8 - પ્રકરણ - ૮ / કૂવો / અશોકપુરી ગોસ્વામી


   સવારથી જ ગરમી શરૂ થઈ હતી. માણસમાં રહેલા અમીને શોષી લેવું હોય એમ તાપ આકરો અને ઉગ્ર થતો હતો. ડહેલાના મેડે મુખી આંટાફેરા કરતા જાય અને શેઠને કહેતા જાય :
   ‘સાલું ગોંમના મુખી અને ગોલામાં સે લગારેય ફેર ? તાલુકેથી એમણે તો લખી નોંખ્યું, કે જિલ્લેથી અમલદાર દફતર તપાસવા ફલોંણે દાડે આવ્વાના સે. એમની તિયારીમાં શેઠ, હવારથી ખડે પગે અંઈ તપ કરવાનાં અને એમનાં ઠેકોંણાં નંઈ.’

   ‘તે...આવશે મુખી. સરકારી અમલદારને સો જાતનાં લફરાં. હેંડતાં હેંડતાં ફેલાં જાગે. અમલદારને વેઠવા પડે મુખી, જરા રઈને આવશે. તમે નકોંમોં કડાપો કરો સો.’
   ‘આ બધા તાગડધિન્ના આપડી પર. નંઈતર જોડે ચેટલા અસે ? રે’નારા સે કે નંઈ એનોય ફોડ નંઈ. એમની હાતું આપડે ચ્યોં હૂધી ભૂખ્યા-તરસ્યા બેહી રેવું ! આવનારો આઈ જતો હોય તો ધૂર નાખી.’ મુખી આકળવિકળ થાય.

   ત્યાં જ મુખીના છોકરાની નાની બેબલીએ નીચે રહ્યે રહ્યે બૂમ પાડી, ‘દાદા... આ આયા...’
   બેબલીનો અવાજ સાંભળી મુખી તો ધડધડ દાદરો ઊતરતાં કહે : ‘એ આવો આવો સાયેબ ! બઉ મોડું...’ અને એમનું વાક્ય સામે ઊભેલાને જોઈ અધૂરું રહ્યું. મુખીની પાછળ પાછળ નીચે ઊતરતા શેઠને થયું; મુખી ચ્યમ બોલતા બંધ થઈ ગયા ?

   પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો હોય એમ મુખીએ આંખોને પટપટાવી. સામે ઊભેલા વિશે ખાતરી થઈ કે તરત ગટિયા મુખીએ પંજા પર ઊંચા થઈ સામેનાને જોરથી લાફો ઝીંકી દાઢમાં બોલ્યા : ‘આવો. આવો સાયેબ !’

   પોતાની ભૂલ પર ભોંઠપ અનુભવતા મુખીએ વળી પેલાને મારી જોરથી લાત. ત્યાં સુધી શેઠ નીચે ઊતરી ચૂકેલા. પેલાને પારખી એમણે કહ્યું : ‘વસ્તા તું ? અઠવાડિયું ચ્યોં ગ્યોં’તો ?’
   વસ્તાને બીજી લાત મારતાં મુખી કહે : ‘તારી તે માના ચોર ! બોલ ચ્યોં ગ્યો’તો ? હાહૂના ! પાછળ વાઘ પડયો’તો ? તે વગડે કોસ બળધ્યા બધું પડતું મેલી નાઠો’તો ? કે’વાય ના રયો ? તારો કાકો કોક બળધ્યા હોંકી ગ્યું હોત તો...?’ આટલું બોલતામાં તો એ હાંફી ગયા.

   પગના બે વખત થયેલા પ્રહારને પચાવી ગાલ પંપાળતો વસ્તો કશું બોલ્યા વિના મુખીને તાકતાં ઊભડક બેઠો જ રહ્યો.
   મુખીએ થોડીવાર શ્વાસ ખાઈ, બેઠેલા વસ્તાને ઝંઝોડી નાખતાં, ‘હારા ભૂત ! કઈને મહોંણે ગ્યો હોત તો નાહી નોંખત તારા નોંમનું ! તું જતો જ ર’યો’તો તાર પાછો આયો શા હાતર ? તું મનફાવે તાર કોંમે આવું અનં મન ફાવે તાર વગર કયે હેંડ્યો જવ તે અમાર ચલવી લેવું ? મનફાયું કરચ્છ તે તારા બાપનું રાજ ચાલે સે ? બોલ, હાહૂના ! મૂંગો ચ્યમ મર્યો સું ?’

   વસ્તાને થયું, કંઈ નહીં બોલું તો મારઝૂડ ચાલુ રહેશે. એટલે દબાયેલા અવાજે, ‘કાકા, કોસ બળધ્યા ડુંગરકાકા અને ભીખુભાઈને હૂંપીને ગયેલો...’
   વસ્તાની વાતમાં આવેલા ડુંગર અને ભીખાના નામથી જ દાઝ્યા હોય એમ સીમ-સીમાડે ભંડાય એવી ગાળો પોતાના જ ઘરમાં વસ્તાને ભાંડતાં ભાંડતાં બીજી બેચાર લાત ઠોકી દીધી. એના ખમીશનો કૉલર પકડીને એને રીતસરનો ઢસરડી કહે, ‘હારા ચોરટા ! હેંડ ચોરે.’

   વસ્તાને ખબર, ચોરે ગયામાં સાર નહીં. સાલે દારૂ પીધો છે, કોકની બૈરી ઉઠાવી લાવ્યો છે કે પછી અમારા ઘરનાં વાસણ કૂસણ ઉઠાવી અને વેચતાં પકડાયો છે, એવા જાતજાતના આરોપ માથે મઢી જે મારઝૂડ થાય એમાં પકડાનાર મણનો છશેર થઈ જાય. આવતું જતું લોક વગરપૂછ્યું-ગાછ્યે ખાસડાં મારે એ જુદાં.

