70 - ગોઠવાય છે / લલિત ત્રિવેદી


પીડાની સાથ કેવો શુકન ગોઠવાય છે
આખીય રાત ઘરમાં ભજન ગોઠવાય છે

સાતે સૂરજનું અગ્નિશમન ગોઠવાય છે
ખૂણાના કોડિયામાં પવન ગોઠવાય છે

ભ્રમ રાખ મા કે ઊર્ધ્વગમન ગોઠવાય છે
અંજળનું માત્ર બાષ્પીભવન ગોઠવાય છે

પહેલો પુરુષ એકવચન ગોઠવાય છે
બીજો છે અર્થ એ કે સ્ખલન ગોઠવાય છે

હરજન્મે દૈત્ય કોણ છે? છે કોણ તમસાસુર ?
જોતા રહો કે કોનું હનન ગોઠવાય છે !

ધારો કે ઘર ઉપર લખેલું છે “ગુફાનિવાસ”
નિર્ભર છે, કેવું અર્થઘટન ગોઠવાય છે

એકાંત કાળમીંઢ ને અશ્મિઓ સ્પર્શના
છાતીના કોઈ ટીંબે ખનન ગોઠવાય છે

માર્ચ, ૨૦૦૦


0 comments


Leave comment