13 - ક્યાં અલગ છે ? / લલિત ત્રિવેદી


તજવું કહો કે ભજવું, પળવાર ક્યાં અલગ છે ?
આરત કે આરતીનાં ઘરબાર ક્યાં અલગ છે ?

કીધું પલીતો ચાંપી, અંગાર ક્યાં અલગ છે ?
જે તરબતર છે અને દીદાર ક્યાં અલગ છે ?

હોશોહવાસ ક્યાં છે તું પારખાં કરી જો
અણસાર ક્યાં અલગ છે? ઇતબાર ક્યાં અલગ છે ?

લાવણ્ય ભિન્ન ક્યાં છે ઉપવન, પવન કે તનનું ?
સૂનકાર ઓગળે તો ટહુકાર ક્યાં અલગ છે ?

શૃંગાર પણ શમે છે સ્વીકારના શિખર પર
સામીપ્યના શિખર પર અભિસાર ક્યાં અલગ છે?

ખુશ્બૂ છીએ પવનમાં, ગુમ થૈ જવું પવનમાં
શું ઠામ રાખી ઠરીએ, અવતાર ક્યાં અલગ છે ?

એંધાણ રાખી બેઠા છે ઘરની ઓસરીએ
જુગતી જડે છે એને આ પાર ક્યાં અલગ છે ?

૧૬-૧૨-૨૦૦૧


0 comments


Leave comment