરી કહ્યું, ‘તારા બાપુને આલ.’

   ભારેખમ વાતાવરણને હસીબોલીને દરિયાએ હળવું કરી દીધું. એને એક વાતની તો ખાતરી થઈ ગઈ હતી કે મુખીનો કોસ જુગતિથી છૂટ્યો છે. ઝપાઝપી કે મારામારી થઈ હોય એવું લાગતું નથી. એ તો બધું જાણવાને અધીરી થઈ.

   તો કોસ છૂટ્યો કેવી રીતે ?
   આખરે સવારની બીનાને ફરી નજરોનજર જોતો હોય એમ ભીખાએ વાત કહેવી શરૂ કરી, ‘ભાભી ! આ વસ્તાની ચોટલી મારા હાથમાં. એના એક ભેદની મને ખબર. અમે બેય ખેતરે આયા તાર વસ્તો આપડા કૂવે કોસ હાંકે. અમે બળધ્યા, કોસ, વરત, જૂંસરી બધું ખેતરના હોંમા શેઢે પરથમથી જ મૂકીને આયા કૂવે. સાવ અજોંણ્યા થઈ અને મેં તો એને બીડી ધરી એટલે કોસ હાંકવો બંધ રાખી એ આવ્યો અમારી પાસે. મેં બીડીઓ સળગાવી, એને વાતે વરગાડ્યો.’

    પંચમહાલ બાજુનો વસ્તો પૂરો પાંચ હાથ ઊંચો. ડુંગર કરતાંય મૂઠ વધારે. મુખીની આખી ખેડની એ અને એનું કુટુંબ વેતરણ કરે. મુખીને ખેતરે આંટોફેરો કરવા સિવાય કંઈ કામ જ નહીં. આને લીધે એ એવો તે ફાટી ગયેલો કે ગામના પાટીદારનો પણ ધડો ના કરે. અરે કાજીની કૂતરીની જેમ જેને અને તેને વડચકાં ભરે. કોઈ એને કંઈ કહી જ ન શકે.

   બીડી પીતો પીતો ભીખો કહે, ‘અલ્યા વસ્તા ! મારા હાહરા, તું અંઈ કોસ હોંકચ્છ ! અને ગોંમ ભાગોરે તારા દેસથી પંચ આયું સે અને તારી હોધમહોધ કરી મેલી સે. તનં હોધનારાંએ મને પૂછ્યું’તું તારા બારામાં; પણ મને ખબર હોય તો તારા ખબર આલું ને ? જો ડુંગર, પેલાંને જઈને કઈ આવ કે વસ્તો અંઈ કોસ હોંકે સે. નકોમું પંચ હેરોંન ના થાય. જા ડુંગર.’ ડુંગરે જવા માટે પગ ઉપાડતો હોય એમ કર્યું.

   ‘ના ભીખુભાઈ. ડુંગરકાકા ના ખબર કે’વા જશો.’
   ‘ચ્યમ ? પંચ તો તનં હોધે સે.’ ભીખો કહે.
   ‘પંચની તો મોટી ઉપાદિ સે ને ભીખુભાઈ. લે, શેંહા દારૂના પીહા’ – એમ કરી એક રૂપિયો આલી પાછો ભીખાને કરગરે, ‘કોઈને કે’તો નંઈ ભીખુભાઈ, હું અંઈથી અબ્બીહાલ સરકી જવ સું.’

   ભીખો તો રૂપિયો લઈનેય કહે, ‘તારે સરકવું હોય તો ઉતાવળ કર. તું અંઈ અમાર કૂવે સું એવી બાંટણી તો અતાર હુધીમાં કોકે આલી દીધી જ અસે. પંચ આઈ પોંચ્યું જ મોંન.’ આમ કહી એણે ડુંગરને યાદ કરાવ્યું : ‘ડુંગર, પેલું વસ્તું ચેવું શિયાવિયા થઈ ગયું’તું.’

