7 - પ્રકરણ – ૭ / કૂવો / અશોકપુરી ગોસ્વામી
ઘેર આવ્યા પછી દરિયા ઘરના કામકાજમાં પડી, ચૂલે મૂકેલી દેગડીનું પાણીય ના’વા જોગું થતાં ડુંગર ના’વા બેઠો. એ નાહી રહ્યો છતાંય ન દેખાયો ભીખો કે ન દેખાયો મફો.
‘અજુય પેલા બે ના આયા ? બઉ વાર થઈ.’ એમ ચિંતા કરતી દરિયાને એણે કહ્યુંય ખરું : ‘લાય તાર જરા તાં જોતો આવું.’ એમ કરી એ ઊઠવા જતો જ હતો ત્યાં જ ભીખો અને મફો દેખાયા. બંને હજુ તો ઘરમાં પેસતા હતા ત્યાં જ –
‘ચ્યમ આટલું બધું મોડું ? અંઈ અમને પાર વનાની ફકર થાય અનં તમે બેય જોંણ મેળો મ્હાલતા હોય એમ આવો સો ? હું તે એ વાતે ઊંચોનીચો થતો’તો કે...’
આવું બોલ્યે જતા ડુંગરને ભીખો કહે : ‘ધીરા ધર ભૈ સાબ, આટલો બધો શીદ ઉતાવળો થાચ્છ ? રસ્તે ભઈલાલ મલ્યો તે એણે અમને ઊભા રાખી ઠપકાર્યા.’
‘ભઈલાલભઈએ ઠપકાર્યા ? ના બને. આપડે અને એમને તો બઉ હારાહારી સે.’ બંનેને રકાબીમાં ચા આપતી દરિયા કહે.
‘મફલા ! તું કે’, શી બીના સે ? ચ્યમ ભઈલાલે...’ આટલું પૂછી એક ઘૂંટડે ડુંગરે રકાબી ચા પૂરી કરી.
‘ભઈલાલકાકા મને એવું કેતા’તા કે તારો બાપ હપૂચો સેંમાડું થઈ ગ્યો સે. ના કંઈએંય આવ્વું, ના જવું. મોંદાહાજાની ખબર-અંતર કાઢવાનીય નવરાશ નૈં ?’
‘કોણ માંદું સે ?’ ડુંગરે પૂછ્યું. એને સાચે જ ખબર ન હતી.
‘છોટાકાકા.’ ભીખે કહ્યું.
‘એમ ! લે હેંડ તાર અતાર જ જતા આઈએ. અલા હાંભરચ્છ ? તમં તમાર ખઈપીને પરવારો, તાં હૂધી અમે છોટાકાકાની ખબર કાઢ્યાવીએ. હેંડ ભીખા.’ કરતો ડુંગર ઉતાવળે જોડા પહેરી નીકળ્યો.
ડુંગર ખેતીકામમાં એવો તે ખૂંપી ગયેલો કે ગામની નવાજૂનીની એને ખબર ઓછી પડે. લગ્ન જેવા મંગળ પ્રસંગે કે કથાવારતાના ધાર્મિક પ્રસંગે તેડું-નોંતરું હોય ત્યારે તો એ બધું પડતું મૂકીને પહોંચી જાય. ગામમાં કે સગેવહાલે કોઈ મર્યું ફીટ્યું હોય અને ખબર પડે તો એ પડતો-આખડતો પહોંચી જાય; પણ આવા મંદવાડના કે કોઈને ત્યાં કોઈ મહેમાન-પરોણા આવ્યા-ગયાના સમાચાર એને સમયસર જાણવા ન મળતા અને મળતા ત્યારે મોડું થઈ જતું; કે પછી કામના દબાણે શરતચૂક થઈ જતી.
બંને ભાગોળે આવ્યા ત્યારે ભાઈલાલ ભાગોળે જ હતો. ડુંગર એની પાસે જઈ, એના ખભે હાથ મૂકી કહે, ‘ભઈલા ! છોટાકાકા ફરી માંદા થઈ ગ્યા ?’
‘રે’વા દેનં હવાહલાં ! ગોંમ આખું મારા ડોહાની ખબર પૂછી ગ્યું, એક તું જ ના દેખાયો. દાડેદાડે તું વે’વાર બાર થતો જાચ્છ; પેલાં તો તું જોંણે અનં પડતો-આખડતો આવું. ડુંગર, તનં ડોહા કાલેય હંભારતા’તા.’
