2 - ક્યાં છે ચાંદો ? / લક્ષ્મીકાન્ત ભટ્ટ


   તે અગાશી પર બેઠો હતો. નીચે બધું ખૂબ રળિયામણું લાગતું હતું. દેખાવ કંઈ બહુ અલૌકિક ન હતો. છૂટાં છૂટાં થોડાં મકાનો આજુબાજુ પથરાયેલાં હતાં. એ બધાંને બહારના ભાગમાં ફળી હતાં, અને ફળીમાં બૂચ, ગુલમહોર, પીચ એવાં વૃક્ષો ઊભાં હતાં. અંધારામાંયે આ દેખાવ રમણીય લાગતો હતો. વૃક્ષોની ઘેરી કાળી લાગતી ઘટાઓ અને વચ્ચે વચ્ચે બારીમાંથી ઉજાસ દેખાડતાં મકાનો, એવો દેખાવ પણ તેણે ઘણી વાર આ અગાશીમાં બેસીને જોયો હતો અને એ વખતે મન જાણે કે કોઈ ઊંડા ઊંડા રહસ્યમાં ઊતરી જતું હોય એવું લાગતું. જાણે કે જન્મોજન્મ પહેલાંની કોઈ સૃષ્ટિ ધીરે ધીરે પોતાને ફરતી વીંટાવા લાગે છે, એવું એને થતું. કોઈ ભેદી રહસ્યનો ઉકેલ શોધવા વૃદ્ધજનો ધીરે ધીરે પોતાની ફરતાં ઘેરો વળ્યે જતાં હોય એવું એ વખતે તે મનમાં અનુભવતો.

   પણ અત્યારે તે ચાંદની ખીલી હતી. ચારે કોર પ્રકાશ પથરાઈ ગયો હતો. તે આ વાતાવરણ પણ માણી શકતો હતો. પણ આની અસર એના મન ઉપર કોઈ જુદી જ જાતની થતી હતી. તેને લાગતું કે જાણે કે કોઈ પરીઓના દેશમાં આવી ચડ્યો છે. તેજકિરણો જાણે કે હવા ઉપર ચાલવાના લાંબા લાંબા માર્ગો છે અને એ માર્ગો ઉપર થોડી વારમાં તો તે વિહરવા લાગતો. એની કલ્પના ઘડી વારમાં તો એને ક્યાંનો ક્યાં લઈ જતી હતી.

   પણ આજે ચાંદની જોવા છતાં તે પરીઓના દેશમાં ઊડવા નહોતો લાગ્યો. જે ભૂમિ ઉપર એ રહેતો હતો, એ જ આજે તો એના મનમાં ક્યારની ઘેાળાયા કરતી હતી. પરીઓના દેશ કરતાંયે કદાચ આ સૃષ્ટિ આજે એને વધુ આકર્ષક બની ગઈ હશે. વૃક્ષો-મકાનો બધુંયે એને કંઈક બહુ સરસ લાગતું હતું અને એ બધાંમાંથી કંઈક અદ્દ્ભુત જાણે કે પ્રગટ થવાનું હોય એમ એક તેજઆભા ફરતી એને લાગી.

   કહેવાય છે કે રેશમના કોશેટામાંથી પતંગિયું બહાર નીકળે તે પહેલાં, કોશેટા ઉપર તેજની આભા પથરાઈ જાય છે. વળી કોઈ કહે છે કે ફૂલ ખીલ્યા પહેલાં એક સહેજ વાર હોય ને તમે જુઓ તો કળી ફરતી પણ એવી જ તેજઆભા પથરાઈ જાય છે. આવી જ કોઈ તેજઆભા આજે તેને આ ચાંદનીમાંથી − આ સકળ સૃષ્ટિમાંથી − ફૂટતી લાગતી હતી અને તે મુગ્ધ મને એ બધું જોઈ રહ્યો હતો.

   ત્યાં તો −
   “શું એકલા એકલા માણી રહ્યા છો ?”ચાંદની જેવો જ એક કોમળ અવાજ આવ્યો.

