6 - ઉપાડ ટાંકણું / જયેન્દ્ર શેખડીવાળા


તારી હથેળી વાંચતો કાગળની જેમ હું
વંચાય છે સવારમાં ઝાકળની જેમ તું

તારા અજાણ્યા સ્પર્શથી હું મ્હેંક મ્હેંક છું
ફૂલોમાં તારા નામનો અજવાસ પાથરું

વરદાન ક્યાં ફળ્યાં છે દૃશ્ય થાવાનાં મને
અટકળ જીવંત થાય તો આંખોમાં જઈ વસું

તું ફરફરે છે લોહીમાં જ્યારે ગુલાબ થઇ
ત્યારે સ્મરણમાં થરથરે છે હોઠ ચૂમવું

પથ્થર થઇ ગયો છું હું તારા અભાવમાં
કંડારવાને શિલ્પ તું ઉપાડ ટાંકણું

આંખોમાં ઓગળી જતા ઉજાગરાનાં સમ
તું આવ કે આ ચાંદની છે સ્વપ્ન આપણું

મળશે કદી તું માર્ગમાં તો સૂર્ય ઊગશે
અંધારું મારી આંખનું છે મારું આયખું


0 comments


Leave comment