1 - ટીપે... ટીપે ... / લક્ષ્મીકાન્ત ભટ્ટ


   કોણ જાણે કેમ આજે ક્યાંયે ચેન પડતું નથી. વહેલી સવારથી ઉદાસ મુખ લઈ આ વાદળાંઓ ઘેરી વળ્યાં છે. નથી કોઈમાં ગતિ, નથી ગર્જના. ખાલી ઘેરાં શ્યામ મુખ લઈ સવારથી માથે ઝઝૂમે છે. કોઈ નિઃસહાય અબળાની જેમ ક્યારેક ટીપે...ટીપે આંસુ વરસાવે છે. હા, જમીન ભીની થઈ છે એની મીઠી વાસ આવે છે. પણ એ વાસ કાંઈ આ ગ્લાનિને હટાવી શકતી નથી.

   નાનપણથી હું આવા જ વરસાદને વાંછતી આવી છું.
   તોયે કોણ જાણે કેમ આજ એ અબળાના રુદન જેવો લાગે છે.

   હું નાની હતી ત્યારે મોટીબા પાસે અનેક વાર્તાઓ સાંભળતી. એમાંનું અત્યારે તે કાંઈ યાદ નથી. ખાલી એક વસ્તુ યાદ છે કે જ્યારે જ્યારે મેટીબા વાર્તામાં કહેતાં : “રાજકુમારી ઝરૂખામાં ઊભી ઊભી જુવે છે, અને બહાર ઝરમર ઝરમર વરસાદ વરસે છે...” આટલું સાંભળતાં સાંભળતાં તો હું ગાંડી ગાંડી થઈ જતી. એ વખતે મારા મન આગળ એક મનોરમ દૃશ્ય ખડું થઈ જતું. જાણે કે કોઈ આલીશાન મકાનના ઝરૂખામાં, ખુરશી નાખી હું બેઠી છું. મેં આસમાની જોર્જેટનું ફ્રોક પહેર્યું છે. અને માથે લીલી કાશ્મીરી શાલ ઓઢી છે. આકાશમાંથી ઝીણાં ઝીણાં વરસાદના ફોરાં પડ્યાં જાય છે. ભીની માટીની ખુશ્બોથી મન ભરાઈ જાય છે. કોઈ કોઈ વરસાદનાં તોફાની ફોરાં, હવાના ઝપાટામાં, નાચતાં કૂદતાં આવીને મારા નાક, ગાલ અને હડપચીને ચૂમી જાય છે. તો વળી કોઈ, એ મોતી જેવાં ફેરાં મારા વાળની છૂટી લટો પર હીંચવા લાગે છે. એ ભીના ગાલ, એ ભીનું નાક અને એ ટીપાં બાઝેલી લટોની કલ્પના કરતાં, મને બગીચાનું ઝાકળભીનું ગુલાબ યાદ આવી જતું. અને ઘડીમાં તો હું મારી જાતને પરીઓના દેશની રાજકુમારી માની બેસતી.

   પણ આજે આ વરસાદ જોતાં, પ્રયત્ન કરું છું તોયે એ કલ્પના માણી શકતી નથી. જે ઝીણાં ઝીણાં ફોરાંઓમાં ત્યારે પ્રફુલ્લ જીવનની મસ્તી દેખાતી, એ જ ફોરાંઓમાં આજે વિષાદનાં આંસુઓનો ભાસ થાય છે. આ સાવ ધીરી ગતિએ પડતાં ટીપાંમાં જીવનનું જોમ ક્યાંથી કલ્પી શકાય ?

   ક્યારની વિચાર કરું છું. આ ટીપાં શું આમ જ ધીરે ધીરે પડ્યાં કરશે ? ક્યારેય એમાં જોમ નહિ આવે, શું એ ધોધમાર કદીયે નહિ તૂટી પડે ?
   આજે મેં જોર્જેટની આસમાની સાડી પહેરી છે અને લીલી કાશ્મીરી શાલમાં હું વીંટાઈ ગઈ છું. પણ તોયે આજે મારા નાક, મોં, ગાલ, ઝીણાં ઝીણાં ફોરાંઓને એમ સહજમાં ધરી દેવાનું મન નથી થતું. થાય છે જાણે કે હજુયે ઘેરો અંધકાર ચારે કોર જામે. ઘનઘોર વાદળાંમાંથી મૂશળધાર વરસાદ વરસવા લાગે અને ચારે કોર કડાકાભડાકા સાથે વીજળી ચમકારા મારતી હોય. અને બીકની મારી બારીબારણાં બંધ કરી, હું લપાઈ ગઈ હોઉં.- મનમાં ડર હોવા છતાંયે આ વિકરાળ તાંડવ-સૌન્દર્યના અદ્ભુત આકર્ષણે, હું બારીના કાચ પાછળ લપાઈ ગઈ હોઉં – અને વરસાદ મારા મુખને ભીંજવવા એક એકથી વધુ જોરદાર ઝાપટાં બારીના કાચ પર ઝીંક્યે જતો હોય.

   પણ ના રે, એવું કશું નથી થતું. હજુયે ધીરે ધીરે એક પછી એક ટીપું વરસાવ્યે જાય છે.
   આમ જ ટી..પે ટી...પે મારાં વર્ષો વરસ્યે ગયાં છે ધીરે ધીરે. ઘણીયે વાર ઈચ્છા કરી છે ઘેરા અંધકારની, મુશળધાર વરસાદની અને ગાજવીજ સાથે વીજળીની. પણ તોયે એક પછી એક વર્ષ શાંત, અવિરત ગતિએ વર્ષી ગયાં છે.

   પણ હા, તોફાન, વાવાઝોડું ભલે મેં કાંઈયે ન જોયું. પણ એક કહેવું પડશે કે આ જીવનવર્ષાનાં થોડા ફોરાંઓ હું આંખે, ગાલે, કપાળે ઝીલી શકું છું. અને ભલે કોઈને ગમે તેમ લાગે, પણ મારે મન એનું મૂલ્ય કાંઈ ઓછું નથી.

   ભલે એ વખતે હું આજ કરતાં નાની હોઉં, પણ એ વખતે બીજાની આંખમાં જોઈને મારું રૂપ સમજી શકતી.
   અમારા પૂર્વ તરફના ઝરૂખામાં, હું દરરોજ ઊગતા સૂર્યનાં મધુર કિરણો ઝીલવા ઊભી રહેતી. મને એ વખતે ખ્યાલ નહિ કે હું શું ઝીલવા ઊભી રહું છું અને મારું મન શું ઝીલ્યે જાય છે. પણ હા, એક ખ્યાલ હતો કે દરરોજ મારી આંખો એક દૃશ્ય અચૂક ઝીલતી.

