0 - ગગન પરોવીને / લલિત ત્રિવેદી


કમળ ઉઘાડીને જોયું તો એક શબ્દ હતો
શિલામાં કોળીને જોયું તો એક શબ્દ હતો

સમુદ્ર ડહોળીને જોયું તો એક શબ્દ હતો
દિશા ફંફોળીને જોયું તો એક શબ્દ હતો

તમામ રાત્રિઓના કેફને નિતારીને
ત્વચા ઢંઢોળીને જોયું તો એક શબ્દ હતો

સમય ક્ષિતિજ ને પવન નાદ બ્રહ્મ ચૌદ ભુવન
વટીને, ખોળીને જોયું તો એક શબ્દ હતો

પછી તો જાતરા લંબાઈ ગઈ’તી કાષ્ઠ સુધી
ચિતા જલાવીને જોયું તો એક શબ્દ હતો

ને રાત આખી ધીમા ગોખલાના અજવાળે
મેં જાગી જાગીને જોયું તો એક શબ્દ હતો

અનાદિ કંપનો કોષો ને આદિ સૂર્ય વલય
શમી-સમાવીને જોયું તો એક શબ્દ હતો

પ્રચંડ રાતનું તાંડવ પ્રકંપ ઘોર પવન
ત્રિશૂળ ખોડીને જોયું તો એક શબ્દ હતો

હે પાનબાઈ ! ના પ્રકાશ ના તિમિર ન ક્ષણો...
ગગન પરોવીને જોયું તો એક શબ્દ હતો

૧૮-૦૭-૨૦૦૦


0 comments


Leave comment