28 - સંભળાય છે મંજીરાં / લલિત ત્રિવેદી


દ્વાર ઓળંગીને જાઉં છું દ્વારમાં
એક ઘર હોય છે મારું હરદ્વારમાં

એને આકાર શું કે નિરાકાર શું –
ઓગળી જાય છે જે તદાકારમાં

જેનું મસ્તક અડેલું હો બ્રહ્માંડમાં
એના પગ ક્યાંથી રહેવાના સંસારમાં ?

ક્યાંક ઊંડેથી સંભળાય છે મંજીરાં
ક્યા જનમનાં છે ભજનો આ અવતારમાં ?

ચૌદ મંડળ તરે કે કમંડળ ધરે
શું ફકીરને ફરક પાર – ઉસપારમાં...


0 comments


Leave comment