11 - સફેદ લુગડામાં / લલિત ત્રિવેદી


જુઓ છે પંડના ડાઘા સફેદ લુગડામાં
છે મૂળમાટીના ધાગા સફેદ લુગડામાં

અષાઢ સોંસરા થઈએ પસાર કોરાકટ
અમે નિભાવી છે કાયા સફેદ લુગડામાં

પડે છે રાત ને કોનો સફેદ પડછાયો
પ્રવેશી જાય છે મારા સફેદ લુગડામાં

પવનની આવ-જા સાથે અમે વણાયેલા
અમે કપૂરના ફાયા સફેદ લુગડામાં

વિવશતા કેટલી રાતો સુધી લઈ જાશે ?
છે વેશ કેટલા ઓછા સફેદ લુગડામાં ?

તમામ મેઘધનુષ વક્ષમાં નિતારીને
ખૂણામાં બેઠી છે છાયા સફેદ લુગડામાં

અટકતી પ્રક્રિયાઓ સોયની અણી પાસે
પરોવી ના શક્યા દીવા સફેદ લુગડામાં

૨૬-૬-૨૦૦૦


0 comments


Leave comment