‘તે ભઈલા ! અતારેય આ આયો. જોણ્યું જ અતાર, તેં મફલાને કયું તાર. જોંણતો હોઉં તો આયા વના રવ એમ મોંનચ્છ તું ? પંદર દાડાથી બપૈયામાં પોંણી હાતર ચકૈડિયો મારતો’તો પણ હાહૂનો કોસનો મેર જ ના પડે. હાચું કવ ભઈલા, ઘેરથી ખેતર અને ખેતરથી ઘરના આંટાફેરામાં ટોંટિયાની કઢી થઈ જાય સે. એ બધી લોઢકૂટમાં આવીતેવી વાતની ખબર જ નથ્ય મલતી. ના ચ્યોંય આયા-ગયાના કે ઊઠ્યા-બેઠ્યાના.’
‘તે પત્યું પોંણી બપૈયામાં ?’ ભાઈલાલે કૂણા પડી પૂછ્યું.
‘ના ના, તું તાર ભોંડ ને અજુ ? હાહરી આ તે કંઈ જિંગ્ગી સે ! નંઈ વે’વારના કે નંઈ તેવારના...’
‘કે, નંઈ, બૈરાના દાવના.’ એમ પૂરું કરીને ભાઈલાલ ખડખડાટ હસ્યો. પછી કહે : ‘હેંડ, ઓછું ના ઓંણીસ. આ તો સરીગત વાત કઈ એમાં તો તું જો...? તું ધરઘડીનો તડતડિયો તે તડતડિયો જ રહ્યો. પોંણી પત્યું કે નંઈ એ તો તું કે ?’
‘ના રે. અજુ ચ્યોં પત્યું સે ! પતસે તો ઠેઠ કાલે હાંજે. લે હેંડ, હું અને ભીખો તો તારે તાં જ જઈએ સીએ. ચ્યમ છે અવે છોટાકાકાને ?’
‘આવનફેર બઉ દાખવી ગ્યું’તું. ગાડામાં ઘાલીને ડોહાને અણંદે કૂકના દવાખોંને લઈ ગ્યા, બાર-ચૌદ દાડા રાખ્યા તાર હારું થ્યું. પમધાડે જ ઘેર ઓંણ્યા. જાર જાર ઊથલો મારે તાર ડુંગર હેંડવું જ પડે.’
‘મંદવાડ અનં વઢવાડ ધરમૂળથી ચ્યોં મટે જ સે ? થોડીક વાર હારુ લાગે અનં પાછું તું કેચ્છ એમ ઊથલા મારે એટલે પાર વગરની ઉપાદિ. લે હેંડ, આવચ્છ ? કે પછી અમે જઈએ ?’
‘ઘેર હારો આવરોજાવરો બઉ રે સે. આજ તો થાક્યો, તે મેંકું લાય જરા ભાગોરે જતો આવું. લે હેંડ.’ ભાઈલાલે કહ્યું.
‘હાહૂના જૂઠા ! મનં બનાવચ્છ ? એમ નથ્ય કે’તો કે રૂપલી હાતર ઊભો સું. ડોહાના મંદવાડે...’ એને આગળ બોલતો અટકાવી ‘લે હેંડ છોંનો મર.’ એમ કરતો ભાઈલાલ એના હાથ ઘસડી ચાલ્યો.
ગામમાં વિવાહ કે લગ્ન, કથા કે ભજન વખતે જેને વહેવાર હોય, નોંતરું હોય કે પછી ખાસ અવરજવર હોય એ આવે પણ, માંદેસાજે તો બોલચાલ ઓછી હોય, આડે દિવસે લડ્યા-ઝગડ્યા હોય તોપણ ખબર કાઢવા તો લોક આવે. ભાઈલાલના માંદા બાપુના ખાટલા પાસે પહેલેથી જ ચારપાંચ જણ બેઠેલા, એમાં આ બે ઉમેરાયા.
ડુંગર તો ‘ચ્યમ સે અવે છોટાકાકા તમને ?’ કરતો એમના ખાટલાની પાંગોતે બેઠો. ભીખો સૌને જોડે નીચે શેતરંજી પાથરેલી તેમાં બેઠો.
‘હારું સે. આય આય ડુંગર. હું કાલનો ભઈલાને પૂસતો’તો; ડુંગર પરગોંમ ગ્યો લાગેચ્છ, નઈતર આયા વના ના રે.’
