11 - મોગરાનું ફૂલ / કંચનલાલ વાસુદેવ મહેતા 'મલયાનિલ'


   ઊગતા ઉનાળાનું એક પરોઢિયું પ્રગટ્યું. સૂર્યનારાયણે હજી તેજની ધારો નહોતી રેડી; પરંતુ પૃથ્વીની કોર નીચેથી ઝરી આવતા સુવર્ણરંગી રસથી જગત પ્રકાશમાન હતું. આજનો પ્રકાશ કંઈ ઓર જ હતો. સૂર્યનો સવારનો તડકો એટલે શીતળ. જાણે હિમના ઢાંકણામાંથી ગળાઈને ન આવતો હોય ! ઉદયાચલના ઝરણમાંથી ડૂબકાં મારી ન પ્રસરતો હોય !

   એક મનોહર વાડી હતી. વસંતરાજ શણગારી ગયા હતા. ઉષાએ ઉપર હિમ પાથરી હતી. સૂરજે તેને ધોઈ હતી. પાંદડાં લીલાં હતાં છતાં અત્યારે વધારે લીલાં દેખાતાં હતાં. ફૂલ સુગંધી છતાં આજ અવનવી સુગંધ ફોરતાં હતાં. વાડી રમણીય હતી પણ આજે તેની શોભા કોઈક વધારી ગયું હતું. આંબેઆંબે કોયલ બોલતી, સરોવરમાં હંસ નાહતા, અને ફુવારા આગળ મોર સહેલગાહે રમવા આવ્યા હતા.

   મોગરાની કુંજમાં રસવેલી ઊભીઊભી ફૂલ ચુંટતી હતી. ચૂંટીને છાબડીમાં ભરતી હતી. શરીર એનું ગૌર હતું, પણ પાછળ આવેલી મોગરાનાં પાંદડાંની ઘટાને લીધે ગુલાબી લાગતું હતું : જાણે આજુબાજુનાં કોમળ કિરણ એના સુકોમળ અંગ ઉપર છવાઈ ન ગયાં હોય !

   રસવેલી ચૌદ વર્ષની જ હતી. વાડી કરતાં એ જરા ઓછી ખીલેલી હતી. મોગરાના ફૂલની અડધી ઊઘડેલી કળી જેવી એ લાગતી હતી. હજી ને મુગ્ધા હતી. એના અધર ઉપર યૌવને પૂરી છાપ નહોતી બેસાડી. પાસે આવતી વસંત એની આંખમાં ઊંડેઊંડે દેખાતી હતી. ભમરની કમાન પર પુષ્પેષુએ હજી તીર નહોતું ચડાવ્યું. અને તેને લીધે એ નિર્દોષ લાગતી હતી.

   બટમોગરાના છોડ ઉપર એક જ ફૂલ ખીલેલું હતું. બીજાં બધાંય હજી વણવિકસ્યાં હતાં. જાણે નાનાસરખા ભૂરા આકાશમાં તારલા વચ્ચે ખીલેલો ચંદ્ર !
   રસવેલીએ દૂરથી તે જોયું : જોયું ને દોડી.

   એ દોડી કેમ? અન્ય કોઈ ત્યાં હતું નહિ. કદાચ ફૂલ ખરી પડશે તેથી, કે કોઈ ચૂંટી લેશે તેથી? કોણ જાણે? ત્યારે તે દોડી કેમ? તે પોતે જ જાણતી ન હતી કે તે કેમ દોડી?
   અધીરાઈ અને પુષ્પ પર અતિશય પ્રેમ એ જ એનું કારણ.

   મોગરા પાસે જઈ તે અટકી. ચારપાંચ પાંદડાં અને બે કળીઓ સાથે તેણે ફૂલ ચૂંટ્યું. નીચેનાં નાનાં બે પાન એણે કાઢી નાખ્યાં અને જાણે અંબોડો જોઈ શકતી હોય તેમ નજર સ્થિર કરી એણે ત્યાં ખોસ્યું. હજીયે તે ઇન્દુ જેવું જ લાગતું હતું. માત્ર તારલા બે જ હતા. આકાશ શ્યામ રંગનું હતું.

