17 - પ્રેમની પરીક્ષા / કંચનલાલ વાસુદેવ મહેતા 'મલયાનિલ'


    જ્યાં જુઓ ત્યાં શરદ જ શરદ. દેવાલયની બાજુમાં તળાવમાંયે શરદ. કાંઠે ઊગેલાં વૃક્ષોમાંયે શરદ. ઊડતી એક અનિલની લહરમાં પણ શરદ જ.
   વર્ષનો આ ભાગ વસંતઋતુની સાથે તુલનામાં બેસે. શોભાને અનુભવનાર કહી ન શકે કે કોણ સુન્દરતર !
  
   પારિજાતકના વૃક્ષ પરનાં ઘણાંય ફૂલ આજ ઉતારી લેવામાં આવ્યાં છે. બાગ બિચારો સૂનો લાગે છે. બાગમાં બીજાં કેટલાંયે ફૂલ ઊગ્યાં હતાં, પણ શરદનો સ્નેહી તો પારિજાતક.
   ચારુલેખાને પારિજાતક બહુ જ ગમે છે. એનું એક જ ફૂલ જોઈ એની દૃષ્ટિ આંખમાંથી ઊડી પડે છે.

   આજે તેની જન્મતિથિ છે. પંદર શરદ એની કીકી ઉપર શમી ગઈ છે. આજે સોળમી છે. કાનમાં નાજુક પારિજાતકની કળીઓ ખોસી છે. ગળામાં જાડી માળ પહેરી છે. હાથે ગજરા બાંધ્યા છે. અંબોડાની આજુબાજુ વેણી ગૂંથી છે.

   એ શોભા શી રીતે વર્ણવું? અંતરમાં રમી રહેલું ચિત્ર કેમ કરી આલેખું? યૌવનમાં પ્રવેશી હતી, રમતિયાળ હતી, ચંદ્રવદની હતી. આવી તો ઘણીયે લલનાઓ હોય છે. પણ ચારુલેખાને શી રીતે ઓળખાવું? ઈશ્વરે મુખના આકાર ઘણાયે ઘડ્યા, પણ મુખને શબ્દમાં ચીતરવાની શક્તિ મનુષ્યને ન આપી. ચિત્રકાર ! આટલે દરજ્જે તું ચડે છે.

   એક હાથમાં પૂજાની તાસક છે. બીજા હાથમાં રૂપાની ઝારી છે. દેવાલયમાં પૂજાર્થે એ જાય છે. પાછળ મૂઢ અનુચર હાથમાં ડાંગ રાખી પગલે-પગલે ચાલ્યો આવે છે.
    નહોતું ઉજ્જવળ કે સુંદર. માત્ર જ્યાં પ્રવેશ કરો ત્યાં શાંતિ વરસતી. મલિનતા ગરી પડી પવિત્રતા ચડતી. ઘણાયે નાસ્તિક અહીં દેવદર્શન કરી શકતા. દેવાલયની આથી બીજી કઈ હવા?

   ગામની બહાર હતું. તેથી સમાજની કર્કશ નીતિ-અનીતિ તેને નહોતી ચઢી. ગમે તો શાંતિને લીધે, ફૂલોના પરિમલને લીધે અથવા શંકરનો આવાસ હોવાને લીધે, પરંતુ અહીં શુદ્ધ, વિમલ વાતાવરણ છલાછલ ભરાઈ રહ્યું હતું.