   એ ઝરૂખાની સામે જ, બન્ને બાજુ લીમડાની હાર વચ્ચેથી એક મજાનો રસ્તો વહ્યે જતો હતો. અને રોજ સવારમાં લાંબા લાંબા એ લીમડાના ઓછાયાને કાપતી એક સાઈકલ વહી આવતી. એ સાઈકલ અમારા પાડોશીની વંડીને ટેકે પોતાની જાત અઢેલતી અને એનો સવાર ધીરેથી દરવાજાની ઝાંપલી ખોલતો, અંદર આવતો અને એવી જ કાળજીથી પાછી એ ઝાંપલી બંધ કરતો. એ બધું મારી આંખો ઝરૂખામાંથી રોજ નિહાળતી. પણ એક દિવસ એવું બન્યું કે એ વખતે હું ઝરૂખામાં નહોતી.

   પણ તેથી કાંઈ એ ક્રમ થોડો જ અટકી પડવાનો હતો. એ તો એ જ પ્રમાણે ઝાંપલી કાળજીથી બંધ કરીને સાઈકલસવાર શીલાના ઘરનાં પગથિયાં ચડી ગયો. એણે અંદરનું ફળી વટાવ્યું અને શીલાની ઓરડીમાં પગ મૂક્યો. પણ પગ મૂકતાં જ એ જરા થંભ્યો – કારણ કે અંદર હું હતી. હું પણ જરા ખચકાઈ, મૂંઝાઈ અને સડસડાટ પાછી ઘેર ચાલી આવી.

   જાણું છું કે એ દિવસ શિયાળાનો નહોતો, છતાંયે હજી લાગ્યા કરે છે કે એ દિવસ ટૂંકામાં ટૂંકો હતો.
   તે પછી ઘણીયે વાર શીલા ભણતી હોય, એ સાઈકલસવાર પાસે, ત્યારે હું ભૂલી પડીને એ ઓરડીએ ભટકાઈ જતી. પણ એવી બધી વાતોનો તે કાંઈ હિસાબ રહી શકતો હશે ? હા, જ્યારે મન નવરું પડે છે, ત્યારે એ જ બધા દિવસે ફરી ફરીને આડાઅવળા વાગોળ્યા કરે છે.

   થોડે વખતે મને ખબર પડી કે એ સાઈકલસવારનું નામ શિરીષ. શીલા કોઈક સગપણે એની બહેન થતી હતી અને અગિયારમી શ્રેણી એટલે તો વિદ્યાપીઠની પરીક્ષા તેથી એ તેને શીખવવા આવતો હતો. હું ઘણી વાર એની પાસે કંઈક શીખતી. એની વાતમાં મને ખૂબ મજા આવતી...પણ એ એક એક મજા મારા મનમાં કેવું શિલ્પ કોરતી હતી એનું મને એ વખતે જરાયે ભાન નહોતું.

   કોણ જાણે કેમ એક દિવસ મારાથી શીલાને પુછાઈ ગયું : ‘શીલા, શિરીષભાઈ પરણેલા છે ?'
   ઘડીભર મારી સામું એ જોઈ રહી પછી બોલી : ‘ના.’
   પૂછતાં તો પુછાઈ ગયું પણ પછી આખો દિવસ એ જ વિચાર આવ્યા કર્યો કે શા માટે મને, એને વિષે બધું જાણવાની આટલી બધી જિજ્ઞાસા છે.

   એને તો મારે વિષે જાણવાની કઈ જિજ્ઞાસા હોય એવું નથી લાગતું. એને તો બસ, જ્યારે જુઓ ત્યારે એક જ વાત હોય છે. બસ, મજાની મજાની સાહિત્યકૃતિની, નહિતર પછી વાક્યોની પટાબાજી ખેલવાની.

   એની વાક્પટુતા, તો બસ કોઈથી ન પહોંચાય.
   એ વખતે વાક્શેતરંજ ખેલવા સિવાય મારામાં એને વધુ રસ હોય એવું નહોતું લાગતું. ઘણી વાર શીલાને પૂછવાનું મન થતું કે એ કોઈ દિવસ મારે વિષે કાંઈ પૂછે છે ? પણ આ લજામણીમાં એવું સહેલાઈથી પૂછવાની હિંમત હોત તો તો અમીધારાના વર્ષણે એ ક્યારનીયે તરબોળ થઈ ગઈ હોત તે !

   પણ લજામણીયે પ્રભાતના પ્રફુલ્લ કિરણે તો મોં ખોલે છે. ત્યારે હું તો મુગ્ધ બાલિકા હતી.
   તે દિવસ શીલાને વિવાહ (વેવિશાળ) થવાનો હતો. વહેલી સવારથી મેં એને પજવવાનું શરૂ કર્યું હતું. થોડી વારમાં તે કંઈ કેટલીયે જાતની એની મશ્કરી કરી નાખી. ત્યાં તો એના કાકા આવી ચડ્યા. અને આ મશ્કરી અને તોફાનના વાતાવરણમાં મારાથી સહજ પુછાઈ ગયું : “હવે, શિરીષભાઈના વિવાહ ક્યારે કરો છો ?”
   “જો બેન, શિરીષ તો એને જે ખૂબ ચાહતું હોય એને જ પરણવા માગે છે. બેલ, છે કોઈ એવું તારા ખ્યાલમાં ?”
   “ આવી હો.....” જાણે મને કોઈ બોલાવતું હોય એવી રીતે, બૂમ મારતી, હું ભાગી.

   પણ તે પછી જ્યારે પહેલી વાર મેં શિરીષને જોયો ત્યારે એની આંખો જોતાં જ હું સમજી ગઈ કે જે એને વિષે જાણવાની જિજ્ઞાસા મારા મનમાં છે એવી જ કોઈ અદ્દભુત જિજ્ઞાસા મારે વિષે એનું મન અનુભવે છે. તે દિવસે વાગ્યુદ્ધો ખેલવાનો એને ઉત્સાહ ન હતો. કારણ કે એનું મુખ અને મન તો રોકાયાં હતાં મને અવલોકવામાં. જાણે કે મારી એકેએક રેખામાં મારો પરિચય કરી લેવો હોય એમ એ મને જોઈ રહ્યો હતો. એ વખતે હું કંઈક એવી વિચિત્ર લાગણી અનુભવતી હતી કે જેનું આજેયે બરોબર પૃથક્કરણ નથી કરી શકતી. તે પછી ઘણીયે વાર શીલા મારી પાસે શિરીષ વિષે વાતો કરતી. અને હુંયે એમ વાતો પૂછતી અને કરતી. ધીરે ધીરે સંકોચ દૂર થયો અને સહેજ પરિચય સધાયો.

