6 - પ્રકરણ - ૬ / કૂવો / અશોકપુરી ગોસ્વામી


    મુખી અને શેઠના ગયા પછી ડુંગરને શું સૂઝયું તે એણે એ બંને જ્યાં બેઠા હતા એ જગ્યાને પાવડાથી ખવરી, એટલી માટી તગારામાં ભરી નાખી આવ્યો ઠેઠ રસ્તામાં.

   આ ગોંડિયો ઓંમ ચ્યમ કરતો અસે ? એમ ભગત બબડ્યાય ખરા; જ્યારે ભીખે તો પૂછી જ નાખ્યું – ‘ચ્યમ ડુંગર ઓંમ ?’
   ‘આ પાપિયા જાં બેહે તાં ઊગ્યું તૈણુંય હૂકઈને ખાખ થઈ જાય. એમના પંછાયે તો આ ઝાડ જેવું ઝાડ હૂકઈ જાય ભીખા. એટલે બધું ખવરી, નાખી આયો ખેતર બાર.’ હાથ ખંખેરતો ડુંગર કહે.

   ‘બેહ બેહ ગોંડિયા ! આવું અટકચારું કર્યું એ કર્યું. પેલા મુખીને કળસ્યાનું ક’યું એવું કે’વાય આપડાથી ?’ દાજીએ એને ઠપકો આપ્યો. ભગત કહે :
   ‘એમનું પાપ એમને ભારે. તારી જેમ આ પરથવી વચારે તો ! પણ ભઈ, ધરતીની જેમ હૌને વેઠીને હેંડીએ. અમારા સાંમીનાયણના સાધુઓય કે’જ સે ને કે...’
   ‘લો જોડો હવે કોસ, તે આવે કોંમનો પરોગ.’ દરિયાએ વાતનો પાટો બદલતાં કહ્યું. પેલા બે ઊભા થયાય ખરા, ત્યાં જ-

   ‘અલ્યા ઊભા રો બેય. તમં બેય એક વાતની ગાંઠ અંઈથી જ વાળી લ્યો કે અંઈ બન્યાની ચરચા કંઈયેય નંઈ કરવાની. મોંમાંથી વરાર હરખીય નંઈ કાઢવાની. જુદ્ધ જીત્યાના ગરવથી જાં ને તાં વાતો કરસો તો ઉપાદિ વો’રશો. લોક બે બાજુનું બોલસે; આપડને કે’સે કે હારું કર્યું અને પેલામને કે’સે આવું કર્યું તમને ?! બઉ ખોટું કે’વાય. અનં ભઈ ડુંગર ! આ બધા સરકારના કારભારી. એમની હોંમે નકોંમા વાદ ના કરીએ. અને તું એક છોકરાનો બાપ થ્યો, હવે તો અટકચારાં મૂક.’

   ‘તે એમનો ભો રાખી જીવ્વાનું...?’ દરિયાએ પૂછ્યું.
   ‘ભો દરિયાઉ ! સાંમીનારાયણ ભગવોંનનો રાખવાનો; પણ નબરાથી છેટા ૨’યેલા હારા. આપડને છાંટા તો ના ઊડે. અને હું તો તમનેય કવ સું કે મલાજો હૌનો રાખીએ. દુરજનેય મલાજાથી આઘો રે – અનં એક વાત તમં બધાં હમજો : આખી દુન્યાં જૂઠી અને ઝેરીલી સે. તમં કેટલાંની હોંમે બાઝશો ? મલક નર્યો કીચડથી ખદખદે સે પણ આપડે જોડા પે’ર્યા હોય તો.... !’એ હજી વધારે ચલાવે ત્યાં તો, ‘નાગજી હેંડો મંદિરે.’ – કરતા ભગત ઊઠ્યા. ‘હેંડો.’ – કરતા દાજી પણ ઊઠ્યા.

   એ બંનેની પૂંઠ તાકતાં ચારેય જણ એમને ખેતરની બહાર નીકળ્યા ત્યાં સુધી જોતા જ રહ્યાં.
   મફાને કોણ જાણે શું સૂઝયું તે બાપે હમણાં ખવરેલી ચોખ્ખી જગ્યા પર આ બંનેનાં પગલાં પડ્યાં હતાં; એમાં સાચવીને પગ મૂકતો ઊભો રહ્યો. દરિયા એને તાકી રહી.