   ‘હૉવ્વ ભીખા, પણ પંચની વાતે વસ્તો આટલો બધો ઢીલોઢસ ચ્યમનો થઈ ગ્યો ? ચ્યમ પંચની વાતે આટલો બધો બ્હી ગયો એ ?’ મનં તો ભીખા વે’મ પડે સે તારી વાતમાં. વાત હાચી કે પછી...’ ડુંગર અટક્યો ત્યાંથી જોડીને ભીખો કહે : ટાઢાપો’રનું ગપ્પ. પંચ ચેવું અનં વાત ચેવી !’

   ‘તો..?’ એકલા મફાના જ નહીં સૌનાં મોં પર સવાલ છપાઈ ગયો. મફો તો ખાલી બોલ્યો.
   ‘વાત દાજી એવી અતી કે...’ આ વખત એણે દાજીને ઉદ્દેશીને વાત કહેવી શરૂ કરી, ‘આ વસ્તાનો છોકરો વિરિયો પંચમહાલમાંથી એમના જ નાતવાળા કોકની બૈરી ભગાડી લાયેલો. આ વાતની મનં ખબર એટલે મેં પંચનું દબોંહણું મેલ્યું.

   ‘તે દાજી, આવી વાતોમાં પંચ શું કરે ? ચ્યમ આ લોક એટલું બધું બ્હીવે ?’ દરિયાએ પૂછ્યું.
   ‘એમની નાતમાં દરિયાઉ, કેટલાક કાયદા વગરલખેલા હોય પણ બધા એને પાળે. કોઈની કુંવારી કન્યાને કોઈ લઈને ભાગી જાય એને એ લોક ચલાવી લે; પણ કોઈની બૈરીને ભગાડી જાય અને એ પકડાય તો એની પંચ બૂરી વલે કરે. એમના કાયદા ભારે.’ દાજીએ સમજાવ્યું.

   પંચમહાલમાં બેઠેલા પંચના હાથ કેટલા લાંબા છે એની વસ્તાને ખબર. પંચના પડછાયા ઠેઠ અહીં વસ્તાને અડે. આ લોક તો કહે પણ ખરા, જમનું તેડું સારું આ પંચના તેડા કરતાં.
   મારતા મીર જેવો વસ્તો પછી તો આ બંનેને કરગરે : ‘તમં મારું એક કોંમ તો કરો; આ બળધ્યા, કોસ, વરત બધું મુખીને તાં પોંચતું કરો. તમારો ગણ નંઈ ભૂલું.’

   આ બંને પાછા ગરજ જ ના બતાવે. એ તો ઊલટાના કહે, ‘ના રે, અતાર ના બને. અતાર તો અમારે બપૈયા ખવરવાના સે. તું કે’તો હોય તો દાડો આથમે પોંચાડીએ. તારે જવું હોય તો ખુશીથી જા અનં ના જવું હોય તો...’

   વસ્તે કોસ બંધ રાખી એના છોકરા વિરિયાને અને ભત્રીજા પેમલાને બોલાવી કહેવા મંડ્યો : ‘દેશમાંથી પંચ દાવો લેવા આયું સે. મુખીકાકો પીંહા દેસે નંઈ અનં પંચ પત્યા વના ઊઠશે નંઈ. ઈમ કર વિરિયા – તું, તારી મા અને તારી બાયડી ઉગમણી દશે ફતાકાકાના ઓંબાવાડિયામાં હંતઈને પડ્યાં રો. હું એટલા તેટલામાં ફર્યા કરેશ. પેમલા તું ગોંમમાં જા અન પંચ પૂસે તો કે’જે હું પરગોંમ ગ્યો સું.’