છોટાકાકા ખાટલામાં બેઠા થયા. ડુંગરની જેમ બધાએ ના ના, હૂઈ રો’ તમ’ તમાર.’ કહીને વાર્યા તોય માન્યા નહીં. ઉપરથી કહેવા લાગ્યા : હાહરું હૂઈ રઈ રઈને થાક્યો. ખાટલો તો ખઈ જવા બેઠો.’ એમ કહી એમણે ડુંગરને પૂછ્યું કે ‘ભઈ, ચ્યમની સે ખેતીવાડી ? આનવખત કે’ચ્છ તારા બપૈયા બઉ હારા સે, કોણ કોક કે’તું’તું કે ડુંગરને લંક લાગી જવાનો સે.’
‘તમારે પરતાપે હારા સે. આ બપૈયાના પોંણીની નાહાનાસમાં તમારા મંદવાડની જોંણ ના થઈ; નંઈ તો આગલી વખતે હું જ તમને ગાડામાં લઈ ગ્યો’તો ને દવાખોંને.’
‘આ હાહરું કોસથી પિયત કરવાનું બઉ વહમું. અમે તો થાકીને ઉનારું વાવ્વાનું જ પડતું મેલ્યું. એક તેં જ પૂછડું પકડી રાખ્યું. અને તેય પાછાં-ઓછાં-વધાર નંઈ, વીહ વીઘાં પિયત.’ છોટાકાકાએ પણ કંટાળેલા અવાજે કહ્યું.
‘તે તમે લોકો અમદાવાદથી મશીન લાવીને મૂકો ને તમારા કૂવે. વીસ વીઘાં જમીન ચારેક દિવસમાં પિવાઈ જાય. ધર્મજ મારા ફુઆને ત્યાં મશીન મૂકેલું જ છે.’ શેતરંજીમાં બેઠેલા એક પરગામીએ કહ્યું એટલે બધા એમને જોવા મંડ્યા. એ નવતરની ઓળખ આપતાં છોટાકાકા કહે, ‘અમાર ભાઈલાલનો મોટો સાળો સે, અંદાવાદ રે’સે; તાંની મીલમાં જાય સે.’
ડુંગરે આ પહેલાં મશીન વિશે અલપઝલપ સાંભળેલું; પણ કોઈ સાથે વિગતે વાત થયેલી નહીં. આજ વાત નીકળી એટલે એણે પૂછપરછ આદરી.
‘તે ભયા...ચેવું હોય મશીન ?’
‘મેં ક્યાં જોયું જ છે ! આ મારા ફુઆને ત્યાં ધર્મજ ગોઠવેલું છે.’
‘ભઈલાલ, એક દાડો આપડે જઈને જોતા આઈએ ?’ ડુંગરે કહ્યું.
પછી તો નીચે બેઠેલું અને નવું આવતું લોક મશીનની વાતમાં રસ લેતા મંડ્યું. જાત જાતની અને ભાતભાતની વાતો.
કોઈ કહે, ‘ભઈ આ તો લોઢું. હદે એને હદે. આલવા આયું હોય તો ઘર ભરી આલે અનં લેવા બેહે તો ભીખ માગવાનું ચપણિયુંય ના રહેવા દે. ના મેલાય મશીન. આપડાં ઘૈડ્યાંએ મેલ્યાં’તાં મશીનોં ? એ લોકને ચાલ્યું તો આપડનેય ચાલે, ઓછું પાકસે તો ઓછું ખઈસું !’
‘પણ એમ કર્યાથી તમારા પ્રશ્નો તો ઊભા જ રહે છે ને ? વળી એમ ન કરો તો તમારો વિકાસ શી રીતે થાય?’ શહેરમાં રહેતો ભાઈલાલનો સાળો બોલી ઊઠ્યો. ‘તમને ખબર છે, પરદેશમાં લડાઈ ફાટી નીકળી છે. ચીજવસ્તુના ભાવ સાંજે સવાયા તો સવારે દોઢા- બમણા થઈ જાય. અને હવે જમાનો જ મશીનરીનો આવ્યો છે.’ બધા તો એમની સામું જ જોઈ રહેલા.
‘હોવ્વે, પેલા તંબક શેઠ છાપું વાંચી કે’તા કે રૂના ભાવ રાતોરાત વધી ગ્યા; લોઢું સોનાના મૂલે વેચાય છે, એ બધું હાચું ?’ પૂછનારે એમને પૂછ્યું એટલે એ કહે, ‘તદ્દન સાચું.’
અરે એવું તે હોય ! લોઢું એ લોઢું અનં હોનું એ હોનું. લોઢાને તો કાટ ચડે કૈં હોનાને ચઢે ? એક જણને સાચું ના લાગવાથી એણે વાદવિવાદ કર્યો.