   ડુંગર અને ભીખો વળગ્યા કૂવે. કોસ શરૂ થયો એટલે મફો બપૈયામાં બારાં બાંધવા ચાલ્યો. નવરી પડેલી દરિયા પાસે પડેલા કાંકરાને લઈ આઘે નાખતાં બબડી :
   ‘તમારી વાત હોરેહોની હાચી, દાજી; પણ તમં કોચ્છો એમ જીવ્વું સ્હે’લ નથ્ય. આ તો પોંણીમાં રો’ અને પલળો નંઈ. છેડો ફાડવાનો નંઈ અને છૂટાં રે’વાનું તો ચ્યમનું બને ? બધે કાદવ જ હોય તો ચ્યાં હુધી હાચવાય ?’

   એને ઘણીવાર થાય, ભગતકાકા અને દાજીની વાત સાંભળવામાં સારી લાગે છે પણ કશુંક એમાં ખૂટે તો છે જ. શું ખૂટે છે ? એની ખબર ન પડતાં એ મૂંઝાતી.

   કોઈ જો દરિયાને પૂછે કે દરિયા ! તને કહ્યાગરી, વેઠ્યા કરતી પહેલાંની સતી જેવું થવું ગમે કે પછી...?
   દરિયા બોલનાર પૂરું પૂછી પણ ના રહે અને એ પળની પણ વાર લગાડ્યા વિના આવું જ કહે : ના બા, આપડને એ ના પોહાય. મારે તો મારાં ઘર અને વર હચવાય એટલે બસ્સ, એ ખાતર રાતદાડો મનમૂકી કોંમ કરું. મનં દેખાય, હમજાય અને વે’વારુ લાગે એ મોંનું; પણ આ સતિયાની વાતો તો-

   તે વરસોમાં એના સસરા વાઘજી જીવે. એ ઘણીવાર એને કહે, ‘દરિયા બેટા ! આ મફાનો જલમ એ આપડી ચોથી પેઢી થઈ આ ગોંમમાં. આપડા વડવાઓએ આ ગોંમ અને આ ખેતરાંને વા’લાં કર્યાં. આપડે ખેતરાં ધાવી અને ઊછર્યાં. બેટા ! માટીથી માયા જોડાય તાર ધરતીમાંથી ધાવણ ઊભરાય. આપડે રયા કણબી. માનું ધાવણ ઉજાળવું, લજવવું નંઈ. આ બધું તમને હું એટલે કવ સું કે મનં મારા ડુંગર કરતાં તમારા પર વધારે ભરુંસો. ડુંગર તો તડતડિયો ગવાર. તમં મારા ડુંગરને અને આ ઘરાં-ખેતરાં હાચવજો. બેટા ! વાહણનેય ઊટકે ઊજળું થાય તાર મારો ડુંગર તો મોંણહ.’

   તે વખતે દરિયા કહેતી, ‘મોટા ! એવું સું બોલો સો ? એ આકરા કે અટકચારા અસે પણ ભોળિયા બઉ.’ ત્યારે વાઘજી એને બોલતી અટકાવી કહે, ‘જગતમાં નોંમ નથી ભોળિયાનાં રે’તાં કે નથી કપટીનાં રે’તાં. ચેટલાય મોટા રાજા મા’રાજા જલ્મ્યા, જીવ્યા અને ભૂંહઈ ગ્યા. બેટા ! નોંમ રે’સે સતની ટેકથી. અસત હોંમે, અન્યા હોંમે ઝઝૂમ્યાથી. બાકી જલ્મ્યું એ જીવે તો સે જ ને ? હું આવું કવ સું એ તમને હમજાય તો સે ને ?’

   ત્યારે દરિયા માથું હલાવી હા કહેતી. અત્યારેય જો કોઈ પૂછે કે દરિયા તને મોટાની વાત સમજાય છે કે દાજીની ?
   તો દરિયા કહે, મોટાની. દાજીની વાત હાંભરવી ગમે એવી સે પણ હમજાતી નથ્ય. અજુય નથ્ય હમજાતી. મારા મોટાની વાત મનં જોંણ કોઠે ઊતરી ગઈ. નંઈતર હું પૈણીને આઈ તાર નોંની જ અતી ને ?

   ડુંગરના બાપ વાઘજીની આંખ ઠરેલી. એમણે જોયું કે કૂકા રમતી રમતી એક છોકરીએ નીંધ્યા વિનાના ખેતર જેવા ઘરને સંભાળી લીધું. મફાના જન્મ બાદ એ દરિયા તરફનો સંતોષ લઈ મર્યા.

