1 - અંદર-બહાર એકાકાર – પ્રસ્તાવના – ગઝલનું રૂપ અને ભજનનો રંગ / નીતિન વડગામા
કવિશ્રી લલિત ત્રિવેદીએ એમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘પર્યન્ત’ની એક ગઝલના આરંભમાં આવી અભીપ્સા સાથે આહવાન કરેલું કે –
આ સમાધિની ક્ષણો, શ્વાસો, શ્રુતિ પ્રગટો હવે
વેદની ઋચા સમી કોઈ કૃતિ પ્રગટો હવે
***
આભમય એકાંતની ગહરાઈમાં બોળું કલમ
કે અગોચરનો અરથ અથથી ઇતિ પ્રગટો હવે
આ બીજા કાવ્યસંગ્રહ ‘અંદર બહાર એકાકાર’ની એક રચનામાં કવિ આત્મપ્રતીતિપૂર્વક આવું ઉચ્ચારે છે –
સપાટી છોડ, તો તરવાની વાત કરવી છે,
ન કોઈ દરિયાની, મીરાંની વાત કરવી છે.
***
ધજાની વાત છે, મંદિરની વાત ક્યાં છે હજી ?
ઝળાહળા થતાં રૂવાંની વાત કરવી છે.
પ્રથમ સંગ્રહમાં પ્રગટ થયેલી સ્પૃહા અને બીજા સંગ્રહમાં વ્યક્ત થયેલા એ જ મતલબના સંકલ્પમાંથી કવિ લલિત ત્રિવેદીની ગઝલની ગતિનો ચોક્કસ સંકેત સાંપડે છે. દેખીતી રીતે આ કવિની રચનાઓમાં ભજનનું ભાવજગત ઊઘડે છે અને ગઝલનું સ્વરૂપવિધાન સિદ્ધ થતું જોવા મળે છે.
ગઝલ અને ભજનમાં સામર્થ્યપૂર્વક ગતિ કરનારા સર્જક શ્રી મનુભાઈ ત્રિવેદી ‘ગાફીલ’ એમની એક ગઝલનાં શેરમાં પોતાના સર્જન સંદર્ભે આવો એકરાર કરે છે –
ન ગાઉં કેમ હું ભજનોની સાથે ગઝલો પણ ગાફિલ ?
અહીં ખેંચે છે મીરાંબાઈ તો ત્યાં મીર ખેંચે છે.
મીર અને મીરાંનું સમાંતર ખેંચાણ અનુભવતા આ સર્જકે ‘ગાફિલ’ના તખલ્લુસથી ગઝલો આપી અને ‘સરોદ’ના ઉપનામથી ભજનો રચ્યાં. આ ‘ગાફિલ’ અને ‘સરોદ’ સગપણમાં લલિત ત્રિવેદીના મામા થાય. કવિનો મોસાળ પક્ષનો એ લોહીનો સંબંધ જાણે કે ગઝલ-ભજનના અવતરણરૂપે પણ અનુબંધ ધરાવે છે. મનુભાઈ ગઝલ અને ભજનનો અલગ અલગ આકાર નિપજાવે છે, તો લલિતભાઈ પોતાની રીતે ગઝલ-ભજનને એકારાર કરવાનો સર્જનાત્મક ઉદ્યમ આદરે છે.
લલિત ત્રિવેદી પ્રસ્તુત સંગ્રહની ગઝલોના માધ્યમથી મીરાંની કે મંજીરાંની, લાલ કેસરી નેણાંની કે ઝળાંહળાં થતાં રૂંવાંની વાત કરવા ચાહે છે અને એ મુકામ સુધી પહોંચવા માટે કવિ સ્વાભાવિક રીતે જ અધ્યાત્મ માર્ગે પ્રયાણ આદરે છે. એમ કહીએ કે વિશેષરૂપે અધ્યાત્મભાવથી આ કવિની ગઝલોનો પિંડ બંધાતો જોવા મળે છે.