   એ અવાજ કોનો છે−તે—તે—ઓળખતો હતો. તે કુદુ બોલતી હતી. આ પથરાયેલી ચાંદની સામું જ જોયે રાખીને એ બોલ્યો : “આ ચાંદની.”
   “ક્યાં છે?”
   “આ રહી”—કહી, પોતે જોતો હતો એ તરફ તેણે પોતાને હાથ લંબાવ્યો. પણ તેણે પાછળ ન જોયું. કુદુને એ ન ગમ્યું. તેને-મધુને પાછળ-કુદુ સામે જોવાનું ઘણું મન હતું અને આજથી છ મહિના કે કદાચ ત્રણ મહિના પહેલાં આ પ્રસંગ બન્યો હોત, તો તેણે તરત પાછળ જોઈ લીધું હોત. પણ આજની વાત જરા જુદી હતી.

   રજા પડી હતી અને બે દિવસથી તે આવ્યો હતો. પહેલાં તો આવતાંવેંત, તે કુદુને ઘેર ચાલ્યો જતો, દિવસનો મોટો ભાગ તે ત્યાં જ રહેતો, કુદુને રમાડતો–ભણાવતો−વાતો કરાવતો. આ વખતે પણ એ આવીને, આમતેમ થોડા આંટા મારી, બાજુના ઘરમાં સરકી ગયો હતો. પણ દર વખત જેમ આ વખતે તે કુદુ સાથે છૂટથી વાતો નહોતો કરી શકતો. અરે એની સામે પણ પૂરું જોઈ શક્યો ન હતો. ‘આમ કેમ થતું હતું ?’ એનો જ એ બે દિવસથી વિચાર કરતો હતો. આ ચાંદનીમાં–એકાંતમાં−પણ એ એટલા માટે ચાલ્યો આવ્યો હતો અને તે ક્યારનો બેઠો બેઠો એ જ વિચારો મનમાં ઘોળ્યા કરતો હતો.

   કુદુ પણ તેનામાં – મધુમાં થયેલ આ ફેરફાર ક્યારની પારખી ગઈ હતી. પહેલાં એ પોતાની સાથે કેટલો છૂટથી બોલતો હતો અને આ વખતે આવ્યો ત્યારથી − આ બે દિવસથી – એ છૂટથી બોલતો ન હતો – અરે ! સામું પણ જોઈ શકતો ન હતો. કુદુને બરોબર ખ્યાલ હતો કે જ્યારે પોતે ક્યાંક બીજે જોઈ રહી હોય, ત્યારે છાનોમાનોથોડી વાર તે પોતાની સામું જોઈ લેતો હતો. કેમ એને આટલી બધી શરમ થતી હતી તે કુદુ સમજી શકતી ન હતી અને એટલે જ અત્યારે એ ખોટી શરમ છોડાવવા એ એકાંતમાં જ્યાં બેઠો હતો ત્યાં તે ચાલી આવી હતી. તેણે ફરી મધુને પૂછ્યું : “ક્યાં છે ચાંદની?”

   હવે જવાબ દેવા તેણે કુદુ સામે જોયું. બન્નેની આંખો મળી. મોં મલકી ઊઠ્યાં. જીવનમાં પહેલી વાર કુદુના શરીરમાંથી એક મીઠી ધ્રુજારી પસાર થઈ ગઈ. તે બીજી બાજુ જોઈ ગઈ. મધુ તેની સામેજોઈ રહ્યો. એનું હૃદય ધડકતું હતું. અને એની અસર જાણે કે એના આખા શરીર ઉપર દેખાતી હતી. તે સ્થિર નજરે કુદુ સામે જોઈ રહ્યો. એ કંઈક સમજ્યો કે પોતે શા માટે કુદુથી આટલો બધો મૂંઝાતો હતો. કુદુનું રૂપ આ વખતે કાંઈ એવું ખીલ્યું હતું કે તેને જોતાં તે વિવશ થઈ જતો હતો. કુદુ પહેલેથી નમણી અને રૂપાળી હતી જ. તોય આ વખતે ફેર શું હતો, એ એને સમજાતું ન હતું. પણ જાણે કે તેનાં અંગેઅંગમાંથી કોઈ અદ્દ્ભુત તેજકિરણોફૂટતાં હોય – તેની ફરતી કોઈ તેજઆભા પથરાઈ ગઈ હોય એમ એને લાગ્યા કરતું હતું અને આ એકાંતમાં એ નિર્લજ્જપણે કુદુ સામે જોઈ રહ્યો. એના મનમાં સહેજ ચણચણાટી થઈ. પણ કોઈ અનેરા આનંદમાં એ બધું ક્યાંયે ડૂબી ગયું.