   આમ કરી કૂતરાં પાછળ પડેલાં ભાળી વાંદરાટોળું ચારપાંચ ફલ્લાંગમાં અલોપ થઈ જાય એમ ઘડીના છઠ્ઠા ભાગમાં બધું પડતું મૂકીને એ લોક અલોપ.
   આ બધું જાણી દરિયાને થયું; ભીખે ખરી જુગતિ કરી કોંમ કાઢ્યું; પણ હાચી વાતની ખબર પડ્યા વગર ઓછી રે’શે ? તારે ! તારે સું થશે ?’ ઘડીભર તો એ મૂંઝાઈ; પછી પોતે પોતાને જ મનાવતી હોય એમ બબડી : ‘જોયું જસે તારે, અતાર તો આયું ચોઘડિયું વધાઈ લેનં મારી બઈ !’

   ખાઈ-પી લીંબડાના છાંયે આડે પડખે થયેલા ભીખો અને ડુંગર તો મુખીનો કોસ છોડાવી પોતાનો કોસ જોડ્યાની ખુમારીમાં વસ્તા અને વિરિયાની વાતો કરી કરી બેય હસે. પોતે ઠાવકા થઈને મારેલા ગપ્પાને સાચું માન્યું એ વાતે ખડખડાટ હસીને એકબીજાને તાલીઓ આપે. મુખીનો ઉલ્લેખ થાય ત્યારે એની બોલશાની નકલ કરે. બેયની આવી ઠઠામશ્કરી દાજી અને ભગત જુએ. દાજીએ ભગતને કહ્યુંય ખરું : ‘ભગત, આ બેયને બે બોલ કો; ઓંમણે તો નહણક..ઠીક સે, ઘડીવાર ગમ્મત કરી લીધી; પણ...’

   ભગતે દાજીનો હાથ દબાવી રોક્યા. આ બેઉને ટોકી અને એમના રંગમાં ભંગ પાડવાનું એમને ઓછું રુચ્યું.
   એકવાર કૂવાનું ખાલી થાળું હાથ આવ્યું એના બાપનો કૂવો. જેણે કૂવે કોસ જોડ્યો હોય એનો હાથ ઊંચો. પોતાનો કોસ સહિયારા કૂવે ચાલુ રાખ્યાની ખેડૂતોને બહુ મમત હોય. અધવચ કોસ છોડ્યાની ભારે હીણપત લાગે. એમાંય મુખી જેવા મોટા માથાનો કોસ છૂટે એટલે એનો ખુમાર તો હોય ને ?

   હરખ બહુ ટકવાનો નથ્ય – દરિયા બબડી. એને થયું; આ તો આજનો કજિયો કાલ પર ઠેલયો એટલું જ; બાકી જારે આંગળી વઢાસે તારે લોઈ તો નેંકળવાનું જ.
   ત્યાં જ, ‘ચા મેલ’ એમ દરિયાને કહી ડુંગર ઊઠ્યો. ભીખો બળદને છોડી કૂવા પાસે લાવ્યો એટલે વગર કોઈના કહ્યે મફો ધૂંસરી ખભે ઉપાડીને ભીખા પાસે લઈ આવ્યો. ખભે ધૂંસરી લઈને આવતા મફાને દરિયા જોઈ જ રહી. ભગતે આ જોયું એટલે એમણે એને કહ્યુંય ખરું : ‘દરિયા, તમે તો મફાને ધૂંહરીએ જોડ્યો.’

   ‘ભગતકાકા, એક ને એક દાડો તો ખભે જૂંહરી મેલાવાની તો અતી જ. થોડી વહેલી કે મોડી. આજ એણે હમજીને લીધી તે હારું થયું; નંઈતર કાલ ગોદા ખઈને લેવી પડત. એ ઓછો બારિસ્ટર...’ એટલું કહીને એ અટકી અને એણે મોઢું ફેરવી લીધું. એને પેલી બારિસ્ટરવાળી વાત યાદ આવી :
   ત્યારે મફો ધાવણો; એનું ધાવણ નહીં છૂટેલું. એક સાંજે ડુંગર ખેતરેથી થાક્યોપાક્યો આવ્યો ત્યારે એ મફાને ધવરાવે. ધણીને પાણી આપવા દરિયા ઊઠતી હતી ત્યાં જ ડુંગરે એના ખભે હાથ દાબી એને ઊઠતી રોકી અને જાતે માટલામાંથી પાણી લઈને પીધું. પછી દરિયા પાસે બેસી એના દીકરાને જોઈ રહ્યો.

