73 - રાત તાંડવ પ્રચંડ / લલિત ત્રિવેદી


દૂર ડમરુ કરાળ વાગે છે
રાત તાંડવ પ્રચંડ જાગે છે

કોઈ ભોરીંગ ફેણ-શી રાત્રિ
એક ફુત્કાર ધાગે ધાગે છે

ચીસ કોઈ દબાઈ ગઈ કે શું?
દૂર ઘૂવડ કશુંક તાગે છે

જોર ધસમસ સતત હવાઓનું
ઝાડ થથરે, દિશાઓ ભાગે છે

કોણ ઊભું મસાણ –શા રસ્તે ?
કોણ ખપ્પરમાં લોહી માગે છે ?

જીભ લપકે છે કાળ જંગલની
આંખ કોઈની લાલ તાકે છે

આભ સોંસરવો ચીપિયો ખોડી
કોણ ધૂણી ધખાવી જાગે છે ?

૧૩-૯-૧૯૯૭


0 comments


Leave comment