0 - કલ્કિ પ્રાવેશિક / જયેન્દ્ર શેખડીવાળા


એક બપોરે શ્રી રઘુવીરભાઈનો પત્ર આવ્યો :
‘તમારો સંગ્રહ પ્રગટ કરવાનું વિચાર્યું છે.’
વત્સલ પિતા કન્યાનું લગ્ન નક્કી કરી આવીને
કન્યાને ખબર દેતા હોય અને કન્યા ઘડીભર માટે
હરખપદુડી થઇ જાય, તેવું થયું.
પરન્તુ પછી વિચાર આવ્યો :
‘ઈ.સ.૧૯૭૬ માં કવિતામાં પ્રવેશેલો હું
હજી તો સગીર કહેવાઉં’ –
પણ સખીઓએ ઉત્સાહ પુરાવ્યો
અને કુતૂહલ અને રોમાંચનો માર્યો
તમારી સમક્ષ ઉપસ્થિત છું, સંગ્રહ રૂપે –
Thanks ગુજરાતી સાહિત્ય પરિષદ,
Thanks ક.લા.સ્વાધ્યાયમંદિર,
Thanks રઘુવીરભાઈ
*
‘મોક્ષમયી વાસના એટલે કવિતા’ – મારે મન.
બોલવું છે આ ક્ષણે, આ કવિતા વિશે.
*
સંખ્યાતીત સમયો અને વિશ્વો પાર કરીને બોલું છું
ત્યારે આ અવાજ તમે માનો છો એટલો સ્થૂળ કે સાંપ્રત નથી જ.
અસંખ્ય સૂક્ષ્મતાઓમાં ઓગળી ગયેલી મારી આજ
અને આદિતત્વ વચ્ચેનો સેતુ છે આ કવિતા;
જ્યાં સ્થળ-કાળહીન દશામાં વિચરું છું.
પરંતુ વસું છું સાંપ્રત ક્ષણોમાં, સ્થૂળ રૂપે
*
- જયેન્દ્ર શેખડીવાળા – તરીકે, ગુજરાતી શબ્દોની પૃષ્ઠભૂમિમાં
તમારી સમક્ષ....
મારો એક પગ સ્થૂળ સાંપ્રતમાં છે.
અને બીજો અનાદિ વિશ્વોની રજકણોમાં ભળી જઈને
અદ્રશ્ય થઇ ગયો છે.
- આ બેઉ પગે ચાલ્યો છું હું આ કવિતા ! અસ્તુ.
*
અહીની ગઝલો અ.ફા.ઉર્દુ સાથે સંદર્ભાતી નથી, અલબત્ત,
રે સર્જકો સુધી જઈ શકાય, પાછા પગલે. અસ્તુ.
ક્યાંક છંદભંગ સજાણ સકારણ છે. અસ્તુ.
*
ગીતોમાં બહુધા દીર્ઘલય સકારણ છે.
કારણ એક/ઓવરફ્લો; કારણ બે/ટેકનિક.
દા.ત. ‘સાસરમહિયર.. સાંધ્યક્ષણે’ ગીતમાં ‘ક્ષણ’ની વાત છે.
શૈશવથી પ્રણયવિચ્છેદન સુધીની કથા
ક્ષણમાં આટોપાય છે.
ફોટોગ્રાફીમાં પ્રયોજાતી ઍન્લાર્જમેન્ટ ટેકનિક અહીં
ક્ષણને ઍન્લાર્જ કરે છે, તેથી લય દીર્ઘાય સ્વાભાવિક જ.
અન્ય ગીતોમાં પણ આવું કંઈક, કહેવું છે એટલું જ,
ગીતોમાં લય એની inner need ને વશવર્તીને આવ્યો છે.
*
આ ગીતોને ખોલવાની કેટલીક કૂંચીઓ આ રહી :
એક / ગીતોના શબ્દો તેમની અનેક અજાણી, અલ્પપરિચિત
અર્થછાયાઓનું અનુસંધાન પામેલા છે, એટલે એવી
અર્થછાયાઓ કામે લગાડતા ગીત ખૂલશે.
બે / શીર્ષકો પર ધ્યાન કેન્દ્રિત કરવાથી ગીત ખૂલશે.
ત્રણ / ક્યાંક ક્યાંક ફિલસૂફી, લોકજીવન અને અધ્યાત્મનાં
સંદર્ભે જ ગીત ખૂલશે, ન અન્યથા.
(સંગ્રહાન્તે કાવ્યાનુક્રમ અનુસાર શબ્દાર્થ-સંદર્ભ આપ્યા છે.)
અસ્તુ.
*
ગીત-ગઝલ અને લયાન્વિત વિશે કશુંય બોલવું નથી.
અહીં કશુંય પ્રયોગ ખાતર પ્રયોગ નથી, નથી, નથી જ.
આ મારું જીવાતિભૂત તત્વ છે જે તેની જરૂરિયાત
મુજબ આકાર ધરીને પ્રગટ્યું છે. અસ્તુ.
*
તિલ્લી ! તિલ્લી શું છે, ક્યાં છે, કોણ છે, કેવો / કેવી / કેવું છે?
- કશીય ખબર નથી. તિલ્લી મારો ડાબો પગ છે, કવિતાને
હું આ પગેય ચાલ્યો છું. કશુંક મારું, મારા વિચ્છેદાયેલું,
વિરાટ, મારું જીવાતિભૂત છે આ તિલ્લી; જેને હું તરસું છું.
મારું આદિ, મારું મૂળ છે આ તિલ્લી. કશુંય સ્થૂળ,
સાંપ્રત કે લૌકિક નથી. તિલ્લી – તિલ્લી છે. અસ્તુ.

જયેન્દ્ર શેખડીવાળા
આર્ટસ ઍન્ડ કોમર્સ કૉલેજ,
ચીખલી, જી.વલસાડ
તા.૦૧/૦૮/૧૯૮૨, રવિવાર


0 comments


Leave comment