    તેણે પોતાનો હાથ કુદુ તરફ લંબાવ્યો. કુદુનો હાથ પકડી, ચારેકોર ફેરવી તેણે કહ્યું : “એ આ રહી બધે ચાંદની.”
   કુદુને તેનો અવાજ સહેજ ધ્રૂજતો લાગ્યો. કંઈક ખોટું થાય છે એવી ચણચણાટી એના મનમાં પણ સહેજ ઊંડે ઊંડે થઈ. પણ તેયે જાણે કે તે આવું જ બધું કંઇક ઇચ્છતી હતી, એમ તેને લાગ્યું. કોઈ મીઠી ધ્રુજારી તેના અંગેઅંગમાં ફરી વળી હતી.

   હજુ સવારે જ તે બધા વચ્ચે મધુના ખભે ટીંગાઈ ગઈ હતી. પણ ત્યારે તો તેને કંઈ થયું ન હતું. માત્ર મધુ ખૂબ મૂંઝાઈ ગયો હતો – શરમાઈ પણ ગયો હતો. શા માટે – એ પણ એ સમજી શકી ન હતી. પણ અત્યારે સહેજ ધ્રૂજતા હાથે, મધુએ પોતાનો માત્ર હાથ જ ઝાલ્યો હતો, તોયે તેને કંઈક કંઈક થઈ જતું હતું. એની ધ્રુજારી સાથે પોતે પણ કંઈક ધ્રુજારી અનુભવતી હતી. એ ધ્રુજારીમાં કંઈક મીઠાશ-મજા હતી અને છતાંયે કંઈક ખોટું થાય છે, એવી ભયની લાગણી પણ બહુ ઊંડે ઊંડે વહેતી હતી. તેાયે એનું મન જાણે કે એ તરફ જોતું જ ન હતું. એનું મન જાણે કે જોરપૂર્વક ઈચ્છતું હતું કે આ ક્ષણો હજુ લંબાય, હજુયે કંઈક વધુ ધ્રુજાવનારું બને.

   અને મધુ પણ જાણે કે એવું જ ઇચ્છતો હોય એમ હાથ છોડ્યા વિના કહ્યે જતો હતો :
   “જો આ મકાનો, આ વૃક્ષો – બધાયની ઉપર કેવી ચાંદની પથરાઈ રહી છે અને જો આ ઉપર આકાશમાં ચાંદોયે કેવો સરસ લાગે છે.”
   “ક્યાં છે ચાંદો?”
   “એ...જો...આ...સામે.” તેનો હાથ લંબાવી સાવ નજીક સરી મધુએ કહ્યું. તોયે, “ક્યાં છે ચાંદો?” એમ નીચું જોઈ રહી, ત્રાંસી આંખે તેના સામું જોતી, તોફાનમાં તે બોલી.
   “એ...ને...જો. આ...રહ્યો.” તેને ઊંચકી લઈ, તેડી લઈ, ચાંદા તરફ હાથ લંબાવી સહેજ અકળાઈ તે બોલ્યો.

   અને તોયે−
   “ક્યાં છે ચાંદો?” એને અકળાતો જોઈ તોફાનમાં તે હસી. તેનું મોઢું લાલ થઈ ગયું હતું. અને અવાજ સાવ અસ્પષ્ટ જેવો ધીમો હતો.

   આ વખતે મધુ તેના મુખ સામે જ જોઈ રહ્યો. કોઈ વિચિત્ર આવેશમાં બન્નેનાં હૃદયો ધડકવા લાગ્યાં અને તેડેલી કુદુને આવેશમાં છાતી સરસી ચાંપી, – ચાંપતાં તેનું નામ લઈ, ધ્રૂજતા અસ્પષ્ટ અવાજે તે બોલ્યો : “આ રહી કુમુદિની–ચાંદની–અને–અને આ રહ્યો ચાંદો,” કહી તેણે તેને મુખે ઝડપથી પોતાના હોઠો અડાડ્યા.