ક્યાંક ઊંડેથી સંભળાય છે મંજીરાં
ક્યાં જનમનાં છે ભજનો આ અવતારમાં ?
- એવો પ્રશ્ન છેડતા કવિ એમની રચનાઓમાં ગઝલના સ્વાંગમાં તત્વજ્ઞાનના તાણાવાણા વણતા રહે છે.
પીડાની સગાઈ અને એના મૂર્તરૂપ સમી મીરાંબાઈને સમજવાનું સૌ કોઈનું ગજું નથી એવું માનતા આ કવિ પોતે જાણે કે મીરાંબાઈ કે કબીરાઈ સાથે સીધું સગપણ ધરાવે છે. એટલે એમની ગઝલોમાં મીરાંના ધખારાની અને દરશનની ધખનાની વાત અવારનવાર થયા કરે છે; એમાં ચિર વિરહની આકુલતા અને મિલન માટેની અદમ્ય ઉત્સુકતા પડઘાતી રહે છે. અહીં શામળીઆને આપતા આવકારમાં એકાત્મભાવનો એકરાર પણ સહજભાવે પ્રગટે છે.
છું સ્વયંમ આવકાર, શામળીઆ !
મારા મનમાં પધાર, શામળીઆ !
એ શામળીઆ કે સાંવરીઆમાં જીવ લાગી જાય પછી જીવનની ગઠરીઆમાં ભાર ક્યાંથી વરતાય ? પેલો સૂક્ષ્મભાવ સ્થૂળ ભારને સાવ ઓગળી નાખે ! પ્રેમભક્તિનો એવો પ્રભાવ લલિત ત્રિવેદીની ગઝલોનો મૂળભૂત સ્વભાવ છે. ‘બાર બાર વરસે માધાવાવ ગળાવિયા’, ‘શામળા ગિરધારી’, ‘જાણે રે’, ‘જુઓ ને’, ‘વણઝારા ઓ વણઝારા’, ‘મુરલિયા બાજે રે’ વગેરે રચનાઓમાં અધ્યાત્મની એવી ભાવછટાઓની પ્રબળ અભિવ્યક્તિ થઈ છે.
પરમની પ્રાપ્તિ માટે કવિ લલિત ત્રિવેદીને મન મોટું માધ્યમ છે માળા અને મણકા કે પૂજા અને પ્રાર્થના, પંડના પાયામાં રહેલી પ્રાર્થનાઓને પરિણામે જ ધજા ફરકતી દેખાય છે એવી પ્રતીતિ ધરાવતા આ કવિ, ટેરવાની ટોચ પર દેરી બનાવીને એમાં ૧૦૮ મણકાઓને સ્થાપવાના મનસૂબા સેવે છે, એકધ્યાન થઈને ‘ઓમ નમ: શિવાય’ ના જાપ જપવાની અને અન્યથા માળા મૂકી દેવાની શીખ આપતા કવિ એકાગ્રચિત્તે થયેલી ઉપાસનાનો ભારોભાર મહિમા કરે છે. એકધ્યાન થઈને થતી સાધનની ઉપલબ્ધિ પણ કેવી હોય ? કવિ કહે છે –
મંદિર ખૂલે છે એમ ખૂલે છે આ મન હવે
આંખો મીંચું કે શંખનાદ થાય છે, પ્રિયે !
***
જુઓ મળી છે કેવી સમાધિની અવ્યથા
આકાશ ટેરવામાં ઉલ્લાંઘાય છે, પ્રિયે !
અન્યત્ર કવિ કહે છે તેમ ટેરવામાં તાગની કે અથાગ જાગની ધૂણી ધખાવ્યાની ફલશ્રુતિરૂપે શ્વાસમાં ધજા ફરક્યા કરે અને અવસ્થા ટેરવાની ટોચે કે મણકાના શિખરનો સઘળો ભેદ ભૂલાવી દે: સક્ષાત્ જાપ થઈ જવાને પરિણામે જાણે ટેરવાં પણ રુદ્રાક્ષમાં રૂપાંતર પામે. એવી અંદર-બહાર એકાકાર થયેલી ચિત્તસ્થિતિને કવિ આ રીતે ચીંધે છે –
અંદર બહાર સર્વ એકાકાર થઈ જશે,
ઊતરી રહ્યું છે તારામાં આકાશ, જોઈ લે.
