12 - સાકર પીરસણ / કંચનલાલ વાસુદેવ મહેતા 'મલયાનિલ'


   આજકાલ સમાજ તરફ નજર નાખતાં કેટલીક વખત આપણને થાય છે કે હવે કંઈક નવીન ફેરફાર શરૂ થઈ ગયેલો છે. એકવીસ વર્ષ પહેલાં આપણે અનુભવેલું હાલ જોવામાં નથી આવતું, અંદરની શુદ્ધિ કરતાં બહારનો ડોળ વધ્યો છે. કપડાં પહેરવામાં, રહેવામાં અને અનેક વ્યાપારોમાં સત્ય કરતાં ડોળ Hypocrisy - દંભ વધારે જોવામાં આવે છે.

   આમાંનો ઘણો બહાર પડી આવેલો, વિદ્વાન વર્ગમાં વધારે પ્રચલિત, ગામડાંઓ કરતાં શહેરોમાં વધારે દૃષ્ટિગોચર થતો, તે ‘સાકર પીરસણ’ છે. મોઢેથી ખોટા આગ્રહ કરવા, મીઠું મીઠું બોલવું – કે જે આગ્રહ અથવા મિષ્ટ વચન હૃદયને રૂચતાં પણ ન હોય - તે. પરંતુ હવે મીઠું બોલનારના શત્રુઓ બહાર પડ્યા છે અને એમના શબ્દો એમના જ મોઢામાં પાછા નંખાવી એમની ખો ભુલાવનાર નીકળ્યા છે. અને એમ જ થવું પણ જોઈએ.

   મારા એક મિત્રે આનો પ્રયોગ મને જણાવ્યો છે અને તેને હું એના જ શબ્દમાં નીચે ઉતારું છું :
   મારા મામા રા. નીરદેરામ મુંબઈમાં સેક્રેટેરીએટમાં નોકર છે. મહિને દોઢસો રૂપિયાનો પગાર મળે છે, પરંતુ મનના એવા મખ્ખીચૂસ છે કે કાંઈ કહેવાની વાત જ નહિ. બી.એ. સુધી અભ્યાસ કરેલો છે, છતાં પણ આવી સાંકડી બુદ્ધિ કેમ રહી હશે એ કળી શકાતું નથી. પણ હાલની કેળવણી સ્વભાવને કાંઈ ફેરવી શકતી નથી.

   એક દિવસે એ ઈસ્ટરના તહેવારોમાં અમદાવાદ આવ્યા. હું તે વખતે મૅટ્રિકનો અભ્યાસ કરતો હતો. મે વૅકેશન પડવાની તૈયારી હતી. મારાં માતાપિતાની જોડે વાતચીત કરીને પછી મારી પાસે આવ્યા અને મને સારું લગાડવાને, જાણે મારા પર ખૂબ વહાલ ઊભરાઈ જતું હોય તેમ ‘હવે વખત મળે તો મુંબઈ આવો; જોવા જેવું છે; આમ અમદાવાદમાં પડી રહ્યે શો અનુભવ મળશે ? ભણવાનું તો રોજ છે.' એમ કહી ખૂબ આગ્રહ બતાવવા લાગ્યા.

   હું તો એમને પહેલાંથી જ સારી રીતે ઓળખતો હતો. વારંવાર ઘરના સંબંધોમાં એમનું તથા મારાં મામીનું મન બરોબર પારખેલું હતું. એમના મનમાં એમ જ કે હું ના કહીશ. અને પહેલાં તો મને ના કહેવાનો વિચાર પણ આવ્યો; પણ પછી ‘લાવને આ વખતે તો ફારસ કરું' એમ વિચાર કરી મેં જવાબ દીધો:
   ‘હા મોટા મામા, મને પણ મુંબઈ જોવાનું મન થાય છે. આ સાતમીથી રજાઓ પડવાની છે એટલે ત્યાં આવવા બની શકે ખરું.'

   એમના પેટમાં તો ફાળ પડી ! કેમ કે એ જાણતા હતા કે એ તો હું જમવામાં જરા હળવદિયો હતો અને વળી હાડકાંનો ભાંગેલો હતો.
   ‘આવો ત્યારે. પણ જુઓ, ભણવાનું ન બગડે. પહેલું કામ એ છે.'
   ‘પણ આ મારું બીજું વર્ષ છે; અને આ ટર્મમાં તો મેં મહેનત પણ બહુ કરી છે. એટલે આ રજાઓ આનંદમાં કાઢવાનો મારો વિચાર છે. '
   ‘તો આવો, તમને બધું ત્યાં બતાવું.'

