66 - સ્પર્શથી છલોછલ / સંજુ વાળા


ઉત્કટ અભાવની ક્ષણો ચપટીક મોકલી
સાથે જ રદ થઈ જવાની બીક મોકલી

કંકોતરી મળે અને શુકનરૂપે તરત
પરબીડીયામાં ચીતરેલી છીંક મોકલી

તેં ગ્રીષ્મની બપોર આકંઠ આશ્ર્લેષી અને
તરબોળ વાદળી મારી નજદીક મોકલી

મારાં સળંગ ડૂસકાંનો તરજુમો કરી
જે મોકલી તે શર્ત છેવટ ઠીક મોકલી

છુપાવવા પ્રલાપને - ‘રાજીખુશી’ લખ્યું
ભૂકંપની ખબર મને લગરીક મોકલી

મેં આંગળી ધરી સ્મરણનાં રેશમી તરફ
તેં સ્પર્શ નામથી છલોછલ નીક મોકલી.


0 comments


Leave comment