   વસ્તે મનમાં વિચાર કરી લીધો : અહીં માર ખાધેલો સારો. ઘરનું તો કોક છોડાવે. અરે કોઈ નહીં તો આ શેઠ તો છોડાવે, એમ વિચારી એણે દયામણી નજરે શેઠ ભણી જોયું.
   શેઠ વસ્તાને છોડાવતાં મુખીને મોઘમમાં સમજાવ્યા, ‘મુખી ચોરે તો પેલા અમલદાર...’
   ‘અમલદાર ગયો એની માના નાતરામાં !’ – એટલું બોલતાં તો બોલી નાખ્યું પણ પોતે શું બોલી નાખ્યું એનું ભાન થતાં એમણે વસ્તાને દાદરા તરફ ધકેલ્યો અને દાદરો ચઢવા કહ્યું.

   પોતાને નહીં મારવા દે એવો ભાવ શેઠની આંખમાં વાંચી વસ્તો મેડે ચડ્યો. પાછળ મુખી અને શેઠ ચડ્યા. મુખીના તો મારવા માટે હજીયે હાથ સળવળે. જેવો એમણે હાથ ઉપાડ્યો કે વસ્તો પ્રતિકાર કરતાં કહે, ‘કાકા માર નંઈ. તારો માલ હમૂં ચોરીને નંઈ લૈ ગૈ’લા. હમૂં બારીઆ. ચોર-ડફેર નંઈ. હમૂંથી તારો બગાડ થયો ? કૈં લઈ ગ્યા હમૂં તારું ?’

   મુખી કૈંક થાકને લીધે, કૈંક વસ્તાના સામા થવાને લીધે અને કૈંક પેલા આવનાર અમલદારને લીધે ટાઢો પડ્યો. મુખીને એ પણ ખબર કે ભૂલચૂક કે વાંકગુનો હોય તોય આ લોક ધોલ-ધાપોટ ના વેઠે. ગાળાગાળી વેઠી લે ખરા પણ આ જાત ક્યારે વીફરે એનો ભરોસો નહીં. હાહરાં વીફરે તાર કોઈનાં નંઈ. કોંમઠે તીર ચઢાવી પણ દે. એટલે વસ્તાને બહુ વતાવેલો સારો નહીં. ઠીક છે કે એ હજુ માઝા-મર્યાદામાં છે.

   મુખીને જેમ મારતાં આવડે એમ શેઠને વારતાં આવડે. મુખીને માણસની ગરજ પણ ખરી. શેઠે મુખીનો હાથ દાબી વસ્તાને ઠપકો દેવા માંડ્યો :
   ‘દુન્યાં બદલઈ પણ તમે ના બદલાયા. જાર તારું પંચ આયું તારે અમને તો બોલાઈ જવા’તા નેં? વગડે ઓંમ પડતું મેલીને તો ના જતું ર’વાય ને ?’

   વસ્તા જેવા વસ્તાને થયું, શેઠ કેચ્છ એટલી ભૂલ મારી. કબૂલ. પણ આ મુખી તો બોલે બોલે ગાળ અને મારઝૂડ. એણે વળી પાછા મુખીને બોલતા સાંભળ્યા :
   ‘શેઠ! આ જડ, જડ જ રે’વાના. નંઈ સુધરવાના. નંઈ તો ગોંમનો મુખી બેઠો હોય અનં પરગોંમનું પંચ મારા માણહને પદાવે ! વસ્તા, તારા પંચવાળાંને ચોરે લઈ જઈને ચોંમડાં ફાડી નાખું, હમજ્યો ? તારો કોઈ બાલ હરખોય વાંકો કરે તો ધૂર પડે મારા મુખીપણામાં !’

   મુખી કહે એ કરે નહીં એ વાત વસ્તો વગરકહ્યે સમજતો હતો. અને પંચને પજવીને પોતે જવું ક્યાં ? એમ થાય તો આખી જિંદગી એનાથી પંચમહાલમાં પગ પણ ન મુકાય.
   વસ્તાને થાય, કાકો આડીતેડી વાત કરે સે પણ ઈમ કેચ્છ, લે વસ્તા રૂપિયા, અનં માર પંચની છાતીમાં. અતાર તો વેઠી લવ સું પણ જે દનં મારો નીકળતો રૂપિયોય ખોટો કર્યો તે દનં એની છાતીમાં તીર પરોઈનં દેશમાં.

   બંને એકબીજાની ગરજે ઢીલા પડતા જતા હતા, ત્યાં જ નીચેથી રાવણિયે બૂમ મારી–
   ‘મુખી મોટા, ઓ મુખી મોટા ! જિલ્લેથી સાયેબ આઈ ગ્યા સે. તમં ચોરે આવો સો કે પછી હું એમને ડેલે તેડી લાવું ?’
   ‘જા સાયેબને બોલાઈ લાય.’ એમ કહીને એમણે પાછું ફેરવ્યું અને કહ્યું, ‘ના હેંડ, હું જ ચોરે આવું સું.’ પછી વસ્તાને એમણે ‘જા કોંમે વળગ. ચડેલું કોંમ ફટોફટ પતવી દે. આખ્ખું કટમ્બ આઈ ગ્યું સે ને ?’
   ‘હોવ્વે.’
   ‘જા તાર. ફરી જો આવું થયું તો તારી ખેર નંઈ રે’, જા.’

   નીચે આવી ઘરનાં બૈરાંને કહે : ‘અમે સાયેબોને બોલાઈનં આઈએ સીએ. એમ કરો, પાંચ-હાત પાટલા મેલી અનં કરવા મંડો તિયારી.’
(ક્રમશ :...)


0 comments


Leave comment