   પણ તે દિવસોમાં મને એ ખ્યાલ નહિ કે જે બધું હું સહેજ અનુભવું છું એ બીજાને મન સહેજ હોતું નથી. એ બીજાને મન તે જીવન સર્વસ્વ હોય છે. જે મારે મન નાનાં નાનાં ફોરાંઓની ગુલાબી ભીનાશ છે એ બીજાને મન સ્નેહવર્ષાની અમીધારાઓ છે. હું અને શિરીષ આમ એક જ વસ્તુ સાવ નોખી રીતે જોઈએ છીએ એની મને ખબર નહોતી. પણ જે દિવસે મને એ વાતની ખબર પડી તે દિવસે મેં એક જબ્બર આધાત અનુભવ્યો.

   ઘેર જવા શીલાની રાહ જોતી હું કોલેજના પ્રવેશદ્વારના પગથિયા પર ઊભી હતી, ત્યાં મારે કાને સહેજ ઘેરે વિહવળ અવાજ અથડાયો: ‘મારે તમારી સાથે થોડી વાત કરવી છે.'
મેં કહ્યું : ‘ખુશીથી.’ પણ હું સહેજ મૂંઝાઈ. મને ન સમજાયું કે કોઈ દિવસ વાત કરવામાં ન મૂંઝાનાર શિરીષ આજે કેમ અચકાય છે.

   ત્યાં તો શીલા આવી પહોંચી, તેથી અમે ત્રણેય ચાલવા લાગ્યાં. શીલાનું ઘર આવ્યું ત્યાં સુધી મેં ને શીલાએ વાત કર્યા કરી. પણ એ બધોયે વખત નવાઈ જેવું હતું કે શિરીષ સાવ મૂંગો હતો.

   આખરે શીલા છૂટી પડી.
   એક વંડી પૂરી થાય ને પછી તે અમારી વંડી શરૂ થાય છે તેથી અમે અટક્યાં. મેં એની સામું જોયું. માંડ એની આંખે મારી સામે સ્થિર થઈ પછી મહાપ્રયાસે અવાજ આવ્યો :
   ‘એક વ્યક્તિ આપને ખૂબ ચાહે છે.’ અને એ નીચું જોઈ ગયો.
 
   મને થયું, શીલા વિષે એને કંઈ વકીલાત કરવાની હશે તેથી મેં કહ્યું : ‘ઘણાંયે ખૂબ ચાહે છે.’
   ‘હશે, પણ એને તો તમારા વિના જીવન અસહ્ય લાગે છે.’
   ‘......હં.....’
   ‘એ વ્યકિતનું નામ શિરીષ.’
   ‘શું?...’ પૂછતાં મારા દાંત ભીંસાઈ ગયા અને લાંબી લાંબી ફાળ ભરતી પાછળ જોયા વગર હું ભાગી.

   કેટલીયે વાર સુધી હું મારી વાંચવાની ઓરડીમાં પુરાઈ રહી. એ ને એ વાત ફરી ને ફરી મારા મનમાં ઘૂંટાયા કરતી હતી.
   મને આખો વખત એ જ વિચાર આવ્યા કર્યો કે મારી જિજ્ઞાસાનો એણે એવો અર્થ કર્યો કે હું એને ચાહું છું, પ્રેમ કરું છું, પરણવા તલસું છું. મને ખૂબ આઘાત લાગ્યો. મારું કોઈએ અપમાન કર્યું હોય એવું મને લાગ્યા કરતું હતું. બાળક પતંગિયા જોડે રમતું હોય, ત્યાં ઓચિંતું એ હસે ત્યારે ખબર પડે કે એ તો ભમરી હતી એવી દશા કંઈક અંશે હું અનુભવતી હતી. એ દિવમોમાં રૂઢિગત સંસ્કારોથી મારું મન વ્યાપ્ત હતું. તેથી પ્રેમ કે પ્રેમપ્રસ્તાવ મારે મન અસ્પૃશ્ય વિષયો હતા. એટલે આ પ્રેમપ્રસ્તાવ મેં સાંભળ્યો એ જાણે કે કઈ ઘોર પાપ કર્યું હોય એવી લાગણી હું અનુભવતી હતી. અને એ પાપના ખ્યાલે, બે દિવસ સુધી તે હું કોઈની પણ સામે નહિ જોઈ શકેલી. દિવસનો ઝાઝો ભાગ મારી વાંચવાની ઓરડીમાં જ ભરાઈ રહેતી.

   એક દિવસ કંઈક કામસર હું મારી ઓરડીમાંથી બહાર નીકળી જોઉં છું તો શિરીષ ફઈબા સાથે વાતો કરે છે. એ જોતાં હું મારું કામ વિસરી ગઈ. થોડા આમતેમ આંટા મારી પાછી મારી ઓરડીમાં ભરાઈ ગઈ.

   શિરીષ વાતો ફઈબા સાથે કરતો’તો પણ એની આંખો ચારેકોર મને ગોતતી'તી, કે પછી, દેખાતો’તો સ્વસ્થ છતાં હતો અસ્વસ્થ, કે એવું કાંઈ હું જોઈ શકું એટલી સ્વસ્થતા એ વખતે મારામાં નહોતી. મારું હૃદય તો એ વખતે જોર જોરથી ધડકતું હતું. મને બીક લાગતી હતી કે જો એ ફઈબા પાસે કે'શે કે મને ચાહે છે તો ફઈબા મારે વિષે શું ધારશે. એવી ખોટી ખોટી બીકમાં હું કંઈ વાર સુધી બેસી રહી.

   ત્યાં બારણું ખૂલ્યું. એ આવ્યો. હું ઊંચું જ ન જોઈ શકી. એણે પૂછ્યું : ‘પછી તમારે શું જવાબ છે ?'
   ‘શેનો ?’
   ‘મારી સાથે પરણવાનો.’
   મહામહેનતે એની સામું તાકીને મેં કહ્યું : ‘ના.’
   ‘કેમ ?’

   હું નીચું જોઈ ગઈ.
   'વડીલોને સમજાવવાનું હું માથે લઉં છું.'
   હું મોં ફેરવીને બારી બહાર જોવા લાગી.
   ‘બસ, કંઈ વધુ ખુલાસે નથી આપવો?' ખૂબ ક્ષુબ્ધ સૂરે એણે પૂછ્યું.

   હવે શું કરવું એની મને સૂઝ ન પડી.
   ‘ત્યારે જાઉં છું.'

   હું બારીની બહાર જ જોઈ રહી.
   ‘બસ ! જરા ‘આવજો' કહેવાય પાછળ નહિ જોવાય?' એના અવાજમાં ખૂબ વ્યથા હતી.
   મને થયું જરા પાછળ જોઉં, પણ ન જોઈ શકી. છતાં જાણે સંજય દૃષ્ટિ મળી હોય એમ હું એ ચાલી જતી કરુણ મૂર્તિ મારી આંખ સામે જ નિહાળી રહી.