અનહદની સરહદ સુધીની યાત્રાને પરિણામે અનુભવાતી સભરતા આ કવિની અનેક રચનાઓમાં શબ્દસ્થ થતી રહે છે. ‘ક્યાં અલગ છે ?’ ‘તું પારખાં કરી જો’, ‘સમજી નહીં શકે’, ‘કોણ સરતું જાય છે ?’, ‘ભગવાનને ખબર છે’, ભગવાન જાણે છે બધું’, ‘આત્માસાત્ કરું’, ‘જોઈ લે’, ‘ભગત !’, ‘સંભળાય છે મંજીરાં’, ‘ધૂણીધખાવીએ’, ‘ટેરવાં રુદ્રાક્ષ થૈ ગયાં’ વગેરે રચનાઓમાં કવિએ જીવના શિવ સાથેના સન્ધાનની વાત ભિન્ન ભિન્ન રીતે કરી છે. દાર્શનિક પીઠિકા રચી આપતા અને વેદાંત-વિચારનું અજવાળું ફેલાવતા કેટલાક શેર જુઓ –
જેનું મસ્તક અડેલું હો બ્રહ્માંડમાં,
એનાં પગ ક્યાંથી રહેવાના સંસારમાં ?
***
કેવા અબીલગુલાલ ને કેવી ઊડે સુગંધ,
તો પણ ભીતરમાં ટેરવાં રુદ્રાક્ષ થૈ ગયાં.
***
રુદ્રાક્ષમય થયાનું આ શ્રી-ફળ જુઓ, પ્રિયે !
ના તનબદનનો સ્પર્શ, ના આવાગમનનો સ્પર્શ.
***
એવી લગન લગે કે જાગે જાતમાં જગન,
હે કામિની ! અતાગની ધૂણી ધખાવીએ.
***
હે ભગત ! ઝબકાર કેવળ હોય છે, કંઈ પણ પછી હોતું નથી,
મંજીરાં પળવાર કેવળ હોય છે, કંઈ પણ પછી હોતું નથી.
***
આ મતબલની રચનાઓમાં કવિ કેટલીક વખત વેદ-ઉપનિષદનું તત્વજ્ઞાન ગઝલદેહે વ્યક્ત કરે છે, તો ક્યારેક વળી સૂફી વિચાર પણ વહેતો મૂકે છે. એ બધામાં કવિનું દર્શન આધ્યાત્મિક ભૂમિકાએ પહોંચે છે અને એનું રસાત્મક આલેખન કલાજન્ય આનંદ પણ આપે છે, ગહન અને વ્યાપક આધ્યાત્મિક અનુભૂતિને વ્યક્ત કરવા માટે કવિ ધજા, માળા, મણકા, ટેરવાં કે રુદ્રાક્ષનો વારંવાર આશ્રય લે છે; કેટલીકવાર કવિ તત્વજ્ઞાનની પરિભાષા પ્રયોજે છે, તો ઘણીવાર સંતોના અમે સંતસાહિત્યના સંદર્ભોને પણ પોતીકી રીતે ખપમાં લે છે.
પાંચ જંગલ હૈ ઓર આ સચરાચર,
દેખ સબ ઓર હિરન હિરન, જોગી !
***
કેમ ઓળખવા સગુણ-નિર્ગુણ, પ્રિયે !
જીભના પાતાળ લગ છે લૂણ, પ્રિયે !
***
એક પળને પણ ન હું પામી શકું,
ચોરિયાસી લખ લઈ ક્યાં ક્યાં ફરું ?
