52 - શ્વાસ જેવી ક્ષણ / સંજુ વાળા


બરફમાં મૂરઝાર્ઈને સતત એક જણ ધુમાડો થાય
‘ને એ રીતે ધુમાડાનાં બધા કારણ ધુમાડો થાય

સમયશાઈ હરણની ડોકમાં લટકી જવાં કરતાં
કહે તો ફૂંક મારું ને બધી સમજણ ધુમાડો થાય

હજારો જંગલો હાવળ કરી ઉઠ્યાં હથેળીમાં
કહો હે હસ્તવિદ ! કઈ રીતથી ભારણ ધુમાડો થાય ?

પછી સુરખાબનાં પગલાં હવામાં ઓગળી ચાલ્યાં
રતુંબલ ઝાંય થઈને શહેરનું સગપણ ધુમાડો થાય

ફરકતી આંખ હો સંકેત એના આવવાનો – તો
કાં આ પ્રત્યેક મારા શ્વાસ જેવી ક્ષણ ધુમાડો થાય ?


0 comments


Leave comment