   એ છેલ્લું વાક્ય અને એને છેલ્લો પદઘોષ મારા મનમાં એક ડંખ મૂકતાં ગયાં કે હું કંઈક અન્યાય કરી રહી છું. અને ધીરે ધીરે એ ડંખે મારા રૂઢિગત સંસ્કારોનાં પડને ઢીલાં કરવા માંડ્યાં.

   જ્યારે જ્યારે હું એની મારી પાસે પ્રેમપ્રસ્તાવ મૂકવાની ધૃષ્ટતાનો વિચાર કરતી ત્યારે મારા મનમાં ખૂબ ગુસ્સો થઈ આવતો. થયા કરતું કે મેં એને કશું જડબાતોડ કેમ સંભળાવી ન દીધું અને તરત એ ફરી જ્યારે મળે ત્યારે કંઈક એવું જડબાતોડ સંભળાવી દેવાનો નિર્ણય કરી લેતી. પણ થોડી વારમાં એ નિર્ણય ભુલાઈ જતો. અને એની જગ્યાએ યાદ આવતું : ‘બસ ! જરા ‘આવજો' કહેવાય પાછળ નહિ જવાય?’ અને બીજી ક્ષણે એના બધા અપરાધોની ક્ષમા મારાથી અપાઈ જતી.

   ઊડીને એક ટીપું મારા ગાલ પર પડ્યું અને તરત મારી નજર બારીની બહાર ગઈ. વરસાદનું જોર વધ્યું હતું જોકે બહુ થોડું. બારીમાંથી નીચે નજર કરું છું તો બધા છોડવા, આ ધીમે ધીમે વરસતા વરસાદમાં પણ ધોવાઈને તાજા થઈ ગયા છે. ઠંડાભીના પવનની એક લહર મારા મુખ પર અથડાઈ અને આખા શરીરમાં એક ઝીણી આનંદની કંપારી ફરી વળી. અને વળી પાછી એક નજર મેં બહારના જગત પર નાખી...બધુંયે ધોવાઈને સ્વચ્છ થઈ ગયું હતું. અને હવે જોરજોરથી પડતાં ટીપાંને લીધે, છોડનાં પાંદડાં હલી ઊઠતા હતાં અને તેથી છોડવાઓ વર્ષોના આનંદમાં નાચતાં હોય એમ લાગતું હતું.

   મને તો બીક હતી કે વળી પાછો શિરીષ ઓચિતો અમારે ત્યાં આવી પડશે અને મોટા ભાઈ દ્વારા મને પૂછવા પ્રયત્ન કરશે. અને પાછી હું ધ્રુજી ઊઠતી.

   પણ એવું કશું ન બન્યું. થોડા જ વખતમાં મને સમજાઈ ગયું કે મારો ભય મિથ્યા હતો. કોઈક વાર રસ્તામાં અમે સામે ભટકાઈ જતાં. એના પર નજર પડતાં જ હું મૂંઝાઈ જતી. થતું કે હમણાં એ એનો સવાલ પૂછશે. પણ એની મારા પર નજર પડતાં જુદું જ થતું. એક ક્ષણ એનો આખોયે દેહ, ઊઘડેલ કળીની પ્રફુલ્લતાએ મહેકી ઊઠતો. ફૂલની સમસ્ત સૌરભ એના મુખ ઉપર વિલસી રહેતી. અને એની પેલી બે આંખો હૃદયના ઊંડાણમાંથી સ્નેહપુષ્પનું મધુ સીંચીને મારા પર વરસાવતી– એક ટીપું –

   એક ટીપું –એક ક્ષણ–બસ.
   અને બીજી ક્ષણે તો એ કાળી ઘેરી કીકીઓની સ્નેહવર્ષા એનાં ભારે પોપચાં અટકાવી દેતાં. એક ઉષ્ણ નિઃશ્વાસ એ મધુર કળીને કરમાવી ચાલ્યો જતો, અને પાછળ રહી જતી ખાલી એકલી કરુણા. અને એ એને એવી આવરી લેતી કે એના એક એક પગલાંના તળિયાના ઘસારામાંયે એ દેખાઈ આવતી.

   એ એક ક્ષણની સ્નેહવર્ષા મારા મનને શું કરી નાખતી એ ખબર નથી, પણ મારા ભયને ભૂલાવી એક વિચિત્ર ઊર્મિની કંપારી મારા સમસ્ત દેહમાં ફરી વળતી. પણ બીજી જ ક્ષણે એની કરમાઈ ગયેલી મુખાકૃતિ દેખાતી અને એ જ વખતે એક એવી વિચિત્ર ઉદ્વિગ્નતા મારા મનમાં ઘુસી જતી. હજ વારે વારે મનને સમજાવ્યા કરતી કે મારે ને એને શું, તો એ ઉદ્વિગ્નતા મારા મનમાંથી ખસતી નહિ.

   આમ ટીપે ટીપે... મૂંગો મૂંગો એ મારા પર સ્નેહ વર્ષાવતો અને એમ ધીરે ધીરે એ વર્ષાના એક એક ટીપે રૂઢિગત સંસ્કારોની ધૂળ મારાં પાંદડાંઓ પરથી ઢોળાવા લાગી. મને સમજાયું કે જે પ્રેમના નામથી હું આટલી બધી ભડકતી હતી એ તો આ સૃષ્ટિસાગરનું મહામૂલું મોતી છે; જેની વાત કે વિચાર મારે મન અસ્પૃશ્ય કે પાપ સમ હતાં એ તો આ સકળ સૃષ્ટિની જીવનજ્યોત સમ છે.

   એક દિવસ બસની રાહ જોતી ઊભી હતી. સામે જોઉં છું તો નીચી નજરે શિરીષ ચાલ્યો આવે છે. હું એના મુખ સામે જોઈ રહી. થયું કે હમણાં પોપચું ઊંચું થશે, અને સ્નેહવર્ષાનાં થોડાં ફોરાંઓ ઝીલવા હું એની સામે તાકી રહી. પણ બહુ પાસે આવવા છતાંયે એ પોપચાં ન ઊંચકાયાં એટલે હું ન રહી શકી. મારાથી બોલાઈ ગયું : ‘રસ્તામાં કઈ માણસ ઊભું છે, હોં’
   ‘સાચે જ ?' આહલાદ છલકતી આંખે મારી સામે જોઈ એણે પૂછ્યું : ‘ક્યાં છે ?’

   મેં હૃદય પર આંગળી મૂકી કહ્યું : ‘આ રહ્યું.'
   ‘ઓ હો !’ અને એણે હસતાં હસતાં ઉમેર્યું : ‘મને એમ કે કઈ આરસની પ્રતિમા હશે.’ પણ છેલ્લા શબ્દો બોલતાં મને લાગ્યું કે એનું હાસ્ય સહેજ કરમાઈ ગયું.