- જેવ અનેક શે’ર,માં, ભાવની સબળ અભિવ્યક્તિ માત તાત્વિક પરિભાષાનું પ્રવર્તન થતું જોવા મળે છે. એવી જ રીતે કવિ યથાવકાશ સંતકવિઓની વાણીને અને એમના તત્વગર્ભ વિચારને નૂતન અર્થસંદર્ભ સાથે પ્રયોજી જાણે છે. નીચેનાં શે’ર,માં અનુક્રમે દાસી જીવણ, કબીર અને રવિરામના સંદર્ભો કેવા ભાવાનુરૂપ બનીને આવે છે તે જુઓ –
હે દાસી જીવણ ! તો અબીલગુલાલી જુદી હોત,
અનાજ પાણીના આ કેવા ભોગ લાગ્યા રે.
***
ચાદર ઉપર લિખાઈ તું સમજી નહીં શકે,
અવધૂતની અઢાઈ તું સમજી નહીં શકે.
***
કૈં જડી જાય એવી આ પરછાંઈ છે !
લૂણની પૂતળીની શું સચ્ચાઈ છે !
પિંડ અને બ્રહ્માંડ વિશેના ગૂઢ-ગહન દર્શકની માફક લલિત ત્રિવેદીની ગઝલોમાં જીવન અને જગત વિશેનું ચિંતન પણ સુપેરે પ્રગટ થતું રહે છે. કવિની ગઝલો હુશ્નેખયાલ કે વિચારસૌંદર્યથી સભર છે અને કવિના વૈચારિક દ્રષ્ટિકોણને સહજ-સરળ રીતે અભિવ્યક્ત કરે છે. બાહ્ય પ્રપંચોને મુકાબલે ભીતરી સમૃદ્ધિનો મહિમા કરતાં કવિ કહે છે –
એક આખો બાગ અંદરથી ઊઘડવો જોઈએ,
બારણું એકે ના વાખું એટલું પૂરતું નથી.
ભૌતિક અને સાંસારિક સુખ-સગવગમાં રચ્યોપચ્યો પામર મનુષ્ય કશીક ઊંચી આધ્યાત્મિક પ્રાપ્તિથી વંચિત રહી જવા પામે છે. ઉપરછલ્લા એવા પાર્થિવ આનંદને ભોગે પેલી અપાર્થિવ ઉપલબ્ધિથી વેગળાં રહી ગયાનો વસવસો કવિ આ રીતે વ્યક્ત કરે છે –
કેટલું સહેલું હતું નહિતર ગગનને સ્પર્શવું,
પણ સપાટીની મજાઓ ક્યાં મને લઈ ગઈ જુઓ.
તો ક્યારેક વળી માયાવી સૃષ્ટિનું સંમોહન અને માયાવી જાળથી જાળવવા અંગે જીવને થયેલું સૂચન પણ કાવ્યાત્મક રૂપ ધરે છે –
પંડિત ! ચરણ નિવાસની માયાવી જાળ છે,
જોજે, નયન વિલાસની માયાવી જાળ છે.
****
ભક્તો ! કથાના સારમાં કહું છું તે સાંભળો –
જંગલ તો લીલા ઘાસની માયાવી જાળ છે.
કવિ લલિત ત્રિવેદીની ગઝલોનો આધુનિક ચેતના સાથે પણ સ્વાભાવિક નાતો રહ્યો છે, એટલે સાંપ્રત નગરજીવનની વિષમતા, અસંબદ્ધતા કે અર્થશૂન્યતા તેમજ પ્રેમશૂન્ય સંબંધોની કૃતકતા જેવાં આધુનિકતા સાથે જોડાયેલાં સંવેદનો પણ એમની ગઝલોમાં શબ્દસ્થ થતાં રહે છે. આભ ઊંચી ઇમારતોના ખડકલા કરતા અને પ્રકૃતિની સમૃદ્ધિથી દૂર ધકેલાતા નગરની કવિ માર્મિક ઓળખ આપે છે –
આ નગરના ધમપછડા રોજ વધતા જાય છે,
ઇંટનાં ધાડાં ને ધાડાં રોજ વધતા જાય છે.