પેલા શહેરના ભાઈ પૂછનારને જ નહીં, સૌને કહેતા હોય એમ દેશાવરની વાતો કરવા માંડ્યા.
‘તમને અહીં ગામડામાં દેશાવરની વાતોની ખબર ક્યાંથી પડે ? હજુ તો તમે રેડિયો પણ ક્યાં જોયો કે સાંભળ્યો છે ? અરે કૂવાનું મશીન પણ તમે દીઠું નથી. પરદેશમાં નવી નવી શોધખોળ થાય છે. અનેકનું કામ મશીનથી એક માણસ કરે. ખેતર ખેડવાથી માંડી પાક વાવવા-કાપવા માટેનાં યંત્રો શોધાઈ ચૂક્યાં છે. અમારી મિલની જ વાત કરો ને. તમારું ગામ પકવે એટલા કપાસનું રૂનું એક પાળીમાં કાપડ વણાઈ જાય.’
‘હોવ્વે લ્યા ભૈ, એક ડોસી મિલ જોઈને કોણ પેંજસે ? કોંણ કોંતસે ? એમ કરીનં ગોંડી થઈ ગઈ’તી તે તો આપડેય હાંભરેલું. હાચી વાત તમારી.’
મશીનની વાતને આડે પાટે ચડેલી જોઈ ડુંગરે તેમને જ પૂછયું, ‘મોંનો કે આપડે મશીન લાઈ અને કૂવે મેલ્યું; પણ એ ઘહઈ ગ્યું કે બગડ્યું તો એને હમુંનમું કોણ કરે ? અંઈ ગોંમડામાં તો લોઢાનો ખીલો હરખોય ના મલે.’
‘છે ને, એને પણ રિપેર કરવાવાળા છે. બનાવનારે મશીન બનાવ્યાં તો એ બગડે તો એને રિપેર કરવાવાળા કારીગરો પણ પડ્યા છે. અરે અમારી મિલના શેઠિયાના છોકરે કોઈ ગોરા દાક્તરની મોટરસાઈકલ લીધેલી. એ બગડી ગઈ ત્યારે અમારા અમદાવાદના જ એક કારખાનાવાળે એનાં લાયનર પિસ્ટન નવાં બનાવીને મોટરસાઈકલ ચાલુ કરી દીધેલી.’
‘તે ભઈ આ મોટરસાઈંકલ એટલે પેલું ફટફટિયું કે’સે એ જ ને ? દરિયાપારની મશીનરીના દાગીના અંઈ બનાવાય સે. ઓહો ! અલ્યા આપડે તો હાવ અંધારામાં જ આથડ્યા કરીએ સીએ.’
‘એ વાત અસે હાચી; પણ લોઢું આપડને ના હદ તો ડુંગર...? એ લેણે ના આયું તો ધનોતપનોત ના નેંકળી જાય ? આપડે તો હમૂચા ધોવઈ જઈએ.’ ભીખે વાતચીતમાં ભાગ લીધો.
‘લેણું-બેણું તો ઠીક; આ તો તમાર માટે નવું નવું. હા તમે એમ કરો, અમારા ભાઈલાલદા’ જોડે એકવાર ધર્મજ જઈ મશીન જોઈ આવો.’ પેલે ટૂંકાવ્યું. એને થયું : નાસમજુ આ લોકને કેમ કરી સમજાવવા ?
પેલાને કંટાળેલો જોઈ અને હવે એ મશીનની પણ વાત નહીં કરે એમ માની ડુંગર ઊઠ્યો. ‘બેહો તાર છોટાકાકા; જઈએ. અનં ભાઈલાલ, પરોંણાને લઈને આવજે ઘેર, ચાપોંણી કરીસું.’
‘ના ડુંગરભાઈ, ફરી ક્યારેક. વહેલી સવારે નીકળવું છે. મિલની બીજી પાળીની નોકરી છે.’
‘એ...ફરી આવો તાર ભૂલતા નંઈ મારે તાં આવવાનું હોં કે પાછા.’
‘ચોક્કસ આવીશ, બસ ! તમે પણ મશીન લેવા વિચારો ત્યારે આવજો ને અમારા ભાઈલાલદાને લઈ અમદાવાદ. નક્કી કરી આપીશ તમને.’ પરગામી કહે.
‘અલે ભઈ, ચા-પોંણી થતાં હૂધી તો લગીર બેહવું’તું. તમે તો આયા એવા હૂડહૂડ નાઠા.’