   પછી બીજી વાતો થઈને બે દિવસ રહી એ પાછા મુંબઈ ગયા.
   સાતમી મેએ રજાઓ પડવાની હતી. નવમીએ ઊપડવાનો મારો વિચાર હતો. દરરોજ હું મુંબઈ જવામાં અને મોટા મામાને જ ઘેર ઊતરવામાં દ્રઢ થવા લાગ્યો અને એક દિવસ તો આવા માણસોને મીઠું બોલવાનું ભુલાવી દઉં એમ મક્કમ વિચાર કર્યો. એમને કદાચ ખોટું તો લાગશે; પણ એ જ્યારે જાણશે કે મેં આ જાણીજોઈને કર્યું છે ત્યારે તેમના મનમાં લાગશે નહિ તો મનમાં ને મનમાં સલવાયા કરશે. વળી ગુનેગાર પોતે ઠરવાના હતા, હું નહિ; એટલે ખોટું કોના ઉપર લગાડશે?

   સાતમી તારીખે એમનો કાગળ આવ્યો. જેવો કાગળ આવ્યો કે તરત જ મને લાગ્યું કે કંઈક બહાનું કાઢ્યું હશે. અને તેમ જ હતું. એમણે લખ્યું હતું કે ‘તારાં મામીનું શરીર સારું નથી, એટલે એકાદ મહિના પછી અવાય તો સારું.’ મારાં માતાપિતાને મેં આ કાગળ બતાવ્યો જ નહિ; કદાચ મને ન જવા દે તો!

   નવમીની સાંજે કાઠિયાવાડ એક્સપ્રેસમાં હું તો ઊપડ્યો. સ્ટેશન ઉપર મને કોણ લેવા આવે ? ઠેકાણાની મને ખબર હતી, એટલે ગ્રાન્ટરોડથી વિક્ટોરિયા કરી કલ્યાણ મોતીની ચાલ તરફ લઈ જવા કહ્યું. ચારપાંચ જણને પૂછીને એમની રૂમ શોધી કાઢી અને અંદર જઈ ‘મોટા મામા, છો કે ?' કહી બૂમ પાડી. જોઉં છું તો મામી ગલગોલા જેવાં અને બારણાં પાછળ છુપાઈને કાંઈ કરતાં હતાં. મને જોતાં જ મોટા મામાના પેટમાં ધ્રાસ્કો પડ્યો ને શાક સમારતા એકદમ ઊઠીને આવ્યા : ‘કોણ ચતુર્મુખ !'

   ‘હા મોટા મામા.’ કહી બૂટ કાઢી મેં રૂમમાં પેટી મુકાવી. વિક્ટોરિયાવાળાને આઠ આના આપવાના હતા. મારી પાસે હતા તો ખરા, પણ મારે એમની પાસેથી કઢાવવા હતા એટલે કહ્યું : ‘મોટા મામા ! છૂટા આઠ આના છે ? આ વિક્ટોરિયાવાળાને આપવા છે. મારી પાસે પાંચની નોટ છે.’

   ચા...લો; તેલ રેડવાનું મંડાણ થયું. એક ગજવું તપાસે ને બીજું તપાસે. આપણે તો ડાહ્યા થઈ ઊભા રહ્યા હતા. આખરે બિચારાને કાઢી આપવા પડ્યા.
   થોડી વાર બેઠા પછી મને કહ્યું : ‘મારો કાગળ મળ્યો'તોને ?'
   ‘ના ભઈ ! શું લખ્યું હતું?'

   કાગળ તો મલ્યો નથી અને એની મામીને તો એ જોઈ ગયો છે એમ જાણી બોલ્યા : ‘મેં લખ્યું'તું કે રજાઓ પડે કે તરત જ આવજે, નહિ તો પછી બહુ રહેવાશે નહિ.’
   ઠીક છે, હજી સાકર પીરસે જાઓ ! મેં મનમાં કહ્યું. મારી આઘીપાછી નજર થઈ એટલે મામી પણ પરસેવો લૂછતાં આવ્યાં.
   ‘આવ્યા કે ચતુર્મુખભાઈ !'
   ‘હા, મામી ! છો તો મજામાં ને ?'
   ‘ઠીક છે. હમણાંનું શરીર જરા સારું નથી રહેતું.' દસ વાગ્યા સુધી ગપ્પાં માર્યાં ત્યાં જમવાનો વખત થયો. ઑફિસનો વખત થયેલો એટલે મોટા મામાએ નાહી લીધું અને સંધ્યાપૂજા કરવા બેઠાં એમની પછી તરત જ હું પણ નાહ્યોધોયો અને પાંચ મિનિટની મારી સંધ્યા એટલે એમની પહેલો તૈયાર થઈ ગયો.

