70 - ઈપ્સા વિશે / સંજુ વાળા


થોભવું મૂક્યું ગતિ સામે હવે રસ્તા વિશે પૂછો તો શું પૂછી શકો ?
આ મરુભૂમિ સમા વેરાનમાં નકશા વિશે પૂછો તો શું પૂછી શકો ?

ઝાપટું વરસાદનું ઝીલી શકો ‘ને આંકડા આપી શકો એ શક્ય છે
મન વરસતું હોય ત્યાં ભીનાશનાં જથ્થા વિશે પૂછો તો શું પૂછી શકો ?

સ્મૃતિનાં પેટાળમાં ભડકો થયો ; વાગોળવાની સ્હેજ અમથી ભૂલથી
આંધળી અધીરાઈનાં આ તરબતર કિસ્સા વિશે પૂછો તો શું પૂછી શકો ?

હાથનાં કંકણ બની ખણખણ થતા દિવસો અમે જોયાં કર્યા છે દૂરથી
વસ્ત્રની માફક મને વળગી રહી ઈપ્સા વિશે પૂછો તો શું પૂછી શકો ?

જીભ પર સુકાય ધ્વનિ નામે પ્રવાહી ત્યાં કહો શબ્દત્વ ક્યાંથી ઊઘડે ?
‘ને ત્વચાતળમાં ગરક ઘોંઘાટનાં દરિયા વિશે પૂછો તો શું પૂછી શકો ?


0 comments


Leave comment