69 - અરીસાની આ તરફ / લલિત ત્રિવેદી


દઈ દઉં ગમે તે માગ અરીસાની આ તરફ
મળતો નથી સુરાગ અરીસાની આ તરફ

સિંદૂરી રંગ ઊખડે તો હું ય કહી શકું –
- છે હાથવેંત તાગ અરીસાની આ તરફ

એને વટું તો શું હશે ? અશરફ* ? મીરાં કે શ્યામ ?
કોઈ બતાવો લાગ અરીસાની આ તરફ

છે એ જ જાંબલી તરસ ને એની એ કથા
છે ચાંચ જેવી આગ અરીસાની આ તરફ

તારી તરફ, અરવિંદ* ! તું બોલાવ મા મને
મારે છે મારો ભાગ અરીસાની આ તરફ

વિક્રમ સવંત પ્હેલાંનો ભટકે છે એક ફકીર
કોને ધરે ચિરાગ અરીસાની આ તરફ

વર્ષ - ૧૯૯૯
અશરફ – મિત્ર, અશરફ ડબાવાલા
અરવિંદ – મિત્ર, અરવિંદ ભટ્ટ


0 comments


Leave comment