   મામી બહુ દિવસથી મુંબઈ રહેલાં એટલે બિચારાંને ખબર નહિ કે ચતુર્મુખભાઈ તો મથુરાના ચોબા છે. આઠ રોટલી મારી કરેલી અને પંદર-સોળ એમના બે માટે બનાવી'તી. થોડોક કંસાર પણ કરેલો.

   હું ખોટી થાઉં છું એમ જાણી સંધ્યા કરતાં મામા બોલ્યાં : ‘ચતુર્મુખ, બેસી જા; તારે પાછો ઉજાગરો છે.’
   મેં કહ્યું : ‘ના મામા ! મારે ઉતાવળ નથી. હવે તમારે શી વાર છે?' મારી તો બેસવાની ઘણીયે મરજી હતી, પણ મેં વિવેક કર્યો.
   ‘ના ના, મારે હજી અડધા કલાકની વાર થશે.'
   ‘સારું ત્યારે.' મામીએ થાળી પીરસીને હું જમવા બેઠો. ધીમે ધીમે મેં તો રોટલી ખાલી કરવા માંડી. બિચારા વિચારમાં પડ્યા કે ખૂટશે કે શું ? હું સમજતો હતો, પણ બહુ લાગે નહિ અને નિર્દોષ છું એમ જણાવવાને મેં કહ્યું,
   ‘મામી, રસોઈ ક્યાંથી શીખી લાવ્યાં ? રોટલીઓ તો ઊની ને ઊની જ મારા મામાને જમાડો છોને ! અમારા ઘરની પેઠે તમારે ત્યાં નથી. અમારે ઘેર તો બધી સાથે જ કરી મૂકે. તમને આખો દહાડો કણક બાંધવાનો કંટાળો નથી આવતો ?’

   બાપડાંએ સામટી જ કરી હતી તો. ખોટું લાગે તેથી કંઈ બોલાયું નહિ. છાનાંમાના ઊઠ્યાં અને લોટ કાઢ્યો અને પાછી નવી કણક બાંધી. સામે માળાં ફેરવતાં ફેરવતાં મોટા મામાનું તો મોઢું જ ઊતરી ગયું હતું. કંઈ હરકત નહિ. મેં તો નિશ્ચય કર્યો હતો કે એમને મોઢે જ કહેવડાવું ત્યારે ખરો કે તું હવે ઘેર જા !

   જમીને માથે ઝીણું ધોતિયું ઓઢી હું બહારના ખંડમાં સૂઈ ગયો. થોડી વાર પછી મામા-મામી જમવા બેઠાં. શું ચાલે છે તે જોવા હું ધોતિયામાંથી નજર નાખતો હતો. બે જણ એક એકની સામે જુએ અને વારાફરતી મારી સામે જુએ કે હું હવે ઊંઘવાની તૈયારીમાં છું કે નહિ ! મેં પાંચ મિનિટ રહી નસકોરાં બોલાવવાં માંડ્યા. મારો ઇરાદો આવો ગઠિયાવિદ્યા કરવાનો છે એવું એ કાંઈ જાણતાં ન હતાં; એટલે મને નિર્દોષ સમજી બે જણાં વાતો કરવા મંડ્યાં :
   મામી : ‘તમારો કાગળ તો પહોંચ્યો લાગતો નથી; અને એણે તો આજ લોટ ખાલી કર્યો. લોટની જોડે ઘી જાય અને વધારાનું શાકબાક ખાય એ તો નફાનું. ક્યાં સુધી રહેશે ?’ પહેલા દહાડાથી જ પગરણ મંડાયાં.
   મોટા મામા : ‘હશે હવે, જે થાય તે ખરું. કંઈ આવ્યો છે તે પાછો નહિ કઢાય?’ હજી એમનામાં ધૈર્ય હતું અને એટલામાં ખૂટી ક્યાંથી જાય? મામીનો તો રોટલી વણીને અડદાલો નીકળી ગયો હતો એટલે મને કાઢવાને ઇચ્છે એમાં નવાઈ નહિ.

