75 - મારું કાંડું પકડીને મને રોક મા / મધુમતી મહેતા


મારું કાંડું પકડીને મને રોક મા
મારી પાનીએ બેઠાં પતંગિયાને ટોક મા.
મારું કાંડું પકડીને મને રોક મા.

અધખુલ્લી બારીથી જોયાં આકાશ,
અને જોયાં છે પંખીનાં ટોળાં;
હફળક દેતુંને કાંઈક અંદર જાગે,
ને પછી આંખોમાં સપનાંના મેળા;
પગલાંમાં હોંકારા પહેર્યા મેં આજ,
હવે બેસાડી ના દે તું ગોખમાં.
મારું કાંડું પકડીને મને રોક મા.

હોવું આ આપણું તો ઝાકળની જાત,
નથી પથ્થરમાં કંડાર્યા લેખો;
દરિયાને તળિયેથી ઊગી નીકળીએ,
જરા કાંકરિયું સાદાની જો ફેંકો;
સાતે જન્મારાના સગપણને બે પળના
અળગાપણાથી તું જોખ મા.
મારું કાંડું પકડીને મને રોક મા.


0 comments


Leave comment