   એના હૃદયમાં આનંદ ઊભરાઈ જતો હતો. ફૂલ ખસી તો નથી ગયું તે જોવા એ વારંવાર અંબોડા પર હાથ લગાડી જોતી હતી.
   ફૂલથી છલકાતી છાબડી એણે હાથ ઉપર ભેરવી ને આજુબાજુ નજર નાખતી તે ઘર તરફ વળી.
   વાડીના દરવાજા આગળથી એક ઝરણું વહેતું હતું અને તેની ઉપર એક ભાંગેલોતૂટેલો પુલ બાંધેલો હતો. ઢોર પાણીમાં પડી ન જાય તેટલા માટે બંને બાજુએ વાંકીચૂંકી વળીઓ જડી હતી.

   ધીમે પગલે પુલ ઉપરથી પસાર થતાં તે બંને બાજુએ જોતી હતી. કુદરત રસવેલીને તો રસવેલી કુદરતને વહાલી હતી. કુદરતે રસવેલીને પોતામય જ બનાવી દીધી હતી. અને એ કુદરતને અનિમેષ નયને ને પ્રફુલ્લ હૃદયે નીરખનાર શું કોઈ ભાગ્યવાન ત્યાં નહોતું?

   ઝરણાના કાંઠા ઉપરની એક ભેખડ ઉપર રસેન્દુ પાણીમાં પગ બોળીને બેઠો હતો. ચંપલ બાજુ પર મૂક્યાં હતાં. ટોપી ઘાસ ઉપર પડી હતી. સૂર્ય જરા ઊંચે ચડ્યો હતો. આંખો ઉપર તડકો પણ હવે આવવા લાગ્યો એટલે તે ઊભો થયો. સવારનો શીતળ આસ્વાદ લીધો હતો તેથી દિલ ખુશ હતું. એ પણ ઘર તરફનો રસ્તો લેતો હતો.

   પણ આ મોગરાની વાસ ક્યાંથી આવે છે ? એ આસપાસ જોવા લાગ્યો. લીમડાનાં ઝાડ અને આકડાના છોડ સિવાય બીજું કાંઈ જણાતું નથી. ત્યારે એ વાસ ક્યાંથી આવી? સુગંધી સ્થાનને એ શોધવા લાગ્યો.

   ધીમુંધીમું ગાતી રસવેલી ચાલી જાય છે. એના હાથમાં ફૂલછાબ છે. એના અંબોડામાં બટમોગરાનું ફૂલ મહેકી રહ્યું છે. એનાં અંગેઅંગમાંથી યૌવન ડોકિયાં કરે છે.
   રસેન્દુએ એને પકડી પાડી. ચાર પગલાં પાછળ રહી એનું ગીત સાંભળવા લાગ્યો.
મોગરાનું ફૂલ લ્યો, મોગરાને ફૂલડે છે ફૂલમાળ;
મોગરાનું ફૂલ લ્યો, મોગરાને ફૂલડે સુગંધમાળ.

ઢળતી માધુરી શું સારી,
ગરી જતી કુસુમવાડી,
ઝરી જતી પ્રમોદ ઝારી,
ફાલીઆ અમીના ફાલ. – મોગરાનું˳

મોગરેથી ગંધ લ્યો,
રસિક કો સુગંધ લ્યો,
ભ્રમર કો સુગંધ લ્યો,
મોગરાને ફૂલડે સુગંધમાળ. – મોગરાનું˳
   ઘડીમાં મોગરા તરફ, ઘડીમાં અંબોડા તરફ તો ઘડીમાં સુકોમળ કંઠવાળી તે ગાનાર તરફ રસેન્દુનું હૃદય પગલે પગલે ખેંચાતું હતું. ગીત આગળ ચાલ્યું :
મોગરાનું ફૂલ લ્યો, મોગરાને ફૂલ વારિ સાતર્યાં;
મોગરાનું ફૂલ લ્યો, મોગરાને ફૂલ હિમ પાથર્યાં.

ઝરતી શાંતિ શું સુંવાળી,
ઊડતી સીકરે ફુવારી,
સરતી ધાર શું રૂપાળી,
છાંટીઆં જળ્યાં ઉનાળ. – મોગરાનું˳

મોગરે થી હિમ લ્યો,
તપ્ત કોઈ હિમ લ્યો,
વિરહી કોઈ હિમ લ્યો,
મોગરાને ફૂલ હિમ પાથર્યા. – મોગરાનું˳

મોગરાનું ફૂલ લ્યો, મોગરાને ફૂલ પ્રકૃતિ ઊભી;
મોગરાનું ફૂલ લ્યો, મોગરાને ફૂલ લક્ષ્મી ઊતરી.