****
આભની આડા ધુમાડા રોજ વધતા જાય છે,
પ્રાણવાયુ પર કુહાડા રોજ વધતા જાય છે.
નગરનો માણસ જાણે કે માણસ મટીને મશીન બની ગયો અને એણે પોતાની આગવી-અલાયદી વ્યક્તિતા ગુમાવી દીધી. એ પહેલાં જેવો પારદર્શક ન રહ્યો બલકે ઓળખવો અઘરો ને અટપટો બની ગયો. સમયાંતરે એ માણસ સંવેદનશૂન્ય પણ બન્યો. આજના આવા માણસનું ચિત્રાંકન કવિ આ રીતે કરે છે –
ઝાંખા પાંખા અક્ષર જેવો માણસ છે આ.
શિલાલેખના પથ્થર જેવો માણસ છે આ.
****
વરસાદ પડે ને ઘાસ સમું પણ ના ઊગે,
કોઈ સડકના ડામર જેવો માણસ છે આ.
માનવનિયતિની ઍબ્સર્ડિટીનું પણ અહીં આલેખન થતું રહે છે. ખોખલા સંબંધો નિભાવતા અને પોતાની જાતથી પણ જોજનનાં જોજન દૂર થતા જતા આજના યંત્રયુગના માણસની કમનસીબીને અને કરુણતાને કવિ આ શબ્દોમાં ઉઘાડી પાડે છે –
એકલા જણનાં સભર ઉદ્યાન ઘટતાં જાય છે,
પંડ સાથેનાં અનુસંધાન ઘટતાં જાય છે.
****
રંગરસ છે એવા ખીચોખીચ પોતાના અલગ,
સાથે ઊઠવા-બેસવાનાં સ્થાન ઘટતાં જાય છે.
‘વનપ્રયાણ’ – કેટલીક રાવટીઓ – ગુચ્છની કવિની રચનાઓ પણ ધ્યાન આકર્ષે છે. ‘એકાવનમી સાંજ’, ‘વાટ બાવનમી’, ‘...ત્રેપનમી રાત’, ‘...દ્રાક્ષમંડપો’ અને ‘કુટિર-નિવાસ’ શીર્ષકની રચનાઓ એનાં વિશિષ્ટ સંવેદન અને વિલક્ષણ અભિવ્યક્તિને લીધે વિશેષ આસ્વાદ્ય બની રહે છે. વયમાં વૃદ્ધિ થાય કે સ્થળ-કાળ બદલાય પણ જીવની સાથે જોડાયેલી વૃત્તિઓનું ઉન્મૂલન ભાગ્યે જ કરી શકાય એ તથ્ય અહીં માર્મિક રીતે ઉદ્દઘાટિત થાય છે. ભાવ-સંવેદનની સાથે જ, એને અનુરૂપ ભાષાના પોતથી થયેલી માવજત અહીં આસ્વાદ અને આકર્ષણનું કેન્દ્ર બને છે.
લલિત ત્રિવેદીની ગઝલોનું સમૃદ્ધ સંવેદન સ્પર્શે છે. તેમ એની વિશિષ્ટ અભિવ્યક્તિ પણ એટલી જ આકર્ષક નીવડે છે. ગઝલની સ્વરૂપગત લાક્ષણિકતાઓનું જતન કરતાં કરતાં કવિ કેટલાંક નવોન્મેષો પ્રગટાવે છે. કવિ ગઝલની કેટલીક પ્રચલિત તો કેટલીક અલ્પ પ્રચલિત બહરને પ્રયોજે છે અને ગઝલની શાસ્ત્રીય શિસ્તને નિભાવી જાણે છે. એમાંથી કવિના છંદોવિધાન પરત્વેના વૈવિધ્ય અને સામર્થ્યનો સહજ પરિચય મળે છે. એ સાથે જ ઘણીવાર કવિ લોકગીત, ભજન કે મધ્યકાલીન પદના લય-ઢાળમાં ગઝલ કહેવાનો પડકાર પણ ઝીલે છે. ગઝલનું નવું જ પરિમાણ પ્રગટાવતી આવી કેટલીક ગઝલોનાં દ્રષ્ટાંતો જુઓ –
ઘાટ ઘાટ મનને મલીર, મારા વાલમા,
ઠામ ઠરી બેઠાં નહિ થીર, મારા વાલમા.