‘છોટાકાકા, ખેતરેથી ઘેર આયો અનં આ ભઈલાએ મારા મફલાને લહરકો કર્યો તે જોણ્યું; અનં જોણ્યું એવો ઊભા પગે નાઠો. અજુ તો વાળુંય બાકી સે.’ ડુંગરે કહ્યું.
‘તે ગોંડિયા ! ખઈ કરીનં આવ્વું’તું ને ? તારો છોટાકાકો ચ્યોં નાહી જવાનો અતો ? ઠરીને બેહાત તો ખરું.’
‘ફરી કોકવાર આવેશ’ કરતા એ અને ભીખો નીકળ્યા. એમને આવજો કરતા ભાઈલાલ અને એનો સાળો પણ ઊભા થયા. ભાઈલાલના સાળે પોતાના બનેવીના ભાઈબંધ લેખે મશીન માટે જ્યારે આવે ત્યારે પોતે મદદગાર થશે એવો સધિયારો પણ આપ્યો.
ઘેર આવી ત્રણેયે વાળું કર્યું. મોડું થવાથી દાજી તો ખાઈ પરવારી અને મંદિરે ગયેલા. અને મફો તો થાકનો માર્યો ઊંઘી ગયેલો. ‘જઉં તાર ડુંગર, હવારે વેલો આયેશ. કૂવે આવું બારોબાર કે ઘેર?’ ભીખે પૂછ્યું.
‘બારોબાર કૂવે જ આવજે ને !’
ભીખો ગયો અને દરિયા ઘરના આલાઢૂલામાં પડી. એ ઠેઠ અડધી રાતે પરવારી. જ્યારે આવું થાય અને એ ઓરડે સૂવા જાય ત્યારે ડુંગર લગભગ ઊંઘતો જ હોય. અને એમાંય જ્યારે આવું શ્રમભર્યું કામ કર્યું હોય ત્યારે તો ખાસ.
પણ દરિયા ઓરડે સૂવા ગઈ ત્યારે ડુંગર ખાટલામાં પાસાં ઘસે. એને નવાઈ લાગી. ‘ચ્યમ પાહાં ઘસો સો અતાર લગણ ? રોજ તો ખાટલામાં પડ્યાં કે નાહકોરાં ચાલુ થઈ જાય એને બદલે આટલા થાક્યા કેડેય તમને ઊંઘ નથ્ય આવતી – નવઈ કે’વાય !’
‘આ રોજ રોજના કડાપાથી થાક્યો. જા૨ જા૨ પોંણી વારવાનું થાય તાર આવી જ ભોંજગડ થાય. અનં પાછાં તૈણ તૈણ મોંણહોં હોય તાર કોસથી ખેતરાં પિવાય.’ ડુંગર મોંમાં સુક્કું તરણું ચાવતાં કહે.
‘એ તો આપડે કણબીનો જલમ ધર્યો તારનાં જ આ બધું આપણે લખાઈનં આયાં સીએ. આપડી તે ચ્યોં ગાયકવાડી સે ? મફાના બાપુ ! આપડે તે કોંમથી બ્હીવાનું હોય ?’
‘તારી વાત હાચી, પણ હાળુ આખી જિંદગી ગધ્ધાવૈતરું કર્યાનો કંઈ અરથ ? ધૂરમાંથી પેદા કરતાં ધૂપેલ નેંકળી જાય સે આપડું. અને અંતે તો તેરના તેર તૂટે પાછા.’ ડુંગરે કઢાપો ઠાલવ્યો.
કંટાળેલા ડુંગરને સમજાવતી દરિયા કહે, ‘તમારી વાત હાચી અસે; પણ એથી કંઈ ખેતરાંને પડતર રખાય ? ચરા થવા દેવાય ? વધારે કે ઓછું, નફો કે નુકશોંન, ખેતરાં તો ખેડ્યે જ છૂટકો. અનં ખેતીમાંય મજા નથ્ય એવું કોણે કયું ? અંઈ તો આપડે આપડા મનના રાજા. કોઈની તાબેદારી નંઈ. વધારે કોંમ કર્યું. ઓછું કર્યું એની ફુશિયારી તો નંઈ.’
‘તારી એ વાત તો હાચી, પણ આ વીહ વીઘાં પિયત કરવા દર વખત પંદર પંદર દાડા ટોંટિયાનું તોરણ થાય તાર કોસથી ખેતરાં પીવે, એનં બદલે...’ એ અટક્યો.