દિસતી જો શોભા અનેરી,
વનદેવે સફેદી વેરી,
દષ્ટિ જો, બનિયું રૂપેરી
ધોળીને કર્યો ઉજાળ. - મોગરાનું˳

મોગરેથી લક્ષ્મી લ્યો,
કવિ ઉર સુલક્ષ્મી લ્યો,
ચિત્રકાર લક્ષ્મી લ્યો,
મોગરાને ફૂલડે કળા ઊભી. – મોગરાનું˳
   જેમ ગીત આગળ ચાલતું હતું તેમ રસેન્દુનું ચિત્ત સાગરની જેમ હીલોળે ચડતું હતું. પણ હિમને બદલે અગ્નિ વરસતો હતો. એ તો ફૂલ કરતાં ફૂલની પહેરનારી, ગીત કરતાં ગીતની ગાનારી-લક્ષ્મીસૌંદર્યની દેવી – જોવાને તલસતો હતો.

   એટલામાં રસવેલીએ પાછળ જોયું. રસેન્દુને દીઠો. એ ન હતો એનો પરિચિત કે મિત્ર, પણ શરમનો છાંયો ગાલ ઉપર ફરી ગયો. બાવીસ વર્ષના ઊછળતા યુવક પાસે હૃદયમાં કાંઈક ભય, કાંઈક શરમ અને કાંઈક જિજ્ઞાસા પ્રગટ થયાં.

   ‘શું તે ગીત સાંભળતો હશે?’
   નજર મળતાં રસેન્દુના દિલમાં વીજળીનો તણખો ઊડ્યો. ‘બોલું કે ન બોલું? પૂછું કે ન પૂછું?’ એમ રસેન્દુનું ચિત્તમંથન થવા લાગ્યું. એને પણ વિવેકને લીધે – સદાચરણને લીધે – કાંઈક શરમ આવવા લાગી. પુરુષમાં કાંઈ સ્ત્રીનો અંશ નથી?

   આખરે દિલ ન રહ્યું. ‘ગીત પૂરું કરો ને?’ એટલું બોલી જવાયું.
   મુગ્ધાએ જરા સ્મિત કર્યું. વિકસેલા કમળમાં મોગરાની કળીઓની ખૂબસૂરતી ખીલી નીકળી. ચકોર આંખે આંખને ઓળખી. સુશીલ છે, મિત્ર છે એમ જણાતાં રસેન્દુના મુખ પરથી તેનું અંતર તે ચતુરાએ ઓળખી કાઢ્યું. જરા શરમથી નીચું જોઈ રહી.

   લાગણીઓ શી રીતે જણાવું? ભાવમયને વસ્તુરૂપે શી રીતે બતાવું? ગાલ ઉપર ગુલાબી સુરખી આવી અને ગઈ. હૃદય વધારે ધડક્યું. આંખોમાં તેજ ચમક્યું. પણ ચિત્તમાં શું થયું તેનું ભાન કાંઈ કરાવાશે? જો યુવાન વાચક તાજી લાગણીથી, વૃદ્ધ જૂના સંસ્કારથી અને બિનઅનુભવી કલ્પનાબળે સાથે જોડાઈ જશે તો એના સાત્ત્વિક ભાવની તરત જ એમને ખબર પડશે.

   ‘મને ફૂલ બહુ ગમે છે;’ રસેન્દુએ હિંમત કરી : ‘અને તેમાંય વળી બટમોગરાનું. ત્રણ-ચાર દિવસ જ્યાં સુધી એ તાજું રહે ત્યાં સુધી તો હું એને મારી પાસે ને પાસે રાખી મૂકું.'
   ‘તો લ્યો આ મારું ફૂલ. હું તમને આપું.’ કહી રસવેલીએ અંબોડેથી ફૂલ કાઢ્યું અને રસેન્દુના હાથમાં મૂક્યું. ફૂલ આપતાં રસેન્દુના હાથને આંગળી અડકી. લેનાર આપનાર ઉભયના હાથ ધ્રૂજયા ને આંખોમાં ચડેલા લોહીના જોશને લીધે પાણી તરી આવ્યું.
   ‘કેમ, તમને નથી ગમતું?’
   ‘ગમે તો છે; પણ તમે લ્યો. ગમતી વસ્તુ આપે ત્યારે જ આપનારનું ઔદાર્ય.'