   એ વાતાવરણમાં ડૂબતી ચારુલેખા ચાલી જાય છે; પગથિયાં ચડે છે. ગર્ભદ્વારની અંદર પ્રવેશ કરવા જાય છે ત્યાં ओम वाश्लाधे, प्रसवश्लाधे.. વગેરે રુદ્રાધ્યાયના મંત્રો કાને પડ્યા. બારણા આગળ અટકી મંત્રોને સાંભળવા લાગી. મંત્રોના ભણનારને નીરખવા લાગી. પુણ્ડરીક સરખો એક કુમાર શિવલિંગ તરફ દષ્ટિ કરી હાથની ઝારીમાંથી જળનો અભિષેક કર્યો જતો હતો; કાંઈક નવીન ઉત્સાહ, નવીન શુચિ, નવીન આનંદ અનુભવતો જતો હતો. શિવલિંગ ઉપર ગુલાબનો હાર પહેરાવ્યો હતો. ચંદનરેખ પાણી પડ્યાને લીધે અર્ધી ધોવાઈ ગઈ હતી. દષ્ટિ પડતાં મૂર્તિને પથ્થર માનનારો પીગળી જઈ ઈશ્વર અનુભવી શકે એવું દર્શન હતું.

   પણ આ શું? એની જલધારા દૂર કેમ પડે છે? એની દષ્ટિ લિંગ ઉપરથી ખસી ચારુલેખા તરફ કેમ ફરે છે? રુદ્રાધ્યાયના મંત્રોમાં ભૂલો કેમ થઈ જાય છે?
   અને આ શું? ચારુલેખા પણ કંપે છે. એના કપોલ પર સુરખી ભરાઈ આવે છે. હૃદયમાં ધબકારો વધી જાય છે. છલાછલ ભરેલું જળનું પ્યાલું ઢોળાઈ જાય છે?

   મદનરિપુના મંદિરમાં મદનનો આવિર્ભાવ !
   પણ એકાગ્ર ચિત્તના જપ વખતે આવા ભાવ અયોગ્ય નથી?
   એનો ઉત્તર મારી પાસે પ્રગટ નથી. એ ભાવો પ્રગટ થયા અને ઓચિંતી ચારુના હાથમાંથી તાસક સરી ગઈ – અવંતસના હાથમાંથી ઝારી છૂટી જઈ જળાધારીમાં પડી.

   બસ કર, કામદેવ ! શિવ ઉપરનું તારું વેર વળ્યું. એમના પૂજકના હૃદયમાં, એમના મંદિરમાં તે આવો કોલાહલ મચાવ્યો.
   નીચું જોઈ, સત્વર પૂજા આટોપી અવંતસ ચાલ્યો ગયો. ચારુ તળાવમાંથી પાણી લાવી અને પૂજા આરંભી.
   પણ આજ એનું ચિત્ત પૂજામાં નથી. એનું હૃદય હજુ ધડકતું મટ્યું નથી. એનો હાથ હજી કંપતો અટક્યો નથી.
   ‘મારી આજ વર્ષગાંઠ છે. મહાદેવ પાસે શું માગું? શ્રદ્ધાથી સેવા તો થતી નથી. એ કોણ હતા? મેં એમને પહેલાં જોયા છે?’

   આ એના મંત્રો હતા. પૂજા પૂરી કરી ચારુ ઘર તરફ વળી ગઈ.
   ચારુએ તો હવે હંમેશ પૂજા કરવા જવાનો નિયમ લીધો છે. કારણ અવંતસ રોજ એ જ મંદિરે આવે છે.
   જેટલો કંપ પહેલાં થતો તેટલો હવે તેમને થતો નથી. ચારુ અવંતસના સામું જોઈ રહેતી. એની નજર બીજી તરફ હોય તે ઘડીએ અવંતસ પણ ચૂકતો ન હતો.
   એકમેકની ઓળખાણ થઈ ગઈ. જાણે ઘણા કાળનાં સંબંધી હોય તેમ હૃદય હૃદયને જોડાઈ ગયું. જોકે હજી સુધી એક શબ્દ પણ બોલ્યાં નહોતાં, પરંતુ બંનેને ખાતરી હતી કે જ્યારે બોલીશું ત્યારે અમને શરમ નહિ આવે અને પરિચિત હોઈએ તેવું જ કાંઈક બોલી જવાશે.

