5 - મીરાંની વાત / લલિત ત્રિવેદી


સપાટી છોડ, તો તરવાની વાત કરવી છે
ન કોઈ દરિયાની, મીરાંની વાત કરવી છે

પ્રગટ.. પ્રગટ.. થતાં સૈંયાની વાત કરવી છે
આ લાલકેસરી નેણાંની વાત કરવી છે

કમાડ ખોલ, ધખારાની વાત કરવી છે
આ પ્રીતને ક્યાં ઢિંઢોરાની વાત કરવી છે

ને એટલે ક્યાં કટોરાની વાત કરવી છે
આ મારું ઘર છે, ને દીવાની વાત કરવી છે

- તો ઝાંખી થાતી આ કાયાની વાત કરવી છે
લીરેલીરાની મલીરાની વાત કરવી છે

ધજાની વાત છે, મંદિરની વાત ક્યાં છે હજી?
ઝળાંહળાં થતાં રૂંવાંની વાત કરવી છે

છે સાવ ધાગા સમી કાચી આજ રાત, પ્રિયે !
તું સાથ આપ, મંજીરાંની વાત કરવી છે

અમારા તન ઉપર કપડાં અમે છીએ, સાહિબ !
ગઝલના ભેષમાં બંદાની વાત કરવી છે

પવનની વાત મારે કરવી છે અલગ રીતે
તરસનું મૌન છું, ફાયાની વાત કરવી છે

વિજોગ, જોગ અને ભોગ, રોગ શું છે હવે?
આ મૂળ, માટી ને માયાની વાત કરવી છે

ત્વચા ઉતરડીને, છાતી ચીરીને આવ્યો છું
હવે બતાવ, ક્યા પરદાની વાત કરવી છે?

૩૦-૦૪-૨૦૦૦


0 comments


Leave comment