2 - બોલ સો મણની શિલા / સંજુ વાળા


બોલવા જઈએ તો બોલ સો મણની શિલા
સંવિત સંકોચશીલ
અણધડ ઉતાવળાં કે સ્પર્શો ત્યાં સંકોરે લીલા

પોપચે પડાવભેર તોળ્યો તણાવ
ઘેનકુંડીમાં ઊફણતા તાવ
આસપાસ ઊગેલી આખારતા વાઢીને
તસતસતા તોડયા બનાવ
ઘૂંટી ઘૂંટીને ઘોર
અથડામણ આપસની તબડાકી લેતા તોરીલા
બોલવા જઈએ તો બોલ સો મણની શિલા

આઘેથી ભાળેલી લાલપીળી ભ્રમણાઓ
પાસે જઈએ તો પારદર્શક
એવા ઉઘાડ જેવા નેજવાંના ભેદ
કરો ચર્ચો કે લોહીઝાણ રકઝક
નાભિમાં ધમધમતાં
લયનાં ઘમસાણ જાણે : ધક્કે ચડ્યા હો ગોરીલા
બોલવા જઈએ તો બોલ સો મણની શિલા..


0 comments


Leave comment