1.11 - મુક્તકપંચક / સુંદરજી બેટાઈ


(૧)
(દ્વિપદી)
યદિ શ્રદ્ધા મુજ રહે

ભલે આ ચક્રાવે સ્ખલન–સ્ખલને જીવન વહે !
ઉગારે બેઠો કો’ ક્યહિં ક-યદિ શ્રદ્ધા મુજ રહે !
***
(૨)
(ત્રિપદી)
શી વિધે લાભવી

આછર્યાં નીતર્યાં નીર જેવી તાકું પ્રસન્નતા,
ઘડીઘડી નડે તોયે ચિત્તને અવસન્નતા !
શી વિધે લાભવી આદિકવિની સન્મનુષ્યતા ?
(આદિકવિ વાલ્મીકિએ એક સ્થળે જલાશયનું વર્ણન કરતાં તેને માટે सन्मनुष्यमनो यथा એમ ઉપમા વાપરી છે તે અહીં સંભારી છે.)
***
(૩)
(દ્વિપદી)
અરે ગૂંચો ગૂંચો !

ઘણુંય કરું ગૂંથવા, પણ હું બેસતો ગૂંચવી :
ઉકેલું કદિ એક તો અધિક બેસું પાડી નવી !
***
(૪)
(ચતુષ્પદી)
તાકી રહેવું અરે શાને ?

શિરે શું વિસ્તરે વ્યોમ છત્ર નીલ વિભૂતિમત્ !
નીલનીરા ધરા શો આ ધરે અંક મહોર્મિવત્ !
પાલવે સંવરી રહે શી દિશાઓ વિશ્વ માતૃવત્ !
તાકી રહેવું પછી શાને ચારે કોર અનાથવત્ ?
***
(૫)
(પંચપદી)
ના પુનર્જીવવાનું શું ?

સલીલ શૈશવે ઝંખ્યું –
ઝાંખ્યું જે મત્ત યૌવને,
ઓસર્યે જીવને યે આ
ઝંખવું-ઝાંખવું જ એ ?
ના પુનર્જીવવાનું શું જીવ્યું શૈશવયૌવને ?


0 comments


Leave comment