53 - રાતાં પાણી રે / લલિત ત્રિવેદી


ઊજળા દીવડા ને ઊજળા અસબાબ અતલ લૂણપાણી રે
રૂંવે રખરખતી સણકાતી રાત અને મતિ શાણી રે

કાચા સૂતરનો દોરો અપાર અમારી કહાણી રે
છાંટ્યા કંકુ ને અબીલગુલાલ રહીએ તાણી તાણી રે

મારે અધર એવા રસદાર રંગીલા છલકે રે
ઝાલે પાનગુલાબ કિનખાબ મલીર ગોળધાણી રે

નથી લોચન મારે નિરાંત ઉરધ કેમ ભાળું રે
ખીજવે જંગલની ઉત્કટ સુવાસ ધખે રાતાં પાણી રે

મેલી માટી ને મેલી મિરાત મેલાં મન રઈ જાશે
મેલી મેલી ઊડી મશે રાખ થશું ધૂળધાણી રે

સપ્ટેમ્બર ૨૦૦૧


0 comments


Leave comment