   દીકરાને આ રીતે જોતા બાપને જોઈ દરિયા બોલી : ‘આ મફો મોટો થયા કેડે તમારું અડધું કોંમ એ મોંથે ઉપાડી લેસે. પછય તમારે શોંતિ...’
   એને આગળ બોલતાં અધવચ અટકાવીને ડુંગર કહે, ‘એની કને મારે મજૂરી નથી કરાવ્વી. મારી જેમ એને ઢેફાં ભાગવાનાં કે બળધ્યાનાં પૂંછડાં નથી ઓંમરવાનાં. એને તો મારે ભણાઈ ગણાઈને બારિસ્ટર બનાવવો સે.’

   ‘દરિયાઉ ચ્યોં બાઘાં મારો સો ? આ ચા તો ઊભરાઈ. મંઈ દૂધ તો રેડો.’ દાજીએ એને જગાડી.
   ઉકળતી ઊભરાતી ચામાં દૂધ રેડતાં એનો ઊભરો શમી ગયો. કૂવે કોસને વરત જોડી, બળદને ધૂંસરી મૂકી, બધી તૈયારી કરીને બાપદીકરો અને ભીખો ચા પીવા લીંબડે આવી ગયા.

   ‘જો ભઈ, અમણાં ખાધા પછય તમં બેય કોસ છોડાયાની વાતે હસી હસીને તાલીઓ લેતા દેતા’તા એ વખતે તમે ખુશીમાં અતા એટલે ટોક્યા નંઈ; પણ ઓંમાં એટલા બધા હરખાઈ જવાનું નથ્ય. આ વાતને કોક વધારી-ઉમેરીને સવજીને ચાડી ખાય...’
   ‘તે દાજી ! મનના હરખનેય આપડે દાબવાનો ?’ ભીખો બોલી પડ્યો.
   ‘દુઃખને મનમાં દાબ્બવાની વાત કો તો બરાબર દાજી, પણ હરખને છતોય ના કરાય ?’ ડુંગરનેય દાજીની વાત ના ગમી.

   ‘ના ડુંગર, એવું નંઈ. આવી વાતથી વળ ચઢે. આપણને થાય, એમાં શું ? પણ એવી નોંની વાતની લોકને ઓંટી પડી જાય. અતાર કળજગમાં લોકથી ના કોઈનો હરખ વેઠાય, ના કોઈનું હખ વેઠાય. ઓંમ કરી શા હાતર અમથું કોઈની નજરમાં આવ્વું ? આપડે ઘર ખેતરાંવાળા, કટમ્બ-કબીલાવાળા. દબઈ ચંપઈને રે’વામાં મજા. નોંના બાપના ના થઈ જવાય એમાં. ટૂંકમાં હમજ ને ભૈ !’ એમ કહી વાત વાળી લેતા હોય એમ કહે, ‘અલે, અવે જોડો કોહ, તે આવે વે’લો પરોગ.’