   જમીને મામા ઑફિસમાં ગયા. ઊંઘ આવતી હતી એટલે હું લેટી ગયો હતો. આશરે ચારેક વાગે જાગ્યો. મામી બારણા પાસે બેઠાંબેઠાં દાળ વીણતાં હતાં. મોં ધોઈ કપડાં પહેરી મેં બહાર જવાની ઇચ્છા બતાવી. ‘કેમ ચતુર્મુખભાઈ ! ફરવા જવું છે ? જરા થોડેક સુધી ફરી આવો. જોડેના કુંદનમણિ તમારી સાથે આવશે. પૈસા જોઈએ તો લેતા જજો.’

   ચાલો, જોઈતું હતું અને વૈધે કહ્યું. મુંબઈનો ભોમિયો મળ્યો અને ખરચવાને પૈસા લેવાને પણ આગ્રહ થયો. આપણે તો કપડાં પહેરવા માંડ્યાં. મામીએ કુંદનમણિને બોલાવ્યો અને મને આમતેમ ફેરવવા સૂચના આપી.
   ‘છૂટા બે રૂપિયા આપોને, હોય તો !' મેં કહ્યું.
   ‘મારી પાસે એટલા બધા તો નથી; ચારેક આના છે.' એમણે કહ્યું. ઓ..હો..હો..હો ! ચાર આના હતા, એમાં તો “પૈસા જોઈએ તો લઈ જજો’ સારું ! પીરસો સાકર; હું કરું છું તમને પાંશરાં. હું મનમાં બબડ્યો.

   કુંદન આવ્યો. બંને જણા નીચે ઊતર્યા. મેં એક વિક્ટોરિયાવાળાને બોલાવ્યો અને કુંદને કહ્યું તેમ મુંબઈની એક બાજુ જોવાનું નક્કી કરી. તે દિવસે રાજાબાઈ ટાવર અને ઍપોલો તરફ ચલાવવા કહ્યું. સાંજના સાડાસાત સુધી ફર્યા, અને મને હવે લાગ્યું કે મોટા મામા ઘેર આવ્યા હશે એટલે ઘર તરફ વળ્યા. ગાડીવાળાને ઊભો રાખી હું ઉપર ગયો. મામા પાછલી બારીએ ઊભા હતા.
   ‘કેમ, ફરી આવ્યા ?' એમણે પૂછ્યું.
   ‘હા, મોટા મામા.’
   ‘પછી તારી મામી પાસેથી લીધા હતાને, પૈસા ? હું કહેતો ગયો હતો.'
   ‘ના મોટા મામા. લાવો, બે રૂપિયા છૂટા હોય તો આપો ; નીચે વિક્ટોરિયાવાળો ઊભો છે તેને આપવાના છે.’

   મોઢું ઢીલું ઢબ થઈ ગયું. જાણે થાક્યા હોય તેમ મહાપરાણે બારી આગળથી ખસ્યા. ધીમેધીમે જઈ પેટી ઉઘાડી બે રૂપિયા કાઢ્યા અને મને આપ્યા.
   બીજે દિવસે ફરવા ન ગયો. વળી ત્રીજે તથા ચોથે દિવસે ફરીને જોવાનું હતું તે જોયું. હજી મારો જવાનો વિચાર ન હતો, કારણ કે મામી રોજ કહેતાં કે ‘રહેજો ચતુર્મુખભાઈ ! શી ઉતાવળ છે ? તમારેય ક્યાં અમારી પેઠે છોકરાં રડે છે ?’ હું સમજતો હતો કે આ બધા શબ્દોનો ભાવાર્થ ‘જાઓ’ એમ હતો. પણ આપણે તો તે કહે તેનો સીધો જ અર્થ કરતા. આમ ચાર-પાંચ દિવસ રહ્યો તેમાં ખાધા ઉપરાંત દસબાર રૂપિયા થઈ ગયા હતા. હવે તો એમને બંનેને કંટાળો આવ્યો હતો, પણ મોઢેથી હજુ ‘રહો રહો ' કહેતાં જ હતાં. હું પણ કહેતો હતો કે ઘેરથી કાગળ આવ્યો છે તેમાં તમને ઘણું ઘણું કરીને ભાઈએ તથા મોટી બહેને બોલાવ્યા છે અને કહ્યું છે કે ઘર જેવું ગણી ત્યાં રહેજે; મામામામીને પજવીશ નહિ. હું કાંઈ અડચણ તો નથી કરતોને, મામી ?'
   ‘નારે, અડચણ કેવી !'
  