****
લોલુપ લોચનને તલસાટ મુરલિયા બાજે રે,
સૂના ગોઠણિયાને ઘાટ મુરલિયા બાજે રે.
****
અમે પોતે અમારે અગરાજ રે શામળા ગિરધારી,
ઠેઠ પંડથી આવી ગયા વાજ રે શામળા ગિરધારી.
****
ક્યાં રે શમાવું નદિયું મેઘલી રે વણઝારા, ઓ વણઝારા,
ભાલ કાઢું ભીતરમાં કેટલી રે વણઝારા, ઓ વણઝારા.
****
પિંડ પદારથ ફેર ન દેખે ખેલ ખરાઈ જાણે રે,
પ્રાણ ન પલળે અમિયલ અધરે લેહ લગાઈ જાણે રે.
****
ઉજળા દીવડા ને ઉજળા અસબાબ અટલ લૂણપાણી રે,
રૂંવે રખરખતી સણકાળી રાત મને મતિ શાણી રે.
****
તરણે તરણે તૃષિતા થાય... વન વન ભટકે વનિતા થાય,
હે ગુરુ ગણપતિ ! લાગું પાય... કરો કૃપા તો કવિતા થાય.
કવિની આવી રચનાઓ આમ, અભિવ્યક્તિ પરત્વે લોકગીત-લોકઢાળ કે મધ્યકાલીન પદ-પરંપરા સાથેનું અનુસંધાન જાળવે છે અને ગીતના સંસ્કારો જગાડે છે. સાથે જ, કવિ એનું કાવ્યાત્મક નિર્વહણ કરે છે અને નૂતન અર્થસંદર્ભો પણ પ્રગટાવે છે. આ રચનાઓમાં થતો પરંપરાનો કાવ્યોપકારક નિભાવ અને એમાં થતું નિજી ઉમેરણ કવિની સર્જકતાની સાહેદી પૂરે છે.
કવિ લલિત ત્રિવેદી અભિવ્યક્તિના વિશિષ્ટ ઉપકરણ લેખે પુરાકલ્પનોનો લાક્ષણિક વિનિયોગ પણ કરે છે. કોઈ વિચારવિશેષની બળવત્તર અભિવ્યક્તિ માટે કવિ ક્યારેક પૌરાણિક પાત્રો કે પ્રસંગોનો તંતુ પકડે છે અને નૂતન અર્થચ્છાયા પ્રગટાવે છે. જેમ કે –
હવે સમજણની આ શૈયા બિછાવી,
પિતામહ જેમ અમને પણ સૂવા દો.
***
હે તથાગત ! ઘર નહીં પીડા તજી દીધા પછી,
અસ્થિનાં ધુમ્મસ પરમ એકાંત થાતાં જાય છે.
***
આપ પથ્થરને અડો ને જીવતી વ્યક્તિ મળે,
રામજી ! હું બોર ચાખું એટલું પૂરતું નથી.
જોઈ શકાય છે અહીં કવિ નૂતન અર્થઘટન સાથે ભીષ્મ પિતામહ, ભગવાન બુદ્ધ અને શલ્યાનું અહલ્યામાં રૂપાંતર કરતા રામની મિથ પ્રયોજે છે અને વિશિષ્ટ ભાવબોધ કરાવે છે.
