16 - ન જોગ લાગ્યા રે / લલિત ત્રિવેદી


અમે તો એવા કે અમને ન જોગ લાગ્યા રે
ન મીરાંબાઈ દીઠા કે ન રોગ લાગ્યા રે

જિવાઈ જોગવી તો એવા જોગ લાગ્યા રે
ન ક્યાંય ભૂલા પડ્યા કે વિયોગ લાગ્યા રે

જણસથી જાત તરફ તો કણસથી કાશી લગી
પવનથી પિંડ લગી સરખા લોગ લાગ્યા રે

જરાક ચીસ ઊઠી ને તરત રૂઝાઈ ગઈ
કટાર રણકી નહીં કે ન સોગ લાગ્યા રે

ને એક રાત ભજન જેવી રઢ ચડેલી મને
પછી સવાર પડી ને સુયોગ લાગ્યા રે

હે દાસી જીવણ ! તો અબીલગુલાલી જુદી હોત
અનાજપાણીના આ કેવા ભોગ લાગ્યા રે

૧૦-૧૨-૨૦૦૦


0 comments


Leave comment