   વરસોવરસ છાંણિયા ખાતરથી ખતરાતું ખેતર ખળામાં દાણાના ઢગ વાળી દે એમ દરિયાના આવ્યા પછી વરસ પાકતાં હતાં. છાંણિયું ખાતર ધાવી પાકતા અનાજની મીઠાશ જ કૈંક જુદી. એકવાર ખેતરમાં બાજરી વાઢેલી. લણેલાં ડૂંડાં ગાડામાં ભરી એને ગામઈ ચરામાં આવેલા ખળામાં લઈ જઈ પગર કરવાનો હતો. સવારથી બપોર સુધીમાં બે ફેરા થઈ ગયેલા. છેલ્લા ફેરાનાં ડૂંડાં ભરાઈ રહ્યાં ત્યાં જ દરિયા બપોરનું ભાથું લઈને આવી.

   સૌ ખાવા બેઠાં. ખીચડીના બેચાર કોળિયા ખાધા પછી દાજી કહે : ‘ભાઈ ઓંણગાર ડોંગરનું બિયાવું બદલ્યું કે સું ?’
   ‘ના, બિયાવું તો આપડું એનું એ જ સે. કંકુલોર સે. ચ્યમ પૂછવું પડ્યું દાજી ?’
   ‘ભઈ મનેય થયું ચોખો તો કંકુલોર ડોંગરનો જ સે; પણ આ ખીચડી તો જો, ચેટલી બધી મેંઠી !’
   ‘દાજી, આપડા ખેતરની બાજરીનોય રોટલો એટલો બધો ગર્યો હોય કે ગોળેય ના જોઈએ. અનં પાકે સેય ચેટલું બધું ! આ બાજરી તો જુઓ.’ એમ કહી એણે બાજરીના પાથરા પડેલા બતાવ્યા.
   ‘ભીખાભઈ, એતો કકડીનં ભૂખ લાગે એટલે બધુંય મેંઠું લાગે. અનં હું તમને ચ્યોં નથ્ય ઓળખતી ! તમારું ભલું પૂછવું; તમે તો એમ જ કો’ આપડી કંકુલોરની ખીચડી આગળ કમોદનો ભાત હાવ મોંરો છોંણ.’
   ‘એવું તે ખરું જ ને વળી !’
   ‘તો લો...’ એમ કરી તપેલીમાંથી ભાતિયું ભરીને ખીચડી કાઢી દરિયા ભીખાની થાળીમાં મૂકવા મંડી. ભીખો તો બંને હાથના પંજા થાળી પર ઢાંકી દઈ અને ના ના કહેવા લાગ્યો. પાસે બેઠેલા ડુંગરે એનો હાથ જેવો ખસેડ્યો કે તરત એણે ખીચડી મૂકી દીધી. ‘ખઈ અનં તું તારે ખળે આળોટ્યા કરજેનં, બીજું કરવાનુંય સું તારે ?’ ડુંગરે એને કહ્યું.

   વધારે ખવડાવી પોતાને હેરાન કરતાં ધણી-ધણિયાણીને પજવવા એણેય પેલી ચીભડાવાળી વાત કાઢી. એ દાજીને કહે : ‘દાજી ! ઓ દરિયાભાભીને ભોળાં ના ધારવાં. આ બેય તોંણ કરી નં એટલે ખીચડી ખવાડે સે કે રોંધ્યાં ધોંન સવે પડે. બાકી...’ અધૂરું મૂકીને એ મલક્યો. દાજીએ એને મલકતાં દીઠો.
   ‘સું બાકી... વાત કર ને પૂરી.’ ડુંગર તડતડી ઊઠ્યો. એણે ખાવું બંધ કર્યું.
   ‘ભીખાભઈ, હાચી વાત હાતવાર કે’વાની છૂટ; પણ ગપ્પાં મારી વગોવણું ના કરતા ભૈસાબ.’
   ‘તમને ગપ્પાં પડતાં હોય તો આ પડી મેલ્યું. હું તો બે બોલા...’ એમ બોલી એ પાછો ખાવા મંડ્યો.
   ‘ના; અવે તો કે જ.’ ડુંગર આડો થયો.