   તે દિવસ પછી આજ પચીસમો દિવસ છે. ચારુલેખાને ઘેર આજે એના મોટા ભાઈનું લગ્ન છે. કાને, હાથ, પગે શણગાર સજી ચારુલેખા પૂજા કરવા આવી છે. આજ પોતે પહેલી છે.
   પૂજા કરીને જતાં માથા પરથી વસ્ત્ર ખસી ગયું, અને કાને પહેરેલા એરિંગમાં ભરાયું. કેમે કર્યું નીકળે નહિ. બારણા પાસે અવંતસ ઊભો હતો. તરત જ ‘જરા આટલું કાઢશો?' પૂછ્યું. પાસે આવી અવંતસે કાનમાંથી વસ્ત્ર કાઢ્યું. થઈ રહ્યું. કુમારીના કાનને અડકાયું. મુગ્ધાના અંબોડાનો સ્પર્શ થઈ ગયો. એના કપોલની મૃદુ ધવલિના ઉપર દૃષ્ટિ ફરી ગઈ.

   વિદ્યુતના પ્રવાહો હાથમાંથી, આંખમાંથી, સૌના સંકેતસ્થાન હૃદય તરફ વળી ગયા. માત્ર એક મોંએ પ્રવાહ અવંતસના અંતરમાંથી છૂટ્યો. શરીરમાં સંચર્યો. ઝણઝણાટ થયો. અવંતસને આ ખબર પાછળથી પડી. કારણ કે પહેલાં તો એનું ભાન જ નહોતું.
    ‘આજે મારા મોટા ભાઈનું લગ્ન છે. તમે આવશો? હું તમને આ મારી શબ્દની કંકોત્રી જ આપું છું. ચાલશે ને?’

   અવંતસને કાંઈ સમજણ ન પડી કે શું બોલવું. એનું હૃદય તો હજી નિરવધાન હતું. માત્ર ‘ચાલશે ને?' એટલું જ સાંભળ્યું.
   ‘શું ચાલશે?'
   ‘મારા શબ્દોની કંકોત્રી. મારા મોટા ભાઈના લગ્નપ્રસંગમાં આવવા માટે.’
   ‘કોના? પાદાબ્જના?’
   ‘હા.’
   ‘એમની કંકોત્રી તો મારી પાસે આવી છે. અમે બંને એક જ કૉલેજમાં અભ્યાસ કરીએ છીએ. તમે જાણો છો કે આપણે એક જ્ઞાતિનાં છીએ?'
   ‘તો આવશો ને?'
   શા વાસ્તે નહિ?’ કહી અવંતસ મંદિરમાં ગયો. ચારુ વિદાય થઈ.

   આજ બંને જણ કોઈ નવીન જ હર્ષનો અનુભવ કરે છે. ચારુલેખા વારંવાર કાનના એરિંગને અડઅડ કરે છે. અવંતસ પોતાની આંગળીઓ વારંવાર હૃદય ઉપર મૂકે છે. ‘આજ તો શરમના પડદા છેદાઈ ગયા.’ ‘ખચકાતાં ખચકાતાં પણ વાતચીત થઈ ગઈ.' ‘પાદાબ્જની બહેન!’ ‘મોટા ભાઈની સાથે અભ્યાસ કરે છે?' આમ વિચારમાળા બંનેના હૃદયમાં ચાલે છે. દૂર થયેલાં હોવા છતાં એક જ માણસ બંનેના હૃદયમાં ફેરવાય છે.

   સંબંધ વધતો ગયો. શિવાલય એમનું સંકેતસ્થાન બન્યું. ચારુલેખાએ ને અવંતસે સાંજે ફરવા આવવાનું પણ ત્યાં જ રાખ્યું. ચારુની સાથે એક બેનપણી આવતી. એ વિઘ્નરૂપ ન બને એટલા માટે હૃદયની વાત એને કહી દીધી. મહાશ્વેતાને તરલિકા હતી જ ને!