   રસેન્દુ મજાક કરતાં ઉપકાર તળે દબાઈ ગયો અને ફૂલ કબૂલ રાખ્યું.
   ‘પણ પેલું ગીત પૂરું કરો ને?’ ફૂલના દાનને લીધે હવે પરિચય વધ્યો જતો હતો. રસવેલી ફરી સ્મિત કરી ગઈ.
   ‘હવે મારાથી નહિ ગવાય. મને તો શરમ આવે છે.’

   ગાઓ કહેતાં ગાવાનું, અને તેમાંયે વળી એક ઊછરતી મુગ્ધા – એનાથી, એ બને ખરું?
   ગામના ઝાંપા આગળથી બંને જણ છૂટાં પડ્યાં. રસવેલી રસેન્દુનો વિચાર કરતી હતી; રસેન્દુ રસવેલીનો વિચાર કરતો હતો. ઘેર જઈ રસેન્દુ બારી પાસે બેઠો. આગળ લાકડાનું સાદું એક જ મેજ પડ્યું હતું; તેની ઉપર તે બટમોગરાનું ફૂલ પડ્યું હતું એ વિચારમાં લીન થયો.

   ‘તું શાનું બન્યું હોઈશ? તત્ત્વોનું? તો એ તત્ત્વો તારા જેટલાં સુંદર કેમ નથી ? તત્ત્વોના સંમેલનનું? તો સંમેલન તારા જેવી સુગંધ પ્રસરાવે ખરાં ? એ તત્ત્વોને કોઈ પણ કાળે હું તારા જેવાં આનંદદાયક બનાવી શકું ખરો? એ તત્ત્વોના આ ફેરફારમાં શું કાંઈ વધારે નથી ઉમેરાયું? આ તારી પાંદડી કોણે ગૂંથી? સૌરભ કોણે રેડ્યો? દસ દિવસ પહેલાં ડાળ ઉપર કાંઈ ન હતું. પાંચ દિવસ પહેલાં નાનો દડો જ હતું, જરા પણ ગંધ ન હતી; અને આજ આટલું બધું અંદર ક્યાંથી ઉમેરાયું? પણ કાલ કરતાં આજ વધારે સુંદર કેમ લાગે છે? તું અમુક રાસાયણિક તત્ત્વોનું જ છે તો તે મુગ્ધાની છાપ તારા ઉપર ક્યાંથી બેઠી? શું જૂઠું જ છે કે એની છબી તારા ઉપર છે? તો હું જોઉં ક્યાંથી?’

   કલ્પના વિકસતી હતી; કલ્પનામાંથી તત્ત્વજ્ઞાનના સવાલ પુછાતા હતા; પણ જ્ઞાન તો રસવેલીનું જ થતું હતું !
   નજરને ફૂલ રસવેલીના જેટલું જ વહાલું હતું. રસવેલીના અંબોડામાં એ બેસી આવ્યું હતું. રસવેલીએ આવીને કાંઈક વધારે કિંમતનું એનું હૃદય ઉઠાવી લીધું હતું.

   એટલામાં એનો સહાધ્યાયી કમળકાન્ત આવ્યો. કલ્પનામાં ઊંઘતા રસેન્દુને એણે જગાડ્યો.
   ‘કેમ ભાઈ ! શા વિચાર કરો છો?' કહી સાથે જ ગાદી પર બેઠો.
   ‘કાંઈ નહિ, સહેજ. આ ફૂલ કેવું સુંદર છે !' કહી રસેન્દુએ ફૂલ એના હાથમાં મૂક્યું.

   કમળકાન્તને પણ એ બહુ ગમ્યું. એને પણ અંદર કાંઈ નવીન જણાવા લાગ્યું. ખીલેલું, શ્વેત દડા જેવું, સુગંધ ફોરતું તે નીચા ઘાટનું- ગામડાની કુદરત જેવી જ મેડીમાં એ મઘમઘતું હતું. વૃત્તિઓ ઉપર ભૂરકી નાખી મૂર્ચ્છા લાવી દે એવો એનામાં પ્રભાવ હતો. પણ કમળકાન્તને એથીય વધારે કાંઈક એમાં જણાયું. શું લાગ્યું તે કોઈ કહી શકશે?

