23 - જુઓ મંદિર હવે / લલિત ત્રિવેદી


જરાક આછું જરા રાતું રાતું લાગે છે
જુઓ મંદિર હવે ઓરું ઓરું લાગે છે

કોઈનું હોવું એવું મીઠું મીઠું લાગે છે
હવે ન દે કશું કે ઝાઝું ઝાઝું લાગે છે

ફરક છે આ કે બધું સારું સારું લાગે છે
ગગનથી ઘાસ સુધી તાજું તાજું લાગે છે

હજી એ દ્રશ્ય અસલ ભીનું ભીનું લાગે છે
ગલી વળીને કોઈ જાતું જાતું લાગે છે

તબકતું હોય છે સવાર જેવું દૂર કશુંક
ક્ષિતિજમાં ઊંડે ઊંડે સાચું સાચું લાગે છે

જરાક ધ્યાન ઓ લાપતાના ચ્હેરા પર
જુઓ કે મુખડું એમાં કોનું કોનું લાગે છે

વર્ષ - ૧૯૯૯


0 comments


Leave comment