   એક ક્ષણ કુદુનું મોઢું એકદમ ખીલી ઊઠ્યું, અને બીજી જ પળે, જોરપૂર્વક તેનાથી વેગળી થઈ તે દાદરા તરફ દોડી. ઝડપથી બેત્રણ પગલાં ઊતરી જઈ તે ઊભી રહી, અને ત્યાંથી જ-અંધારામાંથી સ્પષ્ટ-રૂખા અવાજે બોલી, “કાકી તમને જમવા બોલાવતાં હતાં.” અને પછી એવી જ ઝડપથી તે બાકીનો દાદરો ઊતરી ગઈ.

    થોડી પળો પૂતળાની જેમ મધુ ત્યાં જ જડાઈ ગયો. એક ક્ષણમાં જાણે કે વાતાવરણમાંથી બધા રંગ ઊડી ગયા. ઉષ્મા-તેજ-માધુર્ય–બધુંયે જાણે એક પળમાં ચાલ્યું ગયું. રોગીજનના મુખ જેવી ફિકાશ બધે પથરાઈ ગઈ. એની દશા વિચિત્ર થઈ ગઈ હતી. વિદ્યુત્દીવાઓના પ્રકાશમાં જવાનું તેને મન ન હતું. આ ચાંદની હવે સહેવાતી ન હતી. પણ નીચે જમવા માટે જવું પડે એમ હતું. તે ધીમા અને ભારે પગલે ઊતર્યો. બધુંયે એક ક્ષણવારમાં–સ્વપ્નની જેમ–ચાલ્યું ગયું હોય એમ લાગતું હતું. માત્ર અત્યારે તો પેલો શરૂઆતમાં બહુ અસ્પષ્ટ અને ધીમો થયેલો ચણચણાટ સાવ સ્પષ્ટ લાગતો હતો.

    તે જમવા બેઠો પણ કાંઈ ખાઈ શક્યો નહીં અને જે થોડું-ઘણું ખાધું તે શું ખાધું એમ પૂછો તો એનો પણ એને ખ્યાલ ન હતો. મોડી રાતે ક્યાંય સુધી તેણે આમતેમ પડખાં ઘસ્યા કર્યાં.
   કુદુ−કુમુદિની–પણ કાંઈ જમી શકી ન હતી અને રાત્રે ખૂબ પડખાં ઘસ્યાં છતાં તેને કેમેય ઊંઘ આવતી ન હતી. હજુ સવારે તો સાવ નિષ્ફિકર બાળકની જેમ તે આમતેમ ઘૂમતી હતી, અને અત્યારે એકાએક આ શું થઈ ગયું ? તે મૂઢની જેમ કંઈ વાર સુધી જાગતી પથારીમાં પડી રહી. જે આજ સવાર સુધી – અરે આજ સાંજ સુધી બંધ હતું તે હવે એકાએક ખૂલી ગયું હતું. સૃષ્ટિની અકળ લીલાના રેશમી પડદા જાણે કે ધીરે ધીરે ઊંચકાયે જતા હતા.

   જાણે કે પોતાની જાતનોયે એ નવેસરથી પરિચય પામતી હતી. આજે જે બધું પોતામાં તેણે જોયું હતું તે શું આજે જ જન્મ્યુંહતું કે પહેલેથી તે પોતામાં સંતાઈને પડ્યું હતું અને આજે એકાએક જાગ્રત થઈને તેના અંગેઅંગને ડંખ દેવા લાગ્યું હતું.