   પેલા ત્રણેય ગયા એટલે દરિયા દાજીને કહેવા મંડી : ‘દાજી, તમે ઓંમ કરી આ બેને દબાવો એ બરોબર નંઈ. તમારી વાતનો અરથ તો નાગોડની નાગઈને વેઠવા જેવો થાય. દર વખત નમતું મેલી વેઠી લેવાની વાતમાં મને તો નર્યું બાયલાપણું દેખાય સે. હું તો હમજ આઈ તારની જોતી આઈ સું કે જબરો બે ભાગ માગે તો તમારા સરીખાય કે’, આલો. બાળો. કજિયાનું મોં કાળું; એમ પટાઈ હમજાઈને અલાવે અમાર જેવાં કનેથી. આ મુખી આટઆટલું વિતાડે તો તમં અમને વેઠી લેવાનું કોચ્છો; પણ આ તો બકાસુરને વારા બાંધ્યાલવા જેવું. ચ્યોં હુધી ઓંમ એમના મોઢામાં જઈને ‘લે અમને ખા.’ એમ કઈને પડ્યા કરવાનું ! વેઠીએ એટલું વધારે વિતાડે એટલુંય તમને નથ્ય હમજાતું ?’

   ‘પણ દરિયાઉ ! આવી નોંની નોંની વાતનો તંત ઝાલીને તમં વઢવા નેહરશો તો પારેય નંઈ આવે. દાડો ઊગે તે આથમે તાં હૂધી, મોંણહ જનમે તે મરે તાં હૂધી બધીય વાતે નિયાય-અનિયાય જોયા જ કરતા ફરીએ તો પરોગેય ના’વે. એનં કરતાં વેઠી લેવામાં વાંધો સું ? આ ધરતીમાતા ઓછું વેઠે સે ? એટલું તો નથ્ય વેઠવું પડતું નં ?’ ભગત દાજીની વહારે ધાયા.

   ‘તાર, ચ્યારે પાર આવે ? વગરગુને કોઈ થાપોટ્યા કરે અને જવા દો, કોણ કંકાહ કરે – એમ કરી વેઠી લેવાનું ? આ... ખઈપી જીવ્વું અને વખત આયે ગુજરી જવું એને જીવતર કો’સો તમે ભગતકાકા ? હું તમને અને દાજીને પૂછું સું સે ઉકેલ ઓંનો તમારા શાસ્તરમાં ?’

   ‘દરિયાઉ ! શાસ્તરમાંના મરમ તમને ના હમજાય. એ હમજાય સતયુગના સતિયાને. એ હમજવાનું મારું-તમારું ગજુ નંઈ. આપડે તો એ કૈ ગ્યા એને ગાંઠે બાંધવાનું. અમારા સાંમીનાયણની શિક્ષાપતરીમાંય કયું જ સે કે કોઈ કુમતિવાળો દુરજન હોય અને તે આપડને ગાળ દે કે મારે તો સહન જ કરવું. ના એને સામી ગાળ દેવી કે ના માર મારવો. એનું હારુ થાય એની ચિંતા કરવી. એનું ભૂંડું થાય એવો સંકલપેય ના કરવો. લખ્યું સે ને નાગજી શિક્ષાપતરીમાં ? નથી લખ્યું ?’
   ‘હોવ.’ દાજી કહે.
   ગોકળ ભગત કહે : ‘પણ તમને એ બધું નંઈ હમજાય.’

   ‘હાચી વાત અસે તમારી ભગતકાકા, તમ કો છો એ કબૂલ; પણ આ હમજવામાં જેટલું અઘરું, એટલું અઘરું એને આચરવાનું. જે હમજાય નૈં, જે જીવતરમાં આચરી ના હકાય એવાં શાસ્તર, એવાં એનાં ગનાંન શા કોંમનાં ? જે હૌનાં જીવતરને ઊજળાં ના કરે, હમજનો હાચો રસ્તો ના હુઝાડે એવા ગનાંનનો કંઈ અરથ ? મોંનવી માતરને એકહરખું લાગુ પડે એવું શાસ્તર ચ્યારે નેંપજશે ? હૌને હમજાય એવું ગનાંન ચ્યારે હોધાશે ?’ દરિયાને આવું પૂછતી સાંભળી ભગત ઘડીક મૂંગા થઈ ગયા.