   હું જાણતી હતી કે એ મારું રૂપ વખાણવા કહી રહ્યો છે. પણ હાય, મારું મન ! એ તો ઝઘડે જ ચડ્યું હતું, તેથી એ તો મારે મુખે બોલાવ્યે જ રહ્યું :
   ‘ભલે, અમે પથ્થર રહ્યાં પણ આજના યુવાનો તો એ પથ્થર પાસે પણ પ્રેમના કાલાવાલા કરે છે.’
   ખૂબ વ્યથિત મને તેણે કહ્યું: ‘હોય, ઘેલા માણસો પથ્થરમાંયે પ્રાણની આશા રાખે.’ અને એ ચાલ્યો ગયો.
  
   અને પછી કંઈ વાર સુધી હું મારા મનને ઠપકો આપતી રહેલી કેઃ ‘રે જુઠ્ઠા ! આ થોડી ક્ષણ આનંદની મળી હતી, એને કાં કલહમાં ફેરવી નાખી ?’
   ભલે તે દિવસે મેં મનને ઠપકો આપ્યો. પણ આજે થાય છે કે મારા લગ્ન પહેલાં જે મારા મને શિરીષ સાથે એ થોડા કલહો ન કરાવ્યા હોત તો સ્નેહનો અધિકાર માણ્યાની શું સ્મૃતિ મારી પાસે રહી હોત, અને એને પણ મેં આપ્તજન તરીકે સ્વીકારેલ એ આશ્વાસન લેવા કલહોથી વધુ સારું ક્યું સ્મૃતિચિહ્ન હું આપી શકી હોત?

   બસ, એવા બેચાર કલહોની સ્મૃતિભેટ એની પાસેથી લઈ અગ્નિદેવની સાક્ષીએ બેસી શરણાઈઓના મધુર સૂરો સાંભળતી સાંભળતી હું પરણી ગઈ. શિરીષને કંકોત્રી મોકલ્યા છતાં બિચારાનું નસીબ જરા વાંકું તેથી તે લગ્નમાં હાજરી આપી શક્યો ન હતો.

   કેવું બધું આ વિચિત્ર લાગે છે. એકને મારી પર સ્નેહ થયો. હું એનો સ્નેહ પિછાની શકી. મારો એની પર સ્નેહ પણ હું જોઈ શકી. સ્નેહનું મૂલ્ય પણ હું પિછાની શકી હતી. અને છતાં હું પરણી ગઈ. બીજાની સાથે જેની સાથે મારે કઈ આગવી પિછાન કે સ્નેહ ન હતો. અને છતાં હું એને પરણી ગઈ.

   કેવું વિચિત્ર ! હું સહજ રીતે પરણી ગઈ. ન જરાયે વાતાવરણમાં અંધકાર વધ્યો. નહિ જરાય વર્ષાની ગતિ વધી, પછી વીજળીના કડાકાભડાકાની તો વ્યર્થ જ આશા ને ? બધું ધીરે ધીરે પસાર થયું.

   હમણાં જરી વાર પહેલાં જેવી ગતિએ વરસાદ વરસી રહ્યો હતો એમ ધીરે ધીરે.
   આ માનવીનું મન એવું વિચિત્ર છે કે એના એક ના નાશા વર્તનની વાત સમજાવવા પણ લાખો શબ્દો લઈને બેસીએ તોયે બરોબર ન સમજાવી શકાય.

   પછી એમ કહેવાનો શો અર્થ છે કે એ વખતે હજુ મારામાં પૂરી હિંમત નહોતી વડીલો પાસે વાત મૂકવાની કે નહોતી હિંમત શિરીષ પાસે મારો પ્રેમ વ્યક્ત કરવાની કે પછી મારો પ્રેમ અપરિપક્વ હશે એ વખતે ? કે પછી લગ્ન, જીવન, પ્રેમ એ બધું અને નરી વાસ્તવિક્તાનું મારું અજ્ઞાન જવાબદાર હશે? પણ આ માનવીનું મન એવું વિચિત્ર છે, પછી આ બધું વિચારવાનો શો અર્થ છે ? ખાલી શબ્દોનો વ્યય જ ને ?

   અરે ! આ શું ! આ તો પૂર જોસમાં વરસવા લાગ્યો. કેવું અંધારું થઈ ગયું છે ! વાછટો જોરજોરથી ભીંતો છાપરાંઓ અને જમીન પર અથડાઈ છે, ને પાછી વધુ નાનાં નાનાં ફોરાંઓમાં વહેંચાઈ જઈને વરાળની જેમ ઊંચે ઊડે છે. કંઈક નાના નાના છોડવાઓ નમી પડે છે, નળિયાં ખસી જાય છે. આહા, કેવું બધું ધાંધલ મચી ગયું છે ! મેં જો પરણવાની ના પાડી હોત તો કદાચ આથીયે વધુ ભારે તોફાન મારા જીવનમાં આવી પડ્યું હોત. અરે, હજી અત્યારેય આ બેગ તો તૈયાર છે, જો ચાલી નીકળું તો આ સાવ શાંત જીવનમાં કંઈક અદ્દભુત તોફાન જરૂર જાગે. કંઈક વાર એવી પળો આવી ગઈ છે કે જ્યારે એમ લાગે કે હમણાં તોફાન જાગશે. પણ એ વખતે તો હું તોફાનોથી બીતી, ત્યારે આજે તો હું તોફાન ઝંખું છું.

   આ સંસારમાં છે જ એવું કે જ્યારે આપણે કોઈ વસ્તુને ઈચ્છતા ન હોઈએ ત્યારે એ આવીને આપણાં દ્વાર ખખડાવવા લાગે, અને જ્યારે થાકીને આપણે તેને સત્કારવા જઈએ ત્યારે એ રીસાઈને ચાલી જાય. એ વખતે એવું જ થયું. હું હજુ તોફાનથી બીતી હતી. મને થતું કે આ શાંત મધુર જીવનમાં કોઈ તોફાન ન આવે તો સારું.

   એ વખતે મારાં લગ્ન થયે લગભગ એક વર્ષ થવા આવ્યું હશે. અમે આ જ મકાનમાં રહેતાં હતાં. આવડું મોટું મકાન અને અંદર માત્ર અમે બે જ જણાં. થોડા વખત તો આખા ઘરમાં ખૂબ વિચિત્ર અને ખાલી ખાલી લાગ્યા કરતું હતું. પણ એક વરસને અંતે તો હું એથી ટેવાઈ ગઈ હતી. છતાંયે મનમાં એમ રહ્યા કરતું હતું કે કોઈ મહેમાન આવી ચડે તો કેવી મજા પડે. આટલું બધું એકલું તો ન લાગે ? ત્યાં એક રજાના દિવસની નમતી બપોરે એકાએક શિરીષ આવી ચડ્યો.