   આ બધું કેમ કરતાં ક્યારે થયું ? શું મધુને સ્પર્શે આમ બન્યું ? મધુને ખભે તો સવારે જ બધા વચ્ચે તે વળગી પડી હતી. અને પછી એક પછી એક વાત—એ એકાંત અગાશીમાં મધુને જોતી તે પાછળ ઊભી હતી—પછી તે બોલી−મધુ પોતા તરફ જુએ–તે માટે તેને જે ઇચ્છા થઈ—અને આખરે મધુએ પોતા તરફ જોયું—એ નિર્લજ્જદ્રષ્ટિ– આમ નિર્લજ્જપણે જોવાઈ જશે –એ બીકે જ મધુ પોતા સામે જોતાં અત્યાર સુધી મૂંઝાયો હશે— એ બધું પોતે સમજી–એ વખતનો પોતાનો સંકોચ–અને છતાંયે ત્યાંથી ન ખસી શકાવું−જાણે કે એ જ બધું પોતે ઇચ્છતી હોય એમ સ્થિર થઈ રહેવું—અને કંઈક એથી વધુ અદ્દભુત બનાવને ઝંખ્યા કરવું અને તે પછીના એક પછી એક બનાવો એ ફરી ને ફરી મનમાં અવલોકી ગઈ—રીતસરની ફરી અનુભવી ગઈ—એ બધુંયે શું એકાએક એણે એ જ ક્ષણે ઇચ્છયું હતું ? અને એને એમ લાગ્યું કે એ જન્મી ત્યારનું એ બધું તે ઇચ્છતી આવી હતી.

   આજે તો માત્ર કોઈ દિવ્યજ્ઞાનના સફરજને એ બધું એની પાસે ખુલ્લું કરી દીધું હતું એટલું જ.
   આ બધુયે ખૂબ ઊંડે ઊંડે મનમાં બહુ અસ્પષ્ટ ભાવે તે અનુભવતી હતી.

    સ્પષ્ટ તો માત્ર એટલું જ હતું કે ગમે એવું, એ બધું હતું, તોયે એ કંઈક ખોટું હતું. કંઈક છુપાવવા જેવું હતું અને એ તો એ ક્ષણે પણ તે અનુભવી ચૂકી હતી. એટલે જ પેલા હોઠો અડતાં તે દાઝી હતી અને તેથી ગુસ્સામાં ભાગી હતી.

   છેક સાંજે તે કુદુને ઘેર ગયો. આખા દિવસમાં એક વાર પણ કુદુએપોતા તરફ જોયું ન હતું. એટલે એને આવવાનું મન ન હતું. તેાયે તેનાથી અવાઈ ગયું અને એની પાછળ જરા ઊંડે એક હેતુ પણ હતો અને તે એ કે જાણે કે કાંઈ અજુગતું બન્યું ન હોય – એવા સ્વસ્થ અને સ્વાભાવિક ભાવ ઉપર બને તેટલું વહેલું આવી જવું.

   રાધાકાકી રસોઈ કરતાં હશે એમ માની, તે રસોડામાં દાખલ થયો - તો ત્યાં સગડી પાસે બેઠી બેઠી કુદુ તાવડી પર ખાખરોચોડવી રહી હતી. શૂન્ય ભાવે એક નજર મધુ સામે નાખી, ફરી તેણે તાવડી સામે જોયું. એક પાટલો ખેંચી ખૂબ સ્વાભાવિકપણે તે રાધાકાકીની રાહ જોતા બેઠો.

   કુદુએ એક ફૂલફૂલવાળી ઓઢણી ઓઢી હતી. હજુ હમણાંસુધી તો એ ફ્રોક પહેરતી હતી. ને આજે આ શી ઓઢણીની ધૂન લાગી હશે ? એ ગમે તે હોય પણ આજનો એનો આ પોશાક એને ખૂબ ભળતો હતો. એ જ એનો સ્વાભાવિક પોશાક હોય એમ લાગતું હતું. તેનું આ શાંત મધુર સ્વરૂપ જોઈ એ વિચારી રહ્યો હતો :