   આમ છ દિવસ થયા. હવે તો કોઈ રીતે મને કાઢવો જ હતો. મુંબઈમાં દૂધ મોંઘું. સાંજે બે દિવસ આણ્યા પછી મારા વાલાએ બંધ જ કરી દીધું ! આપણે તો બધા વગર ચાલે. આખરે મામાએ કહ્યું : ‘કાલે સવારે મારે વાંદરે જવાનું છે. તમારે ક્યાં સુધી રજાઓ પહોંચે છે ? મુંબઈ તો રોજ છે. તમારે પછી ભણવાનું રખડે નહિ.'

   મેં કહ્યું : ‘ના મોટા મામા, એને માટે તમે ફિકર રાખશો નહિ. રજાઓ પડી ને તરત જ આવ્યો છું એટલે મહિનો રહીશ તો યે કાંઈ વાંધા જેવું નથી.'
   ઓય રે મારા બાપ ! એક મહિનો ! હું એક મહિનો રહું તો તો એમના ઘરનું બધુંયે સીધું ખાલી ! વાંદરે જવાની વાત કરી એટલે મેં પૂછ્યું : ‘કેટલુંક છેટું છે?’

   ‘છેટું તો નથી, પણ મારા એક ફ્રેન્ડને ત્યાં જવાનું છે, તે કદાચ રાત અમારે બંનેને ત્યાં રોકાઈ જવું પડે; તારે ત્યાં આવવું હોય તો કાંઈ અડચણ નથી.'
   ‘એમ ને ? ત્યારે હું આવીશ.’ એમના મનમાં કે ના કહેશે; પણ આપણે ના કહીએ એવા નહોતા. એમને ત્યાં કંઈ ખાસ કામ નહોતું, પણ આવુંતેવું બહાનું કાઢે તો હું થાકીને જાઉં. પણ એમની યુક્તિ એમને જ નડી. મારું ભાડું આપવું પડ્યું. રાતબાત કંઈ રહ્યાં નહિ અને બે કલાક પછી પાછા આવતાં રહ્યાં.

   બીજે દિવસે રાત સુધી પછી કંઈ જાણવા જેવું બન્યું નહિ. ત્રીજે દિવસે સવારમાં મામા ઊઠીને કહે કે મારે કાલે પૂને જવું પડશે. અને મામી તરફ ફરી બોલ્યા, તારે આવ્યા વગર છૂટકો નથી. આપણે તો સાંભળતા હતા. હવે શું કરવું ? એ જવાના તો નહોતા એની મને ખાતરી હતી ; પણ એ જાય ને મારાથી કંઈ રહેવાય ? મેં કહ્યું કે ત્યારે તો હું કાલે અમદાવાદ જઈશ. મનમાં તો હાશ થઈ. એ રાત્રે એમણે અને મેં તૈયારી કરવા માંડી અને બીજે દિવસે સવારમાં એ જવાના છે એમ કહ્યું. મેં કહ્યું કે હું પણ સવારે જ જઈશ.

   સવાર થયું. એમણે મને જગાડ્યો. ચા કરી પાઈ, થોડું ખાવાનું બાંધી આપ્યું, અને ભાડું આપી, ગાડી બોલાવી મોકલવા તૈયારી કરી. પોતાની તથા મારી પેટીઓ નીચે ઊતરાવી. મને ખાતરી હતી કે એ પૂને નથી જવાનાં ; કારણ કે એમની જોડેનો માણસ ઓચિંતો એમને પૂછવા લાગ્યો હતો કે ‘રજા લીધા વગર ક્યાં જાઓ છો ?'

   હું તો ગાડીમાં બેઠો અને સ્ટેશન તરફ પસાર થયો. ‘આવજો, ફરી વખત મળે ત્યારે, ભૂલશો નહિ.’ મોટા મામા તથા મામી નિમંત્રણ આપતાં હતાં. સ્ટેશન પર જઈ મેં તો બીજા વિક્ટોરિયાવાળાને બોલાવ્યો અને મામાને ઘેર પાછો આવ્યો. જોઉં છું તો પેટીઓબેટીઓ ઉપર ચડાવી દીધી હતી. કપડાં બાંધ્યાં હતાં તે છોડી નાંખી મામા પાછું હતું તેમ ગોઠવી દેતા હતા ને મામી રાંધવાની તૈયારી કરતાં હતાં. હું તો લાગલો ઉપર ચડ્યો અને ‘મોટા મામા, તમે આવજો કહ્યું એટલે હું તો ટ્રેન ચૂકી ગયો; તમે કેમ જવાનું બંધ રાખ્યું?'

