21 - ઈશ્વર ભલું કરે / લલિત ત્રિવેદી


બે ત્રણ શબદના પ્યારનું ઈશ્વર ભલું કરે
જોગી ! અલખ અપારનું ઈશ્વર ભલું કરે

આંખો નહીં ખૂલે ને ઇશારા નહીં રહે
કે તેજ તાગનારનું ઈશ્વર ભલું કરે

બે શ્વાસ વચ્ચે શ્વેત ધજા ફરફર્યા કરે
સાક્ષાત્ ના થનારનું ઈશ્વર ભલું કરે

એ મેઘધનુષ્યોના રંગ સાત તો આથી
આકાશ આપનારનું ઈશ્વર ભલું કરે

એક સાંજ આવી અમને સહનશીલ કરી ગઈ
રૂંવાને ઓઢનારનું ઈશ્વર ભલું કરે

બે પાંચ શખ્સ જીભના તળીઆ તરફ ગયા
પાછા ન આવનારનું ઈશ્વર ભલું કરે

લેખણમાં ધૂળ બાઝી છે અંદર બહારની
કાગળમાં પ્રગટનારનું ઈશ્વર ભલું કરે

વર્ષ - ૧૯૯૪


0 comments


Leave comment