   કોઈક મહેમાન આવે એમ હું ઈચ્છતી હતી, એ ભલે, પણ શિરીષને એ વખતે મહેમાન તરીકે સ્વીકારવા હું તૈયાર નહોતી. એનો અર્થ એમ નથી કે મને એને મળવાનું મન નહોતું, કે મારો એની તરફનો સ્નેહ જરાયે ઓછો થયો હતો. પણ મેં કહ્યું એમ મને બીક હતી તોફાનની. મને બીક રહ્યા કરતી હતી કે શિરીષ તરફનો મારો સ્નેહ એમની આંખો પાસે નહિ છૂપો રહે, અને એમ થાય તો કદાચ આ ટીપે ટીપે વરસ્યે જતી શાંત જીવનવર્ષા કોઈ નવી જ દિશાના પવનને જોરે ઝાપટાં વીંઝવા લાગશે. અને ખરેખર ક્ષણ, અર્ધક્ષણ તો હું મારા આવેશને ન દાબી શકી.

   એ આવીને જ્યારે અમારી સામે ઊભો રહી ગયો ત્યારે એ હતો તો સાવ સાદા પોશાકમાં, જોકે એ અમારે હિસાબે. એને હિસાબે તો એ કદાચ સ્હેજ મોંઘો પોશાક હશે. પણ એ પોશાક ને એ બધું તો ઠીક, પણ વિશેષ તફાવત તો એ પોતાનાં આછાં આછાં હલનચલન અને ઊભા રહેવાની ઢબથી, સામા માણસના મન પર જે છાપ પાડતો હતો, એમાં હતો. પહેલાં એ છાપ પાડતો ચપળ વાગયોદ્ધાની. ત્યારે હવે ખાલી શાંત વિચારકની. મને જોતાં વેંત ઘડીભર તો એ મારી સામે જ જોઈ રહ્યો, અને હું પણ ચાતકની જેમ એની સ્નેહવર્ષા ઝીલવા ખુલ્લી આંખો ધરી ઊભી રહી. ક્ષણ, અર્ધક્ષણ, એની આંખો અમી વર્ષાવી રહી. અને પછી તરત એણે પોતાની નજર ઊંચકી લીધી મારા પરથી બગીચા પર, ત્યાંથી જાળી પર, ત્યાંથી દીવાલો પર અને પછી ફર્નિચર પર થઈ એમના પર (મારા પતિ પર) નજર સ્થિર કરતાં એ બોલ્યો : ‘આપનું મકાન તો ખૂબ ફાંકડું છે.’ અને તેણે એ બોલતાં બોલતાં, એમની પાસેની ખુરશી પર જગા લીધી.

   એમણે મંદ હસતાં હસતાં શિરીષને કહ્યું: “ખરેખર, તમારામાં કલાપારખુની અદ્ભુત દૃષ્ટિ છે.” અને પછી તો પૂછવું જ શું ? શિરીષે પોતાનો વાક્પ્રવાહ શરૂ જ કરી દીધો. તે દિવસ લાગેલું કે એમનાં વખાણથી ફુલાઈને એ બોલવા મંડેલો, પણ આજે સમજાય છે કે પોતાની બેચેની છુપાવવા એ એકધારું બોલી રહ્યો હતો. તેણે થોડો વખત કલા પર વિવેચન ચલાવ્યું. પછી કલાકારો અને તેમનાં જીવન વિષે, તેમાંથી ચર્ચા સરી પડી સંસ્કારદાતાઓ અને તેમનાં જીવનમાંની સૈદ્ધાંતિક શિથિલતાઓ અને તેમાંથી સાહિત્યકારોમાંયે આજકાલ એ જ દેખાય છે, એમ એક પછી એક વાતમાં એ પોતાનું મન રોક્યે જતો હતો. અંતે સૂર્યાસ્ત પછી પા કલાકે પોતાની ચર્ચાને આટોપતાં આટોપતાં એ ઊભો થયો. અને છતાં એના મોઢા પર હજુ જાણે કે કોઈની સાથે વાત જ ન કરી હોય એવું એક જાતનું ખાલીખમપણું લાગતું હતું એ મેં જોયું છતાં ના જોયું કર્યું અને અંતે એ ગયો. મેં એક નિરાંતનો શ્વાસ લીધો. હાશ, હું બચી ગઈ.

   હું મનમાં ને મનમાં બોલી : “હાશ...હું બચી ગઈ.” પણ તોયે મારું મન એ સ્વીકારવા હજુ તૈયાર નહોતું. કારણ કે એ લોકો જ્યારે નિરાંતે ચર્ચા કરતા હતા ત્યારે મારા મનને એક ભય કોરતો કે મારી એ શિરીષ પરની પ્રથમ બાઘી દૃષ્ટિમાં એમણે મારો તેની (શિરીષ) પરનો છૂપો સ્નેહ તો નહિ પકડી પાડ્યો હોય ને ! તેથી હું તો એ લોકોની આખી ચર્ચા દરમિયાન એ જ વિચાર્યા કરતી હતી કે શું કરું કે જેથી એમના મનમાં એવી કોઈ શંકા આવી હોય તોય ચાલી જાય. અને તેથી જેવો શિરીષ ગયો કે તરત જ મોઢા પર પરાણે, કંટાળો અને ઘૃણાનો ભાવ લાવી, એમને પ્રયત્નપૂર્વક કહેવા લાગી : “લોકોયે કાંઈ કેવી કેવી જાતના થાય છે! એક તો રજાને દિવસે આવે ને પાછા સાથે ગુંદર લઈને.”

   પણ આટલું તો હું માંડ બોલી શકી, કારણ કે એક તો એ બધું હું દેખાવ ખાતર બોલી હતી અને બીજું એ વખતે એ મારી સામું કંઈક વિચિત્ર ભાવથી અને સહેજ કડક નજરે જોઈ રહ્યા હતા. થોડી ક્ષણો એ એમ ને એમ મારી સામે જોઈ રહ્યા. એ થોડી ક્ષણોએ મને ખૂબ જ ઉદ્વિગ્ન કરી મૂકી અને છતાં એ નજર ચૂકવી હું નીચું જોઈ શકું એમ નહોતી. અંતે એ બોલ્યા : “એને તમારા પર કેટલો બધો સ્નેહ છે, એની ખરેખર તમને ખબર નથી ?”
   “મારા પર?”

   એમણે ડોકું હલાવ્યું.
   “કોણે કહ્યું ?” મેં ધડકતે હૈયે પૂછ્યું.

   મારો એ થડકાટ મારા અવાજમાંયે એટલો બધો દેખાઈ ઊઠતો હતો કે એ જરા ડઘાઈ ગયા. ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે મનમાં દટાઈ ગયેલી વસ્તુ કેવી ઓચિંતી ક્ષણોએ દગો દે છે. તરત હું સ્વસ્થ અને સાવધ બની ગઈ.