   એમનાં બંનેનાં મોઢાં એવાં તો ઝંખવાણાં પડી ગયાં કે કાંઈ કહેવાની વાત જ નહિ. એક તો જૂઠું બોલ્યાં તે પકડાઈ ગયાં, અને બીજું પાછો પાંચ્છેરીઓ આવીને ઊભો રહ્યો; ત્રણ મિનિટ તો કાંઈ બોલાયું જ નહિ. મજૂરે મારો સામાન પાછો ઉપર મૂક્યો.

   કંટાળાની હદ આવી ગઈ હતી. અડધો કલાક કંઈ વિચાર કર્યા કર્યો અને પછી બોલ્યા, તારી મામીને આજે રાત્રે અમદાવાદ જવાનું આવ્યું છે, એટલે પૂને જવાનું માંડી વાળ્યું.'
   મામીને અમદાવાદ મોકલી દેવાની આ ત્રીજી યુક્તિ હતી. હવે એમની સાથે મારે પણ જવું પડશે એમ લાગ્યું.
   ‘તું તો ત્યારે હવે એની સાથે પાછો જઈશ ને ? બૈરાંનાં, ભાઈ, બધાં સગાં છે; કોઈ ભાયડાનું નથી. સારું ભાઈ ત્યારે, તુંયે જજે; આપણે એકલા કાચુંકોરું ખાઈ લઈશું.’

   મેં કંઈ જવાબ ન દીધો. રાત્રે વળી ખરેખર મામીને મોકલવાની તો સાચી જ તૈયારી હતી. સાલ્લાબાલ્લા બાંધ્યા; છોકરાંને વાસ્તે ખાવાનું પણ બાંધ્યું.
   ‘મામા, હું તો ત્યારે હવે નહિ જાઉં. મારે હમણાં રજાઓ છે એટલે તમને મદદ કરીશ. જો આવી વખતે જાઉં તો મને ઘેર ઠપકો મળે. કહેશે ગરજ હતી તે રહ્યો અને અડચણ વખતે જતો રહ્યો. તમારા મનને પણ એવું આવે. મામીને ઓચિતું કામ છે તો એમને જવા દો.’

   એમના મનમાં તો હતું કે એના (મામીના) ગયા પછી આ વધારે રહી શકવાનો નથી. પણ આપણે બંદા પક્કા હતા.
   રાત્રે મામી તો ખરેખર ગયાં જ અને હું રહ્યો. રોજ રાંધી કાઢું અને અચ્છી તરેહથી જમું અને જમાડું. આગ્રહ કરીકરીને ઘી વધારે મૂકું. મને કહે કે ‘તારે લેવું હોય તો લે, મને તો બહુ ઘી નથી ભાવતું.' ના ભાવતું હોય તો રહ્યું. પટ લઈને મારી થાળીમાં વાટકી ઊંધી પાડું. એમનો તો જીવ કપાઈ જાય ! નસીબ એમનું; મોઢે બોલતાં વિચાર નથી આવતો ! ચાર દિવસ આમ બીજા નીકળ્યા, પણ હું તો અચળ જ હતો.

   હવે તો સીમા આવી ગઈ હતી. મખ્ખીચૂસ મામાને મેં આ આઠ દિવસમાં ત્રીસચાળીસના ખાડામાં ઉતારી દીધા હતા. આખરે એમણે ત્રણ દિવસની casual રજા માગી. જવાબ આવ્યો કે લાગલી મને ખબર આપી કે રાત્રે અમદાવાદ જવાનું છે.

   તૈયારી કરી ને મારી સાથે એ પણ આવવા નીકળ્યા. બીજે દિવસે સવારે અમદાવાદ આવ્યા. બે દિવસ રહી ત્રીજે દિવસે મામીને લઈ એ ઊપડી ગયા. ત્યાર પછી મને કોઈ દિવસ એમણે ઘેર આવવાનો આગ્રહ કર્યો નથી ; અને કોઈને પણ કર્યો હશે કે કેમ એ સવાલ છે. ખો જ ભૂલી ગયા છે !

   વાચક ! આવા ચતુર્મુખોની હવે બહુ જરૂર છે ! તને તો ખબર હશે સ્તો!
* * *


0 comments


Leave comment