34 - સખીરી – ૬ / સંજુ વાળા


સખીરી, અવાવરું એંધાણ ઉલેચી ફળિયા વચ્ચે ઊભાં
રે ઝળઝળિયાં વચ્ચે ઊભાં
સખીરી, સાત સાત અંધારા ડહોળી તળિયા વચ્ચે ઊભાં
રે ઝળઝળિયાં વચ્ચે ઊભાં

જીર્ણ દુર્ગનાં દરવાજાની ભોગળ ઉપર
ભટકાતી એક નામ વિહોણી બૂમ સાંભળી
મર્માલયનાં ખર્યા કાંગરા , દર્ભદશાવત
ડોલ્યા રે દિકપાળ હવે તું ઝાલ્ય આંગળી
સખીરી, ઝરમર ઝરતો જીવ અમે ઝાકળિયા વચ્ચે ઊભાં
રે ઝળઝળિયાં વચ્ચે ઊભાં

કેળગર્ભનો પથ્થરિયો ડહેંકાર સાંભળી
કંપે મારું ત્રુટક છૂટક ભીંતર ઉર્ફે ...
છડેચોક આ અશું-કશુંની હાક જમાવી
ધાક જમાવી ભેદે અનવદ્ય બખ્તર ઉર્ફે ..
સખીરી, શીર્ણ થયેલા શ્વાસોનાં સરવરિયાં વચ્ચે ઊભાં
રે ઝળઝળિયાં વચ્ચે ઊભાં
સખીરી, સાત સાત અંધારા ડહોળી તળિયા વચ્ચે ઊભાં
રે ઝળઝળિયાં વચ્ચે ઊભાં.


0 comments


Leave comment