   હજુ કાલે સવારે ફ્રોક પહેરી મારે ખભે ટીંગાઈ રહી ત્યારે કેવી ચંચળ નાની છોકરી લાગતી હતી અને આ અત્યારે કોઈ પૂર્ણ વિકસિત ફૂલ શી ઠરેલ યુવતી લાગે છે.
   “કેમ ભાઈ, આજે આખો દિવસ દેખાણો જ નો’તો ?” મંદિરવાળા ઓરડામાં દીવો કરી આવી રસોડામાં દાખલ થતાં રાધાકાકીએ પૂછ્યું.
   “આ અત્યારે આવ્યો ને.”
   “લે ત્યારે, કુદુ કરે છે તે કુદુના હાથનો એક ખાખરો ચાખ.”
   “ના, ના, ઘેર જઈ જમવા જ બેસવું છે ને ?” કુદુ સામે જોઈ રહી તે બોલ્યો.
   “તે શું થઈ ગયું ? એક તે લે. લાવ, કુદુ !”
   “ના, ના, હો—” એકદમ ગંભીર થઈ જઈ તેણે કહ્યું. રાધાકાકી જરા આશ્ચર્યમાં જોઈ રહ્યાં. “કેમ ? રોજ તો ખાય છે. કુદુ તું કે’ને એને.”
   “હું ક્યાં ના પાડું છું ?” કહી નીચું જોઈ એ જરા વાર સ્થિર રહી. પછી એકાએક એક ખાખરો અને થોડું શાક છીબામાં ધરી, એક પળ સીધું એની સામું જોઈ બોલી : “ લ્યો ને.” તેણે જોયું કે તેની આંખો અત્યારે સાવ નિર્મળ અને નિષ્પાપ હતી. તોયે તે નીચું જોઈ ગઈ અને છેક સુધી નીચું જોઈ રહી.

   મધુએ પણ તે પળે તેની આંખોમાં ન કોઈ ગુસ્સો વાંચ્યો, ન કોઈ ઘૃણા વાંચી. ત્યાં કેવળ સ્નેહ અને માધુર્ય હતાં અને થોડોક કંઈક ક્ષોભ હતો. મૂંગે મોઢે નીચું જોઈ ખાખરો પૂરો કરી તે ગયો.
*
   ચારપાંચ દિવસ મનોમન તેઓએ અનેક વિચારો કર્યા કર્યા. કુદુને નવલકથા અનુભવવાનું મન થવા લાગ્યું હતું. જે ભાવ મનોમન બન્ને સમજ્યાં હતાં તે એક વાર સ્પષ્ટ શબ્દોમાં મધુ પોતાને કહે તો કેટલી મજા આવે ? એમ તેને થતું હતું અને એક દિવસ નમતા બપોરે તેઓ ફરી અગાશીમાં મળ્યાં.

    “મધુ......ભાઈ......” જરા શ્રમપૂર્વક તે બોલી, “હમણાં તમે કાંઈક ઊંડા વિચારમાં રહેતા હો એવું લાગે છે. શું વિચાર કર્યા કરોછો ?”
   “ઘણાયે.” કહી તે મૂંગો રહ્યો.
   “શું? શું ?” રાહ જોઈ અંતે તે બોલી.
   “કુદુ બરોબર ભણે છે કે નહીં ? તેને બધું આવડતું તો હશે ને? કાંઈ મૂંઝાતી તો નહીં હોય ને ?......ને એવું એવું ઘણુંય.”
   “બસ, એ કુદુની એકલી ભણવાની જ ચિંતા થાય છે ? એ થોડી હવે મોટી થઈ છે હોં ?” કહી એ મલકી રહી.
   “બીજીએ ઘણી ચિંતા રહે છે. કહું ?” લૂખું હસતાં એ બોલ્યો, “તું સાંભળી શકીશ ?”

   ડોકું હલાવી તેણે હા કહી. તેનું મોઢું લાલ થઈ ગયું હતું. પોતાની કલ્પનામાં એ એટલી રત હતી કે મધુના લુખ્ખા હાસ્ય તરફ એનો ખ્યાલ પણ નહોતો ગયો. મધુ ધીરે ધીરે બોલવા લાગ્યો, “અમારાં કુદુબેન હવે મોટાં થયાં છે. વેવિશાળ તો કર્યું પણ હવે મોટાં થયાં તેથી તેમનાં લગ્નની પણ તૈયારી કરવી પડશે ને?”

   ગુસ્સો દેખાડી વાંસામાં મુક્કી લગાવી તે બોલી: “અત્યારે એવી ખોટી મશ્કરી નહીં.” મધુએ યાદ આપેલ પોતાના વેવિશાળની વાત તેને ગમી ન હતી. ઘડીક એને પૂછવાનું પણ મન થઈ ગયું હતું કે “જ્યાં વેવિશાળ કર્યું છે ત્યાં જ હું પરણીશ એ તમે પોતે સહી શકશો ? ” પણ એમ ખૂબ મન થઈ જવા છતાં પણ તે ન બોલી શકી. ને કેમ બોલી શકે ?