   પગથિયાં પર બેસી ચારુ ને અવંતસ વાતો કરતાં, બેનપણી આડીઅવળી ફર્યા કરતી.
   ‘આ જ કેમ ઉદાસ છો?’ એક દિવસ સાંજે ચારુએ અવંતસને પૂછ્યું.
   ‘કંઈ નહિ; અમસ્થો જ. હું ઉદાસ લાગું છું?'
   ‘તમારા મોં પર આટલી શૂન્યતા જણાઈ આવે છે ને?'
   ‘મને કાંઈ સમજણ પડતી નથી કે હું કેમ ઉદાસ છું. કદાચ પેલા ઝાડ ઉપરથી એક ડાળી તૂટી પાણીમાં પડી તે પછી મારા મનની અવસ્થા બદલાઈ ગઈ હશે.’
   ‘ઓ..હો એમાં શું? ઝાડ ઉપરથી ડાળી પડે તેમાં ઉદાસ થવાનું શાનું?'
 
   ‘મને લાગણી બહુ જલદીથી થઈ જાય છે. આ ઉપરથી મને એમ વિચાર આવ્યો કે મારું કુટુંબ પણ એક વૃક્ષ છે. અમે એની જુદીજુદી ડાળીઓ છીએ. અમારામાંથી કોઈ આવી રીતે અકાળે છૂટું પડે તો અમને કેવું થાય? એવું આ બિચારા વૃક્ષને નહિ થયું હોય?’
    ‘ઓહો ! એટલા ઉપરથી તમને આટલા બધા વિચાર આવી ગયા? અને આટલી બધી લાગણી થઈ ગઈ?’
   ‘ચારુલેખા ! વિચાર કરો કે મારા કુટુંબમાંથી હું મરી જાઉં તો મારાં માતાપિતા, ભાઈઓ વગેરે કેટલું કલ્પાંત કરે ! કેટલા દિવસ સુધી એમને મારો વિયોગ સાંભરે?' આમ બોલતાં બોલતાં તો અવંતસની આંખમાં આંસુ આવ્યાં. એ સાંભળી ચારુ તો એને બાઝી પડી : ‘આવા તે વિચાર થતા હશે વળી ?’

   ‘અને એમાં આંસુ લાવવાનું શું કારણ? વારુ, વારુ, મારાં મોટાં ભાભીને તમે જોયાં કે?' વાત પલટાવવા ચતુર ચારુએ કહ્યું.
    ‘ના, હું તે દિવસે નહોતો આવ્યો. પણ હવે કોઈક દિવસ તમે મને બતાવજો. કેમ એમનામાં કાંઈ જોવાલાયક છે?'
    ‘ના ના, પણ એમના વાળનો ચોટલો બહુ સરસ છે; એટલે કે બહુ મોટો વળે છે. જુઓ જુઓ; પેલું હંસનું જોડું કેવું તરે છે !'

   નજર નાંખી અવંતસ ખુશખુશ થઈ ગયો. ‘કેવું નિર્દોષ જોડું, ચારુલેખા ! આપણે વારંવાર એકમેકની સાથે બંધાઈએ છીએ, બોલી નાંખીએ છીએ કે તમે મને વ્હાલાં છો અને મને તમે વ્હાલાં છો. પણ જુઓ, આ બોલ્યા વગર પણ કેવાં હૃદયથી બંધાઈ ચૂક્યાં છે !'
   ‘અને જુઓ ! આ મોટી કપોતકી લડે છે કેમ? કપોતકીના મોંમાં શું છે? આ વડનો ટેટો !’ ચારુ બોલી.