ઇન્દ્રિયસંવેદ્ય કલ્પનો, ભાવાનુરૂપ ભાષાનું પોત તેમજ બોલચાલની લઢણના રદીફ પણ લલિત ત્રિવેદીની ગઝલોની નિરાળી વ્યક્તિતા ઉપસાવે છે. ક્યારેક કવિ કલ્પનોની સહાયથી અમૂર્ત ભાવ-સંવેદનનું મૂર્ત પ્રત્યક્ષીકારણ કરાવે છે. અને અભિવ્યક્તિનું સૌંદર્ય પ્રગટાવે છે, ભાવસામગ્રીને ઉપકારક એવા તત્સમ અને તળપદા શબ્દો કે પછી હિન્દી વ્રજભાષાની પદાવલિ યોજે છે અને અભિવ્યક્તિની ધાર કાઢે છે; તો વળી ‘વાત કરવી છે’, ‘લઈ ક્યાં ક્યાં ફરું’, ‘ક્યાં છે તું પારખા કરી જો’, ‘તું સમજી નહીં શકે’, ‘ભગવાનને ખબર છે’, ‘ઈશ્વર ભાળું કરે’, ‘ભગવાન જાણે છે બધું’, ‘ખમો હમણાં’, ‘આ દેખાય છે તેવી નથી’, ‘જેવી હતી તેવી જ છે’, ‘રાબેતા મુજબ’, ‘એટલું પૂરતું નથી’, ‘ક્યાં મને લઈ ગઈ જુઓ’, ‘જગ્યા નથી હવે’, ‘થાય તે જોયા કરો’ વગેરે જેવા વાતચીતનો લય-લહેકો સિદ્ધ કરતા શબ્દોને રદીફ તરીકે પસંદ કરે છે.
વ્યવસાયે તબીબ લલિત ત્રિવેદી, શબ્દની ચિકિત્સા પણ સુપેરે કરી જાણે છે. શબ્દનું માહાત્મય સમજતા આ કવિ ગઝલની સાથે નિસ્બતપૂર્વક કામ પાડે છે. આ’પ્રતીતિનો પ્રતાપી રાજવી’ ગઝલ સર્જનને શબ્દમત કે ડાબા હાથનો ખેલ સમજવાને બદલે ગંભીર પ્રવૃત્તિ તરીકે સ્વીકારે છે. સાચી ગઝલ એટલે કેવળ રદીફ કાફિયાની ગોઠવણી કે છંદ-બહરની જાળવણી જ નહિ પરંતુ કવિના આંતર વ્યક્તિત્વથી સોહાતી સમૃદ્ધ રચના એવી એમની સ્પષ્ટ સમજ છે. તેથી જ તો કવિ, ગઝલ અંતગર્ત જાતનું અને ખુદની રળિયાતનું ઉમેરણ કરવાની હિમાયત કરે છે –
છે ગઝલ આ, જાત પણ એમાં ઉમેર,
આપણી રળિયાત પણ એમાં ઉમેર.
આવી સમજણ સાથે અને ચોક્કસ સંકલ્પ સાથે લલિત ત્રિવેદી ગઝલનું સર્જન કરે છે.
અમારા તન ઉપર કપડાં અમે છીએ, સાહિબ !
ગઝલનાં ભેષમાં બંદાની વાત કરવી છે.
એવું શ્રદ્ધાના સૂર સાથે કહેતા આ કવિ ‘ગઝલના ભેષમાં બંદાની વાત’ કરવા માટે સંકલ્પબદ્ધ છે અને કવિની સર્જનયાત્રા દરમિયાન એમનો સંકલ્પ સાકાર થયેલો પણ જોઈ શકાય છે. ‘અંદર બહાર એકાકાર’ એવી રચનાઓમાં ગઝલનો ગુલાલ અને ભજનનો ગેરુ એકાકાર થયા છે. આખરે તો રચનાઓ થકી સહૃદયને ગઝલનું રૂપ અને ભજનનો રંગ એક સાથે માણવા મળે છે. ગઝલ-ભજન આવા સાયુજ્યનું સ્વાગત હો.
જન્માષ્ટમી, સવંત ૨૦૬૩
-નીતિન વડગામા

0 comments
Leave comment