15 - ચામડીનું તળ ફોડી / સંજુ વાળા


આછી પીળી ‘ને આછી લીલી......
બળતરા, ચામડીનું તળ ફોડી ઉપસેલી ખીલી.......

એક એક તાર થઈ તકલી પર વીંટાતું
આખ્ખુંયે ખેતર કપાસનું
હથ્થેળી પોતાની આંગળીઓ કાંતીને
ઉજવણું કરતી અમાસનું
ઊંચું ઉપાડી સ્હેજ જોઈએ તો આંખોને
અધવચ્ચે લેતું કોઈ ઝીલી રે ઝીલી......
બળતરા, ચામડીનું તળ ફોડી ઉપસેલી ખીલી.......

બૂઝાતાં કોડિયાંને સંકોરે નહિ એવા
પાળ્યા છે હાથ સાવ ઉજ્જડ
તાળવે પડ્યો રે કાંઈ કારમો દુક્કાળ
બોલ લાગે છે સુક્કાતું ખડ

કાચી ચણોઠિયો શી લેણદેણ વીણું કે –
તળિયાલગ ઢોળવા દઉં તો હઠીલી......
બળતરા, ચામડીનું તળ ફોડી ઉપસેલી ખીલી.......

( અર્પણ : કવિ મિત્ર વારિજ લુહારને......)


0 comments


Leave comment