   એકદમ અવંતસનો ભાવ બદલાઈ ગયો. મોં પર પાછી ઉદાસી છવાઈ ગઈ. કંઈ બોલ્યો નહિ. શૂન્ય ચિત્તે એ જોઈ રહ્યો.
   ‘કેમ કાંઈ બોલતા નથી? પાછું શું થયું?'
   ‘ચારુ ! આવાં જોડાં આપણા મનુષ્યોમાં કેટલાં બધાં છે કે જેમને આમ ટંટો ચાલ્યે જ જવાનો ! વડના ટેટા વાસ્તે નહિ તો બીજાં કારણોને લઈને. પણ સ્ત્રી અને પુરુષ પરણીને દુઃખી જ ન થતાં હોય શું?'
   ‘આવા વિચારો તમારે ન કરવા જોઈએ. હજી તો આપણે ઊછરતાં છીએ. આપણે સુખી કેમ થઈશું?' ચારુએ કહ્યું. પણ અવંતસે કાંઈ જવાબ દીધો નહિ.
    થોડી વાર રહી બંને ઘર તરફ વિદાય થયાં.
*
   ‘અવતંસ ! પ્રિય અવંતસ ! આજ જરા નિષ્ઠુર બનું છું. માફ કરજો; પણ જરૂરનું છે.’ પોતાના ઓરડામાં હીંચકા પર ચારુલેખા વિચાર કરે છે : ‘હંમેશ કહેલા વખત કરતાં વહેલી જાઉં છું, છતાં એક પણ દિવસ એમ નથી પૂછતા કે આજ ક્યાંથી વહેલાં આવ્યાં? હું મારી મેળે કહું છું કે ‘આવતી કાલે આવીશ, પણ એ નથી પૂછતા કે કાલે આવશો ને? અને મેં તો એમને કેટલીયે વખત પૂછ્યું છે!

   આજે સાંજે ત્યાં જવાની જ નથી. જોઉં તો એ કાલે મને શું કહે છે? એકાદ દિવસ હું ન જાઉં ત્યાં જ એમને ખબર પડશે કે હું આવું છું તેનો શો અર્થ છે? મારા પર એ કેટલી પ્રીતિ રાખે છે તેનું માપ મારાથી લઈ શકાશે. નક્કી, આજ નથી જ જવું.’

   ઓ પથ્થરની ઘડેલી ! આ પરીક્ષા કરવી તને ક્યાંથી સૂઝે છે? તું અવંતસને વિયોગનો અનુભવ કરાવે છે, પણ તું પણ તે સાથે વિયોગ અનુભવતી નથી? અને એ તારાથી કેમ સહન થાય છે? તારી પ્રીતિમાં આટલી ન્યૂનતા નથી, પણ આપણી બુદ્ધિ આપણા પૂર્વકર્મને આધીન છે. લે ભોગવ એ કર્મનું ફળ.

   હરરોજ મુજબ અવંતસ પાંચ વાગ્યાથી એ વૃક્ષ નીચે લાંબા પગ રાખી તળાવ પાસે બેઠો છે. સામેની ટેકરીનો હલતો પડછાયો જળમાં જુએ છે. નિશ્ચલ આ જળ ઉપાધિથી કેવું અનિશ્ચલ બને છે તેનો વિચાર કરે છે. ઓચિંતો ભણકાર થાય છે. ‘ચારુ આવી?' એ પાછળ જુએ છે. ચારુ નથી.

   ‘આજ કેમ ન આવી? સાડાપાંચ થવા આવ્યા. પાંચ વાગ્યાની તો એ અહીં આવેલી જ હોય છે. ઘણી વખત તો મારા પહેલાં આવે છે. કદાચ મોડું થયું હશે.’
   વિચાર કરતો ઊભો થયો. તળાવને કિનારે ફરવા માંડ્યું. વારંવાર રસ્તા તરફ નજર નાખતો પણ કાંઈ જણાતું ન હતું.

   ‘શું તબિયત બગડી હશે? પણ આજ સવારે પૂજા કરવા તો આવી હતી. ત્યારે તો કશું પણ થયું લાગતું નહોતું. કદાચ ઘેર કંઈક અડચણ આવી હશે. પણ ઘરનાં બધાં તો બોટાદ છે. માત્ર એનો મોટો ભાઈ પાદાબ્જ અહીં છે. અને એ તો હમણાં જ મિ. શાહની સાથે સાઇકલ પર ગયો... ઓ પેલી કુમુદા જાય. પૂછું એને કે “આજ એકલી કેમ?”

