5 - કોઈ સાંજે / જયેન્દ્ર શેખડીવાળા


ફૂલ ને ફોરમ અજાણ્યા દેશમાં સામાં મળ્યા
કોઇ સાંજે એમ પગલાં આપણાં સામાં મળ્યાં

મોર ચીતરેલી ક્ષણો આપી ગયું કો' સ્વપ્નમાં
ને ગગનને ગ્હેંકના પડઘાનાં ધણ સામાં મળ્યાં

આપણો સુક્કો સમય થઇ જાય છે જ્યારે નદી -
થાય છે કે, સૂર્યને પણ દર્પણો સામાં મળ્યાં

કોઇ ઘૂમરીમાં ડૂબ્યું તો કોઇ આકાશે ડૂબ્યું :
શ્વાસના એકાન્તને એનાં વતન સામાં મળ્યાં

આજ બારીબ્હાર દ્રષ્ટિ ગઇ અચાનક જે ક્ષણે
આંખને ગઇકાલનાં દ્રશ્યો બધાં સામાં મળ્યાં


0 comments


Leave comment