   “એમાં કહે કોણ ? એના એકેએક વર્તનમાં, એને આપણા તરફનો સ્નેહ દેખાઈ આવતો હતો.” એમ બોલતા બોલતા એ ચાલ્યા ગયા.
   એમની અવકૃપાનો મારો એ પહેલો અનુભવ હતો. મને સમજાયું કે એમને મન મારું તે દિવસનું વર્તન અસંસ્કારી હતું.

   કારણ કે જ્યારે શિરીષે જતાં કહેલું: “તમને ખૂબ હેરાન કર્યાં, કાં ?” એ વખતે પણ રખેને મારો સ્નેહ પકડાઈ જાય એ બીકે મેં એની સામું પણ નહિ જોયેલું.
   એમનો એ ઠપકાભર્યો અણગમો અને શિરીષની જતી વખતની સ્નેહાર્દ્ર કરુણ મૂર્તિ એ બે વસ્તુઓ મને હું જાણે કે અગ્નિપરીક્ષામાં પસાર થતી હોઉં એવી તપસ્યા કરાવી અને ખરેખર કંઈક નવી જ બનીને હું એ તપસ્યામાંથી બહાર આવી. એ તપસ્યાએ જ મને ભાન કરાવ્યું કે હું કેવી ક્ષુદ્ર છું. અને જે બે વ્યક્તિઓ મારી પર સ્નેહ વર્ષાવ્યા કરે છે, એને હું જરાયે લાયક નથી. ત્યારે જ મને ખરેખર ભાન થયું કે શિરીષનો પ્રેમ અવગણીને હું કેવો મોટો અપરાધ કરી રહી હતી અને હવે ફરી શિરીષ જ્યારે મળે ત્યારે એવી અવગણના નહિ કરવાનું મેં નક્કી કર્યું.

   પણ મેં કહ્યુંને કે મારું જીવન ટીપે...ટીપે વરસતા વરસાદની જેમ ધીરે ધીરે શાંત ગતિએ વહ્યા કર્યું છે. એ થોડા કલાકો ઝાપટાની જેમ મારા જીવનમાં આવી ગયા પણ પાછો શિરીષ અમારે ત્યાં ન દેખાયો. ખાલી એ દિવસની સ્મૃતિ અને મારા એ અપરાધના ભાને, ટીપે...ટીપે મારા આ વજ્ર હૈયાને પલાળવું શરૂ કર્યું.

   તે પછી ઘણી વાર હું એકલી કે એમની સાથે ફરવા નીકળતી. રસ્તે ચાલતાં થયા કરતું કે હમણાં ક્યાંક શિરીષ સામે મળશે અને અમે એને અમારે ઘેર લઈ જશું. ભલે બિચારો ધરાઈને મારી સાથે વાતો કરી લે. પણ કોઈ દિવસ એમ શિરીષ સામે ન મળ્યો. એની શોધમાં હું આમતેમ જોતી ત્યારે એ તો ન દેખાતો. પણ કોઈ આલીશાન મકાનના ઝરૂખામાં, હું કોઈ સુખી ગૃહિણીને ઊભેલી દેખી જતી. અને એમાંયે એ યુવતીની નજર શૂન્યમાં લટકી રહેલી જોઈ જાઉં તો મને થઈ આવતું કે નક્કી તે કોઈ અણપ્રીછેલી શરમમાં કે કોઈ સહજ એવા સંકોચમાં, પોતાની પ્રિયમૂર્તિ ખોઈ બેઠી હશે.

   અને એવું કાંઈ થોડું જ છે કે કોઈને પ્રેમ કર્યો અને એની સાથે લગ્ન ન થયાં તે પછી ખરાબ જ પતિ મળે. જરૂર તેને સારો પતિ મળ્યો હશે. અને તે સુખી પણ હશે. છતાંય કોઈ વાર ઝરૂખામાં ઊભાં ઊભાં, ઊગતા કે આથમતા સૂર્યનાં કિરણો ઝીલતાં ઝીલતાં, કે ઠંડા પવનની ઝાપટ અનુભવતાં, કે કોઈ વાર ભીની માટીની સુગંધ આવતાં એનું મન ભૂતકાળમાં ગબડી પડતું હશે. આકાશમાં કોઈ અનેરું સંધ્યાદૃશ્ય જોતાં જોતાં એની આંખો શુન્યમાં, કોઈ પ્રિય મૂતિ નિહાળવા લટકી રહેતી હશે; અને એનું મન મૂંગું મૂંગું એ પ્રિયમૂર્તિને ઠપકો આપતું હશે; જેવી રીતે ગઈ કાલની રાતથી હું શિરીષને મનમાં ને મનમાં ઠપકો આપી રહી છું, અરે રીતસરની ઝઘડી જ રહી છું.

   ઘણાં વર્ષે, ગઈ રાત્રે, અમને એ થિયેટરમાં મળી ગયો. ઘણે વખતે ઓચિંતાં એકબીજાને જોવાથી અમે ખૂબ આનંદના આવેશમાં આવી ગયાં. ઘડીભર તો કાંઈ બોલવાનુંયે ન સૂઝ્યું. અરે ઘડીભર તો એના દીદાર કેવા લાગે છે, એ તરફ પણ મારો ખ્યાલ નહિ ગયેલો. જ્યારે એ બધું જોવા જેટલી હું સ્વસ્થ થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે શિરીષ ઠીક ઠીક દુબળા લાગે છે. પહેલાં જે પોતાના દેખાવ તરફની કાળજી એનામાં જોવામાં આવતી હતી એ આ વખતે ન જોવામાં આવી. આ વખતે તો એના મોઢા પર સહેજ દાઢીયે વધી ગયેલી દેખાતી હતી અને માથાના વાળ પણ અસ્તવ્યસ્ત હતા. અને ચશ્માં ચડાવવાં પડ્યાં હતાં. પણ એના નંબર કંઈ બહુ નહિ હોય કારણ કે એ ચશ્માંના કાચ પાછળ એની આંખે ઊલટાની...વધુ સારી લાગતી હતી. એનાં કપડાં સ્વચ્છ હતાં અને ગડી હજુ જળવાઈ રહી હતી. તેની સાથે બીજું કોઈ હતું નહિ. તેથી અમે બધાં સાથે જ જોવા બેઠાં. ચિત્ર શરૂ થવાને કંઈ ખાસ વાર ન હતી. તોયે એ અને શિરીષ તો ખૂબ મજેથી વાતો કરી રહ્યા હતા. મનેયે એ થોડી પળોમાં ઘણી વાતો કરી લેવાનું મન હતું. પણ કોણ જાણે કેમ, કદાચ તેથી જ ચિત્ર શરૂ થઈ ગયું તોયે હું કશું ન બોલી શકી.

   મધ્યાન્તરમાં એ જરા બહાર ગયા. મેં શિરીષ સામે જોયું. એ કંઈક આનંદમાં લાગતો હતો. મેં બીતાં બીતાં એને પૂછ્યું: “કેમ એકલા, મારાં ભાભીને લીધા વિના, ચિત્ર જોવા ચાલ્યા આવ્યા ?”
   “એવું કોઈ હોય તો એને લેતો આવું ને?”