   એ ફૂલને યોગ્ય સ્થાન પોતાની દયિતાનો અંબોડો લાગ્યો. કલ્પના કરી કે એ ચકોરીને તે કેવું લાગશે? એને કેવી અનહદ ખુશી ઊપજશે? અને ત્યારે તે કેવા ઉમળકા સાથે પોતાને બોલાવશે? એના સ્મિતનું ચિત્ર એની આંખ આગળ ખડું થયું; એનું હર્ષભર્યું હૃદય એના હૃદયમાં મૂર્તિમાન થયું.

   રસેન્દુ જો એ ફૂલ આપે તો સાંજે ફરવા આવે તે વખતે મારે હાથે જ ત્યાં ખોસું અને તેની કુમળી ગરદન ઉપર ચંદ્ર ઉગાડું એમ એને થઈ રહ્યું. રસેન્દુને આનો શો ખપ હશે? સૂંઘીને એ ફેંકી દેશે. પણ તારી પદ્માને કેટલો હર્ષ થશે ! પણ એને ક્યાં ખબર હતી કે એ ફૂલ તો રસેન્દુ અને રસવેલીની સાંકળ હતી? અંદર રસવેલીની છબી હતી? ઉપર રસવેલીએ ગાયેલી કવિતા કોતરેલી હતી? આસપાસ વાડીથી તે દરવાજા સુધીનો રસ્તો જણાતો હતો? જાદુગરનું એ માયાવી દર્પણ હતું!

   ‘આ ફૂલ તારે શા કામનું છે? હું લઉં છું.’ કહી કમળકાન્તે એ હાથમાં લીધું.
   રસેન્દુથી કાંઈ પણ ન બોલાયું. વીતી ગયેલી વાત પ્રથમ પ્રસંગ ઉપરથી કેમ કહેવાય ? ઇચ્છા તો ન હતી, પણ લેવા દીધું. કેમ કે રસવેલીએ પ્રથમ જ ઔદાર્યનો પાઠ શિખવાડ્યો હતો.
મોગરાનું ફૂલ લ્યો, મોગરાને ફૂલ જિંદગી ગૂંથી;
મોગરાનું ફૂલ લ્યો, મોગરાને પ્રીત કોતરી.

જન્મતાં કળી બનેલું
કળી મટી થયું ખીલેલું,
પત્ર પત્રમાં જડેલું,
દાખવે જનોના પાશ. - મોગરાનું˳

મોગરાનું ફૂલ લ્યો,
બાળુડાં, કો ફૂલ લ્યો,
યૌવના કો ફૂલ લ્યો.
મોગરાને ફૂલડે છે પ્રીતમાળ.
   બીજે દિવસે ગાતીગાતી રસવેલી વાડી તરફ જાય છે. ગઈ કાલે બનેલા બનાવોની જગ્યાને આજ એ નવીનતાથી જુએ છે. ‘અહીં એ મળ્યા હતા; અહીં મને પકડી પાડી હતી; આ ઠેકાણે ફૂલ આપ્યું હતું.’ એમ પડેલા સંસ્કાર ઉકેલતી ઉકેલતી ત્યાં ઊભી રહે છે. પાછળ જુએ છે : ‘એ આવ્યા તો નથી ?'

   યુવાની આવ્યા સિવાય પ્રેમનો આ પાઠ એને કોણ બતાવવા ગયું? વસંત આવ્યા પહેલાં મંજરીઓ કોણે વેરી? એની નિર્દોષ આંખમાં કપટાંજન કોણ આંજતું હશે?
   પુલ ઓળંગ્યો અને વાડીમાં ગઈ. ‘પણ ઝાંપા પાસેની જૂઈની કુંજ આગળ આ કોણ ફૂલ ચૂંટે છે? પદ્મકળી ! અને તેના અંબોડામાં આ ફૂલ ક્યાંથી ? એ જ, બે કળીઓવાળું મેં એમને આપ્યું હતું એ જ. બાગમાં બીજે ક્યાંયે આવું ફૂલ ન હતું. શું એમણે એને આપવા વાસ્તે જ મારી પાસેથી માગી લીધું હશે?' નિરાશા ઉત્પન્ન થઈ. આંખ ભરાઈ. પદ્મકળીને એ ઓળખતી હતી. પોતાની સખી હતી. વાત કરવામાં ઈર્ષ્યા આવી છતાંય જતાં જતાં ‘લાવ જોઈએ, ખાતરી તો કરું' ધારી એની પાસે ગઈ

   ‘આ ફૂલ તને કોણે આપ્યું? કહે, સાચું કહે !’
   પદ્મકળી કાંઈ બોલી નહિ, માત્ર હસી. કમળકાન્તનું નામ તો આપે જ શાની? ફૂલ ગમતું હશે તેથી પૂછતી હશે. ભલે લઈ જાય.
   ‘લે, તારે જોઈએ છે?' કહી પદ્મકળીએ પાછું એ રસવેલીના અંબોડામાં ખોસ્યું.