   ‘કવ સું – આ પૂરું તો કરી લેવા દે.’ – એમ કહી ભીખે પૂરું ખાઈ હાથ ધોઈ મોટેથી ‘ઓઈયા...’ કરી પછી કહે, ‘દાજી, પૂછો આ દરિયાભાભીને. તે દાડે બેય ધણી-ધણિયાણી મારાં વાલાં ‘બઉ મેંઠું, બઉ મેંઠું કરતાં જાય અનં ચીભડું ખાતાં જાય. આ ડુંગર તો મને તકાડી તકાડીને ખાય, તોય દરિયાભાભી ના એને વારે કે ના મને ચીભડું આલે. મને તો એમ જ કે એ મને આલસે તો ખરાં જ – પણ છેલ્લી ચીરી હુધીય એમની નંઈ આપવાની દોંનત પારખી મેં ઝૂંટ મારીને લઈ લીધું તાર...’

   ‘તમેય સું ભીખાભઈ ! આવી નાખી દીધા જેવી વાત દાજીને... મારો તો જીવ અધ્ધર કરી નોંખ્યો તમે.’ ચઢી ગયેલા શ્વાસને હેઠો મૂકતી દરિયા શરમાઈને આડું જોઈ ગઈ. ડુંગર પણ નીચું જોઈ હસે. પૂછતી નજરે દાજીએ ભીખા તરફ જોયું.
   ‘દાજી તમં નિયાય કરો. મેંઠું ચીભડું આ બેય એકલ-પેટૂડાં ખાય અનં મને ના આલે, એ ચાલે ?’
   ‘ના ચાલે. તનં ના આલે એ હપૂચું ના ચાલે.’ દાજી છોકરાં જેવા થયા.
   ‘તો પૂછો એ બેને ચ્યમ એવું કર્યું ?’

   બંનેમાંથી કોઈ ના બોલ્યું એટલે ભીખો કહે, ‘દાજી, એ બેમાંથી એકેય નંઈ કે, લ્યો હું કવ. ચીભડું હાવ મોંરું છોંણ, પણ મારાં બેટાં મેંઠું મેંઠું કરી એવા ટેસથી ખાય...’
   ‘ભઈ ભીખા ! મનની મેંઠાસ મોંરા છોંણનેય મેંઠુંમધ બનાઈ દે.’ એમ કહી બંનેને હરખથી ‘આવાં ને આવાં હસતાં રમતાં તમને મારા સાંમીનાયણ ભગવોંન સદા રાખે.’ એવા આશિષ દીધા.

   ‘મા...’ દોડતા દોડતા આવી મફાએ ભીની માટીવાળા હાથ દરિયાને ગાલે ઘસ્યા. પોતાને થયેલા શીતળ સ્પર્શથી એણે ચોંકીને મફા તરફ જોયું. મફાએ બંને હાથના ઇશારાથી ઢાળિયામાં પાણી પીતા બાપાને બતાવ્યો. ઢાળિયો પાણીથી ભરેલો હતો. ડુંગર ખોબે ખોબે ઢાળિયાનું પાણી પીતો હતો. કોસેથી બળદ છોડી ભીખોય બળદને ઢાળિયામાં પાણી પાય.

   ‘ચેટલું થયું ?’ એમ પૂછતાં એ ઘેર જવાની તૈયારી કરવામાં પ્રવૃત્ત થઈ.
   ‘અડધું પત્યું, બાકી રયું એ કાલે, એમ બાપુ કે’તાતા.’

   એણે બેઠાં બેઠાં જ ખેતરને આંખમાં ભરી લીધું. ગઈકાલે નીચી મૂંડીએ ઊભેલા છોકરા જેવા બપૈયા પાણી દેખતાં ટટ્ટાર થયા હોય એમ લાગ્યા. પવનસંગે ખેતરમાં વહી આવેલ પંખીઓનો કલશોર એક એક બપૈયાને ટપલી મારતો મારતો નીકળી ગયો અને ખેતરનાં ઝાડ તો ડાળ-પાન હલાવી આવ આવ એમ કરવા લાગ્યાં.

   ભીખો અને ડુંગર એમના બળદ અને કોસને માળા પાસેના એકઢાળિયામાં મૂકી દરિયા પાસે આવ્યા.

   ‘આપડે ભેંસ દોઈ લઈએ, ભીખાભઈ – અનં મફો પેલામના ડેલે કોસ વરત અનં બળધ્યા હૂંપી આવે બારોબાર ઘેર.’ દરિયાએ કહ્યું અને ઉમેર્યું કે; ‘ડેલે પાછા ચા-પોંણી કરવા બેહી ના રે’તા.’ ભીખો ને મફો મુખીના કોસનો સરંજામ લઈને નીકળ્યા અને દરિયા-ડુંગર ભેંસ દોહવા ગયાં.
(ક્રમશ :...)


0 comments


Leave comment