   ઉતાવળે પગલે આગળ જતી કુમુદાને ઊભી રાખી; ‘આજ એકલાં કેમ? ચારુલેખા નથી આવ્યાં ?'
   ‘ના; આજે એમણે ના કહી છે.’
   ‘શરીર તો સારું છે ને? કંઈ ખાસ અડચણ તો નથી ને?'
   ‘કશું નથી. હું ગઈ તે વખતે કંઈક ચોપડી વાંચતાં હતાં. કશું થયું નથી.'
   ‘તમને કશું કહ્યું નથી ?'
   ‘ના, માત્ર એટલું જ કે આજ હું નહિ આવું.'
   ‘વારુ.' કહી અવંતસ પાછો વળ્યો.
   ‘ત્યારે તો કંઈ મારા સંબંધનું જ કારણ હોવું જોઈએ. નહિ તો એ મને કહેવડાવ્યા વિના રહે જ નહિ. ભલુ એનાથી આજ કોઈ પણ કારણ વગર આમ બેસી રહેવાયું ! હું એક ઘડી પણ છૂટો રહું છું તો ‘ચારુ ચારુ’ થયા કરે છે; અને આજ કાંઈ પણ કારણ વગર મને મળવાને વખતે એકલી ઘેર બેસી રહી શકી ! મારા કરતાં એક ચોપડી વધારે ગમી ? અને ‘આજ હું ફલાણા કારણથી નહિ આવું’ એટલુંયે કુમુદાની સાથે ન કહેવડાવ્યું? હું ધારતો નથી કે મેં કોઈ રીતે એને દિલગીર કરી હોય. આમ એક દિવસ તું મને છોડી દઈ શકી તો તું મને વધારે દિવસ કેમ નહિ તરછોડે ? મેં ભૂલ કરી.'

   વિચાર કરતાં મોં પર ઉદાસી વધી. ‘મેં ખરેખર ભૂલ જ કરી. મારે મનને જયાં જાય ત્યાં જવા દેવું ન જોઈએ. એટલો પણ સંયમ મારાથી ન રખાયો? કાનપર એક ચીમટી દીધી : ‘અવંતસ ! મૂર્ખ ! મૂઢ કેમ થઈ જવાયું? આમ એક આંખના પલકારામાં વશ થઈ ગયો તો આગળ ઉપર તારું શું થશે?’ પણ આગળ જતાં ખંચાયો. ‘એમાં થઈ શું ગયું? પણ આખરે તેનો બદલો આમ અવગણના જ ચારુ?'

   ‘પ્રિય ! – પ્રિય કહું? મને અધિકાર છે? શા માટે નહિ ? મિત્ર પ્રિય, સદાને વાસ્તે તો તું કેમ પ્રિય નહિ? કદાચ લગ્ન મારી સાથે ન થાય : તું બીજાની સાથે પરણે તેથી શું? તું મને પ્રિય થતી અટકીશ? ભલે; હું તને પ્રિય ન હોઉં, ભલે તું મારી સાથે બોલે નહિ, મારી સામું જુએ નહિ; પણ તેથી મને પ્રિય થતી અટકીશ? મારું હૃદય તે કાંઈ તારું અથવા સમાજનું નથી. મારી ઇન્દ્રિયોના દોષને લીધે બીજા કરતાં હું વસ્તુઓ અવળી રીતે અનુભવું અને તે જોતો અટકીશ? પ્રિય ચારુ ! આજ તને આ શું સૂઝ્યું? હું તારા વિના કેટલો દુઃખી છું એનો સાચો ચિતાર તને કોણ આપશે ? આટલું પણ હૃદય ખોલવાનું સ્થાન તે મારું નહિ ?' આંખમાં પાણી ભરાયું. કપાળ પર હાથ મૂક્યો. કાંઠા પર ભોંય બેસી ગયો.

