57 - માણસ છે આ / લલિત ત્રિવેદી


ઝાંખાપાંખા અક્ષર જેવો માણસ છે આ
શિલાલેખનાં પથ્થર જેવો માણસ છે આ

પોતાની સામે લડતો મરતો જીવતો
ભાલા જેવો, બખ્તર જેવો માણસ છે આ

વરસાદ પડે ને ઘાસ સમું પણ ના ઊગે
કોઈ સડકના ડામર જેવો માણસ છે આ

છાતીમાં ઘુમરાતો ખાંસી જેવો ક્યારેક
ક્યારેક બેગમ અખ્તર જેવો માણસ છે આ

માંડ સવારે સપનાં લૈને બેઠો થાતો
રાતે રાતે કળતર જેવો માણસ છે આ

વર્ષ - ૧૯૮૦


0 comments


Leave comment