   ગુસ્સો તો ઘણો ચડ્યો હતો, ફૂલ લેવા મરજી પણ ન હતી; પણ મોં ઊતરી ગયેલું અને ફૂલ લેવાની નામરજી જો જણાઈ જાય તો પદ્મા શું ધારે? એટલે અંબોડામાં નાખવા તો દીધું, પણ ઝરણામાં ફેંકી દેવાનો વિચાર કર્યો. એના ચિત્તને આજે ગોઠ્યું નહિ. ફૂલ ચૂંટ્યાં ન ચૂંટ્યાં અને પદ્મકળીને એકલી જ મૂકી એ ચાલી ગઈ. મોઢું રાતુંચોળ થઈ ગયું હતું.
   ‘જો આજે મળે તો કહું કે મારું ફૂલ મને પાછું આપો. કાલનો આખો દિવસ એમના વિચારમાં ગાળ્યો અને એનું પરિણામ આ જ કે?’ એમ વિચાર કરતીકરતી એ ચાલવા માંડી. સામે વાટ જોઈ ઊભો રહેલો રસેન્દુ જોયો એના સામે નજર પણ ન માંડી.

   રસેન્દુ પાછળ જુએ છે તો અંબોડામાં કાલવાળું જ ફૂલ !
   ‘આ શું? કમળકાન્તને આપેલું ફૂલ આની પાસે પાછું ક્યાંથી આવ્યું? ફૂલ તો એ જ. અને એ ચાલી કેમ ગઈ? જાણે આજ ઓળખતી જ નથી !’

   જે લાગણી રસવેલીને થઈ હતી તે જ પાછી રસેન્દુને થઈ. શું કમળકાન્તે આટલા વાસ્તે જ મારી પાસેથી લીધું હતું? ત્યારે મારી સાથેના શરમાળ ભાવોએ મને ભ્રમણામાં જ નાખ્યો? પણ એનો શો વાંક કાઢું? મારી માફક કદાચ એ પણ ફસાયો હશે તો? અને એને શી ખબર કે હું પણ એનામાં ફસાયો છું? ઓ ફૂલ ! આજ તારામાં હું શું જોઉં છું અને કાલે શું જોયું હતું? આજે જો તું મારા હાથમાં પડ્યું હોત તો તાજું ને તાજું છતાં કચડી નાખત. તારી કોમળતા હું ભૂલી ગયો છું !’ ધિક્કાર બતાવતો એ ઘેર ગયો.

   હંમેશ મુજબ કમળકાન્ત રસેન્દુને ઘેર આવ્યો. પણ રસેન્દુથી કાંઈ બોલાયું નહિ. મોઢા ઉપર શોક અને તિરસ્કારની છાપ કમળકાન્ત જોઈ શકતો હતો.
   ‘કેમ રસેન્દુ ! આજ તને શું થયું છે? કાલ તો કાંઈ નવીન જ આનંદમાં રમતો હતો.'
   ‘કાંઈ નહિ; માત્ર આપણા ચંચળ મનનો મને વિચાર આવે છે.’
   ‘શો વિચાર?'
   ‘એ જ કે આપણે એકદમ ખેંચાઈ જઈએ છીએ અને પછી ઠગાઈએ છીએ - ભૂલ કરી છે એમ લાગે છે.’ આટલું કહી, અટકીને વળી એ મનમાં વિચારવા લાગ્યો; ‘પણ એ ક્યાં મને ચાહે છે? એ એવું ક્યાં કહી ગઈ હતી કે કબૂલી ગઈ હતી? મેં મારી મેળે જ ધાર્યું હતું. એ ચાહે કે ન ચાહે એમાં એનો શો વાંક?’