   ‘ભગત, તમં દરિયાને નંઈ પોંચો. દરિયાઉ ! આ બધા મરમ ઓંમ સે’જમાં પોંમી જવાય તો જોઈતું’તું જ શું ?’
   દાજીનો મલાજો જાળવી એ વાદ કરતી તો બંધ થઈ પણ એના વિચાર તો ના જ અટક્યા.

   ચ્યોં હૂધી ઓંમ દબયા ચંપયા જીવ્વાનું ? વહવાયા જેવું જીવવાનો કંઈ અરથ ? માંણહને માંણહ થઈ જીવ્વાનું ચ્યમ ગમતું નંઈ હોય ? મારા મનની વાતને, મારા દુઃખને તો આ કોઈ જોણતું જ નથ્ય.

   એ આવું વિચારતી હતી ત્યાં જ મફો દોડતો આવી ‘મા હેંડ, બાપુએ પૂળાની ઘોયમાંથી મોટો હાપ પકડ્યો સે અને પૂંછડી ઝાલી એને ચક્કર ચક્કર ફેરવે સે–’ કહી પાછો દોડ્યો કૂવે.
   દરિયાની સાથે જ હડી કાઢીને ભગત અને દાજી ત્યાં ગયા ત્યારે પૂંછડીથી પકડેલો સાપ ડુંગરના હાથમાં ઊંધો લબડી તરફડિયાં મારે. દાજી અને ભગતને ડોળા કાઢી નિહાળતા જોયા એટલે એણે વગરબોલ્યે સાપને માથે લઈ ગોળ ફેરવીને નાખ્યો વાડમાં.

   ‘અલ્યા, આવાં અટકચાળાં શા હાતર કરચ્છ ? એ બચારાની કેવી ગત્ય કરી મેલી !’ દાજીએ એને ઠપકો દીધો. મફો તો વાડના જાળામાં જઈને સાપને જોવા લાગ્યો. ગૂંચળું થઈને પડી રહેલો સાપ ધવા વળી ત્યારે મફાની સામું ફુત્કાર કરીને સરકી ગયો વાડમાં. મફાને થયું, બાપુએ નકોંમો ઓને જીવતો જવા દીધો.

   દરિયા વગરબોલ્યે-ચાલ્યે આ બધું જોઈ રહી. એને પણ મનમાં થયું; આવા હાડબળવાળાનેય વેંતિયાનાં લટૂડાંપટૂડાં કરવાનાં? હે દીનાનાથ ! હાડબળ આલ્યું તો થોડી હમજણ પણ આલ. ખરે વખતે અમારી વાચા ચ્યમ હરઈ જાય સે ? જુલમ વેઠતાં આંખ લાલ થવાને બદલે ચ્યમ બીડઈ જાય સે ? હાથ ઉગોંમવાનો હોય તારે જ એની મુઠ્ઠીઓ વળી જાય સે; ખરા વખતે જ હોંઢણી પોંણીમાં બેહી જાય એવું ચ્યમ થતું અસે ?

   કૂવે કોસ ચાલુ થયો. કૂવાનો ગરગડો કિચૂડ કિચૂડ અવાજ કરતો હતો. બળદના ઘૂઘરાના તાલ અને કોસનું પાણી થાળામાં ઠલવાતાં થતા અવાજથી ખેતર ભર્યું ભર્યું લાગતું હતું. દાજી અને ભગત લીંબડે બેઠા બેઠા મંદિરની વાતો કરતા હતા. દરિયા વાસણોને ઊટકવા બેઠી.

   એણે છેલ્લું વાસણ ઊટકી વીંછળી અને બાજુમાં મેલ્યું; ત્યાં જ પાસે પગરવ થયો. એણે ઊંચું જોયું તો મુખીને, છેક કૂવા પાસે ઊભો ઊભો કોસ ઠાલવતા ડુંગરને નિહાળી દાંત કચકચાવતો દીઠો.
(ક્રમશ :...)


0 comments


Leave comment