   એ સાંભળતાં મોઢા પર ન દેખાવા દેવાય એવો આનંદ મેં અજાણ રીતે મનમાં અનુભવ્યું અને એ આનંદ એથી સહેજ વધુ પષ્ટ રીતે અનુભવવાનો લોભ હોય એમ મારાથી પૂછી દેવાયું: “હજુ સુધી કેમ નથી પરણ્યા?” પણ એ બોલતાં જ હું કંઈક એવો વિચિત્ર ક્ષોભ અનુભવવા લાગી કે આટલુંયે માંડ બોલી શકી. અને શિરીષ પણ ખાલી હસવાનો પ્રયત્ન કરતાં કરતાં એટલું જ બોલ્યો :
   “એ બધું પૂછવાનો હવે શો અર્થ છે?”

   એ પછી તો ખાલી વિવેક પૂરતી જ વાતો થઈ. ઘેર આવ્યા પછી આખી રાત મનમાં ને મનમાં હું શિરીષ સાથે ઝઘડ્યા કરી. અને આજે સવારે પણ એ બહાર ગયા ત્યારથી મારા મને એ જ કામ શરૂ કરી દીધું. ધીરે ધીરે મનમાં ને મનમાં શિરીષ સાથે ઝઘડતાં ઝઘડતાં અંતે હું એવી ઉશ્કેરાઈ ગઈ કે હેન્ડબૅગ તૈયાર કરીને થયું કે એની પાસે જ ઝઘડવા પહોંચી જાઉં.

   બહાર જોરદાર વરસાદ આવે છે.
   અને મનેયે થાય છે કે ભલે જીવનમાં એક વખત ખરેખરું તોફાન મચી જતું, પણ એક વાર પહોંચી જાઉં શિરીષ પાસે ઝઘડવા કે જેથી એક વસ્તુનો નિકાલ તો આવી જાય.

   હું તો માનતી'તી કે એ કોઈને પરણી ગયો હશે. અને માત્ર કોઈ મીઠી સવારે કે કોઈ ઠંડી સાંજે એ મને યાદ કરી લેતો હશે. પણ હજુયે એ તો મને ભૂલ્યો નથી, એ ખ્યાલ ભલે મનને સહેજ સંતોષ કે સુખ આપે પણ એક પ્રિય વ્યક્તિ મારી પાછળ પોતાનું સમસ્ત જીવન વેરાન કરી રહી છે એ ખ્યાલ એ સુખ કરતાં કંઈ હજારગણો વધુ દુ:ખકર છે.

   એટલે જ થાય છે કે એક વાર એની પાસે પહોંચી જાઉં. કહું કે તું પરણી જા. હુંયે પરણીને દુઃખી નથી થઈ. તુંયે નહિ થાય. ગમે તે થાય પણ તું કોઈને પરણી જા. આમ નહિ પરણીને, એક એક શ્વાસે, ટીપે ટીપે જીવનભર તું સ્નેહ વર્ષાવ્યા કરે એ નથી સહન થતું.

   અને તું મારા વિના બીજી કોઈને પરણી શકે એમ જ નહોતો તો પછી ખાલી મને એક વાર પૂછીને જ કેમ અટકી ગયો? અરે, છેવટે કંઈ ન થઈ શકે તો મને ઉપાડી જવી હતી. અરે, હજુયે શું ખોટું થઈ ગયું છે ? તું મારા વિના જીવી જ ન શકે એમ હો, તો ખુશીથી મને ઉપાડી જ. ગમે ત્યાં ઉપાડી જા. ગમે તે કર. મને દુઃખ થશે, એ વિચાર ન કરતો. હું એથી દુઃખી થાઉં એ વાત કદાચ સાચી હોય – પણ એ દુઃખ આ હંમેશના દુઃખ કરતાં ઓછું હશે. અત્યારનું તારું દુઃખ જોઈને તો મને મારી જાત, કોઈનું ટીપે ટીપે લોહીચૂસતી રાક્ષસી જેવી લાગે છે.

   ત્યાં નીચે જરા અવાજ સંભળાયો. હું તરત જ વજનદાર વરસાદના બૂટનો અવાજ ઓળખી ગઈ. અને રોજની ટેવ મુજબ મારાથી સડસડાટ એમને (મારા પતિને) લેવા દાદરો ઊતરી જવાયો. નીચે નીતરતા રેઈનકોટમાં એ ઊભા હતા. મેં એમની છત્રી અને પોર્ટફોલિયો એમના હાથમાંથી લઈ લીધાં. અને પછી એમની પાછળ પાછળ દાદર ચડવા લાગી, ચડતાં ચડતાં વિચાર આવતો હતો કે છેલ્લા બેએક કલાકથી હું મનમાં કેવો મહાસાગર ડખોળી રહી છું. મને થયું કે હુંયે કેવી ગાંડી છું.

   છેક ઉપલે પગથિયે આવીને એ ઘડીભર ઊભા રહ્યા. થોડી વારમાં તો મારા મનમાં ઘણી ગડમથલ થઈ ગઈ. મેં એમની સામું જોયું. અને તરત મેં મારી નજર, હિંમત એકઠી કરવા, નીચે ઢાળી દીધી. અને પછી એમને મારો નિર્ણય કહી દેવા મેં ઊંચું જોયું.

   એવા જ સ્થિર, પ્રફુલ્લ, સૌમ્યભાવે, કંઈક નવીન જ નાની મુસાફરીનો પ્રોગ્રામ સાંભળવા ઊભા હોય, એવા ઉત્સુક ભાવે એ જોઈ રહ્યા હતા, અને વળી હું નીચું જોઈ ગઈ. મનને ખૂબ દૃઢ કરવા પ્રયત્ન કરી જોયે. અને અંતે મેં સીધું એમની આંખોમાં જોયું. એ જ ઊંડી નિશ્ચલ સ્નેહાર્દ્ર આંખો હસી રહી હતી. પણ હું હવે નીચું જોઈ શકું એમ નહોતી. તેથી મારું આખું અંગ ફેરવી હું બારી બહાર જોતી એક પણ ક્ષણ થંભ્યા વગર બોલી ઊઠી : “આ વરસાદ અને તોફાન પણ કેવાં છે ! જેવો તમે ઘરમાં પગ મૂક્યો કે તરત બધું શાંત.”

   પણ હું જે બોલી ગઈ એ શું ખાલી એકલા વરસાદની જ વાત હતી ?
   બધું જ શાંત થઈ ગયું હતું, માત્ર ક્યારેક ટીપે... ટીપે... કોઈક ફોરાંઓ પડતાં હતાં.
* * *


0 comments


Leave comment