   ‘કેમ ભાઈ ! બોલતાં બોલતાં શાંત કેમ થઈ ગયો? હું કાંઈ સમજી શકતો નથી. જે હોય તે કહી દેને, કાંઈ કોઈની સાથે કડવો અનુભવ થયો છે?'
   ‘તેં કાલે મારી પાસેથી લીધેલું ફૂલ કોને આપ્યું હતું?' અંતે ન રહેવાયું અને પૂછી જોયું.
   ‘આપ્યું'તું, એક જણને. કેમ, તને કાંઈ ખબર પડી છે?’ જરા સ્મિત સાથે કમળકાન્ત બોલ્યો.

   રસેન્દુથી મિત્રની સાથે હસાતું ન હતું. એ હસતો હતો તે જોઈ એનું લોહી વધારે ઊકળતું હતું.
   ‘મેં આજ એક છોકરીને અંબોડે તે જોયું.'
   ‘કઈ છોકરી?’
   ‘આપણા મણિધર વકીલની.'
   ‘તું કદાચ ભૂલતો ન હોય. એ મણિધર વકીલની છોકરી નહિ હોય; શશિકાન્ત દાક્તરની હશે.'
   ‘હું તને કાલે બતાવીશ. હું ભૂલતો નથી જ.’

   કમળકાન્ત ગૂંચવાયો : ત્યારે પદ્માએ તો તેને નહિ આપ્યું હોય? કાલ જે હશે તે જણાશે. વિચાર કરતો એ ઘેર ગયો.
   ત્રીજા દિવસનું પ્રભાત પડ્યું છે. કમળકાન્તની વાટ જોતો રસેન્દુ બેઠો છે. સામેથી ઉતાવળે પગે આવતો એ જણાય છે. સૂર્યનું ઝાંખું કિરણ એના મુખ ઉપરથી પાછું ફરે છે, કારણ કે નક્કી કરેલા વખત કરતાં મોડું થયું છે.

   ઉતાવળે ઉતાવળે બંને જણ વાડી તરફ ગયા તો સામેથી રસવેલી અને પદ્મકળીની વાતો કરતાં આવતાં હતાં. પદ્મકળીની નજર કમળકાન્ત ઉપર જ ઠરી. રસવેલી અને રસેન્દુ હજુ ધૂંધવાયેલાં જ હતાં.

   એકબીજાએ નજીક આવેલાં જાણી બંને જણા ઊભાં રહ્યાં. પાસે આવતાં કંઈ પણ શરમ રાખ્યા વગર રસવેલીએ રસેન્દુને ને રસેન્દુએ રસવેલીને પૂછ્યું : ‘ફૂલ કોને આપ્યું હતું?'
   ‘આ રહ્યો એ ફૂલનો લેનાર બીજા કોઈને મેં આપ્યું હોય તો ઈશ્વર સાક્ષી.’

   અત્યાર સુધી છાના રાખેલા ચારેના ભેદ જણાઈ ગયા. ભેદ હતો તે ખુલ્લો થઈ ગયો. ફૂલે તો આ ચાર હૃદય ગૂંથ્યાં હતાં – કાંઈ તોડ્યાં નહોતાં. રસવેલી અને રસેન્દુ એકમેકના હાથ પકડી રહ્યાં. શરમ આજે ચારે જણની દૂર થઈ ગઈ. સ્નેહી હોય, સમોવડિયા હોય અને મળવાનો આવો આનંદજનક સમય તથા એકાંત હોય પછી પરસ્પરના પડદા રહે ખરા?

   ચાર જણ એક હારમાં ગૂંથાઈ પુલ ઉપરથી જતાં હતાં. સવિતા ચારે કમળને ખીલવતો હતો.
મોગરાનું ફૂલ લ્યો, મોગરાને ફૂલ આત્મ ઉઘાડ્યો;
મોગરાનું ફૂલ લ્યો, મોગરાને ફૂલ ઈશ ઉદ્દભવ્યો.

પ્રસરતો ચોપાસ આત્મ,
તન્મય કરતો જો આત્મ,
વીંટળાય એક આત્મ,
અન્યની પડે ન ભાળ. - મોગરાનું˳

મોગરાનું ફૂલ લ્યો,
આત્મજ્ઞાન ફૂલ લ્યો !
જોગીડા કો ફૂલ લ્યો,
મોગરાને ફુલડે છે વિશ્વમાળ !
રસવેલી ગાતી હતી.
***


0 comments


Leave comment