69 - સાંકળ આવે / સંજુ વાળા


કોઈ સવારે આંખ ખુલે ‘ને તેજ લપેટયો તેજ લિપિમાં કાગળ આવે.....
એમ અચાનક શ્વાસ સમીપે ટોળે વળતાં વાટ હતી તે વાદળ આવે.....

આંખ બની ગઈ વાવ અને આ પાંપણ કહેતાં પાળ ખરેખર ગૂંચવાયો છું
અર્થ વિશેની શબ્દકોશમાં શોધ ચલાવું એ પહેલાં તો કાજળ આવે..........

આવ ! નદીની ફાટ ભરીને કોઈ કુંવારા છોડ કુંડામાં રોપી દઈએ
હોય કિનારો દૂર છતાંયે પૂર છલોછલ ફળિયા સુધી પાછળ આવે....

કોણ ડરાવે ? રાત નવસ્ત્રી કન્યા જેવી ચોક વચોવચ ઊભી એને
એમ બને કે કર્ણ પિતાનું ધાડું લઈને સાત રથોની હાવળ આવે......

બેય કમાડો બેય દિશામાં દોટ મૂકીને એકબીજાથી અળગા ભાગ્યાં
બારસાખનાં મંદ અવાજે એમ કહ્યું કે તો જ બને જો સાંકળ આવે....


0 comments


Leave comment