‘શું એનં બદલે ?’
‘દરિયા, આપડે કૂવે મશીન મેલ્યું હોય તો...! છોટાકાકાના ભઈલાનો હારો કે’તો કે વીહ વીઘાં ભોંય બે-ત્રણ દાડામાં પીવઈ જાય. બીજી કશી લમણાકૂટ જ નંઈ, મશીન પોંણી કાઢે અને એક આપડા મફલા હરખોય માંણહ પોંણી વારે. કોસ, વરત કે બળધ્યા-ફળધ્યાની બબાલ જ નૈં.’ એટલું કહી એ દરિયા સામું તાકી રહ્યો.
‘તે ચેવું હોય મશીન ?’
‘મેંય ચ્યોં જોયું સે ? દરિયા, આ તો ભઈલાનો સાળો કે’તો’તો.’
‘ચેટલામાં આવતું અસે ?’
‘ભગવોંન જોંણે.’ ડુંગરને થયું કે આ વાત તો મેં પેલાને પૂછી જ નહીં.
‘પણ મફાના બાપુ ! પછય બળધ્યા બેહી ના રે ?’
‘ના રે. બીજાનામાં ખેડવા, વાવ્વા કે કરબડી કાઢવા ચ્યોં નથ્ય જવાતું ? વળી કૂવે મશીન નવરું પડ્યું હોય તો પોંણી બીજાને ચ્યોં નથ્ય વેચાતું અલાતું ? મશીન હોય તો કોસ તો બળધ્યાને ગળેથી છૂટે. એટલો તરાહ એનેય ઓછો અનં આપડનેય...’
‘એ તમારી વાત ખરી પણ; આગળપાછળનો વચાર કરવો પડે. વગરજોંણ્યે-કર્યે ભોંણિયો લાઈ અનં બેહી જઈએ, પછય જિંગ્ગી પાલવ્વો પડે. પણ એક કોંમ કરો; જાં મશીન ચાલતું હોય તાં જોઈ આવો, વેરા ખોટી થઈ ધણીને પૂછીગાછીને બધું પાકે પાયે જોંણી લાવો. પછય ફાવે એમ લાગે તો લાવ્વાનો નૈંણય પાકો કરો. મશીન લાવતાં પે’લાં તમં એના જોણકાર તો થઈ જાવ એકવાર. ચેવું સે મશીન ? ચેવું હેંડે સે ? ચ્યમનું પોંણી કાઢે સે ? ચેટલામાં આવે સે ? અનં ચેટલો ખરચ આવે સે ? ખરચનુંય વચારવું પડે ને પાછું આપડે. આ બધાં મશીનો તો પાછાં હાથી બાંધ્યાના જેવાં. એના ખરચાય ભારે. હુંય હમજુ સું કે કોસેથી ખેતરાં પિવાડતાં તમને ઝાઝી આપદા પડે સે અનં તમને મશીનની લગની લાગી સે તો મેલો નં.ચ્યોં ના સે મારી ?’ એણે ડુંગરને પોતાના તરફથી લીલીઝંડી ફરકાવી. ડુંગર તો એની પર ઓળઘોળ થતાં કહે-
‘હાચું કવ દરિયા! મને તો ઊઠતાં બેહતાં હવે કૂવે મશીનનાં સપનાં આવે સે. દરિયા, કૂવે નોંનું હરખું મશીન હોય, કૂવેથી થાળામાં હખનો ધૂધવો ભખભખ પડતો હોય તો બીજું જોઈએ જ સું ? દરિયા ! મોંણેકઠારી પૂનમનો ચાંદો આભલામાં વા’લ વરહાવતો હોય, નવું નવું મશીન કોયલના જેવું ટહુકારા કરતું હોય અનં તું પેલા કોંનજીની રાધાની જેમ રાહડા લેતી હોય તાર આપડું ખેતર ગોકુળિયા ગોંમ જેવું થઈ જાય. ના થઈ જાય ?’ એણે પૂછ્યું.
ધણીનું સપનું જોતી દરિયા ઓચિંતી ઝબકી જઈને બોલી : ‘થાય, ના ચ્યમ થાય ?’
‘લે આય તાર; પોંહે આય.’ એમ કહી ભરેલા કોસ જેવી દરિયાને ખાટલામાં ઠાલવવાની હોય એમ એને પોતાની સોડમાં ખેંચી.
આખો ઓરડો છલક છલક થઈ ગયો.
(ક્રમશ :...)
0 comments
Leave comment