   મધુનો પોતા તરફનો ભાવ બદલાયો છે. એની એની પાસે શું સાબિતી હતી? અવાજની ધ્રુજારી–પરસ્પર બન્ને હૃદયનો થડકાર-અને એક આવેશમય પ્રેમચુંબન. પણ એને પ્રેમચુંબન જ શું ભાર દઈને ગણાવી શકાય? શું એક ભાઈની પોતાની નાની બેન પ્રત્યેની વહાલ ભરી બકી (બચી) ન ગણાય ?

   એનું મન જોર જોરથી ના પોકારતું હતું અને કહેતું હતું કે એ પ્રેમચુંબન જ હતું. પણ −અત્યારે મધુ ખૂબ સ્વસ્થ અને તટસ્થ લાગતો હતો. જાણે કે રાતના બધાએ ધ્રુજાવનારા ભાવો, એણે હૃદયમાં ખૂબ ઊંડે ભંડારી દીધા હતા. કુદુને પણ એ વસ્તુ, સમાજ–બન્ને કુટુમ્બનો સંબંધ-અને એવું બધું વિચારતાં, જરૂરી લાગી. પણ તોયે પોતા માટે મધુને મનમાં કેવું કેવું થઈ આવતું હતું, તે છેવટ એક જ વાર સાંભળી લેવાનું મન તે ન વારી શકી. તે દિવસ મૃદુ ભાવવાહી કંઠે બોલી: “મધુભાઈ, આજ દિવસ સુધી હું નાની હતી, કાંઈ નહોતી સમજતી. હવે હું મોટી થઈ છું. તમારા મનમાં ઊંડે ઊંડે જે કાંઈ થતું હોય તે તમે છૂટથી કહો. હું બધુંયે સમજી શકીશ અને એ બધુંયે મને કાયમ માટે યાદ રહી જશે.”

   મધુ સાંભળી રહ્યો. એનો નિર્ણય એક ક્ષણ પાયામાંથી હલી ઊઠ્યો. પણ તોયે એ સ્વસ્થ થયો. એણે વિચાર્યું –પોતે પોતાનું હૃદય અત્યારે ઠાલવી દે તો? તો ? લગ્ન તો થાય એમ નથી – અને તેથી છેવટ એ કોઈની સાથે પરણી જાય - પછી જીવનભર આ દિવસ યાદ કરી એને નિસાસા જ નખાવવાના ને ? અને કેવળ નિસાસા નખાવવા જ શું હૃદયને વાચા આપી – ઊંડા લપસણા પૂરના પાણીમાં ઊતરવું? એ હસ્યો. એણે વાત ઉડાડી : “એમ ત્યારે, તું હવે મોટી થઈ છો કાં ? એટલે હવે બધું સમજાશે અને કાયમ માટે યાદ પણ રહેશે. ત્યારે વાંધો નહીં. હવે મને નિરાંત થઈ, તું ખૂબ ભણી શકશે કારણ કે તું મટી થઈ છે એટલે તને બધું સમજાશે અને બધું કાયમ માટે યાદ પણ રહેશે. ભણવા માટે આ મોટા થવાનો કીમિયો સારો છે.” કહી તે ફરી હસ્યો.

   પણ તે ખરેખર મોટી થઈ હતી. તે કાંઈ ન બોલ્યો તોયે તે સમજી અને હસી–ફરી હસી-લુખ્ખું; અને પછી મૂંગી રહી. વળી એ જે સમજી એ એને કાયમ યાદ રહ્યું.
   વર્ષો વીત્યાં તોયે એકાએક કોઈ પળે એ બન્ને હૃદયોને આ પ્રસંગો ભરી દેતા, ત્યારે એક વ્યક્તિ મનોમન કોઈકને પ્રણામ કરતી અને બીજી એક લૂખા હાસ્ય સાથે નિશ્વાસ છોડતી અને એ નિશ્વાસ કહેતો, “આ જીવન અવકાશમાં-ક્યાં છે ચાંદો ?”
* * *


0 comments


Leave comment