   સંધ્યા હવે ધીમેધીમે પડતી હતી. શિયાળો બેઠેલો હોવાથી કંઈક ટાઢ પણ વધવા માંડી અને આછો શીળો પવન જરા જરા વધવા માંડ્યો. તળાવ પર ફરતા લોકો હવે દેખાતા બંધ થયા. શિવાલયમાં આરતીનો સમય થયો. નગારું અને ઘંટ વાગવા માંડ્યાં. શાંતિમાં શોરબકોર થઈ રહ્યો. વાડીનો માળી પણ દર્શન કરવા દોડ્યો. અવંતસને તેની દરકાર નહોતી.

   ‘શું થાય છે મને? શું, પડું? મારાં માતપિતા દુઃખી થશે. પણ એમનું દુઃખ મારે ક્યાં જવું છે ? એ ચાર દિવસ રોઈ શાંત રહેશે. ચારુને તો ભય જ નથી, એટલે એમનો તો ભય જ નથી. આટલી નિશાની મૂકતો જાઉં : મારી ટોપી અને લાકડી. ટોપી કાઢી લાકડી ખોસીને, તેની પર ભરાવી પાણીમાં ધીમેધીમે આગળ વધ્યો. ઢીંચણ સુધી, કેડ સુધી, ગળા સુધી એમ પાણી વધ્યે જવા માંડ્યું. એક પણ દુઃખનો શબ્દ બોલ્યા વગર ઊંડા પાણી તરફ ડૂબકી મારી. અવંતસ અદશ્ય થયો.

   ‘કાલે શું થયું હશે? મને બોલાવવા મોકલી નહિ. કુમુદા મળી જ હશે તો.’ સવારમાં વહેલી જાગીને ચારુ વિચાર કરતી હતી. એવામાં ઓચિતું બારણું ખખડ્યું ને ‘પાદાબ્જભાઈ !' કહી કોઈએ બૂમ મારી. પાદાબ્જ મેડી પર સૂતો હતો. ચારુલેખા અને એક બ્રાહ્મણ ડોશી નીચે સૂતા હતાં. ફાનસ લઈ ડોશીએ બારણું ઉઘાડ્યું : ‘કોણ છે?'

   ‘એ તો હું દિનેશ. પાદાબ્જભાઈને કહેજો કે નવીશંકરનો અવંતસ કાલે તળાવમાં ડૂબી ગુજરી ગયો. કહીએ, સ્મશાન આવવાનું છે. જલદી જગાડીને મોકલજો.' કહી નાતનો છોકરો ચાલ્યો ગયો.

   ફાનસ લઈ ડોશી ઉપર ગઈ ને પાદાબ્જને જગાડ્યો.
   ‘ચારુ ! અવંતસ ડૂબી મર્યો; જાણ્યું કે ચારુ !' પણ ચારુ બોલતી નથી. ડોશીએ પાસે જઈ જોયું તો ચારુની આંખમાંથી આંસુ પડી ગાલ ભીનો થયો હતો. પણ ચારુ બોલતી નથી. હમણાં જાગતી હતી અને એટલામાં મૂંગી ક્યાંથી થઈ? ચારુ ! ચારુ ! કહી ડોશીએ ને પાદાબ્જે ઘણી યે બૂમો પાડી. માત્ર શ્વાસના ચલન સિવાય કંઈ સમજાતું નથી. બંને જણ દિગ્મૂઢ થયાં. એટલામાં મુખ ઉઘાડી ‘ઓ પ્રિય અવંતસ ! ઓ વહાલા અવંતસ ! મેં ભૂલ કરી !' કહ્યું અને પાછી અટકી ગઈ. મુખ નીચું નમાવી દીધું.
*
   સાવચેત રહેજો ઓ કુમારિકાઓ ! તમારા પ્રિયતમની પ્રીતિની પરીક્ષા લેતા પહેલાં તેની પ્રકૃતિની પહેલી લેજો.
*


0 comments


Leave comment